CBC અને DINK કપલ્સની
સંખ્યા સતત વધી રહી છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ઘણા યંગસ્ટર્સને સંતાનો નથી જોઇતા. અનેક કપલ્સ તો અત્યારની
જનરેશનને જોઇને બાળકો કરવાનું માંડી વાળે છે. કોઇ જવાબદારી
વગર લાઇફને એન્જોય કરવાની ફિલોસોફી જોવા મળે છે!
———–
હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક છોકરો મેરેજ માટે છોકરીને જોવા ગયો. બંનેના ફેમિલી મળ્યા. મોટા ભાગે ફોલો કરવામાં આવે છે એ પરંપરા મુજબ બધાએ મળી લીધું એ પછી છોકરો છોકરી અલગ રૂમમાં બેઠા. વાતચીત બહુ આગળ વધે એ પહેલા જ છોકરીએ કહ્યું કે, મારે એક ચોખવટ કરવી છે. મેરેજ પછી મને બાળકો નથી જોઇતા. છોકરાએ કહ્યું, હું પણ એવું જ વિચારું છે. મને પણ એમ જ થાય છે કે, બાળકો બહુ મોટી જવાબદારી છે. એમાંયે અત્યારે તો બધું કેટલું મોંઘુ થઇ ગયું છે. સ્કૂલની ફી સાંભળીને જ રાડ ફાટી જાય છે. છોકરાનું પૂરું કરવામાં આપણી તો લાઇફ જેવું જ કંઇ ન રહે! છોકરીએ કહ્યું, ખાલી રૂપિયાનો પણ સવાલ નથી. અત્યારની જનરેશન જોઇ છે. તોબા પોકારાવી દે એવા છોકરા છે. આવું વિચારનારા યંગસ્ટર્સની સંખ્યા માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં સતત વધી રહી છે. CBC એટલે કે ચાઇલ્ડલેસ બાય ચોઇસ અને DINK એટલે કે ડબલ ઇનકમ નો કિડ્સ કપલ્સની ફિલોસોફીમાં માનનારોઓની સંખ્યા નાની સૂની નથી. જેને એક કે બે બાળક છે એ પણ ઘણી વખત એવું બોલી ઉઠતા હોય છે કે, બાળકો કરીને કંઇ લઇ લેવાનું નથી. આખો દિવસ એની જ ચિંતા સતાવ્યા રાખે છે. બાળક સારું પાકે તો હજુયે કોઇ પ્રોબ્લેમ નથી પણ બાળક જો ઉથલપાનિયું પાક્યું તો જિંદગી બરબાદ થઇ જાય છે.
મોટા ભાગે લોકો એવું વિચારીને બાળકો કરતા હોય છે કે, બુઢાપામાં ધ્યાન રાખવાવાળું કોઇ તો જોઇએને? આવું વિચારીને મોટા ભાગના લોકો બાળક પેદા કરે છે. હવે તો કોઇ આવું કહે ત્યારે પણ સામો સવાલ પૂછવામાં આવે છે કે, મોટા થઇને એ તમારી સાથે જ રહેશે એની કઇ ગેરન્ટી છે ખરી? એને તો ફોરેન ભણવા જવું હોય છે અને પોતાની લાઇફ પોતાની રીતે જ જીવવી હોય છે! સંતાન તમને ઉપયોગી થશે એવું વિચારીને તો છોકરું ક્યારેય ન કરવું એવી સલાહ આપવાવાળા વધી ગયા છે. એ લોકો પાછા ઉદાહરણો પણ આપતા રહે છે. ફલાણાનો દીકરો જોયો? ભણવા માટે અમેરિકા મોકલ્યો તો પાછો આવ્યો જ નહીં! હા, એ વાત સાચી કે ત્યાં જઇને મોટો માણસ થઇ ગયો, સારા એવા રૂપિયા કમાયા, મા-બાપને પણ આદરપૂર્વક અમેરિકા બોલાવ્યા પણ મોટી ઉંમરે મા-બાપને ત્યાં ફાવ્યું જ નહીં એટલે પાછા આવી ગયા. બધું છે પણ સંતાનનું સુખ નથી!
ઘણા લોકોની દલીલ એવી પણ હોય છે કે, આપણા પછી આપણો આ બધો વારસો કોને મળે? તેની સામે પણ એવી વાત કરવામાં આવે છે કે, આપણે વળી ક્યાં રાજા-રજવાડા છીએ કે મોટો વારસો હોય. બંને જણા કમાઇને માંડ માંડ પૂરું કરતા હોય એવામાં સપત્તિનો તો સવાલ જ ક્યાં છે? ફરવા જવું હોય તો પણ વિચાર કરવો પડે છે? અમને તો એવો સવાલ થાય છે કે, આપણે જ સ્ટ્રગલ કરી રહ્યા છીએ એવા સંજોગોમાં બાળકોને કેવી લાઇફ આપવાના? બાળકોની દશા જોઇ છે? એ પણ બિચારા નાના હોય ત્યાંથી રેસમાં જોડાઇ ગયા હોય એવું લાગે છે. હમણાં થયેલો એક સર્વે એવું પણ કહે છે કે, મોટા ભાગે મા-બાપના આગ્રહથી તેના સંતાનો બાળકોને જન્મ આપે છે. મરેજ થયાને બે-ત્રણ વર્ષ થયા નથી કે, પૂછવા લાગશે કે હવે ક્યારે સારા સમાચાર આપો છો? થોડોક સમય વધુ થાય તો એવી વાતો કરે છે કે, ઉંમર વધી જાય પછી જોખમ રહે, સમયસર નિર્ણય કરી લેવો જોઇએ. થોડો વધુ સમય થાય તો એવી પુછપરછ થવા લાગે છે કે, કોઇ પ્રોબ્લેમ નથીને? અલબત્ત, હવે ઘણા કપલ બિન્ધાસ્ત કહેવા લાગ્યા છે કે, વી આર ચાઇલ્ડલેસ બાય ચોઇસ! અમારે છોકરા નથી કરવા. આવો નિર્ણય કરનાર એક કપલે કહ્યું કે, અમે કોઇને આવું કહીએ ત્યારે અમને એવો જવાબ મળવા લાગ્યા છે કે, બહુ સારો નિર્ણય છે. તમે તમારી રીતે તો જીવી શકો છો. અમારે તો આખા દિવસનો અને રજાનો શિડ્યુલ પણ બાળકોના શિડ્યુલને ધ્યાનમાં રાખીને ઘડવો પડે છે.
અત્યારે જેને ચાઇલ્ડ લેસ બાય ચોઇસ કહેવામાં આવે છે એના માટે અગાઉ ચાઇલ્ડ ફ્રી શબ્દ વાપરવામાં આવતો હતો. અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીના પ્રોફેસર એલિઝાબેથ હિંટ્સે સંતાનો વગરના કપલ્સ પણ ઘણો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે, બાળકો ન કરવા પાછળ એક નહીં પણ અનેક કારણો હોય છે. બાળકોને મોટા કરવા એ મોટું કામ છે. ઘણા યુવાનો તો એવું કહે છે કે, અમે હજુ મોટા થયા હોય એવું નથી લાગતં એવા સંજોગોમાં બાળકોને ક્યાં લાવવા! ઘણા તો વળી એવું પણ કહે છે કે, અત્યારની દુનિયા જ બાળકોને લાવવા જેવી નથી રહી! ક્યાંય શાંતિ છે? બધે જ સ્ટ્રેસ અને ટેન્શન છે. ટેક્નોલોજી અને સુવિધાઓ વધતી જાય છે એમ એમ માણસ તો સુખી થવાને બદલે વધુને વધુ દુ:ખી થવા લાગ્યો છે!
એક સમય એવો હતો કે, દીકરીની સતત ચિંતા રહેતી હતી કે, એની સાથે કંઇ અજુગતું ન થાય. હવે તો આવી ચિંતા છોકરીઓ પૂરતી મર્યાદિત પણ નથી રહી. છોકરા સાથેય કંઇપણ થઇ શકે છે. અલબત્ત, આ મુદ્દે કેટલાંક સાયકોલોજિસ્ટનું કહેવું એવું પણ છે કે, ખોટા ફિયર ફેકટર પેદા કરવાની કંઇ જરૂર નથી. દુનિયા કંઇ એટલી ખરાબ નથી. તમે જવાબદારી લેવા ન માંગતો હોય તો એ તમારી પર્સનલ ચોઇસ છે. મા બનાવાને તો દુનિયાનું સંપૂર્ણ સુખ કહેવામાં આવે છે. બાળકને જન્મ આપતાની સાથે સ્ત્રી સંપૂર્ણ બને છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જે અનુભૂતિ થાય છે તે અલૌકીક હોય છે. પિતા બનવાનું સુખ પણ કંઇ ઓછું નથી. ઘરે જઇએ ત્યારે દીકરી હોય કે દીકરો જ્યારે ગળે વળગે ત્યારે આખા દિવસનો થાક ઉતરી જાય છે. અલબત્ત, તોફાની સંતાનના મોઢે એવું પણ સાંભળવા મળે છે કે, કામેથી થાકીને આવ્યા હોય પછી ઘરે શાંતિ મળે એવી ઇચ્છા હોય છે પણ છોકરાઓ શાંતિ લેવા જ દેતા નથી.
દરેકની પોતાની વિચારસરણી હોય છે. આ મુદ્દે સમાજશાસ્ત્રીઓ એવી સલાહ આપે છે કે, પતિ-પત્ની બંનેએ સાથે બેસીને બાળક વિશે નિર્ણય કરવો જોઇએ. જો બેમાંથી એકનું મંતવ્ય જુદું હોય તો બંનેએ સમય લેવો જોઇએ અને સાથે મળીને હા કે નાના એક નિર્ણય સુધી ન પહોંચાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ. એક બીજાની લાગણીનું સન્માન કરવું જોઇએ. બાળકના ભવિષ્ય માટે પ્લાનિંગ પણ કરવું જોઇએ. સંતાનને સારી લાઇફ આપી શકાય એ માટે પ્લાનિંગ જરૂરી છે. કોઇ કપલની ઇચ્છા બાળક ન કરવાની હોય તો પરિવારે એના પર પ્રેશર પણ ન કરવું જોઇએ. ઘણી વખત મા-બાપ એવું કહેતા હોય છે કે, અમે છીએ ત્યાં સુધીમાં કરી લો, વાંધો નહીં આવે. બીજી એક વાત એ પણ છે કે, કોઇ સ્વાર્થ કે હેતુ માટે સંતાન ન કરો, તમારા સંતોષ માટે કરો. મોટું થઇને તમારી સાથે જ રહે એવી અપેક્ષા પણ આજના સમયમાં વધુ પડતી છે. દરેકને પોતાનો નિર્ણય કરવાનો અધિકાર છે પણ બાળકના કિસ્સામાં કોઇ એક નહીં પણ બંનેની સરખી મરજી હોવી જોઇએ. બાળક હોવાના અને બાળક ન હોવાના, બંનેના પ્લસ માઇનસ પોઇન્ટસ છે. ટુ બી ઓર નોટ ટુ બી ની અવસ્થામાં રહેવાને બદલે પતિ-પત્નીએ દિલ કહે એ સાંભળીને નિર્ણય કરવો જોઇએ!
હા, એવું છે!
બાળક ન કરવાના કારણોના અભ્યાસમાં પાંચ ટકા લોકોએ એવું પણ કહ્યું હતું કે, હવે પર્યાવરણ જ ક્યાં સારું રહ્યું છે? જાતજાતની બીમારીઓ થવા લાગી છે. આપણે ધરતીને પણ દૂષિત કરી નાખી છે. કંઇ જ શુદ્ધ અને સાત્ત્વિક રહ્યું નથી. આવું જ ચાલ્યું તો બાળકો જ મોટા થઇને કહેશે કે, અમને પેદા શા માટે કર્યા?
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 ઓગસ્ટ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com