સ્ક્રીન ટાઇમ
v/s
સ્લીપ ટાઇમ
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
લોકોનાં મગજ ખરાબ થઈ રહ્યાં છે એનું કારણ એ છે કે,
લોકો દિવસનો મોટો ભાગ કોઈ ને કોઈ સ્ક્રીન સામે પસાર કરે છે.
સ્લીપનો સમય પણ સ્ક્રીન ખાઈ જવા લાગ્યો છે!
———–
તમે દિવસના કેટલા કલાક સ્ક્રીન સામે હોવ છો? લોકો પોતાના રેગ્યુલર કામમાંથી થોડીક મિનિટ નવરા પડે કે તરત જ હાથમાં મોબાઇલ લઇ લે છે. સ્ક્રીન ટાઇમમાં માત્ર મોબાઇલની જ ગણતરી કરવાની નથી. તમે ઓફિસમાં કેટલો સમય કમ્પ્યૂટર કે લેપટોપ પર કામ કરો છો? ઘરે આવીને કેટલો સમય ટેલિવિઝન જુઓ છો? ઓટીટી પ્લેટફોર્મ પર વેબસીરિઝનું લોકોને ઘેલું લાગ્યું છે. આખેઆખી સિઝન એક જ બેઠકે પૂરી કરવાવાળા લોકોની પણ કમી નથી. વીક એન્ડમાં તો લોકો આખી આખી રાત વેબસીરિઝ જોયે રાખે છે. ઓવરઓલ, આખા દિવસમાં આપણી આંખો કેટલા કલાકો કોઇ ને કોઇ સ્ક્રીન સામે મંડાયેલી રહે છે? હમણાંનો એક સરવૅ એવું કહે છે કે, માણસનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. તેના કારણે સ્લીપ ટાઇમ ઘટી રહ્યો છે. એક સમય હતો જ્યારે બાર વાગ્યે સૂવું બહુ મોડું ગણાતું હતું. બાર વાગ્યા સુધી ઘરની બહાર હોય ત્યારે મા-બાપ અને વડીલો એવું કહેતાં કે, શું બાર બાર વાગ્યા સુધી રખડો છો? હવે બાર વાગ્યા સુધી જાગવું સાવ કોમન થઇ ગયું છે. બાર વાગ્યે જ સૂવાનો સમય હોય એવું ઘણા લોકો વર્તી રહ્યા છે. કોઈ વ્યક્તિ એમ કહે કે, હું તો નવદસ વાગ્યે સૂઈ જાઉં છું તો બધાને આશ્ચર્ય થાય છે. લોકોની લાઇફસ્ટાઇલ જ એવી થઇ ગઇ છે કે, એણે વહેલું સૂવું હોય તો પણ ઊંઘ નથી આવતી. બોડી ક્લોક જ એવી સેટ થઇ ગઇ હોય છે કે, બાર વાગ્યા પછી જ ઊંઘ આવે.
માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે તબીબો એને સાઇકોલૉજિસ્ટ્સ લોકોને સ્ક્રીન ટાઇમ ઘટાડવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે, તમારા સ્ક્રીન ટાઇમ પર નજર રાખો. વધુ પડતો સમય આપશો તો સમય તો બગડશે જ, સાથોસાથ હેલ્થ ઇશ્યૂ પણ ઊભા થશે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી દ્વારા હમણાં દેશનાં 18 રાજ્યોમાં 15થી 34 વર્ષની વયના 9316 યુવાનો પર એક સરવૅ હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવૅમાં 45 ટકા યુવાનોએ કહ્યું હતું કે, સ્ક્રીન ટાઇમમાં વધારો થયો છે. વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર લોકો સૌથી વધારે એક્ટિવ રહે છે. આ સાથે જ આ યુવાનોએ એમ પણ કહ્યું હતું કે, તેમની ચિંતા અને ભયમાં વધારો થયો હતો. બીજો એક સરવૅ એવું કહે છે કે, સ્ક્રીન ટાઇમ વધવાના કારણે ઊંઘ ઘટી છે. સતત કંઇક ને કંઇક જોયે રાખવાથી આંખને શ્રમ પડે છે. રાતે પથારીમાં પડ્યા પછી પણ ઘડીકમાં ઊંઘ નથી આવતી. સૂતા પહેલાં છેલ્લી ઘડીએ પણ લોકો મોબાઇલ જોઇ લે છે. રાતે ઊંઘ ઊડે તો પણ મોબાઇલ ચેક કરી લે છે. સવારે ઊઠતાંવેંત પહેલું કામ મોબાઇલ જોવાનું જ કરવામાં આવે છે. મજાની વાત એ પણ છે કે, મોટા ભાગના લોકોને મોબાઇલ પાછળ સમય બરબાદ કર્યાંનો અફસોસ પણ હોય છે.
બાળકો પણ હવે હાથમાં મોબાઇલ લઇને બેઠાં હોય છે. બાળકોનો સ્ક્રીન ટાઇમ ક્યારેય ચેક કર્યો છે? જે પેરેન્ટ્સ પોતાના સંતાનને મનફાવે એટલો સમય મોબાઇલ વાપરવા આપે છે એ એની જિંદગી સાથે ચેડાં કરી રહ્યાં છે. મા-બાપે સંતાનને બચપણથી જ મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરતાં શીખવવું જોઇએ. મોબાઇલનો જરૂર પૂરતો ઉપયોગ કરતાં શીખવવું એ પણ એક સંસ્કાર જ છે. સંતાનો મર્યાદામાં મોબાઇલ વાપરે એના માટે સૌથી વધુ જરૂરી એ છે કે, મા-બાપ પણ આખો દિવસ હાથમાં મોબાઇલ લઇને ન બેસે. બાળકો તો આખરે મા-બાપને જોઈને જ બધું શીખતાં હોય છે. મા-બાપ જ જો મોબાઇલનાં એડિક્ટ હોય તો એ સંતાનો પાસે સારી આશા રાખી શકે નહીં. બાળકોની આંખની સમસ્યાઓ સતત વધી રહી છે, એની પાછળ પણ સ્ક્રીન ટાઇમ જ જવાબદાર છે.
ઊંઘ પૂરી નહીં થાય તો આખો દિવસ ખરાબ જવાનો છે. લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટના એક્સપર્ટ્સ દિવસને ત્રણ ભાગમાં વહેંચવાનું કહે છે. આઠ કલાક કામ, આઠ કલાક અન્ય પ્રવૃત્તિ અને આઠ કલાક ઊંઘ. કામ કરતી વખતે મોબાઇલને દૂર રાખવો. રિલેક્સ થવા માટેના જે આઠ કલાક છે તેના પણ ત્રણ ભાગ પાડવા જોઇએ. ત્રણ કલાક રોજિંદી ક્રિયાઓ માટે, ત્રણ કલાક સ્વજનો સાથે સંવાદ માટે અને ત્રણ કલાક પોતાને ગમતી પ્રવૃત્તિ માટે. આ ત્રણ કલાક પણ મોબાઇલ ખાઇ ન જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. તમે કોઇની સાથે વાત કરતા હો ત્યારે તેની આંખમાં આંખ મિલાવીને વાત કરો છો? ઘણા લોકોનું ધ્યાન બીજાની સાથે વાત કરતી વખતે પણ મોબાઇલમાં હોય છે. આવું કરવું સામેની વ્યક્તિનું અપમાન જ છે. તમે વિચાર કરજો કે તમે કોઇની સાથે વાત કરતા હો અને એ તમારી સામે જુએ જ નહીં અને મોબાઇલ જ જોતા રહે તો તમને કેવું લાગે? હવેનો સમય ડિજિટલ ડિસિપ્લિન ફૉલો કરવાનો છે. લોકો ટ્રેન, બસ કે પ્લેનમાં પણ ફુલ વૉલ્યૂમ રાખીને કંઇક જોતા કે વીડિયો કૉલ પર વાત કરતા રહે છે. માણસ એ વિચાર જ નથી કરતો કે મારી હરકતોના કારણે કોઇ વ્યક્તિ ડિસ્ટર્બ કે ઇરિટેટ થતો હશે. તમે એન્જોય કરો એનો વાંધો નથી પણ બીજાને ખલેલ પહોંચવી ન જોઇએ.
દરેક માણસે પોતાની બોડી ક્લોક એવી રીતે સેટ કરવી જોઇએ કે પોતાની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઈ રહે. શરીરનું એવું છે કે, એને જેવી આદત પાડશો એવી પડશે. ઊંઘ વિશે એવું પણ કહેવાતું રહ્યું છે કે, ઊંઘ વધારો તો વધે અને ઘટાડો તો ઘટે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે, હું તો છ કલાક જ સૂવું છું. ઘણા મહાન લોકો વિશે એવી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ કે, તેઓ માત્ર આટલા કલાક જ ઊંઘતા હતા. સારી વાત છે પણ એ જાગતી અવસ્થામાં શું કરે છે એ જાણવું પણ મહત્ત્વનું છે. તેમનું શરીર એમને વધુ શ્રમ અને ઓછો આરામ કરવા પરમિટ કરતું હશે. એ લોકો પણ જાગ્રત અવસ્થામાં ક્રિએટિવ કામ કરતા હશે. મોબાઇલ લઇને નહીં બેઠા હોય કે ટેલિવિઝન સામે ખોડાયેલા રહેતા નહીં હોય! મેડિકલ સાયન્સ એવું કહે છે કે, આઠ કલાકની ઊંઘ જરૂરી છે. ક્યારેક સંજોગવશાત્ ઊંઘ થોડીક ઓછી કે વધુ થાય તો વાંધો નથી પણ બાકીના સંજોગોમાં તો શરીરને પણ પૂરો આરામ મળવો જોઇએ. જેમ ઓછી ઊંઘ શરીર માટે મુશ્કેલી સર્જે છે એમ વધુ પડતી ઊંઘ પણ નુકસાન જ કરે છે. ઘણા લોકો દસ-બાર કલાક સૂતા રહે છે. વધુ સૂતા રહીએ તો એની પણ આદત પડી જાય છે. ઊંઘનું એવું નથી કે, આજે બે કલાક ઓછા સૂતા અને કાલે બે કલાક વધુ સૂઈશું તો બધું સરભર થઈ રહેશે. હા, આપણે ક્યારેક એવું કરતા હોઇએ છીએ કે ઊંઘ ન થઇ હોય કે થાકી ગયા હોઇએ તો બીજા દિવસે થોડોક વધુ આરામ કરી લઇએ છીએ. એમાં પણ ક્યારેક ચાલી જાય છે. સાચી અને સારી ઊંઘ એ છે કે, પથારીમાં પડીએ એ પછી થોડી જ ક્ષણોમાં ઊંઘ આવી જાય. રાત દરમિયાન ઘસઘસાટ ઊંઘ આવે અને સવારે નેચરલ કોર્સમાં ઊંઘ ઊડી જાય. ઊઠીએ ત્યારે એકદમ ફ્રેશ ફીલ થવું જોઇએ. ઊંઘ સરખી નહીં થઇ હોય તો સવારે ઊઠીએ ત્યારે પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે. સારી ઊંઘ માટે કોઈ પણ સ્ક્રીનથી બને એટલા દૂર રહો. દિવસમાં થોડો સમય ખુલ્લામાં રહો, પ્રકૃતિને થોડીક માણો અને હસતાં રહો. પોતાના પર પણ વૉચ રાખવી પડતી હોય છે. ધ્યાન ન રાખીએ તો ઘણી વખત આપણે જ આપણા હાથમાંથી છટકી જતા હોઈએ છીએ!
હા, એવું છે!
કાર હોય એટલે આપણે આખો દિવસ રખડતા નથી, એવી જ રીતે મોબાઇલ હોય એટલે આખો દિવસ કંઈક ને કંઈક જોયા રાખવું જરૂરી નથી. આંખોને આરામ મળતો બંધ થઈ જશે તો દૃષ્ટિ બદલાઈ જ જવાની છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 ઓગસ્ટ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com