ખૂન અને હુમલાની ઘટના વખતે
તમાશો જોતા લોકો
બચાવવા કેમ જતા નથી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
માણસના દરેક વર્તનની પાછળ કોઇ સાઇકોલૉજિકલ રિઝન હોય છે.
લોકોમાં ડર, ચિંતા અને અસલામતીની લાગણી વધતી જાય છે!
———–
દિલ પર હાથ મૂકીને કહેજો, તમારી નજર સામે કોઇનું મર્ડર થતું હોય તો તમે માર ખાનારને બચાવવા કે હુમલાખોરને રોકવા જાવ ખરા? કોઈ માણસ મુશ્કેલીમાં હોય, એક્સિડન્ટના કારણે ઇજા પામ્યો હોય, આગમાં ફસાયો હોય કે પાણીમાં ડૂબતો હોય ત્યારે માણસ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને બચાવવા દોડી જાય છે પણ હુમલાના કિસ્સામાં કેમ દૂર રહેવાનું પસંદ કરે છે? દિલ્હીમાં થોડા દિવસ અગાઉ સાક્ષી નામની કિશોરીને સાહિલ ખાન નામના યુવાને સરાજાહેર રોડ પર છરીના અસંખ્ય ઘા ઝીંકીને મારી નાખી. આ ઘટના બની ત્યારે ઘણા લોકો એ ગલીમાંથી આવતા જતા હતા. કોઇ સાક્ષીને બચાવવા ન ગયું. સુરતની ગ્રીષ્માની હત્યા ફેનિલ ગોયાણી નામના યુવાને આવી જ રીતે લોકોની નજર સામે કરી હતી. આવા તો ઘણા કિસ્સા છે. લોકો ઊભા રહીને તમાશો જુએ છે પણ કોઇ વચ્ચે પડતું નથી. આખરે લોકો કેમ આવું કરે છે? લોકોને શું રોકતું હોય છે? મર્ડરના વીડિયો વાઇરલ થાય ત્યારે આવતાં જતાં લોકોને જોઇને લોકો એવો સવાલ પણ કરતા હોય છે કે, જુવો તો કોઇ બચાવવા પણ નથી જતું!
લોકોને એ વાતનો ડર હોય છે કે, આપણે બચાવવા જઇએ અને હુમલાખોર આપણા પર જ ઘા કરે તો? આવા ઘણા કિસ્સાઓ બન્યા પણ છે. બે જણાં ઝઘડતા હોય એ બાજુએ રહી જાય અને નવાણિયો કુટાઇ જાય! માણસને મારનો ડર લાગે એ સ્વાભાવિક છે. બીજી વાત એ પણ છે કે, કોઇની માથાકૂટમાં આપણે શા માટે પડવું જોઇએ? આપણે આપણા કામથી કામ રાખવાનું! આપણને શું ખબર કે, બે વ્યક્તિ વચ્ચેના ઝઘડાનું કારણ શું છે? બચાવવા જઇએ અને કંઇક થાય ત્યારે ઘરના લોકો જ કહે કે, તને કોણે દોઢડાહ્યો કર્યો હતો? તારે વચ્ચે કૂદવાની શું જરૂર હતી? બહુ સારા થવામાં માલ નથી! લેવાદેવા વગરનો આપણો વારો નીકળી જાય!
હુમલા વખતે કોઈ બચાવવા આગળ ન આવ્યું હોય એવું કંઈ હમણાંથી જ બની રહ્યું છે એવું નથી. અગાઉ પણ આવું જ થતું હતું. આવું કેમ થાય છે એના વિશે સાઇકૉલોજિકલ રિસર્ચ પણ થયાં છે. સાઇકોલોજીની ભાષામાં તેને બાઇસ્ટેન્ડર ઇફેક્ટ કહે છે. માણસ ટોળામાં હોય અથવા તો ઘણા લોકોની હાજરીમાં કંઈ બનતું હોય ત્યારે લોકોમાંથી કોઇ આગળ આવતું નથી. આ અંગેના અભ્યાસમાં એક થિયરી એવી પણ છે કે, બધા લોકો એવું વિચારે છે કે, આટલા બધા લોકો છે એટલે મારે જવાની જરૂર નથી, કોઇક તો જશે જ! બધા આવું જ વિચારતા હોય છે એટલે સરવાળે કોઇ જતું હોતું નથી. તેની સામે એક વિચિત્ર વાત પણ મનોવૈજ્ઞાનિક અભ્યાસ દરમિયાન બહાર આવી છે. આજુબાજુમાં બીજું કોઇ ન હોય અને હુમલાની ઘટના બને ત્યારે જો કોઇ વ્યક્તિ ત્યાં એકલી જ હોય તો એ બચાવવા અને મદદ કરવા દોડી જશે!
આ અભ્યાસ પાછળ માર્ચ, 1964માં અમેરિકામાં બનેલી એક ઘટના પણ કારણભૂત છે. કીટી ગેનોવીઝ નામની 28 વર્ષની અમેરિકન યુવતી કામ પરથી પોતાના ઘરે પાછી ફરતી હતી. તેના એપાર્ટમેન્ટની સામે જ એક યુવાને તેને રોકી. સરાજાહેર તેના પર બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં, દુષ્કર્મ કર્યા બાદ હુમલાખોરે છરો મારીને કીટીની હત્યા કરી નાખી. હદ એ વાતની હતી કે, 40 લોકો આ બળાત્કાર અને હત્યાની ઘટના જોતા હતા! કીટી બચાવવા માટે રાડો પાડતી હતી પણ કોઇ તેને બચાવવા ગયું નહોતું! આ ઘટના બાદ આવી ઘટના વખતે મદદ માટે આગળ ન આવવાની વૃત્તિને કીટીની સરનેમ પરથી ગેનોવીઝ સિન્ડ્રોમ જ નામ આપવામાં આવ્યું હતું. આ ઘટનાનાં ચાર વર્ષ બાદ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો.
એક રૂમમાં 40 લોકોને રાખવામાં આવ્યા. ધીમે ધીમે એ રૂમમાં ધુમાડો છોડવામાં આવ્યો. પહેલાં તો 40માંથી કોઇએ ધુમાડા વિશે ફરિયાદ ન કરી. ધુમાડો ખૂબ વધી ગયો એ પછી પંદર જેટલા લોકો ફરિયાદ કરવા આગળ આવ્યા. એ પણ જ્યારે પોતાનાથી સહન ન થયું ત્યારે. આ જ પ્રયોગ પછી જરાક જુદી રીતે કરવામાં આવ્યો. એક રૂમમાં વારાફરતી એક એક વ્યક્તિને જ રાખવામાં આવી. રૂમમાં ધુમાડો છોડવામાં આવ્યો. જેવો ધુમાડો આવ્યો કે તરત જ રૂમમાં બેઠેલી વ્યક્તિએ ફરિયાદ કરી કે, સમથિંગ ઇઝ રોંગ! ફરિયાદ કરનારાઓની સંખ્યા 75 ટકા હતી. કીટીના કેસનો પણ સાઇકોલૉજિકલ સ્ટડી કરવામાં આવ્યો હતો. જે 40 લોકો ઘટનાના સાક્ષી હતા એમાંથી 38 લોકોએ એવું કહ્યું કે, અમને એવું લાગ્યું કે એ બંને પ્રેમીઓ વચ્ચેનો સવાલ છે. બંનેના ઝઘડામાં આપણે શા માટે પડવું એવું વિચારીને જ અમે કંઇ કર્યું નહોતું. આવું થતું હોય છે. પોતાને ઇજા થશે અથવા તો કારણ વગરના વિવાદમાં ફસાઇ જવાશે એ ડરે લોકો મદદ કરવા ન જાય એ તો હજુયે સમજી શકાય એવી વાત છે પણ લોકો પોલીસને પણ જાણ નથી કરતા. આ વિશે એવી સલાહ આપવામાં આવે છે કે, બીજું કંઈ ન કરી શકો તો એક ખૂણામાં જઇને પોલીસને જાણ કરી દો કે, અહીં આવી ઘટના બની રહી છે, તમે જલદી પહોંચો. આપણે ત્યાં પોલીસની ઇમેજ ક્રાઇમ પતી ગયા પછી આવવાની રહી છે છતાં બનવાજોગ છે કે, કંઈક અઘટિત બને એ પહેલાં પોલીસ આવી જાય અને કોઇનો જીવ બચી જાય અથવા ઓછી હાનિ થાય!
માણસની ક્રૂરતા વિશે પણ ખૂબ અભ્યાસો થયા છે. સાક્ષી અને સાહિલના કિસ્સામાં કારણ ગમે તે હોય પણ જે રીતે સાક્ષીને છરીના ઘા માર્યા હતા એ ભલભલા માણસને હચમચાવી દે એવા હતા. જે ઝનૂનથી સાક્ષીના દેહ પર પ્રહાર કરવામાં આવતા હતા એ જોઇને કોઇ તેને બચાવવા જવાની હિંમત પણ ન કરે! છરીના ઘા મારવાથી સંતોષ ન થયો એમ સાહિલે પથ્થર ઉપાડીને સાક્ષી માથે ફેંક્યો હતો. આવી ઘટનાઓથી એક સવાલ એ પણ ઊઠે છે કે, શું માણસ અગાઉ કરતાં અત્યારે વધુ ઝનૂની અને હિંસક બની ગયો છે? છેલ્લા થોડા સમયમાં એવા અનેક કિસ્સાઓ પણ બન્યા છે કે, પોતાની પ્રેમિકા કે લિવ ઇન પાર્ટનરને મારી નાખીને તેના ટુકડાઓ કર્યાં હોય! સામાન્ય માણસને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, માણસ આટલો બધો ક્રૂર કઈ રીતે થઈ શકતો હશે?
વાત મારવાની હોય કે બચાવવાની હોય, લોકોની માનસિકતાનો અભ્યાસ હવે નવેસરથી કરવો પડે એમ છે. એક નવી વાત પણ હવે ઉમેરાઇ છે. હુમલા કે મારામારીની કોઇ ઘટના બનતી હોય ત્યારે બચાવવા જવાની વાત તો દૂર રહી, લોકો હવે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારતા હોય છે. આવા ઘણા વીડિયો ફરતા ફરતા આપણી પાસે પણ આવ્યા હોય છે. એ જોઇને આપણને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, જેણે વીડિયો ઉતાર્યો છે એણે બચાવવાનો પ્રયાસ કર્યો હતો તો? કદાચ કંઈ ફેર પડ્યો હોત! સમયની સાથે લોકોની માનસિકતામાં બદલાવ આવતા હોય છે. અલબત્ત, જાણકારો તો એમ પણ કહે છે કે, હિંસક અને ક્રૂર ઘટનાઓ હવે જ બને છે એવું નથી, અગાઉ પણ આ જ રીતે બનતી હતી. અત્યારનો સમય સાઇબર ટેક્નોલોજીનો છે. કોઇ ઘટના બને એટલે તરત જ તેના વીડિયો કે સીસીટીવીના ફૂટેજ ફરતા થઇ જાય છે. પહેલાં બધું છાનાખૂણે થતું અને ઘણા કિસ્સાઓ તો બહાર જ આવતા નહોતા! લોકો પહેલાં પણ પારકી બબાલોથી દૂર રહેતા હતા અને હજુ પણ એવું જ કરી રહ્યા છે!
હા, એવું છે!
પ્રેમ અને હિંસા વિશે થયેલો એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ એવું કહે છે કે, પ્રેમ ઘણી વખત આધિપત્ય સર્જે છે. તુમ અગર મુજકો ન ચાહો તો કોઇ બાત નહીં, તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કીલ હોગીની ફીલિંગ માણસને હત્યા સુધી પ્રેરી શકે છે. કેવી વિચિત્ર વાત છે કે, સૌથી ખતરનાક ક્રાઇમ પાછળ પ્રેમનું પરિબળ જ જવાબદાર હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 જૂન, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com