વ્યસન છોડવું ખરેખર
કેટલું અઘરું છે, નહીં?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
આજે નો ટોબેકો ડે છે. તમાકુ નુકસાન કરે છે એ આખી દુનિયા
જાણે છે અને દરેક વ્યસની બીડી, સિગારેટ છોડવાના પ્રયાસો કરતા જ
હોય છે પણ સફળતા કેમ મળતી નથી?
———–
સિગારેટ પીનાર દરેક વ્યક્તિને એ વાતની ખબર જ હોય છે કે, સિગારેટ પીવી એ તબિયત માટે હાનિકારક છે. સિગારેટના પેકેટ પર અગાઉ કાનૂની ચેતવણી લખાતી હતી. હવે ચેતવણીની સાથે જોઈને જ ડર લાગે એવી તસવીરો છાપવામાં આવે છે. પેકેટમાંથી સિગારેટ કાઢતી વખતે લોકો એ તરફ જોવાનું જ ટાળે છે. તમાકુ કે ગુટખા ખાવાવાળી વ્યક્તિને કબજિયાતના કારણે પણ મોઢામાં ચાંદી પડે તો ફફડી જાય છે કે, ક્યાંક કેન્સરની ચાંદી નહીં હોયને? વ્યસન વિશે સૌથી મોટું સત્ય એ છે કે, પોતાને આશ્વાસન આપવા માટે માણસ પોતાને જ છેતરતો રહે છે. જિંદગીમાં કંઇક તો જોઇએને? સાવ સીધીસાદી જિંદગી જીવવાનો કોઈ મતલબ ખરો? મોતને કોઇ રોકી નથી શકવાનું તો પછી ડરવાનું શું? કેન્સર તો એકેય વ્યસન ન હોય એનેય થાય છે! જેને કોઇ વ્યસન ન હોય, એ નાની વયે કોઇ કારણસર મૃત્યુ પામે ત્યારે પણ માણસ એવું બોલે છે કે, એને તો કોઇ વ્યસન પણ નહોતું, તોયે એની સાથે આવું થયું! માણસ આવું બોલી કે વિચારીને પોતાના વ્યસનને છાવરતો હોય છે. તમને ક્વીન ફિલ્મમાં કંગના રનૌત બોલે છે એ ડાયલોગ યાદ છે? મેરા હાલ ના, ગુપ્તા અંકલ જૈસા હો ગયા હૈ, ગુપ્તા અંકલ કો કેન્સર હો ગયા, ઉન્હોંને કભી શરાબ નહીં પી, સિગારેટ નહીં પી, ફીર ભી કેન્સર હો ગયા, ઇસ સે અચ્છા તો પી લેતે! આપણા વ્યસનના બચાવ માટે આપણે કોઈ ડાયલોગ, કોઈ ઘટના, કોઇ શેર, કોઇ શાયરીનો સહારો લઇએ છીએ. મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા. લોકો આવી વાતો કરીને પોતાનું ગિલ્ટ છુપાવતા હોય છે. વ્યસન એવી ચીજ છે જે એક વાર લાગી ગઇ પછી આસાનીથી છૂટતી નથી. હા, લોકો એવી મસ્તી જરૂર કરે છે કે, કોણે કહ્યું, સિગારેટ છોડવી મુશ્કેલ છે, મેં ઘણી વાર છોડી છે!
સાચી વાત એ પણ છે કે, દરેકે દરેક સિગારેટ પીનાર વ્યક્તિએ એક વાર તો સિગારેટ છોડવાનો પ્રયાસ કર્યો જ હોય છે. નવા વર્ષે જે રિઝોલ્યૂશન લેવામાં આવે છે તેમાં સૌથી વધુ કદાચ વ્યસન છોડવાનાં હોય છે. થોડો સમય માંડમાંડ ટકી શકાય છે, પછી કોઈ ને કોઈ બહાને સિગારેટ કે તમાકુ ફરીથી ચાલુ થઇ જાય છે. આજે નો-ટોબેકો દિવસ છે. સિગારેટ પીવાથી દર વર્ષે આટલા લોકોનાં મોત થાય છે, તમાકુ ખાવાથી આટલા પ્રકારનાં કેન્સર થાય છે. તમારે સિગારેટ છોડવી છે તો આ નંબર પર ફોન કરો. આ અને આવી ઘણી વાતો આજે સાંભળવા મળશે. તમારે વ્યસન છોડવું છે, તો સો ટકા છૂટી શકે છે. વ્યસન છોડવાના ઘણા રસ્તા છે. આ બધામાં જો કંઈ સૌથી વધુ મહત્ત્વનું હોય તો એ દાનત છે. મક્કમ મન વગરના બધા પ્રયત્નો લાંબા ટકશે નહીં. સૌથી પહેલાં મનથી નક્કી કરવું પડે છે કે, મારે વ્યસનથી મુક્ત થવું છે. મનથી નક્કી કર્યા પછી વ્યસનથી મુક્ત થવા માટે કોઇ પણ રસ્તો અપનાવો, રિહેબિલિએશન સેન્ટરમાં જાવ, ધ્યાન અને યોગા કરો, તલપ લાગે ત્યારે ચ્યુંઇંગમ ખાવ, બીજો કોઇ પણ રસ્તો અપનાવો પણ પહેલાં મનને મક્કમ કરો કે મારે મારું ધાર્યું કરવું છે.
વ્યસન માણસને કિક આપે છે અને સાથોસાથ એ માણસને પરાધીન પણ કરી નાખે છે. કોઈને ન ગાંઠતો, કોઇની પરવા ન કરતો માણસ સિગારેટ ન મળે તો બેબાકળો થઈ જાય છે. થોડાક કલાક ફ્લાઇટમાં મુસાફરી કરવાની હોય તો સિગારેટ વગર કેમ રહેવાશે એના ટેન્શનમાં હોય છે અને ચેક-ઇન કરતાં પહેલાં સ્મોકિંગ રૂમમાં જઇને બે-ત્રણ સિગારેટ ફૂંકી મારે છે. જાહેર સ્થળો પર સિગારેટ પીવાની હવે છૂટ નથી તો પણ ગલી-ખાંચામાં સિગારેટ પીવાય છે. સિગારેટ અને તમાકુના સેવન સામે લોકોને અવેર કરવા માટે જબરજસ્ત કેમ્પેન ચાલે છે છતાં પણ દેશ અને દુનિયામાં સિગારેટોનું વેચાણ તો વધતું જ જાય છે. ગુટખા, બીડી, બજર, પેસ્ટ અને કેટકેટલા ફોર્મમાં તમાકુ અવેલેબલ છે. સ્મોકિંગ વિશે બંને પક્ષે દલીલો થાય છે. એક તરફ એવું કહેવાય છે કે, સરકાર ધૂમ્રપાનથી થતાં નુકસાનને જાણે છે તો સિગારેટ અને તમાકુની બીજી ચીજો પર સંપૂર્ણપણે પ્રતિબંધ શા માટે મૂકી નથી દેતી? સિગારેટ બનાવવાની અને વેચવાની જ મનાઈ હોય તો મળવાની ક્યાંથી? બીજી દલીલ એ છે કે, લોકોએ જે કરવું હોય એ કરે, તમે માણસને સાવચેત કરી શકો પણ રોકી ન શકો. માણસને એ પણ અધિકાર હોવો જોઇએ કે પોતાની જાત સાથે શું કરવું, શું ખાવું, શું પીવું અને કેમ જીવવું. દરેકે પોતપોતાની રીતે દલીલો કરી છે પણ એક વાતે તો બધા સંમત થશે જ કે સ્મોકિંગ સારી આદત નથી, સ્મોકિંગથી નુકસાન થાય છે અને સ્મોકિંગ તથા દરેક પ્રકારના તમાકુથી બચવું જોઇએ. પ્રયાસ તો કરો, પ્રયત્ન કરશો તો સફળતા મળશે, જો બહાનાં જ કાઢતાં રહેશો તો વ્યસન વધુ ને વધુ પાક્કું થતું જશે. વ્યસન વિશે એટલે જ એવું કહેવાયું છે કે, દોરા પર દોરો ચડતો જાય એમ એમ વ્યસન પણ ધીમે ધીમે વધતું રહે છે. એક સમયે દોરા પર દોરા ચડીને દોરડું બની જાય છે, દોરડું આસાનીથી તૂટતું નથી, એટલે દોરા હોય ત્યાં જ તેને તોડી નાખો!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 31 મે, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com