તમને દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ મળ્યો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને દાદા-દાદી કે નાના-નાનીનો

પ્રેમ મળ્યો છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

માણસના ઉછેરમાં પરિવારની અસર સૌથી વધુ હોય છે.
એક અભ્યાસ એવું કહે છે કે, જે લોકો દાદા-દાદી કે નાના-નાનીની સંગાથે
ઉછર્યાં હોય એ વધુ સમજદાર અને સંસ્કારી હોય છે!


———–

દરેક બાળકનું કોઈ સરખું ધ્યાન રાખે કે ન રાખે એ ધીરેધીરે મોટું થવાનું જ છે. એ કોની સાથે અને કેવા વાતાવરણમાં ઉછરે છે તેના પર એ કેવી વ્યક્તિ બનશે તેનો બહુ મોટો આધાર રહેતો હોય છે. નાના હોઇએ ત્યારે તો આપણે સહુ મોટાને જોઇને બધું શીખ્યા હોઇએ છીએ. એક સમય હતો જ્યારે લોકો જોઇન્ટ ફેમિલીમાં રહેતા હતા. આપણે ઘણા વડીલોનાં મોઢે એવું સાંભળીએ છીએ કે, બધા હોય એટલે છોકરાંવ ક્યાં મોટાં થઇ જાય એની ખબર પડતી નહીં. હવે છોકરાંને મોટાં કરવા એ બહુ મોટી ચેલેન્જ છે. પરિવારો નાના થયા છે. બીજા શહેરમાં નોકરી-ધંધાર્થે ગયેલાં કપલ્સ એકલા રહે છે. પતિ અને પત્ની બંને કામ કરે છે. એકબીજા માટે માંડમાંડ ટાઇમ મળતો હોય છે એવામાં બાળકનું પ્લાનિંગ વિચાર માંગી લે છે. ખર્ચનો વિચાર પણ આવે એ સ્વાભાવિક છે. બાળકનું એજ્યુકેશન દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. દરેક મા-બાપને એવી ઇચ્છા હોય એ સ્વાભાવિક છે કે, અમારા સંતાનને બેસ્ટ એજ્યુકેશન મળે. જમાનો બદલાઈ ગયો છે એટલે પેરેન્ટિંગના નવા પ્રશ્નો પણ સર્જાયા છે. બાળક સમજતું થાય એટલે રમકડાંથી રમવાને બદલે મોબાઇલ હાથમાં લઇ લે છે. બાળકની થિંકિંગ પ્રોસેસ જ તદ્દન જુદી રીતે શરૂ થાય છે. આવા સંજોગોમાં જો ઘરમાં દાદા-દાદી કે નાના-નાની હોય તો બાળકના ઉછેરમાં બહુ મોટો ફર્ક પડે છે. ઘણા વડીલો એવું કહેતા હોય છે કે, અમે બેઠા છીએ ત્યાં સુધીમાં બાળક કરી લો પછી કોઈ ચિંતા નહીં!
બાળકના ઉછેર વિશે હમણાં થયેલું એક સંશોધન એવું કહે છે કે, જે વ્યક્તિ દાદા-દાદી કે નાના-નાનીની સંગાથમાં મોટી થઇ હોય એનામાં વધુ અને સારા સંસ્કારોનું સિંચન થયું હોય છે. ગ્રાંડ પેરેન્ટ્સે દુનિયા જોઈ હોય છે, એને ખબર હોય છે કે બાળક માટે શું સારું છે અને શું ખરાબ છે. બાળક રડતું હોય તો એને અંદાજ આવી જાય છે કે, બાળકને શું પ્રોબ્લેમ છે. દેશી ઓસડિયાં અને ઘરગથ્થુ ઉપચારમાં પણ તેની હથોટી હોય છે. બાળક સમજતું થાય ત્યારે દાદા-દાદી કે નાના-નાની તેની સાથે કાલીઘેલી ભાષામાં વાતો કરે છે. ફરવા લઈ જાય છે. ચાગલાં રાખે છે અને જરૂર પડ્યે ખીજાઇ પણ લે છે. ગ્રાંડ પેરેન્ટ્સ પાસે બાળક પ્રોટેક્ટેડ રહે છે. એ લોકો પાસે સમય પણ હોય છે. એક સરવૅ તો એવું પણ કહે છે કે, સંતાનોનાં સંતાન ગ્રાંડ પેરેન્ટ્સને જીવવાનું મસ્ત કારણ પૂરું પાડે છે. પૌત્ર કે પૌત્રી દાદા-દાદીની જિજીવિષા જીવતી રાખે છે. આપણે ઘણા કિસ્સામાં જોયું હશે કે, દાદા-દાદીનો જીવ છોકરામાં જ હશે. દાદા-દાદીના લાડ જોઇને ઘણાં દીકરા કે દીકરીનાં મોઢે એવું પણ સાંભળવા મળે છે કે, મારાં મા-બાપે આટલો પ્રેમ તો મને પણ કર્યો નહોતો. દાદા-દાદી ઘણા કિસ્સાઓમાં સાથે રહેતાં હોય છે. નાના-નાની બાળકને ટુકડે ટુકડે મળતાં રહે છે. એક સમયે એવું કહેવાતું હતું કે, દીકરીના ઘરનું પાણી ન પીવાય પણ હવે જમાનો બદલાઈ ગયો છે. એકની એક દીકરી હોય અને દીકરીના સંતાનને ઉછેરવાનું હોય તો નાના-નાની હોંશેહોંશે પોતાની જવાબદારી નિભાવે છે.
દાદા-દાદી કે નાના-નાનીની સાથે ઉછેરથી ફેર પડે છે એવું માત્ર ભારતમાં જ નથી, આખી દુનિયાના દેશોને એ વાત લાગુ પડે છે. બ્રાઝિલમાં તો દાદા-દાદી જ બાળકની સંભાળ રાખે છે. અમેરિકામાં લોકો સ્વતંત્ર છે અને ત્યાંના વિશે એવી વાતો સંભળાતી રહે છે કે, અમેરિકામાં અને બીજા સમૃદ્ધ દેશોમાં તો દીકરો કે દીકરી પુખ્ત વયનાં થાય અને કમાતાં થઇ જાય એટલે જુદાં રહેવા ચાલ્યાં જાય છે. આ વાત ખોટી નથી પણ જ્યાં સુધી બાળકોના ઉછેરને લાગેવળગે છે ત્યાં સુધી ત્યાં પણ ધીમે ધીમે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હવે બાળકના ઉછેર માટે મા-બાપને સાથે રહેવા બોલાવવા લાગ્યાં છે. કહેવાવાળા ભલે એમ કહે કે, યંગસ્ટર્સ સ્વાર્થી થઇ ગયા છે. મા-બાપનું કામ હોય એટલે એને સાચવે છે, બાકી એનો ભાવ પણ પૂછતા નથી. થોડાક કિસ્સાઓમાં આવું હશે પણ બધે એવું નથી. ભારતથી અમેરિકા, લંડન કે બીજા દેશોમાં રહેવા ગયેલાં કપલ્સ પણ સંતાનોના ઉછેર માટે મા-બાપને તેડાવી લે છે. એમાં પણ બોલવાવાળા એવું બોલતાં હોય છે કે, આયા ન રાખવી પડે એટલે મા-બાપને બોલાવી લીધાં. સાવ આવું નથી. હવે એ વાત પણ સમજાઇ ગઇ છે કે, દાદા-દાદી કે નાના-નાની જેવું ધ્યાન કોઈ ન રાખે.
દુનિયામાં છેલ્લા થોડા સમયથી મહિલાઓનો વર્ક ફોર્સ વધ્યો છે. પ્રેગ્નેન્સી પછી પણ યુવતીઓ થોડા સમયમાં કામે ચડી જાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તેમનાં માતા-પિતાનો સાથ છે. એ લોકો જ કહે છે કે, દીકરા કે દીકરીની ચિંતા ન કર, અમે બેઠાં છીએને, તું કામે ચડી જા. આયા રાખી હોય તો ટેન્શન રહે છે કે, એ મારા સંતાનનું ધ્યાન રાખશે કે નહીં? ઘરમાં સીસીટીવી કેમેરા ગોઠવીને જોતાં રહે છે કે, આયા બાળકની બરાબર કેર તો કરે છેને? આયાઓ પણ હવે બદલાઇ છે. બાળકનું ધ્યાન રાખવું એ તેના માટે નોકરી જ છે. સારી આયા મળવી એ પણ સારાં નસીબની વાત છે. ઘણા કિસ્સાઓ એવા પણ છે કે, આયા એટલી માયાળુ હોય છે કે એ જ બાળકનું સર્વસ્વ બની જાય છે. બાળક મોટું થઈને પણ એને દાદી કે નાની હોય એટલું જ માન આપે છે અને સાચવે પણ છે.
દાદીની હાજરીમાં સંતાનના ઉછેર મુદ્દે આપણા દેશમાં એક બીજો પણ રસપ્રદ અભ્યાસ થયો છે. સાસુનું અણધાર્યું અવસાન થઈ જાય એવા કિસ્સામાં દસ ટકા મહિલાઓએ નોકરી છોડવી પડે છે. દાદી હોય ત્યાં સુધી કોઈ વાંધો ન આવે પણ દાદી અચાનક સિધાવી જાય ત્યારે બાળકના ઉછેરનો સવાલ પેદા થાય છે. દાદા કે નાના હોય એ સારી વાત છે પણ દાદી કે નાની જે ધ્યાન રાખે એ સાવ જુદી વાત છે. દાદા કે નાના તો લાડકા રાખે પણ કેર કરવાની વાત આવે ત્યારે દાદી કે નાનીને કોઇ ન પહોંચે! બાય ધ વે, તમને દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ મળ્યો છે? જો મળ્યો હોય તો તમે નસીબદાર છો. દરેકના નસીબમાં દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ હોતો નથી. મોટા ભાગના કિસ્સામાં બેમાંથી એક વિદાય લઇ ચૂક્યાં હોય છે. આજનાં બાળકોમાં જો કંઇ ખૂટતું હોય તો એ હાલરડાં અને વાર્તાઓ છે. દાદા-દાદી કે નાના-નાની બાળક સાવ નાનું હોય ત્યારથી વાર્તા કહેતાં હોય છે. રામાયણ અને મહાભારતના કિસ્સાઓ તો નાની વયે જ દાદીના મોઢે સાંભળ્યા હોય છે. બાળકમાં શું ઉમેરાય છે એ સૌથી વધુ મહત્ત્વનું છે. હવે તો યંગસ્ટર્સને સલાહ આપવામાં આવે છે કે, બાળકના ઉછેરમાં ઘરના વડીલોને સાથે રાખો, એ લોકો માત્ર તેને સાચવશે નહીં તેનું ઘડતર પણ કરશે. અનેક સંશોધનથી એ સિદ્ધ થયું જ છે કે, દાદા-દાદી કે નાના-નાની પાસે મોટા થયેલા લોકો વધુ ડાહ્યા, હોશિયાર, સમજદાર, સંસ્કારી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તમને જો દાદા-દાદી કે નાના-નાની સાથે રહેવા મળ્યું હશે તો તમને આ વાતનો અહેસાસ થયો જ હશે. દાદા-દાદી કે નાના-નાની આપણી સાથે લાંબો સમય હોતાં નથી પણ તેમની સાથે વિતાવેલા સમયની યાદો આખી જિંદગી આપણી સાથે રહે છે. યાદ આવી જાય છે કે, મારી દાદી કે મારી નાની આવું કહેતી કે કરતી હતી!
હા, એવું છે!
એક સમયે નાનું કુટુંબ, સુખી કુટુંબનો જોરદાર પ્રચાર થતો હતો. હવે સ્થિતિ જ એવી પેદા થઇ છે કે, કોઇને વધુ સંતાનો પરવડે એમ જ નથી. દીકરો હોય કે દીકરી, એક જ સંતાનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પેરેન્ટિંગના પ્રશ્નો પણ બદલાયા છે. મા-બાપ માટે સંતાનનો ઉછેર એ મોટો પ્લાનિંગનો વિષય બની ગયો છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 સપ્ટેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *