DIVORCE સાથ છૂટ્યા વેળાની વેદના – સંવેદના : દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

DIVORCE
સાથ છૂટ્યા વેળાની
વેદના – સંવેદના

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દરેક સંબંધનો એક ગ્રેસ હોય છે.

ભેગાં થવા કરતાં  પણ છૂટાં પડવામાં વધુ સમજણની જરૂર પડતી હોય છે!


———–

કોઇ લગ્ન છૂટાં પડવા માટે થતાં હોતાં નથી. ભેગાં થઇ ગયા એટલે સાથે જ રહીશું એની પણ કોઈ ગેરંટી હોતી નથી. સંબંધો ક્યારે વળાંક લે અને હાથ તથા સાથ ક્યારે છૂટે એ નક્કી હોતું નથી. લગ્ન વિશે એવું કહેવાતું આવ્યું છે કે, મેરેજીસ આર મેઇડ ઇન હેવન. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. થતાં હશે પણ એને જીવવાનાં અને જીરવવાનાં તો ધરતી પર જ હોય છે. દાંપત્યને જો જીવતાં આવડે તો ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થઇ શકે છે. સમયની સાથે સંબંધોનું પોત વધુ ને વધુ પાતળું પડતું જાય છે. સમજ અને સ્વીકાર સામે સવાલો ખડા થાય છે. એવું જરાયે નથી કે, પહેલાં બધું બહુ સારું હતું અને હવે બધું ખાડે ગયું છે. કદાચ તો હવે જ વધુ સારું થયું છે. બે વ્યક્તિને ન ફાવતું હોય તો ગ્રેસફુલ્લી છૂટાં પડવામાં કંઈ વાંધો હોતો નથી. ધરાર ખેંચવાનો કોઇ મતલબ હોતો નથી. છેલ્લે સુધી એવી પ્રામાણિક કોશિશ કરવી કે સંબંધો જળવાઇ રહે. થોડુંકેય સત્ત્વ બચ્યું હોય તો ચાન્સ આપવો જોઇએ. હવે આ સંબંધમાં કંઇ જ રહ્યું નથી એવું લાગે ત્યારે તું તારા રસ્તે અને હું મારા રસ્તે કરવામાં અને કહેવામાં કોઇ પ્રોબ્લેમ ન હોવો જોઇએ. સવાલ માત્ર ને માત્ર ગ્રેસનો છે. ભેગાં થવા કરતાં પણ અનેકગણી સમજણની આવશ્યક્તા જુદાં પડતી વખતે રહે છે. જોઇ લેવાની અને દેખાડી દેવાની ભાવના જુદા થયા પછી પણ બંનેને ડંખતી રહે છે. મારું ગમે તે થાય પણ તને તો શાંતિ લેવા નહીં જ દઉં. તેં મારી જિંદગી બરબાદ કરી છે તો તારી હાલત પણ ખરાબ કરી નાખીશ. છૂટાં થયા પછી પણ કેટલા લોકો મુક્ત થઇ શકતા હોય છે?
આપણા દેશમાં ડિવોર્સ લેવા માટે અઘરી અને આકરી અદાલતી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયા થોડીક હળવી થાય એવો નિર્ણય સંભળાવ્યો છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાના હોય ત્યારે છ મહિનાની રાહ જોવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, લગ્નજીવનમાં કોઇ સુધારો થાય એવી કોઇ શક્યતાઓ ન હોય એવા કેસોમાં અદાલત છૂટાછેડાની મંજૂરી આપી શકે છે. સારી વાત છે. આપણે ત્યાં વ્યભિચાર, ક્રૂરતા, અત્યાચાર વગેરેને છૂટાછેડા માટે કારણ માનવામાં આવે છે. બે વ્યક્તિને ન બનતું હોય ત્યારે એ પણ જણાવવું પડે છે કે, શા માટે નથી બનતું? ક્યારેક ડિવોર્સ માટે કોઇ દેખીતું કારણ હોતું નથી. બે વ્યક્તિને એકબીજા સાથે ફાવતું નથી, જીવવાની મજા આવતી નથી, એ કારણ ન હોય શકે? દરેક કિસ્સામાં ઝઘડા થતાં હોય, મારપીટ થતી હોય કે ગાળાગાળી થતી હોય એવું જરૂરી નથી. ડિવોર્સ માટે આપણે ત્યાં ફેમિલી કોર્ટ છે. ફેમિલી કોર્ટ છ મહિનાનો કૂલિંગ પીરિયડ આપે છે. તેની પાછળની ભાવના એવી છે કે, કદાચ છ મહિનામાં કંઇક એવું બને કે બંને પાછાં સાથે રહેવા માટે રાજી થઇ જાય. કેટલાંક કિસ્સામાં આવું થતું હોય છે, અલબત્ત, મોટા ભાગે એ વડીલોના દબાણના કારણે થતું હોય છે. હવે જો બંને વ્યક્તિ કૂલિંગ પીરિયડની જરૂર નથી એવું કહેશે તો ડિવોર્સ મળી જશે. બેમાંથી એક પણ જો અસહમત હશે તો છ મહિનાની રાહ જોવી પડશે. આપણે ત્યાં ડિવોર્સને આજની તારીખે અયોગ્ય માનવામાં આવે છે. ડિવોર્સ હજુયે ચર્ચા અને કૂથલીનો વિષય બનતો રહે છે. લોકો બોલે છે એવું કે, ધરાર સાથે રહેવા કરતાં છૂટું થઇ જવું સારું પણ અંદરખાને ગોસિપ અને ખણખોદ ચાલતી રહે છે.
ડિવોર્સ લીધા બાદ યુવતીની હાલત વધુ કફોડી થતી હોય છે. એનો કોઇ વાંક ન હોય તો પણ એને જવાબદાર માનવામાં આવે છે. ડિવોર્સી મહિલા સાથે લોકોનું વર્તન પણ અસહજ હોય છે. એ પણ ખોટું છે. દરેકની પર્સનલ લાઇફ હોય છે. એમાં એન્ક્રોચમેન્ટ ન જ થવું જોઇએ. એ વાત જુદી છે કે, ડિવોર્સના કિસ્સામાં ઘણું બધું થતું રહે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં દેશના કાયદાઓમાં અને લોકોની માનસિકતામાં ઘણો બધો બદલાવ આવ્યો છે એ વાત સાચી પણ હજુ કાયદાકીય રીતે અને સામાજિક રીતે પણ ઘણું પરિવર્તન જરૂરી છે. ડિવોર્સના કિસ્સામાં બાળકો હોય ત્યારે મામલો વધુ પેચીદો થઇ જાય છે. આર્થિક પ્રશ્ન પણ મહત્ત્વનો સાબિત થતો હોય છે. હવે મહિલાઓ પણ જોબ અને બિઝનેસ કરવા લાગી છે. હમણાંના જ એક ડિવોર્સના કિસ્સામાં વળતરની રકમ આપવાની વાત થઇ ત્યારે યુવતીએ કહ્યું, તારી પાસેથી છુટકારા સિવાય કંઈ નથી જોઇતું. મારા પૂરતું કમાઇ લેવાની મારામાં તાકાત છે.
આપણા દેશમાં છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે એવું સતત કહેવાતું અને સંભળાતું આવે છે. સાચી વાત છે. આપણે ત્યાં ડિવોર્સ રેટ 1.1 જેટલો છે. અગાઉ આટલો નહોતો. કેટલાંક લોકો આ વધારાને જુદી રીતે પણ જુએ છે. તેઓ કહે છે કે, પહેલાં લોકો ફાવતું ન હોય તો પણ એકબીજા સાથે પડ્યાં રહેતાં. એક ઘરમાં સાથે રહેતાં હોય પણ લાગણી જેવું કંઇ વર્તાતું ન હોય. પેઇનફુલી કનેક્ટેડ લોકોની સંખ્યા મોટી હતી. હવે લોકો સમજુ અને પગભર થયા છે. જબરજસ્તી બેમાંથી કોઈ સહન કરતું નથી. મોઢાં ચડાવીને સામસામે રહેવું એના કરતાં દૂર થઇ જવું સારું. દુનિયાની સરખામણીમાં આપણે ત્યાં ડિવોર્સનો રેશિયો સાવ સામાન્ય છે. અમેરિકા, બ્રિટન અને ચીનમાં ડિવોર્સના કિસ્સા 40 ટકાથી વધુ છે. જર્મનીમાં 38 ટકા અને અને જાપાનમાં 35 ટકા ડિવોર્સ થાય છે. પોર્ટુગલમાં તો ડિવોર્સનો રેશિયો 94 ટકા જેટલો છે! રશિયા અને યૂક્રેનમાં 70 ટકા ડિવોર્સ થાય છે.
હમણાં જ થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, રિલેશનશિપ મેન્ટેન કરવામાં ભારતીયો મોખરે છે. એક ટકા જેટલા ડિવોર્સને એ રીતે પણ જોઇ શકાય કે 99 ટકા કપલ્સ સાથે રહે છે. ભારત ઉપરાંત વિયેટનામ, તાજિકિસ્તાન, ઇરાન, મેક્સિકો, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, તૂર્કી અને કોલંબિયાની ગણના પણ ઓછા છૂટાછેડા લેનારા ટોપ ટેન કન્ટ્રીમાં થાય છે. જોકે, ઇન્ડિયાનો ઇશ્યૂ થોડોક જુદો પણ છે. બીજા દેશોમાં ડિવોર્સ બાદ બંને વ્યક્તિ મૂવઓન થઇ જાય છે. આપણે ત્યાં ડિવોર્સની માનસિક અસર લાંબો સમય રહે છે. ડિવોર્સમાં માત્ર બે વ્યક્તિ જ નહીં, પરિવારના સભ્યો અને મિત્રો પણ ચડામણી કરતા રહે છે અને લડી લેવાની સલાહ આપતા રહે છે. એમ કંઇ થોડું છૂટું થઇ જવાય છે? લગ્ન કંઇ ઢીંગલા પોતિયાંના ખેલ થોડા છે? એમ તું કહીશ અને અમે તને જવા દઈશું? તારે પણ એની કિંમત ચૂકવવી પડશે! આવું ઘણું બધું થતું રહે છે. આપણે ત્યાં એવા અનેક કિસ્સાઓ છે કે, પતિ પત્ની વર્ષોથી અલગ રહેતાં હોય પણ બેમાંથી એકે ડિવોર્સ આપ્યા ન હોય! આપણે નક્કી ન કરી શકીએ કે, આખરે કઇ માનસિકતા કામ કરે છે? ડિવોર્સના ઢગલો કેસ ફેમિલી કોર્ટમાં પડ્યા છે, વર્ષોથી તેનો નિવેડો નથી આવ્યો. આપણે ત્યાં ડિવોર્સના કાયદામાં હજુ સરળતા લાવવાની જરૂર છે. બંનેને ન્યાય મળે અને વહેલો ન્યાય મળે તો બંને પોતપોતાની લાઇફમાં જલદીથી સેટ થઈ શકે. કાયદાની સાથે લોકોની માનસિકતા પણ બદલાય એ જરૂરી છે. ન ફાવતું હોય એને જવા દો, સંબંધનું ગૌરવ જાળવો, એટલી કડવાશથી છૂટાં ન પડો કે, ક્યારેક સામે મળી જઇએ તો હસી પણ ન શકીએ. એક વિચાર કે સરસ વાત કરી હતી કે, લગ્ન જ્યારે સફળ ન થાય ત્યારે ડિવોર્સ સકસેસ જવા જોઇએ!
હા, એવું છે!
દેશ અને દુનિયામાં હવે ડિવોર્સને પણ સેલિબ્રેટ કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. એમાં કશું ખોટું નથી પણ મોટા ભાગના કિસ્સામાં ડિવોર્સ પાર્ટી પણ છૂટી પડેલી વ્યક્તિને પેઇન આપવા માટે જ યોજવામાં આવતી હોય છે. છૂટાં પડ્યાં પછી એકબીજાનું બૂરું જ ઇચ્છવાની ભાવના સરવાળે દુ:ખ જ આપતી હોય છે. છૂટાં પડ્યાં પછી મનથી પણ મુક્ત થવું પડતું હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 મે, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *