મને સમજાતું નથી કે
તારામાં એવો તે શું જાદુ છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘર કહો જંગલ કહો કે રણ કહો, કહેવા જેવું કંઈ નથી કંઈ પણ કહો,
એ નથી તો ભ્રમને શું શણગારવો, આ સમયને યુગ કહો કે ક્ષણ કહો.
-જવાહર બક્ષી
જિંદગીનો આધાર એના પર રહે છે કે, આપણી જિંદગીમાં કોણ છે? કેવા લોકો સાથે આપણે જીવીએ છીએ? કોણ આપણો માર્ગદર્શક છે? કોને આપણી પરવા છે? પરિવારની પસંદગી આપણા હાથમાં હોતી નથી. આપણો જન્મ અમુક જ ફેમિલીમાં કેમ થયો એનો કોઇ જવાબ નથી હોતો. એવો સવાલ કરવો પણ યોગ્ય નથી. જન્મ ગમે એ પરિવારમાં થયો હોય, માણસ પોતાની જિંદગી પોતાની રીતે સર્જી શકે છે. એક યુવાન સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે, મારાં નસીબ જ ખરાબ છે. મારો જન્મ સાવ સાદા અને ગરીબ પરિવારમાં થયો છે. મારું કોઇ ભવિષ્ય જ નથી. કુદરતે મારી સાથે આવું કેમ કર્યું? સાધુએ સામો સવાલ કર્યો, તને ખબર છે મારું ફેમિલી કેવું છે? મારો જન્મ ક્યાં થયો છે? દુનિયા જન્મ વિશે જાતજાતનાં લૉજિક આપતી હોય છે, સાચી વાત એ છે કે, દરેક માણસે પોતાની જિંદગી અને પોતાની દુનિયાનું સર્જન પોતે જ કરવાનું હોય છે. દુનિયામાં એવા અસંખ્ય કિસ્સા છે કે, સાવ સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિએ આખી દુનિયામાં માત્ર પોતાનું જ નહીં, આખા પરિવારનું નામ રોશન કર્યું હોય. આપણે કઈ વાતે, કયા મુદ્દે વાત કરીએ છીએ એ પણ આપણી કક્ષા નક્કી કરે છે. પરિવારને દોષ દેવો કોઈ સંજોગોમાં વાજબી હોતો નથી. જે માણસ પોતાની નિષ્ફળતા કે હતાશાનો દોષ બીજા માથે ઢોળે છે એની પ્રકૃતિ ભાગેડું હોય છે. ઘણા લોકો દોષનો ટોપલો ઢોળવા માટે કોઇનું માથું જ શોધતા હોય છે.
આપણી જિંદગી દરમિયાન આપણી લાઇફમાં કેટલા બધા લોકો આવતા હોય છે. કેટલાંક આવીને જતા રહે છે, કેટલાંક લાંબો સમય રહે છે. જે લોકો આપણી નજીક હશે એની અસર આપણા પર આવવાની જ છે. સાથે કામ કરતા હોય એ જેવું વિચારે છે, એ જેવું કરે છે, એની અસર પણ આપણા પર થતી જ હોય છે. કોની કેટલી અસર થવા દેવી એ આપણે નક્કી કરવાનું હોય છે. એક ઓફિસની આ સાવ સાચી વાત છે. એક નવો યુવાન જોબ પર આવ્યો. એ ખૂબ જ મહેનતુ હતો. કામના સમયે કામ કરવામાં જ માનતો હતો. કોઇ ખોટી વાતો કે માથાકૂટમાં પડતો નહીં. તેની સાથે કામ કરનારા લોકો તેને એવું કહેતા કે, ખોટી મજૂરી કરવાનું રહેવા દે. પગાર તો જેટલો મળવાનો છે એટલો જ મળશે. અમારી સાથે બેસ અને થોડીક મોજમજા કર. એ યુવાન કોઇની વાત ગણકારતો નહીં. આ ઓફિસમાં એક મોટી ઉંમરની વ્યક્તિ પણ કામ કરતી હતી. એક વખતે તેણે મહેનતુ યુવાનને પૂછ્યું, તારી સાથેના બધા લોકો કામચોર છે. તને પણ કામ કરતા રોકે છે, તો પણ તારામાં કેમ કંઈ ફેર પડતો નથી? એ યુવાને કહ્યું કે, આખી ઘટનાને હું થોડીક જુદી રીતે જોઉં છું. મને એવો વિચાર આવે છે કે, મારા વર્તનથી એ લોકોમાં કેમ કંઈ ફર્ક પડતો નથી. મને જોઇને એ બધાને કેમ એમ થતું નથી કે, અમારે પણ કામ કરવું જોઇએ! એ બધાને જોઇને જ મને થયું કે, મારા કામથી, મારા વર્તનથી એ લોકોને કંઇ ફેર પડતો ન હોય તો મને શા માટે એમનાથી ફેર પડવો જોઇએ? એ મને નથી સમજતા તો મારે એનું શા માટે માનવું જોઇએ? તમને બગાડવાવાળા, તમને લલચાવવાવાળા અને તમને ફસાવવાવાળા બધે જ મળવાના છે. કોની વાતમાં આવવું અને કોનાથી દૂર રહેવું એ તો આપણે જ નક્કી કરવું પડતું હોય છે. તમે તમારી નજીકના લોકોને હડસેલી શકતા નથી પણ તમે ઇચ્છો તો તેનાથી કિનારો કરી શકો છો.
આપણી જિંદગીમાં કેટલીક ઘટનાઓ ચમત્કાર જેવી પણ બને છે. કોઇ અચાનક જ આપણી જિંદગીમાં આવે છે અને આપણા જિંદગી બદલાઇ જાય છે. એ દોસ્ત હોય, હમસફર હોય, પ્રેમી હોય, જીવનસાથી હોય કે બીજું કોઇ પણ હોય. એક યુવાનની આ વાત છે. એ કૉલેજમાં હતો. તેની સાથે એક છોકરી ભણતી હતી. બંને વચ્ચે દોસ્તી થઇ. એ છોકરી પોતાના દોસ્તને કંઇક ને કંઇક શીખવાડતી રહેતી. એ આવી પછી છોકરામાં બહુ મોટું પરિવર્તન દેખાવા લાગ્યું. એ વધુ સીન્સિયર થઇ ગયો. એક વખત તેણે પોતાની ફ્રેન્ડને કહ્યું, તું મને વહેલી કેમ ન મળી? તું બચપણથી સાથે હોત તો મારી જિંદગી કદાચ જુદી હોત. છોકરીએ કહ્યું, શું હોત એ નહીં વિચાર, શું છે એનો વિચાર કર. શું કરી શક્યો હોત એનો વિચાર યોગ્ય નથી, શું કરી શકે એમ છે એના વિશે વિચાર કર. આપણે બધા ઘણી વખત ભૂતકાળમાંથી બહાર આવતા નથી, એના કારણે ભવિષ્યને જોઈ શકતા નથી. તેના મિત્રએ કહ્યું, આ જ તો તારામાં ખૂબી છે, તું સાવ જુદી રીતે જ વિચારે છે. તમારી સાથે જે લોકો છે એ કેવી રીતે વિચારે છે એનો વિચાર તમે ક્યારેય કર્યો છે? દરેક વ્યક્તિ સારું વિચારે એવું જરૂરી નથી. ખોટું કે ખરાબ વિચારનારા વધુ છે. જિંદગીમાં દરેક તબક્કે માણસની પસંદગી કરવાની આવે છે। એમાં જો થાપ ખાઈ જઇએ તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવતો હોય છે. કેટલાંક લોકોના સંપર્કમાં આવ્યા પછી આપણને એવો અણસાર આવી જાય છે કે, આ માણસ જોખમી છે, એનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે!
જીવનસાથી વિશે એવું કહેવાતું રહ્યું છે કે, જોડીઓ ઉપરથી બનીને આવે છે. દરેક માટે કોઇનું સર્જન થયું હોય છે. દાંપત્ય સાથે સુખને સીધો સંબંધ છે. જેની મેરેજ લાઇફ સુખી હશે એની દુનિયા અલગ જ હશે. એક કપલની આ વાત છે. બંનેના એરેન્જ મેરેજ હતા. પત્ની ખૂબ હોશિયાર હતી. પતિ બેફિકર હતો. પરિવારમાં પણ તેની ઇમેજ ઠીકઠાક હતી. પત્નીએ ઘરની અને પરિવારની તમામ જવાબદારીઓ સ્વીકારી. એના કારણે પતિમાં પણ પરિવર્તન આવ્યું. પતિ-પત્નીની ઇમેજ જ પરિવારમાં બદલાઇ ગઇ. એક વખત પતિએ કહ્યું, તું આવી પછી આખી લાઇફ જાણે બેલેન્સ થઇ ગઇ છે. મને તો એ જ સમજાતું નથી કે, તારામાં એવો તે શું જાદું છે કે, બધાનું ધ્યાન રાખી શકે છે અને બધું જ મેનેજ કરી શકે છે. પત્નીએ કહ્યું કે, દાંપત્યમાં કશું જ એક હાથે શક્ય નથી. બંને જણાં સાથે હોય તો જ સારી રીતે જીવી શકાય છે. તેં મને મારે જે કરવું હતું એ કરવા દીધું. તું જરાયે ખરાબ નથી, તારી પ્રકૃતિ થોડીક જુદી છે. તારા જે પ્લસ પોઇન્ટ્સ છે એ પણ કંઈ ઓછા નથી. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે પ્લસ પોઇન્ટ્સ જોતા જ નથી અને માઇનસ પોઇન્ટને મોટા કરીને જોઇએ છીએ. પત્નીએ કહ્યું કે, નાની હતી ત્યારે પપ્પાએ મને એક દૂરબીન લઇ આપ્યું હતું. દૂરબીનથી દૂરનું હોય એ નજીક દેખાતું હતું. ઊંધેથી જોઇએ તો જે નજીક હોય એ પણ ખૂબ દૂર દેખાય. મારા પિતાએ મને કહ્યું હતું કે, જિંદગીમાં પણ આ દૂરબીન પાસેથી ઘણું શીખવા જેવું છે. સારું હોય એ નજીકથી જોવાનું અને બૂરું હોય એ દૂરથી જોવાનું. આપણે ઊંધું કરીએ છીએ એટલે જ હેરાન થતા હોઇએ છીએ. આપણે એક વાત પણ હંમેશાં યાદ રાખવી જોઇએ કે, આપણને કોઇ સારું મળ્યું છે તો એની સાથે આપણે પણ સારા રહીએ. કોઇ આપણને પ્રેમ કરતું હોય, કોઇને આપણી ચિંતા હોય, કોઇને આપણા પર લાગણી હોય, એનું દિલ દુભાવવા જેવું ખરાબ કામ બીજું કોઈ નથી. તમને જો સારા લોકો મળ્યા હોય તો તમે નસીબદાર છો. બીજા માટે તમે કેવા છો એ વિશે પણ થોડો વિચાર કરતા રહેવું જોઇએ. કોઇ આપણા માટે જીવતું હોય તો આપણું દિલ પણ તેના માટે ધબકતું રહેવું જોઇએ.
છેલ્લો સીન :
બધાને જિંદગીમા સારા લોકો મળતા નથી. આપણને સારા લોકો મળે ત્યારે આપણી પણ એ ફરજ બની રહે છે કે, આપણે પણ તેની સાથે તેના જેવા જ રહીએ. જો આપણે તેના જેવા ન રહીએ તો એને આપણા જેવા બનતા વાર નથી લાગતી!
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 01 ઓક્ટોબર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com