મારું એકાંત મને
બહુ જ વહાલું છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ફરે છે સૂર્યના અહીં બાતમીદારો, ને તમને એમ લાગે આગિયા આવ્યા,
કદી ઈશ્વર કશું માપીને આપે નહીં, આ તો માણસના લીધે માપિયાં આવ્યાં.
-નિનાદ અધ્યારુ
એકાંત એટલે પોતાની જાત સાથેનું એકત્વ, પોતાની સાથે જ જાત્રા, પોતાના અસ્તિત્વનો અહેસાસ અને પોતાના વજૂદની ઓળખ. પોતાનો જ હાથ પકડીને પોતાની જ અંતરયાત્રામાં નીકળી પડવાની મજા અલૌકિક છે. આપણે મૌન હોઇએ છીએ પણ એક સંવાદ આપણી સાથે ચાલતો હોય છે. આપણે એકલા હોઇએ છીએ પણ આપણી આખી દુનિયા આપણી સાથે હોય છે. શાંતિ હોય છે પણ સૂનકાર હોતો નથી. તમે ક્યારેય પોતાની અનુભૂતિ કરી છે. પોતાના વિશે વિચારો કર્યા છે? ઈશ્વરે સરસ મજાની જિંદગી આપી છે એ બદલ ઈશ્વરનો આભાર માન્યો છે? માણસ પોતાની જિંદગીનો મોટો ભાગ ફરિયાદો અને અફસોસ કરવામાં વિતાવે છે. ઘણાને તો આખી દુનિયા સામે પ્રોબ્લેમ હોય છે. જિંદગીના પ્રોબ્લેમ વિશે પૂછો તો એ તમને લાંબું લિસ્ટ કહી આપશે. વાતેવાતે એને વાંધા પડતા હોય છે. આખી દુનિયાનો ભાર લઇને ફરતા હોય એવા લોકો ક્યારેય સુખી થતા નથી. શાંતિથી થોડોક વિચાર કરીએ તો ખબર પડે કે, આપણે સુખેથી રહી શકીએ એટલું તો આપણી પાસે હોય જ છે. આપણે જે હોય છે એ માણી શકતા નથી અને જે નથી એની પાછળ દોડતા રહીએ છીએ. કામ કરવું પડે છે, જવાબદારીઓ નિભાવવી પડે છે, સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે, જિંદગીના પડકારોને પણ ઝીલવા પડે છે, એ બધાની સાથે જિંદગી મજાથી જીવવાની છે.
એક યુવાન હતો. તે એક સંત પાસે ગયો. સંતને તેણે સવાલ કર્યો, શાંતિ અને સુખની અનુભૂતિ કરવા માટે શું કરવું જોઇએ? સંતે જવાબ આપ્યો કે, શાંતિ અને સુખ તો છે જ. એની તો ગેરહાજરી જ નથી. તમે જે દુ:ખ, પીડા અને વેદનાને પકડી રાખ્યાં છે એનાથી મુક્ત થઇ જાવ એટલે સુખ અને શાંતિ આપોઆપ ફીલ થશે. યુવાને બીજો સવાલ કર્યો, એ કેવી રીતે થઈ શકે? સંતે જવાબ આપ્યો, પોતાને ઓળખીને. પોતાને ઓળખવું આમ તો સાવ સહેલું છે પણ આપણને એની રીત નથી આવડતી એટલે બહુ અઘરું લાગે છે. તમે તમારા વિચારોને સમજો છો? તમે કેટલા સારા વિચારો કરો છો? વિચારો જ જો સારા નહીં હોય તો શાંતિ ક્યાંથી મળવાની છે? તમે જેને આમંત્રણ આપશો એ તમારી સાથે જોડાશે. સારું હશે તો સારું અને બૂરું હશે તો બૂરું. સાવ સીધી, સાદી અને સરળ વાત છે. કશું કોમ્પ્લિકેટેડ છે જ નહીં. આપણે જ ગૂંચવી દઇએ છીએ અને પછી ફરિયાદો કરીએ છીએ કે, ગૂંચળું ઉકેલાતું નથી. મનમાં એક પછી એક ગાંઠો બાંધતા જ જઇએ છીએ અને ગઠ્ઠો થઇ જાય ત્યાં સુધી ગાંઠને છોડતા નથી. માણસે મુક્ત થવું પડતું હોય છે. આપણને આપણી સમસ્યાઓમાંથી કોઇ મુક્તિ અપાવી શકતું નથી. આપણે જ આપણને પકડી અને જકડી રાખ્યા હોય તો પછી મુક્તિનો અહેસાસ ક્યાંથી થવાનો છે. જિંદગીની કદર કરતા તો જ આવડે જો આપણે આપણી જાતને જાણી અને માણી શકીએ. જિંદગી કેમ જીવવી એ શીખવા માટે જિંદગી કેમ ન જીવવી એ સમજવું વધુ જરૂરી બને છે. આપણે બધા જિંદગીને જીવી જાણવાની વાતો કરીએ છીએ, સોશિયલ મીડિયા પર અને પોતાના સ્ટેટસમાં સારી સારી વાતો લખીએ છીએ પણ વાસ્તવમાં જિંદગીને કેટલી એન્જોય કરતા હોઈએ છીએ?
તમે શાંતિથી એટલો વિચાર કરજો કે, છેલ્લે તમે તમારી સાથે ક્યારે રહ્યા હતા? બધી જ વાતો અને ઘટનાઓથી દૂર થઇને, ભૂતકાળમાં બનેલા બનાવોથી છુટકારો મેળવીને અને ભવિષ્યની ચિંતાઓના બોજને ખંખેરીને તમે છેલ્લે ક્યારે તમારી સાથેની ક્ષણો માણી હતી? તમને છેલ્લે ક્યારે હળવાશ ફીલ થઇ હતી? છેલ્લે ક્યારે એવો વિચાર આવ્યો હતો કે, બધું કેટલું સરસ છે? તમે ક્યારેય પોતાની જાતને નસીબદાર સમજી છે ખરી? કેટલાંક લોકો તો પોતાની જાતને જ સૌથી વધુ કોસતા હોય છે. કોઇ પ્રોબ્લેમ ન હોય તો બેઠો કરે છે. ઘણાને દુ:ખી રહેવામાં જ મજા આવતી હોય છે. કોઇ એની દયા ખાય, કોઇ એને બિચારા ગણે, કોઇ એને સાંત્વના આપે એવી જ ઇચ્છાઓ તેની હોય છે.
દરેક માણસને પોતાનું ગૌરવ હોવું જોઇએ. તમારા ગૌરવ માટે તમે કેટલા સજાગ છો? માન, સન્માન અને ગૌરવ માટે કોઈ હોદ્દા, સત્તા કે સંપત્તિની જરૂર નથી. કેટલાંક લોકો પોતાની ક્ષમતાને જ ઓછી ગણે છે. આપણી પાસે ક્યાં કંઇ છે? આપણું ક્યાં કંઇ ઉપજે છે? પોતાની આર્થિક સ્થિતિનાં રોદણાં પણ ઘણા લોકો રડતા હોય છે. પોતાના ગ્રેસ માટે સ્વાભિમાનથી વિશેષ કંઈ નથી. એક ફેરિયાની આ વાત છે. એ જાહેર સ્થળોએ જાતજાતની ચીજવસ્તુઓ વહેંચતો રહે. એક વખત એક ભાઇએ તેને સવાલ કર્યો, તને આ બધું ગમે છે? એ યુવાને કહ્યું કે, ન ગમવાનું કોઇ કારણ જ નથી. હું મહેનત કરું છું. મારી ચીજવસ્તુઓ વેચવા લોકોને કન્વિન્સ કરું છું. જે મળે એમાંથી મારી લાઇફ સરસ રીતે જીવું છું. મારા પૂરતું કમાઇ લઉં છું. કોઇની પાસે હાથ લંબાવતો નથી. એનાથી વિશેષ બીજું જોઇએ શું? હું તો ભગવાનનો આભાર માનું છું કે, મને પરસેવાનો રોટલો કમાવાની તાકાત આપી છે.
જિંદગીમાં સુખી થવું હોય તો સૌથી પહેલી શરત એ છે કે, તમારી જાતની કોઇની સાથે સરખામણી ન કરો. એકલા પડો ત્યારે શાંતિથી તમારી જાતને પૂછો કે, મારી પાસે જે છે એનાથી મને સંતોષ છે? વધુ મહેનત કરીને લાઇફને બેટર બનાવવા માટે પ્રયાસો કરો પણ સૌથી પહેલાં જે છે એને એન્જોય કરો. ખુશ હશો તો જે કરવાનું છે એ વધુ સારી રીતે કરી શકશો. તમારી જાતને ટપારતા રહો કે, તારે ખોટા વિચારો કરીને દુ:ખી થવાનું નથી. એક છોકરીની આ વાત છે. એને ઘણા ફેમિલી ઇશ્યૂઝ હતા. એ છોકરી તો પણ મજામાં રહેતી હતી. એક વખત તેની ફ્રેન્ડે પૂછ્યું, તું આ બધું કેવી રીતે મેનેજ કરી શકે છે? એ છોકરીએ કહ્યું કે, સમય મળે ત્યારે હું મારું એકાંત માણું છું અને મને જે સવાલો થાય છે એના જવાબો મેળવું છે. ઘણા લોકો મને કહે છે કે, તું ક્યારેક એકલી એકલી શું કરતી હોય છે? હું કહું છું કે, મને મારું એકાંત બહુ વહાલું છે. મારી સાથેનો સંવાદ મને ઘણા પ્રશ્નોનાં નિરાકરણ આપે છે. મને એક વાત સમજાઇ છે કે, ક્યારેય કોઇ વાતનું તાત્કાલિક રિએક્શન આપવું નહીં. અડધા પ્રોબ્લેમ તો એનાથી જ સૉલ્વ થઈ જાય છે. ઉશ્કેરાટ, ઉત્તેજના, નારાજગી આપણને ભૂલો કરવા મજબૂર કરે છે. એ સમયે આપણે લાંબો વિચાર કરતા નથી. કોઈ પણ નિર્ણય કરવો હોય તો હું સૌથી પહેલાં મારી જાતને સમય આપું છું. મારા જે સંજોગો છે એ મને ખબર છે. મારે એની સાથે એવી રીતે ડીલ કરવાનું છે કે, મને ઓછામાં ઓછી તકલીફ થાય અને થોડામાં થોડું પેઇન થાય. દરેકની જિંદગીમાં સમસ્યાઓ અને પડકારો તો હોય જ છે, આપણાં સુખ કે દુ:ખનો આધાર એના પર જ રહે છે કે આપણે તેનો સામનો કેવી રીતે કરીએ છીએ. બીજા પાસેથી સમસ્યાઓનો ઉકેલ મેળવવા કરતાં આપણી જાત પાસેથી જ તેનું નિરાકરણ શોધવું વધુ સહેલું અને સારું છે. એનું કારણ એ છે કે, આપણાથી વધુ આપણને બીજું કોઈ ઓળખતું હોતું નથી. આપણને આપણા વિશે પણ ઘણા ભ્રમો હોય છે. શું સારું, શું ખોટું, એ નક્કી કરવા માટે પોતાની જાત સાથે વફાદાર રહેવું પડે છે. જેને પોતાની સલાહ લેતા આવડે છે, જે પોતે જ પોતાના માર્ગદર્શક બની શકે છે, એણે બીજા પર આધાર રાખવો પડતો નથી. દરરોજ થોડીક ક્ષણો શાંતિથી બેસીને પોતાનો પણ અભ્યાસ કરવો જોઇએ કે, હું જે છું અને હું જે કરું છું એ બરોબર તો છેને? તમે પોતાની જાતને ઓબ્ઝર્વ કરો છો? ન કરતા હો તો કરી જોજો, સારું લાગશે!
છેલ્લો સીન :
જે માણસ પોતાને બરોબર ઓળખી લે છે એ જ જગતને જાણી શકે છે. શરૂઆત પોતાનાથી કરીએ તો જ બીજા સુધી પહોંચી શકાય છે. પોતાને ન ઓળખી શકે એ ક્યાંય પહોંચી ન શકે. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 સપ્ટેમ્બર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com