આંગળી ચીંધ્યાનું પુણ્ય
અને મોઢું ફેરવ્યાનું પાપ
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એમ ચોંટી છે નજર એ બારણાં પર,
ડૂબનારો જેમ વળગે લાકડા પર,
જલ્દીથી બહેરાશનો ઇલાજ કર તું,
કૈંકનાં જીવન નભે છે પ્રાર્થના પર.
-ભાવેશ ભટ્ટ
જિંદગી સારો અને નરસો સમય બતાવતી રહે છે. ગમે એવા શક્તિશાળી માણસને પણ ક્યારેક તો કોઇની જરૂર પડે જ છે. સંજોગ કે પરિસ્થિતિ ક્યારેક પડકાર બનીને આપણી સામે ઊભાં રહે છે. બધું હોવા છતાં આપણે ઘણી વખત લાચારી ફીલ કરતા હોઇએ છીએ. એક માણસની આ વાત છે. ખૂબ જ ધનવાન. સંપત્તિની સાથે તેની પાસે માનવતા પણ હતી. એ પોતાનાથી થાય એટલી બધાને મદદ કરતો. એક વખત ગામમાં ભયંકર પૂર આવ્યું. એ માણસના બંગલામાં પાણી ભરાઇ ગયું. આખા વિસ્તારમાં માણસ ડૂબી જાય એટલું પાણી હતું. ઘરમાં ખાવાનું પણ ખૂટી ગયું હતું. શું કરવું એ કંઈ સમજાતું નહોતું. પાણીથી બચવા એ ધનવાન અગાસી પર બેઠો હતો. તેણે જોયું કે, દૂરથી કોઈ માણસ તરાપા પર આવી રહ્યો છે. એ માણસ નજીક આવ્યો. ધનવાનને કહ્યું, તમારા માટે ખાવાનું લાવ્યો છું. ધનવાનને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અજાણ્યો માણસ મારા માટે જીવના જોખમે ખાવાનું લાવ્યો? જમવાનું લાવનાર વ્યક્તિએ કહ્યું કે, તમને હું કદાચ યાદ નહીં હોઉં પણ હું તમને ક્યારેય નહીં ભૂલું. મારો અત્યંત ખરાબ સમય ચાલતો હતો ત્યારે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો હતો. મારે બીજું કંઈ નહોતું જોઇતું પણ થોડુંક રાશન જોઇતું હતું. મારાં છોકરાંવ ભૂખ્યાં હતાં. તમે એક મહિનાનું રાશન ભરાવી આપ્યું હતું. એ એક મહિનો મારી જિંદગીનો સૌથી કપરો કાળ હતો. ધીમે ધીમે બધું સરખું થઇ ગયું. મને ખબર પડી કે, તમારો વિસ્તાર પાણીથી ભરાઇ ગયો છે એટલે થયું કે, તમારા માટે જમવાનું લઇ આવું. આ તરાપો મેં જ બનાવ્યો છે. જમવાનું મારી પત્નીએ બનાવ્યું છે અને દીકરીએ પેક કર્યું છે. એ બંનેએ તમને વંદન કહ્યાં છે. આ વાત સાંભળીને ધનવાન માણસની આંખો ભીની થઈ. તેણે આભાર માન્યો ત્યારે પેલા માણસે કહ્યું કે, ઘણા ધનવાનો એવું સમજતા હોય છે કે અમારે કોઇની જરૂર જ નથી પડવાની પણ બીજી બાજુ તમારા જેવા લોકો પણ છે જેનામાં બધાને સ્પર્શે એવું તત્ત્વ જીવતું રહે છે.
લોકોના મોઢે દુનિયાનું ખરાબ વધુ સાંભળવા મળે છે. હવે તો સમય જ બદલાઇ ગયો છે. કોઇનો ભરોસો કરવા જેવું નથી. બધા સ્વાર્થનાં સગાં છે. કામ હોય ત્યારે મોઢું ફેરવી લે છે. જરૂર હોય ત્યારે કાલાવાલા કરતા હોય છે અને પોતે જરાકેય સમર્થ થઇ જાય એટલે પોતાની જાતને કંઇક સમજવા લાગે છે. એને કોઇનાથી કંઇ ફેર પડતો નથી. એ જ માણસ પાછો ફરીથી ફસાય તો કોઇ પણ જાતની શરમ વગર મદદ માંગવા આવી જતો હોય છે. એક માણસને લોકોના આવા ઘણા અનુભવો થયા હતા. એક વખત એ એક સાધુ પાસે ગયો. તેણે સાધુને પૂછ્યું, લોકો આવા કેમ હોતા હશે? શું દુનિયા આવી જ છે? સાધુએ હસીને સામો સવાલ કર્યો, તું કેવો છે? તું જો સારો હોય તો દુનિયા કેવી રીતે ખરાબ હોઈ શકે? આપણા માટે જરૂરી એ છે કે, આપણે સારા રહીએ. દુનિયા આજકાલની આવી નથી, પહેલેથી આવી જ છે. દરેક પ્રકારના લોકો હોવાના જ છે. તમે ભલું કરો તો ભલું થાય છે. ઘણા લોકો એવું કહે છે કે, આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે છે અને મોઢું ફેરવ્યાનું પાપ લાગે છે. પાપ કે પુણ્યની તો ખબર નથી પણ એટલી ખબર છે કે, સારો માણસ હોય એને બીજાનું સારું કરવાથી સારું લાગે છે, શાંતિ મળે છે. જિંદગીનો અહેસાસ એને જ થાય છે જે જિંદગીની નજીક છે.
જિંદગીમાં ક્યારેક એવા અનુભવો પણ થાય છે કે આપણે જેને મદદ કરી હોય એ જ આપણું અહિત થાય એવું કરે. આપણને ખબર પડે ત્યારે આંચકો લાગે. આવું થતું હોય છે. બધા આપણી મદદ કે આપણું સારું વર્તન યાદ રાખે એવું જરૂરી નથી. આપણે સારું કરીને ભૂલી જવાનું. એક યુવાને કહેલી આ સાવ સાચી વાત છે. એ પોતાનાથી બની શકે એટલી બધાને મદદ કરતો હતો. એને જ્યારે જરૂર હતી ત્યારે એણે જે લોકોને મદદ કરી હતી તેમાંથી કોઇ આગળ ન આવ્યું. જેની પાસેથી ક્યારેય કોઇ મદદની અપેક્ષા રાખી નહોતી એ માણસે તમામ મદદ કરી. આપણે જેને મદદ કરી હોય એ જ આપણને મદદ કરે એવું જરાયે જરૂરી નથી. કુદરત ક્યારેક બીજા રસ્તે વળતર વાળી દેતી હોય છે. પોએટિક જસ્ટિસ જેવું કંઇક હોય છે. આપણે પહેલેથી એવું સાંભળતા આવીએ છીએ કે, સારા લોકો સાથે સારું જ થાય છે. ક્યારેક કોઇ કિસ્સામાં કોઇ દગો ફટકો કરે ત્યારે ભલે એવું લાગે કે સારું કરનાર સાથે જ બૂરું થાય છે પણ સાવ એવું નથી હોતું.
માણસ છેલ્લે તો પોતાની જાતને વફાદાર રહેવો જોઇએ. કોઇ સાથે બદમાશી, છેતરપિંડી કરતી વખતે આપણે કદાચ ન પકડાઇએ, ભલે કોઇને ખબર ન પડે પણ આપણો માંહ્યલો તો જાણતો જ હોય છે કે આપણે બદમાશી કરી છે. કોઇનું ભલું થાય તો કરો અને ભલું ન થાય એમ હોય તો કોઇનું બૂરું તો ન જ કરો. આપણે પણ ક્યારેક આપણી જેણે મદદ કરી હોય એનાથી મોઢું ફેરવી લઇએ છીએ. બહાનાં કાઢીએ છીએ. આવા સમયે માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે, મારી જિંદગીમાં આ વ્યક્તિનું મહત્ત્વ શું છે? આગળ નીકળી ગયા પછી જે પાછળ વળીને જોતા નથી એ ઘણી વખત બહુ આગળ નીકળી ગયા પછી એકલા પડી જતા હોય છે.
સંબંધ હશે તો જ જિંદગી જીવવાની મજા આવશે. સોલો ટ્રિપ ક્યારેક જ મજા આપે. કોઇની સાથે કે ગ્રૂપની મજા સાવ જુદી જ હોય છે. સાથે ફર્યા હોય એની સાથે એ વાગોળવાની પણ મજા છે કે, આપણે કેવું એન્જોય કર્યું હતું નહીં? જિંદગી ક્યારેક એનાથી પણ માપવી જોઇએ કે આપણી પાસે સ્મરણો કેવાં છે? વીતેલા દિવસો પર વિચાર કરીએ ત્યારે કેવી અનુભૂતિ થાય છે? સાચાં સ્મરણો એ છે જે યાદ આવતા જ ચહેરા પર થોડીક ચમક આવે. ચહેરો થોડોક ખીલે. આંખમાં કોઇ દૃશ્ય ઉભરી આવે. રોજેરોજ આપણે સ્મરણોનું ભાથું બાંધતા હોઇએ છીએ. જો સ્મરણો સારાં ન હોય તો ભાથાનો પણ ભાર લાગે છે. કોઇની નજીક રહેવામાં કે કોઇને મદદ કરવામાં એને તો જે ફાયદો થવાનો હશે એ થશે, આપણને એક ગજબ પ્રકારનું શુકૂન મળતું હોય છે. એક છોકરીની આ વાત છે. કોઇને કંઇ જરૂર હોય તો એ તરત જ દોડી જતી. પોતાના ખર્ચે અને જોખમે લોકોને મદદ કરતી. એક વખત તેની ફ્રેન્ડે તેને કહ્યું, આ શું તું કોઇની પાછળ કારણ વગર કૂચે મરે છે? લોકો તારો ફાયદો ઉઠાવે છે. તું મૂર્ખ છે. એ છોકરીએ કહ્યું, હું જે કરું છું એ કોઇના માટે કરતી જ નથી, હું મારા માટે કરું છું. કોઇને મદદ કર્યા પછી મને હંમેશાં એવું લાગ્યું છે કે, હું હતી એના કરતાં થોડીક વધુ સારી, વધુ પવિત્ર થઇ છું. ક્યારેક આંગળી ચીંધી, ક્યારેક હાથ પકડી અને ક્યારેક થોડાક શબ્દોનો ઉપયોગ કરીને કોઇનું ભલું થતું હોય તો કરવામાં મને કંઇ ખોટું નથી લાગતું. દુ:ખ તો ત્યારે થાયને કે આપણે કોઇ બદલા કે વળતરની અપેક્ષા રાખીએ? જે કંઇ કરો એ પોતાની મસ્તી, પોતાની મજા, પોતાના સુખ અને પોતાના સંતોષ માટે કરો. એક મજા છે કોઇને મદદ કરવાની. કુદરત ઘણી વખત માણસને નિમિત્ત બનાવતી હોય છે. આવા લોકો કુદરતે પસંદ કરેલા હોય છે. એ જો આપણે હોઇએ તો આપણને આનંદ થવો જોઇએ. કોઇ જ્યારે આશીર્વાદના શબ્દો ઉચ્ચારે ત્યારે એની અનુભૂતિ અલૌકિક હોય છે. આવી મજા પણ માણતી રહેવી જોઇએ!
છેલ્લો સીન :
કોઇનું ભલું થાય એવી ઇચ્છા થતી રહે ત્યાં સુધી સમજવું કે તમારી સંવેદના જીવતી છે. દયા અને કરુણાની લાગણી માણસ કેવો છે એની સાબિતી આપે છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 27 ઓગસ્ટ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com