સોશિયલ મીડિયા મેનર્સ
અને સેલ્ફ ડિસિપ્લિન
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
લોકો સામે શું જાહેર કરવું અને શું ખાનગી રાખવું એની જેને સમજ નથી એ પસ્તાય છે.
કોઇને હર્ટ કરવાનો આપણને નયા ભારનો અધિકાર નથી
———–
સોશિયલ મીડિયા હવે આપણા બધાની જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. દરેકના હાથમાં મોબાઇલ છે. મોબાઇલમાં એક કરતાં વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. બધા જાણે છે કે, સોશિયલ મીડિયા આપણો સમય બરબાદ કરે છે. આભાસી દુનિયાના સંબંધો ખોખલા છે, આમ છતાં કોઇ તેને મૂકી શકતું નથી. આપણે બધા જે કંઈ કરીએ છીએ એ આપણા હાથે જ કરીએ છીએ અને આપણે જે કરતા હોઇએ એના માટે જવાબદાર પણ આપણે જ હોઇએ છીએ એટલે મોબાઇલ કે સોશિયલ મીડિયાને ગાળો દેવાનો કોઈ મતલબ નથી. દુનિયામાં પરિવર્તનો આવતાં રહે છે. ટેક્નોલોજી આજે છે એના કરતાં આવતીકાલે વધુ બહેતર હશે. હવે સવાલ સોશિયલ મીડિયાની મેનર્સ અને સેલ્ફ ડિસિપ્લિનનો આવી ગયો છે. સોશિયલ મીડિયા આખરે તો માણસ માટે એટલે કે તમારા, મારા અને આપણા સહુ માટે છે. સોશિયલ મીડિયા ભલે સામૂહિક માધ્યમ હોય પણ એના માટે જવાબદારી વ્યક્તિગત હોય છે. મતલબ કે, આપણે જે કરીએ એ એન્જોય પણ આપણે કરવાનું હોય છે અને ભોગવવાનું પણ આપણે જ હોય છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈને ધંધે લગાડી દઇએ છીએ! આપણે કોઇની પ્રાઇવસીનું કેટલું રિસ્પેક્ટ કરીએ છીએ? આપણે કંઈ પોસ્ટ કરતાં પહેલાં નયા ભારનો વિચાર કરીએ છીએ ખરા? આ વખતે સોશિયલ મીડિયાની વાત કરવાનું કારણ ફ્રાંસમાં બનેલી એક ઘટના છે. એક તરુણી સાથે બનેલી આ ઘટનાને આપણે આપણા સંદર્ભથી નીરખવાની અને એના પર વિચાર કરવાની જરૂર છે.
ફ્રાંસમાં હવે એક નવો કાયદો બનવાનો છે. સંસદમાં આ કાયદાનો પ્રસ્તાવ મૂકી દેવામાં આવ્યો છે. આ કાયદો અમલમાં આવશે એ પછી ત્યાંનાં મા-બાપ એમનાં સંતાનોના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી શકશે નહીં! ફ્રેંચ સરકારને આવા કાયદાનો વિચાર 14 વર્ષની એક છોકરીની વેદના પરથી આવ્યો છે. આ છોકરીનાં માતા-પિતાએ પોતાની દીકરી નાની હતી ત્યારનો એક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ફોટામાં એ છોકરીએ માત્ર લાલ કલરનું હાફ પેન્ટ પહેર્યું હતું. આ ટોપલેસ તસવીર જોઈને તેને સ્કૂલમાં બધા ચીડવતા હતા. એ કારણે છોકરી ડિસ્ટર્બ થઇ ગઇ હતી. દીકરો કે દીકરી સાવ નાનાં હોય ત્યારે તેના ટોપલેસ ફોટા પાડવામાં મા-બાપને કશું અજુગતું લાગતું નથી. આપણે ત્યાં પણ ઘણાં મા-બાપ નાના છોકરાઓના ગમે એવા ફોટા મૂકતા હોય છે. એ ફોટા મૂકતી વખતે કેટલાં મા-બાપ એવું વિચારે છે કે, દીકરી મોટી થઇને આવા ફોટા જોશે ત્યારે તેને શું થશે? એનું રિએક્શન કેવું હશે? અમેરિકામાં એક કિસ્સો બન્યો હતો. એક મા-બાપે પોતાની સાવ નાની અંદાજે એકાદ વર્ષની દીકરીનો ન્યૂડ ફોડો અપલોડ કર્યો હતો. ફોટો ક્લાસિક હતો. કોઇ પ્રાઇવેટ પાર્ટ ન દેખાય એ રીતે ફોટો પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પણ દીકરીએ મોટી થઇને એવો સવાલ કર્યો હતો કે, આવો ફોટો મૂકતા પહેલાં તમને કંઇ વિચાર નહોતો આવ્યો? વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે, મારો આવો ફોટો મૂકવાનો તમને અધિકાર કોણે આપ્યો? તમે મા-બાપ છો એટલે પોતાનાં એવાં સંતાનો જેને હજુ કંઈ સમજ કે ગતાગમ નથી એની સાથે કંઈ પણ કરવાનું? આ ચર્ચા તો બાળકોની પ્રાઇવસી સુધી પહોંચી હતી. લોકોમાં પોતાનાં નાનકડાં સંતાનોના ન્યૂડ ફોટા અપલોડ કરવાનો ટ્રેન્ડ કેટલો હશે એ ફેસબુકે જ જાહેર કરેલી એક વિગત પરથી સમજી શકાય એમ છે. ગયા વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં જ ફેસબુકે બાળકોના 87 લાખ ન્યૂડ ફોટા હટાવ્યા હતા. ફેસબુકે એવી વિનંતી પણ કરી હતી કે, બાળકોના અમુક પ્રકારના ફોટા અપલોડ ન કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણાં બાળકોનાં એકાઉન્ટ છે. એ હિટ પણ છે અને તેમના હજારો કે લાખો ફોલોઅર્સ પણ છે. એ બાળકોને ઘણી વખત એની સમજ પણ નથી હોતી કે એ શું કરી રહ્યાં છે. ઘણાં મા-બાપ એવાં પણ છે જે બાળકોના પ્રોફાઇલ બનાવીને આવક મેળવવાના પ્રયાસો કરે છે.
આપણે ત્યાં ઘણાં મા-બાપ નાનકડી દીકરી કે દીકરાની રિલ્સ બનાવીને મૂકે છે. દરેક મા-બાપને પોતાનું સંતાન યુનિક જ લાગતું હોય છે. માનો કે, બાળક રિયલ સેન્સમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એટલે શું એનું પ્રદર્શન કરતાં ફરવાનું? થોડા સમય અગાઉ સુરતના એક બાળકનો વીડિયો વાઇરલ થયો હતો. ટીચર પૂછે છે ત્યારે એ રડતાં રડતાં કાલી કાલી ભાષામાં કહે છે કે, મને એ ન આવડે. આખો વીડિયો ક્યૂટ હતો. બાળકની નિર્દોષતા કોઇને પણ સ્પર્શી જાય એવી હતી. સવાલ એ છે કે, કોઇના છોકરાનો આવો વીડિયો લઇને એને અપલોડ કરી દેવો કેટલું વાજબી છે? એ છોકરો મોટો થશે, સમજણો થશે પછી આ વીડિયોને જોઈને એનું રિએક્શન કેવું હશે એનો કોઇએ વિચાર કર્યો છે? આપણે એવો વિચાર નથી કરતા. ઘણી વખત તો આપણે ફ્રેન્ડ્સની સાથે બહાર ફરવા કે પાર્ટી માટે ગયા હોઇએ ત્યારે કોઇનું ધ્યાન ન હોય એ રીતે અમુક વીડિયો ઉતારી લઇએ છીએ. એ વીડિયો અપલોડ પણ કરી દઇએ છીએ. મિત્રોની સાથે હોઇએ ત્યારે આપણો મૂડ અને માનસિકતા જુદાં હોય છે. મિત્રો સાથે આપણે ગાંડા પણ કાઢતા હોઇએ છીએ પણ એ પ્રાઇવેટ મોમેન્ટ્સને કંઈ પબ્લિક સમક્ષ મૂકી ન દેવાય! ઘણા લોકો બહાર જાય ત્યારે ત્યાં ફરતા લોકોના વીડિયો પણ લેતા હોય છે અને સોશિયલ મીડિયા પર ચડાવી પણ દેતા હોય છે. આપણે કોઇની પરવાનગી વગર કોઇનો ફોટો કે વીડિયો લઈ શકતા નથી. ઘણા લોકો હોટલમાં રોકાયા હોય અને સ્વિમિંગ પુલમાં નહાતા હોય ત્યારે વીડિયો ઉતારે છે, એ વખતે ક્યારેક અજાણતા તો ક્યારેક ઇરાદાપૂર્વક સ્વિમિંગ પુલમાં નહાતા બીજા લોકોના વીડિયો પણ ઉતારી લે છે. પાછા એને અપલોડ પણ કરી દે છે. કોઈ સમજતું જ નથી કે, આવું બધું કોઈ રીતે યોગ્ય નથી!
આપણે બધા ગમે તેની સાથે ગમે એવો ફોટો પાડી લઇએ છીએ અને મનમાં આવે એ લખીને અપલોડ કરી દઇએ છીએ. ક્યારેક તો ઘસાતું પણ લખી નાખીએ છીએ. આવી કેટલીક પોસ્ટના કારણે કેટલી મોટી બબાલ થઇ ગઇ હોવાના પણ અનેક કિસ્સાઓ છે. એક પરિવારમાં ભાઇઓ વચ્ચે ઝઘડા છે. મોટા ઝઘડે છે એના કારણે એમનાં સંતાનો પણ એકબીજાને મળતાં નહોતાં. છોકરાવને એકબીજા સાથે કે બીજા કોઇની સાથે કંઇ પ્રોબ્લેમ નહોતા. એક વખત એક જગ્યાએ બે કઝિન ભેગી થઇ ગઇ. બંને એકબીજીને મળીને ખૂબ ખુશ થઇ. એક કૅફેમાં જઇને સાથે કોફી પીધી. ફોટા પાડ્યા. બેમાંથી એકે ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. આ ફોટો જોઇને બીજી છોકરીનાં મા-બાપે કહ્યું કે, તું એને મળી જ શા માટે? તેના પર એવો ફોર્સ કરવામાં આવ્યો કે, હમણાં ને હમણાં એને ફોન કર અને કહે કે ફોટા હટાવી દે! ફોટો અપલોડ કરવાના કારણે અનેક ઇશ્યૂ થયા હોય એવા કિસ્સા આપણી આજુબાજુમાં બનતા જ હોય છે. આપણને જે ઘટનાઓ નિર્દોષ લાગતી હોય એનાં રિએક્શન કેવાં આવશે એની કલ્પના આપણને ઘણી વખત નથી હોતી. જ્યારે બધું સમજાય ત્યારે એવો વિચાર આવ્યા વગર ન રહે કે, મેં ક્યાં આ ફોટો અપલોડ કર્યો? હું ક્યાં આ ફોટો અપલોડ કર્યા વગર રહી જતો હતો કે રહી જતી હતી? વાતમાંથી કેવી રીતે વતેસર થઇ જાય અને રોકેટ ક્યારે આડું ફાટે એ નક્કી હોતું નથી! સાઇબર એક્સપર્ટ્સ તો ત્યાં સુધીની વાત કહે છે કે, બીજાનું તો ઠીક છે દરેક વ્યક્તિએ પોતાના વિશે લખતાં કે ફોટા મૂકતા પહેલાં પણ વિચાર કરવો જોઈએ કે ભવિષ્યમાં તેની અસરો શું થશે? ઘણા એવું કહે છે કે, ભવિષ્યમાં એવું કંઈ લાગે તો ડિલીટ ક્યાં નથી કરી શકાતું? આવું વિચારનારા એ ભૂલી જાય છે કે, ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ પણ કોઇએ લઇ લીધા હોઈ શકે છે અને ઘણુંબધું ડાઉનલોડ પણ કરી લીધું હોય શકે છે. સાચી વાત એ છે કે, સોશિયલ મીડિયાની મેનર્સ અને સેલ્ફ ડિસિપ્લિનનું ધ્યાન રાખવામાં આવે એમાં જ ભલાઈ છે!
હા, એવું છે!
કેરેક્ટર એસેસિનેશન જેવું પાપ બીજું કોઈ નથી. કોઈના ચારિત્ર્ય વિશે કોઇ વાત બોલતાં કે લખતાં પહેલાં સો વખત વિચાર કરવો જોઇએ. આપણા એક્શનનું રિએક્શન ઘણી વખત એટલું ગંભીર આવી શકે છે જેની આપણને કલ્પના પણ હોતી નથી. ક્યારેક એક નાનીસરખી ભૂલ પણ આખી જિંદગીનો અફસોસ બનીને રહી જતી હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 માર્ચ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com