એ રી સખી મૈં અંગ અંગ
આજ રંગ ડાર દૂં…
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
હોળી રંગોનો તહેવાર છે.
આપણી જિંદગીના પણ અનેક રંગો છે.
હોળી એ જ શીખવે છે કે જિંદગીના દરેક રંગને પૂરેપૂરા જીવી લેવાના!
———–
તમારો ફેવરિટ કલર કયો છે? આવો સવાલ કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? દરેકનો કોઇ એક રંગ ફેવરિટ હોય છે. એ રંગ કોઈ પણ હોઈ શકે છે. હવે તમને કોઇ એમ પૂછે કે, એ રંગ તમને શા માટે ગમે છે તો એનો જવાબ શું આપો? રંગ ગમવાનાં કોઇ કારણ નથી હોતાં, બસ, એ ગમતા હોય છે! ફેવરિટ કલરથી આપણને એનર્જી મળે છે, એટલે જ આપણે અમુક કલરની વસ્તુઓ વધુ પસંદ કરતા હોઇએ છીએ. રંગ સાથે આપણી માનસિકતા પણ જોડાયેલી હોય છે. એમ તો એવું પણ કહેવાય છે કે, આપણને જે રંગ ગમે છે એ આપણી વિચારસરણી પણ છતી કરે છે. લાલ રંગ ગમતો હોય એવા લોકો હિંમતવાળા અને આત્મવિશ્વાસુ હોય છે. પીળો રંગ ફેવરિટ હોય તે ખુશમિજાજ હોય છે. લીલો રંગ ગમતો હોય એ ઉદાર, સફેદ રંગ પસંદ હોય એ આશાવાદી અને સકારાત્મક, ભૂરો રંગ ગમતો હોય એ પ્રામાણિક, વાદળી રંગ પસંદ હોય એ વિશ્વાસપાત્ર હોય છે. બ્લેક કલર ફેવરિટ હોય એવા લોકો ખૂબ જ શક્તિશાળી હોય છે. વાહનોની પસંદગીમાં પણ આપણે રંગનો ખ્યાલ રાખીએ છીએ. અમુક કલર આપણને ગમે છે તો અમુક કલર પ્રત્યે આપણને ચીડ પણ હોય છે! આપણે કહીએ છીએ કે, બીજો કોઇ પણ કલર ચાલશે પણ એ તો નહીં જ! આવું બધું કહેવાનો મતલબ એ જ છે કે, રંગ આપણી જિંદગી, આપણા અસ્તિત્વ અને આપણા વ્યક્તિત્વ સાથે વણાયેલા છે! બે ઘડી વિચાર કરો કે, રંગો ન હોત તો? દુનિયામાં બધું એક રંગનું જ હોત તો? દુનિયા કેવી બોરિંગ હોત! પ્રકૃતિ પણ રંગીન મિજાજ છે. કુદરતને પણ રંગો પસંદ છે, એટલે જ તો કુદરતે પ્રકૃતિના કણેકણમાં રંગ પૂર્યા છે! ખૂબી તો જુઓ, એક રંગના પણ કેટલા શેડ્સ છે? ઝાડ અથવા તો કોઇ વનસ્પતિને જ ક્યારેક નીરખીને જોજો, લીલા રંગના પણ અનેક શેડ્સ જોવા મળશે!
આજે ધુળેટી છે. રંગોનો તહેવાર. ઘણાને રંગે રમવું ગમતું નથી, એને પણ રંગો તો ગમતા જ હોય છે. આજનું પર્વ એવું છે જેની સાથે દરેકે દરેક માણસની કોઇ યાદ જોડાયેલી હોય છે. પોતાના પ્રિય પાત્ર સાથેની હોલીનું સ્મરણ આપણી જિંદગીમાં રંગીન અક્ષરે રંગાયેલું અને લખાયેલું હોય છે. ધુળેટી એવો તહેવાર છે જે વિરહને વધુ અઘરો અને આકરો બનાવે છે. પોતાની વ્યક્તિ વગર હોલી અધૂરી છે. પ્રેમી અને મિત્ર સાથે જ હોળી રમવાની સાચી મજા છે. પ્રેમનો રંગ ગુલાબી છે પણ દાંપત્ય મેઘધનુષી છે. દાંપત્યમાં દરેક રંગનો અનુભવ થાય છે.
નાના હતા ત્યારે શાળામાં મુખ્ય રંગોને જા ની વા લી પી ના રા એવું યાદ રખાવતા. આ બધા મુખ્ય રંગો છે અને બાકીના તેના મિશ્રણથી બને છે. સફેદ વિશે એવી ચર્ચાઓ થતી રહી છે કે, શું સફેદ પણ રંગ છે? હા, સફેદ પણ રંગ જ છે. સફેદ રંગ શાંતિનો છે અને ગમગીનીનો પણ છે! આપણે સપ્તરંગીનો મતલબ સાત રંગનું એવો કરીએ છીએ પણ નવરંગ શબ્દને રંગ સાથે કંઈ લાગતું વળગતું નથી. નવરંગનો અર્થ નૃત્યશાળા અથવા તો ડાન્સિંગ હોલ થાય છે. કલરને ભોજન સાથે શું લેવાદેવા? આયુર્વેદાચાર્યો કહે છે કે, તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારા ભોજનમાં દરેક રંગનું ફૂડ હોવું જોઇએ. પીળી દાળ, લીલું શાક, સફેદ ભાત વગેરે! ભોજન પણ એટલિસ્ટ સાત રંગનું હોવું જોઇએ. ભોજનમાં રંગો ખૂટે તો એને ફળોથી પૂરા કરો. તમે એક વસ્તુ માર્ક કરી છે? દરેક ફળનો રંગ જુદો જુદો છે! ભાગ્યે જ કોઇ ફળ એક જ રંગનાં હશે. એક રંગ હોય તો પણ શેડ તો જુદો જ હશે!
રંગની કથા માંડવા બેસીએ તો બહુ લાંબી ચાલે એમ છે. રંગોથી આપણે રંગોળી સર્જીએ છીએ. પતંગિયું એ આમ જુઓ તો કુદરતે સર્જેલી ઊડતી રંગોળી જ છે. મેઘધનુષના સર્જન પાછળ ભલે ગમે તે કારણ જવાબદાર હોય પણ એને જોઈને આંખો ઠર્યા વગર ન જ રહે. રંગોથી તરબતર કળા કરેલો મોર જો કોઇને ન ગમતો હોય તો સમજવું કે, તેનામાં ન તો કળાને પારખવાની આવડત છે, ન કુદરતને સમજવાની શક્તિ! જમીન જ નહીં, રેતીના પણ જુદા જુદા રંગો છે. દરિયો કિનારે કિનારે જુદા જુદા રંગે પેશ આવે છે. આ બધું જ એ વાત સાબિત કરે છે કે, કુદરત પોતે જ રંગપ્રેમી છે. ભગવાન કૃષ્ણ રાધા અને ગોપીઓ સાથે રંગે રમે છે અને એવો જ મેસેજ આપે છે કે, રમી લો અને જીવી લો!
જિંદગી પણ જુદા જુદા રંગે આપણી સામે આવતી રહે છે. કેટલી સારી વાત છે કે જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ નથી. જિંદગીનો મિજાજ રંગીન છે. જિંદગીની ફિતરત રંગ બદલતા રહેવાની છે. જિંદગીમાં ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે આપણને એમ થાય છે કે, કાળો રંગ છવાઇ ગયો છે. મજાની વાત એ છે કે, જિંદગીનો કોઇ રંગ કાયમી રહેતો નથી. એ તો બદલાતો જ રહેવાનો છે. કાળો રંગ હોય ત્યારે દુ:ખી નહીં થવાનું, સફેદ હોય ત્યારે ઉદાસ નહીં થવાનું. બાકીના રંગો પણ જીવી જ લેવાના! આપણા તહેવારોની સૌથી મોટી ખૂબી એ જ છે કે, એ આપણને માત્ર જીવવાની નહીં, ધબકવાની પણ પ્રેરણા આપતા રહે છે. ધુળેટીના તહેવારમાં તો એવી ખૂબી છે કે, આપણી ક્ષણેક્ષણને રંગી દે!
રંગ સાથે જોડાયેલી કહેવતોનો પણ તોટો નથી. આપણે ત્યાં એમ પણ કહેવાય છે કે, સંગ એવો રંગ. એને જરાક જુદી રીતે પણ કહી શકાય કે, જ્યારે સંગાથીનો રંગ પણ સરખો હોય ત્યારે રંગ રહી જાય છે. પેલી વાત પણ યાદ છે કે, એણે તો રંગ રાખી દીધો! તમારી જિંદગીમાં કોણે રંગ રાખી દીધો છે? એ જે હોય એને સાચવી રાખજો! એ હશે તો જિંદગી ગમગીન નહીં પણ રંગીન લાગશે! સંબંધોનો પણ એક રંગ હોય છે, એ દેખાતો નથી પણ વર્તાતો હોય છે. એટલે જ તો પોતાની વ્યક્તિ સાથે હોય ત્યારે બધું જ સુંદર અને કલરફુલ લાગે છે. વૅલ, રંગની વાતો બહુ થઇ, આજે તો રંગની વાતો કરવા કરતાં રંગને માણવાનો અવસર છે. ધુળેટીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ!
હા, એવું છે!
લાલ અને પીળા રંગને ભૂખ ઉઘાડનાર કલર માનવામાં આવે છે. મેકડોનાલ્ડ અને બીજી ફૂડ ચેનલ્સ એટલે જ પોતાના લૉગોમાં રેડ અને યલો થીમનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં સૌથી વધુ લોકોનો કોઇ ફેવરિટ કલર હોય તો એ બ્લૂ છે. ફેસબુકે એટલે જ પોતાનો લૉગો બ્લૂ રંગથી બનાવ્યો છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 માર્ચ 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com