શું હવે પ્રેમ અને સંબંધો
પણ ડિજિટલ થઈ જશે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
મોબાઇલના કારણે હવે વિરહ પહેલાં જેવો અઘરો અને આકરો લાગતો નથી
મિલન પણ ક્યાં પહેલાં જેવું રહ્યું છે. હવે પ્રેમીઓ પાસે હોય છે પણ સાથે નથી હોતા!
સ્ટેટસ અને રિલ્સમાં સંવેદનાઓ ક્યાંક સંકોચાઈ ગઈ છે!
———–
માણસ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, માણસ સામાજિક પ્રાણી છે. આ મામલે ભવિષ્યમાં ફેરફાર કરવો પડે તો જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય. ફ્યૂચરમાં કદાચ એવું કહેવાશે કે, માણસ ડિજિટલ એનિમલ છે. માણસને બધા વગર ચાલશે પણ ડિજિટલ ટેક્નોલોજી વગર નહીં ચાલે. અત્યારે જ જુઓને, બધાના હાથમાં મોબાઇલ તો હોય જ છે, એ સિવાય લેપટોપ કે ટેબલેટ જેવા બીજા કોઇ ને કોઇ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ સાથે હોય જ છે. કોઇ માણસને તમે એક કલાક મોબાઇલથી દૂર રહેવાનું કહેશો તો એ અપસેટ થઇ જશે! બેટરી લૉ થતી હોય ત્યારે માણસ પણ ડાઉન થવા લાગે છે! આજે આવી હાલત છે તો દસ વર્ષ પછી શું સ્થિતિ હશે? ઇલેક્ટ્રોનિક વર્લ્ડમાં દરરોજ કંઇક ને કંઇક નવું આવી રહ્યું છે અને માણસ રોજે રોજ વધુ ને વધુ ટેક્નોલોજીના સકંજામાં આવતો જાય છે.
તમે કોઇ દિવસ એ માર્ક કર્યું છે કે, તમે દરરોજ કેટલા કલાક મોબાઇલ વાપરો છો? દિવસમાં કેટલી વખત મોબાઇલ હાથમાં લો છે? હવે તો મોબાઇલ જ તમને કહે છે કે, તમે મોબાઇલ આટલા કલાક વાપર્યો! આ સમયમાં પણ તમે કેટલી મિનિટો શું કર્યું એનો હિસાબ પણ તમને મળી જાય છે. આપણને ખબર હોય છે છતાં આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. ડિજિટલ એડિક્શન એ અત્યારની સૌથી મોટી સમસ્યા છે. મોબાઇલના કારણે સંબંધોનું પોત પાતળું પડતું જાય છે. અત્યારે જે છે એ તો કંઈ નથી, ભવિષ્યમાં તો કોઇને કલ્પના ન હોય એવી સ્થિતિ પેદા થવાની છે. ફ્રાંસની રિસર્ચ એજન્સી ઇપ્સોસે હમણાં 32 દેશોમાં ટેક્નોલોજી અને સંબંધો વિશે એક રસપ્રદ સરવૅ કર્યો છે. 22508 લોકોને ભવિષ્યના સંબંધો વિશે સવાલો કરવામાં આવ્યા હતા. તેના જે જવાબો મળ્યા એ દસ વર્ષ પછી પ્રેમ કેવો હશે અને સંબંધોની સ્થિતિ શું હશે એ બયાન કરે છે! આ અભ્યાસ એવું કહે છે કે, આગામી દસ વર્ષમાં 61 ટકા લોકો મેટાવર્સથી પ્રેમમાં પડશે અને 46 ટકા લોકો તો રોબોટ્સને જ પોતાના પાર્ટનર બનાવી લેશે! એનો સીધો મતલબ એવો થયો કે, હવે પછીની સાચી લવસ્ટોરીમાં એક માણસ હશે અને એક વર્ચ્યુઅલ પાર્ટનર હશે. નાના પાયે આની શરૂઆત તો થઇ પણ ગઇ છે! તમે નોટિસ કર્યું છે કે, આપણને હવે મોબાઇલમાં પણ અમુક ચહેરાઓ ગમવા લાગ્યા છે. આપણે તેને ઓળખતા ન હોઇએ, એની સાથે કોઇ દિવસ મેળ પડવાનો ન હોય તો પણ આપણે તેને જોતા રહીએ છીએ અને તેના વિશે વિચારતા રહીએ છીએ! મેટાવર્સ ટેક્નોલોજી તો એ વ્યક્તિની તમારી સાથે હાજરી હોય એવો અહેસાસ કરાવવાની છે. મતલબ કે, તમને કોઇ હીરો કે હિરોઇન ગમતી હશે તો એ તમારી સાથે જ રહેતી હોય એવું તમે અનુભવી અને માણી શકશો. અત્યારે પણ ઘણા લોકો પોતાના પસંદીદા કલાકારોના ફોટાઓ અને ક્લિપો મોબાઇલમાં રાખે જ છે પણ હવે તેનું સ્વરૂપ જ બદલાઇ જવાનું છે. સવાલ એ છે કે, માણસને એવી રીતે રહેવું ફાવશે ખરું? માણસ શું ખયાલોમાં જ જીવવા લાગશે?
આજના હાઇટેક વર્લ્ડના પ્રેમીઓ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, હવે બહુ ઝડપથી પ્રેમીઓનો મોહભંગ થઇ જાય છે. પ્રેમ થાય છે પણ લાંબો ટકતો નથી. બ્રેકઅપના કિસ્સાઓ પ્રેમ કરતાં પણ વધી રહ્યા છે. માણસને માણસ સાથે ફાવતું જ નથી. માણસનાં મગજ વિચિત્ર થતાં જાય છે. દરેકને પોતાના મૂડ અને મસ્તીમાં રહેવું છે. કાનમાં આઇપોડ કે ઇયર પ્લગ્ઝ ભરાવીને બેઠેલી વ્યક્તિને વતાવો તો એ છંછેડાઈ જાય છે. પ્રાઇવસીનું નામ હવે હું અને મારો મોબાઇલ થઇ ગયું છે. આવા સંજોગોમાં બીજા કોઇની સાથે ક્યાંથી ફાવવાનું છે? મેરેજ કરીને જાન રવાના થાય કે, તરત જ કારમાં બેઠાં બેઠાં નવપરિણીત યુગલો સ્ટેટસ અપલોડ કરવા માંડે છે. દેખાડો કરવામાં કોઇને જરાયે મોડું કરવું નથી. ખખડધજ રેંકડીએ ભંગાર ચા પીતા હશે તો પણ રિલ બનાવીને જિંદગી વિશેનું કોઈ મસ્ત મજાનું ગીત ઠપકારી દેશે. ભલેને પછી ચા પૂરી પીધી ન હોય કે પી શકાય એવી ન હોય! હમણાંની એક સાવ સાચી ઘટના છે. એરેન્જ મેરેજ માટે એક છોકરો અને છોકરી મળ્યાં. છોકરીએ કહ્યું, હું મોબાઇલમાં હોઉં ત્યારે મને છંછેડવાની નહીં, હું શું જોઉં છું કે શું કરું છું એના વિશે કોઇ સવાલ કરવાના નહીં! છોકરો કે છોકરી અત્યારે વાત કરે એ પહેલાં એકબીજાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરી લે છે કે, એનાં કરતૂતો કેવાં છે?
સમયની સાથે કન્ફ્યુઝ્ડ રિલેશનશિપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છોકરો કે છોકરી સાથે હોય તો પણ એ નક્કી કરી શકતા નથી કે, આખરે અમે સાથે શા માટે છીએ? અમે એકબીજા માટે યોગ્ય છીએ? ભેગા થઇ ગયા પછી થોડા જ સમયમાં એવું લાગવા માંડે છે કે, આ મારા માટે લાયક નથી, હું વધુ સારી વ્યક્તિને ડિઝર્વ કરું છું. સંબંધોમાં અસંતોષ વધતો જાય છે તેનું કારણ પણ ડિજિટલ જ છે. બધા લોકો સોશિયલ મીડિયા પર જે ફોટા અને સ્ટેટસ મૂકે છે એ જોઇને હવે બધાને એવું લાગે છે કે, દુનિયા આખી જલસા કરે છે અને અમારા ભાગે જ મજૂરી લખેલી છે. દરેકને કંઇક ને કંઇક ખૂટતું લાગે છે. પોતાના પાર્ટનર સામે અસંખ્ય ફરિયાદો છે. એડજસ્ટ થવાતું નથી અને એવું લાગે છે કે, આના કરતાં તો એકલા રહેવું સારું. આ એકલા રહેવાની વૃત્તિ દિવસે ને દિવસે વધતી જવાની છે અને છેલ્લે લોકો રોબોટ્સ કે વર્ચ્યુઅલ પાર્ટનર સાથે રહેવા લાગશે. આવું બધું કરવાથી એ કેટલા ખુશ અને સુખી રહી શકશે એ સૌથી મોટો સવાલ છે અને વર્ચ્યુઅલ લાઇફથી બીજા અનેક માનસિક પ્રોબ્લેમ્સ ખડા થવાની પણ શક્યતાઓ રહેવાની છે!
વૅલ, એક તરફ ડિજિટલ દાંપત્યથી માંડીને ડિજિટલ લાઇફસ્ટાઇલની વાતો થાય છે ત્યારે એક કેટલાંક સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો એવું માને છે કે, સાવ કંઈ બધું ડિજિટલ થઇ જવાનું નથી. ઉલટું માણસ વહેલો કે મોડો આ બધાથી કંટાળવાનો છે. ડિજિટલ ટેક્નોલોજી હજુ પ્રમાણમાં નવી છે. લોકો ધીમેધીમે સમજશે કે, સાચું શું છે અને સારું શું છે? આ વિચાર જ લોકોને ફરીથી જિંદગી તરફ અને પોતાની તરફ લઇ જશે. દુનિયા ભલે ગમે તે કહેતી હોય પણ માણસને માણસ વગર ચાલવાનું નથી. જિંદગી જીવવા માટે કોઇ તો સાથે જોવાનું જ છેને? આ એક ઊભરો છે અને એ એક સમયે શમી જવાનો છે. લોકો ફરીથી બેઝિક્સ અને રિઅલ તરફ પાછા વળશે. માણસને એટલી તો સમજ પડશે જ કે, ટેક્નોલોજી આપણા માટે છે, આપણે ટેક્નોલોજી માટે નથી. બીજા કેટલાંક અભ્યાસુઓ એવું પણ કહે છે કે, દુનિયા બે ભાગમાં વહેંચાઇ જશે. એક તરફ એવા લોકો હશે જે ટેક્નોલોજીથી ઘેરાયલા હશે અને બીજો વર્ગ એવો હશે જે પ્રકૃતિની નજીક હશે. લોકો બે એક્સ્ટ્રીમ વચ્ચે જીવતાં હશે. અત્યારે જે ચાલી રહ્યું છે એ બધાં અનુમાનો છે, સમય અનુમાનો મુજબ ચાલતો નથી, લોકોની માનસિકતા ક્યારે કેવી રીતે બદલાય એ નક્કી હોતું નથી.
લોકોને સંબંધો વગર ચાલવાનું નથી. સમય લોકોને બદલાતા સંજોગો પ્રમાણે જીવવાનું પણ શીખવી દેતો હોય છે. ટેક્નોલોજીના કારણે જે પરિવર્તનો આવ્યાં છે એની કોઇએ કલ્પના કરી નહોતી એટલે અત્યારે માણસને ટેક્નોલોજી સાથે તાલ મિલાવવામાં સંઘર્ષ કરવો પડે છે. માણસ એની પણ રીત અને પદ્ધતિ શીખી જશે અને નહીં શીખે તો ભોગવવું પણ એણે જ પડશે. સરવાળે તો માણસને ખુશ અને સુખી રહેવું હોય છે. સુખ, ખુશી, આનંદ, સાથી અને જિંદગીની વ્યાખ્યાઓમાં પણ બદલાવો આવતા રહે છે અને હજુયે આવતા રહેવાના છે, એને કોઇ રોકી શકવાનું નથી! માણસે છેલ્લે તો સુખ, શાંતિ અને ખુશી માટે પોતાનાં મૂળિયાં તરફ પાછું ફરવું જ પડવાનું છે!
હા, એવું છે!
જેમ જેમ સમય જશે એમ એમ માણસનો સ્ક્રીન ટાઇમ વધતો જ જવાનો છે. લોકો પોતાનું જ ભાન ભૂલી જાય એ હદે સ્ક્રીન માણસ પર હાવી થઇ જશે. ટેક્નોલોજી માણસને ધીમેધીમે એટલા પાંગળા બનાવી દેશે કે ટેક્નોલોજી વગર માણસ જીવી જ ન શકે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 માર્ચ 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com