મેદસ્વિતા :
બીમારી છે કે બેદરકારી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
દુનિયામાં 65 કરોડથી વધુ લોકો મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે.
મેદસ્વિતાની દવા મુદ્દે એ ચર્ચા થાય છે કે, શું મેદસ્વિતા બીમારી છે?
મેદસ્વિતા બીમારી ન ગણીએ તો પણ એ હકીકત છે કે,
મેદસ્વિતાના કારણે અનેક બીમારીઓ થાય છે!
———–
વજન એ દુનિયાના મોટા ભાગના લોકોને કનડતો પ્રોબ્લેમ છે. જેનું વજન વધારે છે એને તો ટેન્શન છે જ, જેનું વજન બરાબર છે એને પણ એ વાતનો ડર લાગ્યા કરે છે કે, ક્યાંક વજન વધી ન જાય! બહાર ગયા હોઇએ ત્યારે જમતી વખતે એ વાતની ચિંતા રહે છે કે, ક્યાંક વધુ ખવાઇ ન જાય અને વજનમાં લોચો ન થઇ જાય. કમરના માપમાં અડધા ઇંચનો વધારો થાય ત્યાં ફફડાટ થવા લાગે છે. પેટ સામે જોઇને મોટા ભાગના લોકોને એક વિચાર આવી જાય છે કે, કંઈક કરવું પડશે! ડાયટ ફૂડ, ઓર્ગેનિક ફૂડ, જાડું ધાન્ય, સલાડ જેવા નુસખા અપનાવીએ છીએ પણ એ લાંબા ટકતા નથી. જંકફૂડ ખાવાનું મન થયા રાખે છે. આપણી લાઇફસ્ટાઇલ પણ એવી થઇ ગઇ છે કે, બોડી માસ ઇન્ડેક્સ આડોઅવળો થયા વગર ન રહે! વજન વધતા તો વધી જાય છે પછી સો ગ્રામ વજન ઉતારતા પણ નાકે દમ આવી જાય છે!
હવે માર્કેટમાં મેદસ્વિતા ઘટાડવાની દવા આવવાની છે. આમ તો એવી ઘણી દવાઓ અને પાઉડરો બજારમાં મળે છે જ, જે વજન ઉતારી દેવાના દાવાઓ કરે છે પણ એને આવશ્યક દવા તરીકે માન્યતા મળી હોતી નથી. વજન ઉતારવાનાં કેટલાંય સેન્ટર્સ ધમધોકાર ચાલે છે. બીફોર અને આફટરની તસવીરો બતાવીને લોકોને એવાં સપનાં દેખાડવામાં આવે છે કે તમેયે સ્લીમ અને ફીટ થઇ જશો. ખરેખર કેટલાં લોકોમાં આવાં પરિવર્તનો આવે છે એ કહેવું મુશ્કેલ છે. હજારમાંથી એકાદો યુવાન કે યુવતી વજન ઘટાડવામાં કામયાબ બને એટલે એને પોસ્ટર બોય કે ગર્લ તરીકે એનકેશ કરવામાં આવે છે. ખરેખર વજન કેવી રીતે ઘટાડવું એ સૌથી મોટો સવાલ છે. લાઇફસ્ટાઇલ, ફૂડ હેબિટ, કસરત અને જીભ પર કંટ્રોલને સૌથી આગળ ધરવામાં આવે છે. એમાં વળી એવાં આશ્વાસનો પણ આપવામાં આવે છે કે, એકાદ દિવસ ચિટ ડે રાખો તો વાંધો નહીં! એ ચિટ ડે બધા પર પાણી ફેરવી દે છે. નિસર્ગોપચાર કેન્દ્રમાં એક-બે વીક જઇ આવ્યા પછી થોડુંક સારું લાગે છે પણ ત્યાં જે ખવડાવે અને જે કરાવે એ કાયમ કરવું કોઇના માટે સહેલું હોતું નથી. થોડા જ દિવસોમાં બધું હતું એવું ને એવું થઈ જાય છે.
હવે વાતો મેદસ્વિતાની દવા સુધી પહોંચી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માન્ય દવાની વાતો ચાલે છે. અમેરિકાના ત્રણ નિષ્ણાત ડૉક્ટરો અને રિસર્ચરોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને કેટલીક દવાઓ બતાવીને કહ્યું છે કે, આને મેદસ્વિતાની દવા તરીકે માન્યતા આપો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ મુદ્દાને ચર્ચામાં લેવાનું નક્કી કર્યું છે. હૂની બેઠકમાં જો સંમતિ સધાશે તો જાડામાંથી પાતળા થવાની દવાને આગામી સપ્ટેમ્બર મહિનામાં બહાર પડનારી આવશ્યક દવાઓની નવી યાદીમાં સામેલ કરવામાં આવશે. એ સાથે જ આ દવાનું જેનરિક વર્ઝન પણ આવી જશે. અલબત્ત, દવાની વાત આવી એ સાથે એ ચર્ચા પણ શરૂ થઇ છે કે, મેદસ્વિતા એ કોઇ બીમારી છે? શું બેદરકારીના કારણે માણસ જાડો થઇ જાય છે? બધા પોતપોતાની રીતે દાવાઓ કરી રહ્યા છે. આપણી સમક્ષ એવા કિસ્સાઓ છે કે, ખાવાપીવામાં અને રહેણીકરણીમાં ગમે એટલું ધ્યાન રાખે તો પણ વજન વધતું જ જાય. કોઈ તો વળી એવું પણ કહે છે કે, આખરે ધ્યાન રાખી રાખીને કેટલું રાખવું? કંઈ હદ હોય કે નહીં? આપણે પણ આખરે માણસ છીએને? જેટલા રૂપિયા ખાવાપીવા પાછળ ખર્ચીએ છીએ એના કરતાં વધુ રૂપિયા તો જિમના અને વજન ઉતારવાના બીજા પ્રયાસો પાછળ ખર્ચીએ છીએ તો પણ પડવો જોઈએ એટલો ફેર તો પડતો જ નથી! આખરે કરે તો ક્યા કરે?
મેદસ્વિતા વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, દુનિયામાં 65 કરોડથી વધુ લોકો મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત 1.3 અબજ લોકો ઓવરવેઇટ છે. દુનિયામાં જાડિયા લોકોની સંખ્યા સતત વધતી જ જાય છે. મેદસ્વિતાને બીમારી ગણીએ કે ન ગણીએ પણ એક હકીકત તો છે જ કે, મેદસ્વિતાના કારણે અનેક બીમારીઓ થાય છે. ડૉક્ટર પાસે કોઇ પણ બીમારીના ઇલાજ માટે જઇએ એટલે એ આપણા શરીર સામે જોઇને સૌથી પહેલાં એવું જ કહે છે કે, વજન ઘટાડો! ઘટાડવું તો હોય છે પણ ઘટાડવું કઈ રીતે? હવે આગામી સમયમાં કદાચ ડૉક્ટરો વજન ઘટાડવાની દવા પણ લખી આપશે કે આ દવા દિવસમાં ત્રણ ટાઇમ લઈ લેજો. મેદસ્વિતા માટે કેટલીક બીમારીઓ પણ જવાબદાર છે. એ બીમારી થાય એટલે વજન વધવા માંડે. અમુક દવાઓ અને સ્ટીરોઇડ્ઝ પણ આપણી સાઇઝ વધારી દે છે. તમારે અમુક દવા ખાવી જ પડે છે. આપણને ખબર પણ હોય છે કે, આ દવાની સાઇડ ઇફેક્ટ છે પણ એ દવા લીધા વગર છૂટકો હોતો નથી! મેદસ્વિતાનાં અનેક કારણો છે. એક કેસ બીજાથી જુદો પડે છે. આમ છતાં એક વાત કોમન છે કે, જાત પ્રત્યેની બેદરકારી વજન વધવા માટે કારણભૂત હોય છે. હમણાં એક જે કારણ બહાર આવ્યું છે એ છે, ઓવરઇટિંગ! આપણે બધા જ લોકો આપણા શરીરને જરૂર હોય એના કરતાં વધુ ખોરાક શરીરમાં પધરાવીએ છીએ. કંઈ ખાતાં પહેલાં એ વિચાર જ નથી કરતા કે, મારા શરીરને આની જરૂર છે ખરી? શરીરને ખરેખર કેટલું ખાવાનું જોઇએ એ પણ વ્યક્તિનાં કામ અને મહેનત પર આધાર રાખે છે. ડાયટિશિયન એવું કહે છે કે, તમારે ખાવું હોય એટલું ખાવ, શરત માત્ર એટલી કે જેટલી કેલેરી લીધી હોય એટલી કસરત કરી લેવાની! જ્યારે કેટલાંક નિષ્ણાતો એવું કહે છે કે, જરૂર પૂરતું જ ખાવ! આખો દિવસ ગમે તે પેટમાં પધરાવ્યા ન રાખો. જંકફૂડ અને બીજા વજન વધારે એવા પદાર્થોથી દૂર રહો. જોકે, દૂર થવાની વાત તો દૂર છે, લોકો વધુ ને વધુ તેની નજીક જઈ રહ્યા છે અને શરીરની હાલત ખરાબ કરી રહ્યા છે.
દુનિયાના લોકોના વજન પર નજર રાખતી સંસ્થા વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો લેટેસ્ટ રિપોર્ટ એવું કહે છે કે, 2035 સુધીમાં દુનિયાની અડધી વસતી ઓવરવેઇટ થઇ જવાની છે! બાળકો અને યુવાનો વધુ ને વધુ જાડિયાં થઈ રહ્યાં છે. સ્થૂળતાનો દર સતત વધી રહ્યો છે. યુવાનોની સરખામણીમાં યુવતીઓ પર વધુ જોખમ છે. ફૂડ ઉપરાંત વાતાવરણ સહિતનાં પરિબળો મેદસ્વિતા માટે જવાબદાર છે. દુનિયા અત્યારે મેદસ્વિતાની મોટી કિંમત ચૂકવી રહી છે. સ્થૂળતાના કારણે અને તેની પાછળ 2019માં 1.96 લાખ કરોડ ડૉલરનો ખર્ચ થયો હતો. 2035 સુધીમાં આ ખર્ચ વધીને 4.32 લાખ કરોડ થઈ જાય એવી શક્યતાઓ છે. આ રકમ દુનિયાના જીડીપીના ત્રણ ટકા જેટલી થાય છે! ઓબેસિટીના કારણે થતી બીમારીઓ અને બીમારીની સારવાર પાછળ થતા ખર્ચ દુનિયાના દેશોને ભારે પડી રહ્યા છે. હવે તો કેટલાંક દેશોની સરકારો પોતાના દેશના લોકોને કહી રહી છે કે, તમારા શરીરનું ધ્યાન રાખો, વજન વધવા ન દો, તમારું વધતું વજન દેશ માટે ભારે પડી રહ્યું છે.
સ્થૂળતા, મેદસ્વિતા અને ઓબેસિટીના કારણે લોકો ડિપ્રેશનનો ભોગ પણ બનતા જાય છે. વજન ઉતારવાના અને પેટ ઘટાડવાના અથાક પ્રયાસો કર્યાં પછી જ્યારે પરિણામ મળતું નથી ત્યારે હતાશા પેદા થાય છે. અરીસો રોજ ખુશી આપવાના બદલે ડિસ્ટર્બ કરી જાય છે. એક્સપર્ટ્સ એવું કહે છે કે, પહેલેથી જ ધ્યાન રાખો. એક વખત વજન વધી જશે તો પછી અઘરું પડશે, એના કરતાં અત્યારથી જ રોજેરોજ ધ્યાન આપવાનું શરૂ કરી દો. લાઇફસ્ટાઇલમાં થોડોક બદલાવ કરશો તો રિઝલ્ટ્સ મળશે જ! સાથોસાથ એ પણ જરૂરી છે કે, શરીરને અને વજનને મગજ પર હાવી થવા ન દો. તમારા શરીરનું ગૌરવ અનુભવો. અલ્ટિમેટલી જિંદગી મસ્ત રીતે જિવાવી જોઈએ!
હા, એવું છે!
કમ ખા, ગમ ખા એવું પ્રાચીન સમયથી કહેવાતું રહ્યું છે. વાત ખાવાની હોય કે બીજી કોઈ હોય, માણસ પ્રમાણભાન ગુમાવતો જાય છે, કશામાં કોઈ માપ રાખતો નથી, એટલે જ માણસની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 એપ્રિલ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com