જિંદગીની ગાડી કેમેય
કરીને પાટે ચડતી નથી
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નાની અમથી વાત પર આવી ગયાં,
આંસુ એની જાત પર આવી ગયાં,
હું રડ્યો તો મારી સાથે એ રડ્યાં,
આંસુઓ જજબાત પર આવી ગયાં.
-દીપક ઝાલા, `અદ્વેત’
કોઇ તમને પૂછે કે, જિંદગી કેવી લાગે છે તો તમે શું જવાબ આપો? જિંદગીની વ્યાખ્યા કરવી અઘરી છે. જિંદગી ક્યારેય એકસરખી રહેતી જ નથી. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. સાથે રહેતા લોકો પણ અલગ અલગ રીતે જિંદગી જીવતાં હોય છે. આદત, દાનત, ઇચ્છા, માન્યતા, ધારણા, ઇરાદા અને બીજું ઘણું બધું એકબીજાને અનોખાં સાબિત કરે છે. લાઇક માઇન્ડેડ અને સોલમેટની પણ થોડીક આદતો જ મળતી હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ તો એ પણ સરખા નથી હોતા. સોલમેટ એટલે શું? સાચી વ્યાખ્યા ભલે ગમે તે કરાતી હોય પણ તેનો સરળ અર્થ એ છે કે, સોલમેટ એટલે બંને દ્વારા એકબીજાનો જેવા છે એવો જ સ્વીકાર. જે માણસમાં સ્વીકારની ભાવના છે એ બધી જગ્યાએ સ્વીકૃતિ પામતા હોય છે. અસ્વીકાર આવે ત્યાં જ વાંધો પેદા થાય છે. આવું થોડું હોય? આવું તે કંઇ થોડું ચાલે? આ વાત જરાયે વાજબી નથી! આપણને જે વાજબી ન લાગે તેને આપણે ગેરવાજબી ઠેરવી દઇએ છીએ. આપણે ક્યારેય એ નથી વિચારતા કે, જેમ મારી માન્યતાઓ છે એમ બીજાની પણ માન્યતા હોય છે. મારા ગમા-અણગમા હોય એમ બીજાની પણ પસંદ નાપસંદ હોય છે!
એક ફેમિલીની આ વાત છે. પરિવાર સુખી હતો. ઘરમાં દરેક સભ્યને પોતપોતાના રૂમ હતા. દીકરીનો રૂમ એકદમ અસ્તવ્યસ્ત હતો. તે એવું જ માનતી કે, ઘર આપણા માટે છે. આપણી મરજી મુજબ જ આપણે રહેવું જોઇએ. દીકરો એકદમ વ્યવસ્થિત રહેતો હતો. એનું બધું જ ગોઠવેલું હોય. મા ક્યારેક દીકરીના રૂમમાં જાય અને ક્યારેક દીકરાના રૂમમાં જાય. તેને સમજાય કે, આ બંને વચ્ચે આસમાન જમીનનો ભેદ છે. તે બેમાંથી ક્યારેય કોઈને કંઈ કહેતી નહીં. એક વખત પતિએ પત્નીને કહ્યું કે, તને દીકરીનું બધું અવ્યવસ્થિત જોઈને કંઇ નથી થતું? પત્નીએ કહ્યું, ના. મને દીકરાનું બધું વ્યવસ્થિત જોઇને જો કંઇ થતું ન હોય તો દીકરીનું અવ્યવસ્થિત જોઇને પણ કંઇ ન થવું જોઇએ! આપણે આપણી માન્યતા મુજબ સારું કે ખરાબનું લેબલ મારી દેતા હોઈએ છીએ. સાચી વાત એ છે કે, એ બંનેની પોતાની જિંદગી છે. એણે જેમ જીવવી હોય એમ જીવે. મા-બાપ તરીકે આપણે એટલું જ જોવાનું હોય છે કે, એ ખોટા રસ્તે ન જાય. આપણે ઘણી વખત કોણે કેમ જીવવું જોઇએ એ પણ નક્કી કરી લેતા હોય છે. આપણી વ્યક્તિને આપણે આપણી રીતે જિવાડવી હોય છે, એની રીતે જીવવા દેવી હોતી નથી! એના કારણે જ ઘણી વખત એક જ ઘરમાં બે વ્યક્તિ અજાણ્યાની જેમ રહેતી હોય છે!
બધાની જિંદગી આપણે આપણી રીતે સેટ કરવી હોય છે. જે બીજાની જિંદગીમાં ચંચૂપાત કરતા રહે છે એ ક્યારેય પોતાની જિંદગી સારી રીતે જીવી શકતા નથી. માણસે પોતાની ચિંતા કરવાની હોય છે પણ એ બીજાની ફિકર જ કરતો રહે છે. એ પછી એવી વાત કરે છે કે, જિંદગી સેટ જ નથી થતી. જિંદગીની ગાડી પાટે જ નથી ચડતી. જિંદગીની ગાડી પાટે ન હોય તો સમજવું કે આપણે જ જિંદગીને આડે પાટે ચડાવી દીધી છે. જિંદગી પાસેથી એવી અપેક્ષા રાખી જ ન શકાય કે, એ સીધી લીટીમાં ચાલે. બધું જો સીધી લીટીમાં ચાલતું હોત તો કોઇએ કંઇ કરવાની કે સમજવાની જરૂર જ ક્યાં હોત! એક યુવાનની આ વાત છે. તેણે પોતાના મિત્રને કહ્યું કે, યાર ગમે તે કરું, જિંદગીની સેટ થતી જ નથી! માંડ માંડ એવું લાગે કે, હવે બધું સારું છે ત્યાં કંઇક એવું થાય છે કે બધું તિતરબિતર લાગે છે! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, જિંદગીની એક ફ્રિકવન્સી હોય છે પણ એ રોજે રોજ બદલાતી રહે છે. માણસે જિંદગીની ફ્રિકવન્સી રોજ સેટ કરવી પડે છે. જિંદગી ક્યારેય માણસને એડજસ્ટ થતી નથી, માણસે જિંદગી સાથે અનુકૂળ થવું પડતું હોય છે. આજે આ પ્રોબ્લેમ છે તો એનો ઉકેલ શોધવાનો. કાલે બીજો ઇશ્યૂ છે તો એનું સોલ્યુશન શોધવાનું. જિંદગીની રિધમ તો જ જળવાઇ રહે જો દરેક ક્ષણે તેની સાથે તાલમેલ બેસાડતા આવડે. એક સંગીતકાર હતો. તે પોતાનો કાર્યક્રમ શરૂ કરે એ પહેલાં થોડોક સમય વાજિંત્ર સેટ કરે. તબલાંને નાનકડી હથોડીથી ફટકારે અને ચેક કરે કે બરાબર અવાજ આવ્યો? તબલાં પર પાઉડર લગાડે અને થાપ આપે. હવે બધું ઓકે છે એટલે ગાવા-વગાડવાનું શરૂ કરે. જિંદગીનું પણ આવું જ છે. જે સ્થિતિ હોય એને પહેલાં સેટ થવા દેવાની અને પછી જીવવાનું શરૂ કરવાનું!
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું, મને જીવવાની મજા જ આવતી નથી. કોઈ મને શાંતિથી જીવવા જ દેતું નથી. સંતે હસીને સામો સવાલ કર્યો કે, તું બધાને શાંતિથી જીવવા દે છે? તારી સાથે કોઇને મજા આવે છે? જો આપણી સાથે કોઇને મજા ન આવતી હોય તો સમજવું કે, આપણામાં કંઇક પ્રોબ્લેમ છે. જે માણસમાં પોતાનામાં કોઇ પ્રોબ્લેમ હોતો નથી એને બીજામાં કોઇ પ્રોબ્લેમ નજર પડતો નથી. ઘણા લોકોને માર્ક કરજો. એ બીજાની જ વાત કરતા હોય છે. આ આમ નથી કરતો અને પેલો તેમ કરતો નથી. કોઇના વિશે તો એ એવું પણ કહેતાં હોય છે કે, એને તો જિંદગી જીવતા જ નથી આવડતું? અરે ભાઈ, એને આવડશે એવી એની જિંદગી એ જીવશે, એને એની રીતે જીવવા દોને! આપણે કોઇએ કેવી રીતે જીવવું જોઇએ એ વિશે પણ છાતી ઠોકીને વાતો કરી નાખતા હોઇએ છીએ!
જિંદગી જરાયે અઘરી છે જ નહીં, આપણે જ તેને અઘરી બનાવી દેતા હોઇએ છીએ. એક અમીર માણસ હતો. તે બધા સાથે એડજસ્ટ થઇ જતો હતો. એક વખત તેને એક સાધુ મળ્યા. સાધુને કહ્યું કે, મને જિંદગી સામે કોઇ ફરિયાદ નથી. મને જિંદગી જીવવાની બહુ મજા આવે છે. સાધુએ કહ્યું, એનું કારણ એ છે કે, તું દરેક સ્થિતિનો સ્વીકાર કરે છે. તું ભલે સમૃદ્ધ રહ્યો પણ તારામાં એક સાધુ જીવે છે. સાધુ ફક્ત જંગલમાં ધૂણી ધખાવીને રહેવાથી જ નથી થવાતું. ઘણા સાધુ બંગલા અને મહેલોમાં પણ જીવતાં હોય છે. અંતે તો તમારી પ્રકૃતિ જ તમને સાધુ કે શેતાન બનાવતી હોય છે. સાધુએ એક કિસ્સો કહ્યો. એક વખત હું જેલમાં કેદીઓને મળવા ગયો હતો. એક કેદી એકદમ શાંત અને સૌમ્ય હતો. મેં એને પૂછ્યું, બાકીના બધાના ચહેરા પર તણાવ છે, તું કેમ આટલો શાંત અને સ્વસ્થ દેખાય છે? તેણે કહ્યું, મારાથી એક ભૂલ થઈ હતી. એની સજા ભોગવું છે. મેં ભૂલનો અને સજાનો પણ મનથી સ્વીકાર કર્યો છે. મેં નક્કી કર્યું છે કે, હું ભલે જેલમાં રહ્યો પણ મારી અંદર મારે અંદર કોઇ જેલ બનાવવી નથી. જેલની બહાર જે માણસો છે એ બધા ભલે મુક્ત દેખાતા હોય પણ અંદરથી કોઇ ને કોઇ જેલમાં પુરાયેલા છે. હું જેલમાં પણ મુક્ત છું. આપણે બધાએ એ વિચારવાની જરૂર છે કે, હું મુક્ત છું ખરા? તમને જો જિંદગી જીવવા જેવી ન લાગતી હોય, તમને જો જિંદગી આકરી અને અઘરી લાગતી હોય તો માનજો કે, તમે મુક્ત નથી. તમે પોતે જ બનાવેલી કેદમાં છો અને એમાંથી છૂટી જ નથી શકતા. જિંદગી જીવવા માટે માણસે મુક્ત થવું પડે છે, પોતાની જડતાથી! તમે અંદરથી મુક્ત થશો એટલે બહારથી તો આપોઆપ મુક્તિ મળી જવાની છે. જિંદગી મુક્ત રીતે જીવો. પતંગિયાને પોતાની પાંખનો ભાર લાગતો નથી એટલે જ એ આનંદથી ઊડી શકે છે. આપણે તો જિંદગીને જ ભારે સમજી લઇએ છીએ અને એટલે જ જિંદગી સામે ફરિયાદો કરતા રહીએ છીએ. આ ઘડીએ નક્કી કરો કે, મારે દરેક ક્ષણ જીવવી છે અને કોઇ ગ્રંથિમાં બંધાવવું નથી. મારે બસ જીવવું છે. હા, એટલું યાદ રાખજો કે જીવવાની સાચી મજા પોતાના લોકો સાથે જ આવવાની છે. જિંદગી ચહેરા પર ઝળકવી જોઇએ. ચહેરા પરનો આનંદ જ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે, હું સજીવન છે, હું જિંદગી જીવી જાણું છું!
છેલ્લો સીન :
જિંદગીની એક કરુણતા એ પણ છે કે, એ જ્યારે થોડી થોડી સમજાવવા લાગે ત્યાં સુધીમાં તો અડધી જિંદગી પૂરી થઇ ગઇ હોય છે. જિંદગીની સમજ ઘણી વાર નથી પડતી એટલે જ આપણે એવું કહીએ છીએ કે, મને ખબર, અણસાર કે અંદાજ હોત તો હું આવું ન કરત! જિંદગી દર વખતે ઇશારા પણ આપતી નથી! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 30 એપ્રિલ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com