જ્યોતિ ઉનડકટના બે પુસ્તકો ‘આગનો અંજપો’
અને ‘સર્જકના સાથીદાર’નું લોકાર્પણ
અમદાવાદમાં જ્યોતિ ઉનડકટ લિખિત બે પુસ્તકો આગનો અંજપો અને સર્જકના સાથીદારનું વિમોચન જન્માષ્ટમીના શુભ અવસરે કરવામાં આવ્યું હતું. જ્યોતિ ઉનડકટની પહેલી નવલકથા આગનો અજંપાનું વિમોચન પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલાના હસ્તે અને સુપ્રસિદ્ધ નવલકથાકાર વીનેશભાઈ અંતાણી, જાણીતા પત્રકાર-લેખક કૌશિકભાઈ મહેતા, યુવા લેખક અંકિત દેસાઈ અને કૃષ્ણકાંત ઉનડકટની ઉપસ્થિતિમાં થયું હતું. આર.આર. શેઠ દ્વારા પ્રકાશિત આ બંને પુસ્તકોના લોકાર્પણમાં સ્વજનો, મિત્રો અને વાચકો-ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વીનેશભાઈ અંતાણીએ આ અવસરે એવું કહ્યું કે, એક નવલકથામાં હોવા જોઇએ એવા તમામ તત્ત્વો આગનો અંજપોમાં છે. પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલે પણ બંને પુસ્તકોને ઉમળકાભેર વધાવ્યા હતા. કૌશિક મહેતાએ કહ્યું કે, આ નવલકથામાં વેબસિરીઝ કે સિરીયલ બને એવી ભરપૂર શક્યતાઓ છે. અંકિત દેસાઈએ બંને પુસ્તકો અને લેખક સાથેના જોડાણ અને વળગણને વાગોળ્યું હતું. કૃષ્ણકાંત ઉનડકટે, જીવનસાથી જ્યોતિ ઉનડકટની સર્જન પ્રક્રિયા વિશે વાતો કરી હતી. આભારવિધિ આર.આર. શેઠ કંપનીના ચિંતનભાઈ શેઠે કરી હતી. જેમાં તેમણે લેખક અને પ્રકાશકના સંબંધો વિશેષ હોવા વિશે વાત કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન કવિ હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું.
સુપ્રસિદ્ધ નવલકથાકાર વીનેશભાઈ અંતાણીએ કહ્યું કે, આગનો અંજપો નવલકથા હું બહુ થોડા સમયમાં વાંચી ગયો છું. નવલકથા જકડી રાખે એવી હોવાના કારણે તેમણે જ્યોતિ ઉનડકટને જુલમગાર લેખિકા કહી હતી. તમે સતત વાંચતા રહેવાનો જુલમ વર્તાવો છો. સાથોસાથ એવું પણ કહ્યું કે, આવો જુલમ વર્તાવવો દરેકના હાથની વાત નથી હોતી. નવલકથા વિશે તેમણે કહ્યું કે, જ્યોતિ પહેલા પ્રકરણમાં પત્રકાર તરીકે ઝળકે છે અને બીજા પ્રકરણથી જ તેનામાં તેનામાં એક અદભૂત નવલકથાકાર પ્રગટે છે. એક એક પાત્રનું તેમણે નિરુપણ કર્યું અને કહ્યું કે, આતંકવાદી વાંસળી વગાડતો હોય એ કલ્પના જ સ્પર્શી જાય એવી છે. એક સાથે આટલા બધા તાણાવાણાને ગૂંથવાનું ઉમદા કામ નવલકથામાં થયું છે. કેટલાક વાક્યો ટાંકીને તેમણે કહ્યું કે, આવા વાક્યો સૂઝવા અને એ પણ પહેલી નવલકથામાં એવું બહુ ઓછું બને છે.
સર્જકના સાથીદાર વિશે વીનેશભાઈએ કહ્યું કે, આ પુસ્તકમાં ઈન્ટરવ્યૂ નથી પણ સર્જક અને એના સાથીદારના જીવનને સ્પર્શ કરવામાં આવ્યું છે. એટલી સહજ રીતે વાતો લખાઈ છે કે, સર્જક અને એના સાથીદારો લેખકના લેખમાં ઉઘડે છે. ઉઘાડવું અને ઉઘાડા પાડવા એમાં બહુ ફરક છે. આખું પુસ્તક એક એવો સંવાદ સર્જે છે જે દિલમાં સ્થાન બનાવે છે.
લેખક, પત્રકાર, નવલકથાકાર અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, લેખક ચમત્કૃતિ સર્જી શકે છે. જ્યોતિ અને કૃષ્ણકાંત વિશે તેમણે એવું કહ્યું કે, બંને વ્યક્તિ સારા લેખક હોય એ એક અનબીલિવેબલ ઘટના છે. બંને એકબીજાના પૂરક બનીને સર્જન ક્રિયા કરે છે. ઓ. હેનરી સહિત અનેક સર્જકોને ટાંકીને તેમણે બંને પુસ્તકોને દિલથી વધાવ્યા.
લેખક-પત્રકાર કૌશિક મહેતાએ કહ્યું કે, પત્રકાર જ્યારે નવલકથાકાર બને ત્યારે એ સર્જન થોડું અલગ હોય છે. આ નવલકથામાં લેખકની સજ્જતા અને રિપોર્ટરની ચીવટ વર્તાય છે. જ્યોતિ પાસે ઘણાં સમયથી કંઈક નવા સર્જનની અપેક્ષા હતી એ પૂરી થઈ છે. યુવા લેખત અંકિત દેસાઈએ કહ્યું હતું કે, હું તો સર્જકના સાથીદારના લેખો સાથે પહેલેથી જોડાયેલો રહ્યો છું. અંકિતે કહ્યું કે, પહેલો જ ઈન્ટરવ્યૂ વાંચ્યો ત્યારે એમ થઈ આવેલું કે, આ કંઈક અલગ છે. પહેલી મુલાકાતથી લઈને છેલ્લા ઈન્ટરવ્યૂ સુધી તમામ લેખોમાં એકસરખો રસ જળવાઈ રહ્યો હતો.
જ્યોતિ ઉનડકટે પોતાનો ઉમળકો વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારી પહેલી નવલકથા મેં કૃષ્ણકાંતને એના જન્મ દિવસે જન્માષ્ટમીએ જ મેં અર્પણ કરી છે. કેમકે, એની આંખોએ સપનું જોયેલું કે, હું નવલકથા લખું. લેખક અને પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટે કહ્યું કે, મને કલ્પના ન હતી કે, જ્યોતિથી પહેલી જ નવલકથા આટલી સારી લખાશે. દરેક પ્રકરણે પોતે પણ કેવું લખાશે એનો અજંપો અનુભવ્યો હતો. અને વાંચ્યા પછી હાશ પણ ફીલ કરી હતી.
ગુજરાતી લેખનની દુનિયામાં સર્જકોના સાથીદારો વિશે લખાયું- છપાયું હોવાની આ પહેલી ઘટના છે. સર્જકનાં સાથીદાર પુસ્તકનું વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્જકોના સાથીદારોના હસ્તે જ કરાયું હતું એ પણ એક અનોખી ઘટના હતી. સર્જકનાં સાથીદાર એવાં પુષ્પા વીનેશ અંતાણી, બિંદુ ભટ્ટ- હર્ષદ ત્રિવેદી, નમિતા તુષાર શુકલ, સોનલ પ્રશાંત ભીમાણી, શિલ્પા વિવેક દેસાઈ, સીમા કૌશિક મહેતા, સોનલ દેવાંશું પંડિત, અલ્પા ભવેન કચ્છી, બીના રોહિત શાહ, રંજન અનિલ ચાવડા હસ્તે થયું હતું.
ડૉ. પ્રશાંત ભીમાણી, ભવેન કચ્છી, વિવેક દેસાઈ, દેવાંશું પંડિત, હર્ષદ ત્રિવેદી, હરિભાઈ દેસાઈ, ટીનાબેન દોશી, સંદેશ પરિવારના અજય નાયક- કિરીટ બાંટવા, અપૂર્વ ત્રિવેદી, મૈત્રી- કુશલ દવે, દેવલ થોરિયા, ભીખેશ ભટ્ટ, ડો. શૈલેષ ઠાકર, શિરીષ કાશીકર, દિલીપ ગોહિલ, રક્ષાબેન શુકલ, અભિમન્યુ- સ્નેહલ મોદી, તુષાર દવે, સંજય વૈદ્ય, યેશા- પાર્થ શુકલ, ભૂમિ- નિશીથ – ધૂન ઉનડકટ, પરી- રવિ ઠક્કર, મિલી- સ્વર દેસાઈ, ધરમ ઉનડકટ, નેહા ઉપાધ્યાય, રસેશ-લીના જોશી તથા વૃષ્ટિ, કાના- કિરણ બાંટવા તથા સાનિકા, રોહન- આરતી રાંકજા, અનુપમ બુચ, ચૈતન્ય મજમુદાર, દીપેશ મકવાણા, મેઘા પંડ્યા ભટ્ટ, ખ્યાતિ શાહ, ક્ષિતિજ ઠાકોર, સંતોષ કોરાડ, રીતુ- છત્રપાલસિંહ જાડેજા- મનસ્વી, તેજલ વસાવડા, હેતલ રાવલ, વિધી દોશી, ઉન્નતિ- આશિષ રાઠોડ, કુણાલ- પૂજા ગઢવી- સમ્યક, ચૌલા દોશી, બંકિમ મહેતા, સુભાષ ગઢવી, શ્વેતા ચૌધરી, નીપાબેન- આદિત્ય- અભિષેક શાહ સહિત અનેક મિત્રો, સ્વજનો અને વાંચકો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મીલી અને અંકિત દેસાઇ દ્વારા બુકના કવરના સુંદર પેકિંગ સાથે બધાને સ્વીટ અને પંજરી ભેટ સ્વરૂપે અપાયા હતા.
આગનો અંજપો બુક વિશે…
‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે.
આ નવલકથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે જેની પીડા-ખુશી વાચકને સ્પર્શી જાય એવી છે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે જાવ એ ફિલોસોફીમાં જીવતું એકેએક પાત્ર વાચકની અંદર ધબકવા લાગે છે. વાચકને હળવાશથી દોરી જતી આ કથા એક રોમાંચક લયમાં વહ્યાં કરે છે અને કથાના ટર્ન અને ટ્વીસ્ટ આંચકાઓ આપતાં રહે છે. સંબંધોનું સત્વ આંખના ખૂણા ભીના કરે છે. એક કથામાં હોવા જોઈએ એવાં તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. ગુજરાતી સાહિત્યમાં એક અલગ અંદાજ, નવો મિજાજ અને રોમાંચક વાત કહેતી આ કથા તમામ ચાહકોને ગમી જાય એવી છે.
સર્જકના સાથીદાર વિશે…
સર્જન કોઇપણ હોય, એ સર્જનની પ્રક્રિયામાં સર્જક ઉપરાંત તેમના જીવનસાથીનું અનોખું યોગદાન હોય છે. સ્ટેજ પરના કલાકારો દેખાતા હોય છે પણ બેકસ્ટેજ પર કામ કરતા લોકોને ઘણી વખત વિસરાઇ જવાતા હોય છે. આ પુસ્તક એવી વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ છે, જે સર્જકને સર્જન માટે સજીવન રાખે છે. સર્જકના લાડ કોડ નિભાવે છે. સર્જકને એવું સાંનિધ્ય પૂરું પાડે છે, જ્યાં એની સંવેદના સોળે કળાએ ખીલી ઉઠે! -જ્યોતિ ઉનડકટ
આગનો અંજપો નવલકથા ખરીદવા માટેની લિંક : https://rrsheth.com/shop/aagno-ajampo/
સર્જકના સાથીદાર પુસ્તક ખરીદવા માટેની લિંક : https://rrsheth.com/shop/sarjakna-sathidar/
આગનો અંજેપો એમેઝોન પર ખરીદવા માટેની લિંક : Aagno Ajampo (Gujarati Edition) https://amzn.eu/d/3nhuUrR
સર્જકના સાથીદાર એમેઝોન પરથી ખરીદવાની લિંક : Sarjakna Sathidar (Gujarati Edition) https://amzn.eu/d/6iDNI5K