બધું ક્યાં એમ આસાનીથી
ભૂલી શકાતું હોય છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સુખ તો કેવળ એકતરફા દૃશ્ય દેખાડી શકે,
જિંદગીને જાણવા દુ:ખથી પનારો જોઈએ,
છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઇએ.
-વિકી ત્રિવેદી
જિંદગીમાં દરરોજ થોડું થોડું કંઇક ને કંઇક ઉમેરાતું રહે છે. દિવસ બદલાય એટલે ગઇકાલે ઉમેરાયેલું બધું ખાલી થઇ જતું નથી. થોડુંક રહી પણ જતું હોય છે. જમા થતું હોય છે. થોડીક યાદો, થોડીક વાતો, થોડાંક સ્મરણો, થોડાંક દૃશ્યો, થોડાક અવાજ, થોડાક ભણકારા, થોડાક હોંકારા, થોડાક નિઃસાસા, થોડાંક આંસુ, થોડોક વસવસો, થોડોક વલોપાત અને થોડોક ભૂતકાળ આપણામાં જીવતો રહે છે. છેલ્લા શ્વાસ સુધી કંઈ મરતું નથી. ઘણું બધું સતત જીવતું રહે છે. કોઇ મળે છે અને એ ગમવા લાગે છે. ઘડી-બેઘડી એવું લાગે છે કે, આ મારી વ્યક્તિ છે. મારા માટે બની છે. એનું સર્જન મારા માટે થયું છે અને કુદરતે મારું નિર્માણ પણ એના માટે જ કર્યું છે. સંગાથે સપનાં જોવાય છે. થોડીક કલ્પનાઓ ઊગે છે. ભવિષ્યની જિંદગીનું એક ગુલાબી ચિત્ર સર્જાય છે. એ ચિતરેલા ગુલાબમાંથી પણ સુગંધ આવતી હોય એવો અહેસાસ થાય છે. અચાનક હાથ છૂટે છે. સપનાઓનો ભાંગીને ભુક્કો થઇ જાય છે. ભાંગેલાં સમણાંની તીક્ષ્ણ કરચો સામે પથરાયેલી હોય છે. આપણે એનાથી બચવાનો ગમે એટલો પ્રયાસ કરીએ પણ એ કરચો ચૂભતી રહે છે. એમ ક્યાં બધું ભુલાતું હોય છે? કેટલાંક પડઘાઓ ક્યારેય શાંત થતા નથી. એ પડઘાતા જ રહે છે અને આપણને ભૂતકાળમાં ખેંચી જાય છે. હાથમાં રેખાઓ હોય છે પણ એ રેખાઓમાં કોનો કેટલો સાથ લખાયેલો છે અને ક્યાં વળાંક છે એ વર્તાતું નથી. જે હસ્તરેખા મસ્ત લાગતી હોય એ જ ક્યારેક વેદનાગ્રસ્ત લાગવા માંડે છે.
કોઈ જાય ત્યારે સવાલ થાય છે કે, એને મળવાનું જ કેમ થયું? ઈશ્વર સામે ફરિયાદ જાગે છે કે, તારે મેળવવા જ નહોતા તો ભેગા શા માટે કર્યાં હતા? એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને ખૂબ ડાહ્યાં અને સમજુ હતાં. મેરેજ માટે મા-બાપને વાત કરી પણ બેમાંથી કોઇનાં મા-બાપ માન્યાં નહીં. સમાજ અને આબરૂના નામે ઘણા પ્રેમનો બલિ ચડી જતો હોય છે. બંનેએ નક્કી કર્યું કે, મા-બાપને નારાજ કરીને કંઈ કરવું નથી. બંનેએ છૂટાં પડી જવાનું નક્કી કર્યું. છેલ્લી વખત મળ્યાં ત્યારે બેમાંથી કોઇ કંઇ બોલતું નહોતું. છોકરીએ જતી વખતે કહ્યું, હસી દેને, આ ભારેખમ મૌન તો હવે આખી જિંદગી વેંઢારવાનું છે. કાગળમાં લખ્યું હોત તો એ કદાચ ભૂંસી પણ નાખત પણ આ તો કિસ્મતમાં લખાઈ ગયું છે, એને કેવી રીતે ભૂંસવું? તારું ધ્યાન રાખજે, મજામાં રહેજે, આવા શબ્દો પણ ક્યારેક ઠાલાં આશ્વાસન બની જતાં હોય છે. ધ્યાન તો તું રાખતો હતો કે રાખતી હતી, મજામાં તો તારી સાથે જ રહેવાતું હતું. હવે તું જ નહીં હોય તો જીવવાની મજા ક્યાંથી આવવાની છે? હયાત હોવામાં અને જીવંત હોવામાં બહુ મોટો ફેર છે. હરતાં ફરતાં હોય એ બધા કેટલા જીવતાં હોય છે? જિંદગી ટકાવારીમાં મપાતી નથી. જો મપાતી હોય તો કદાચ બહુ ઓછા લોકો સો ટકા જીવતાં છે એની ખબર પડી જાત! જિંદગીને જાણતા ગણિતના એક માસ્ટરે એવું કહ્યું કે, જિંદગી ક્યારેય સો ટકા હોતી જ નથી! એ તો પચાસ ટકા જ હોય છે. કોઇ મળે છે એટલે એના પચાસ ટકા ઉમેરાય છે. જિંદગી સો ટકા થઇ જાય છે. જ્યારે એક વ્યક્તિ જાય છે ત્યારે એ માત્ર પચાસ ટકા લઇ જતી નથી, એ સોએ સો ટકા લઇ જતી હોય છે. એટલે જ ક્યારેક કોઇ એક વ્યક્તિ જાય છે ત્યારે આખું ગામ ખાલી લાગે છે! લોકોનાં ટોળાં વચ્ચે પણ એક અજાણ્યો સન્નાટો જીવતો હોય છે, સતાવતો હોય છે અને તડપાવતો હોય છે! ક્યાંય મજા નથી આવતી, કંઈ ગમતું નથી, કંઈ ભાવતું નથી, કંઈ કરવાનું મન પણ થતું નથી, આવી ફરિયાદ કરવી હોય તો પણ કોને કરવી? ઘણી વખત દોષ દેવા માટે નસીબ સિવાય કોઈ હોતું નથી!
જે ન હોય એનો અભાવ લાગતો નથી પણ એક વખત મળી ગયા પછી એ ન રહે ત્યારે અભાવની સાથે અવસાદ પણ ભળી જાય છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંનેએ લવમેરેજ કર્યાં હતા. બંને બહુ પ્રેમથી રહેતાં હતાં. પત્ની પ્રેગ્નન્ટ થઇ. બંને બહુ જ ખુશ હતાં. કુદરતે કંઈક બીજું ધાર્યું હતું. પત્નીએ દીકરીને જન્મ આપ્યો. દીકરી બહુ નબળી હતી. પાંચ જ દિવસમાં દીકરીએ વિદાય લઇ લીધી. બંને બહુ દુ:ખી હતાં. પત્નીને સમજાવવા માટે પતિએ કહ્યું કે, જેવી કુદરતની ઇચ્છા, તું બહુ દુ:ખી ન થા! હજુ પાંચ દિવસ પહેલાં એ ક્યાં હતી? પત્નીએ કહ્યું, ના એ હતી, આપણી સાથે એ હતી જ, ત્યારથી સાથે હતી જ્યારે ડૉક્ટરે કહ્યું હતું કે, હું પ્રેગ્નન્ટ છું. તારે તો દીકરી જ જોઇતી હતીને? મારા પેટમાં અને તારા દિલમાં એ જીવતી હતી, ઊઘડતી હતી. તું મને સાંત્વના ન આપ, મારી સાથે તું પણ રડી લે! આપણને એ પણ ખબર હોય છે કે, આંસુ સાથે કંઈ વહી જવાનું નથી પણ રડવા સિવાય બીજું આપણે કંઈ કરી પણ શકતા હોતા નથી! પગલાંઓના ભણકારા વાગતા હોય છે. કેટલાંક ભણકારા દિલમાં થડકારા દઈ જતા હોય છે! અચાનક એવું લાગે છે કે, એ આવ્યો અથવા તો એ આવી? કોઈક થોડોક મળતો આવતો ચહેરો જોઈને એવું લાગે છે કે, એના જેવી જ દેખાય છે કે એના જેવો જ લાગે છે! એના જેવા કદાચ હોય છે પણ એ હોતા નથી! એ તો ચાલ્યા ગયા હોય છે, આપણાથી દૂર, આપણાં નસીબથી દૂર!
ડૂમો ઓગળવાની કોઈ દવા આવતી નથી. નિઃસાસો નીકળી ગયા પછી પણ ક્યાં ઘડીકમાં છોડતો હોય છે? બધાં સ્મરણો હળવાં નથી હોતાં. કેટલીક યાદો બહુ ભારે, વજનદાર અને સહન કરવી અઘરી લાગે એટલી હેવી હોય છે. એ ખંખેરાતી નથી! એ સુકાતી નથી! કેટલીક સાંજ એવી હોય છે જે ક્યારેય આથમતી નથી! પોતાના લોકોએ આપેલા આઘાત લાંબો સમય જીવતાં રહેતા હોય છે. આપણે આપણા લોકો પાસે જેની અપેક્ષા રાખી ન હોય એવું કંઇક થાય ત્યારે એવો વિચાર આવી જાય છે કે, એણે મારી સાથે આવું કર્યું? એને બીજું કોઈ ન મળ્યું? કેટલો ભરોસો હતો મને એના પર? એણે એક વાર કહ્યું હોત તો હું એ કહે એવું કરી દેત! જેને જીવ જેવા સમજ્યા હોય એ જ્યારે છેહ આપે ત્યારે આપણને આપણો જીવ જ ભારે લાગતો હોય છે. તમારી લાઇફમાંથી તમને કંઈક ભૂંસી નાખવાની છૂટ આપવામાં આવે તો તમે શું છેકી નાખો? કંઇક તો એવું હોય છે જે આપણાથી સહન થતું હોતું નથી! કહી દેવું આસાન હોય છે કે, ભૂલી જવાનું પણ એમ ભુલાતું નથી! આસાન નથી હોતું, ક્યારેક તો ભૂલી જવા કરતાં સહન કરી લેવાનું આસાન લાગે છે. ભૂલી શકાતું હોત તો ભૂલી ન ગયા હોત? નથી ભુલાતું એટલે જ તો પીડા થાય છે! ક્યારેક તો કેટલીક વેદનાઓ પણ વહાલી લાગવા માંડે છે. વેદનાની પણ આદત પડી જતી હોય છે. હા, એવું થાય છે કે, કાશ, મારી લાઇફમાં આમ થયું ન હોત! થઇ જવું આપણા હાથમાં નથી હોતું તો ભૂલવું પણ ક્યાં આપણા હાથમાં હોય છે? કેટલીક સાંત્વનાઓ પોતાની જાતને જ આપવી પડતી હોય છે. મનને મનાવવું પડતું હોય છે. મનને મારવા કરતાં મનને મનાવવાનું ક્યારેક સહેલું લાગતું હોય છે. આંસુ લુછાઈ જાય છે પણ જે ભેજ છે એ કેવી રીતે હટાવવો? વેદનાને પણ થોડીક પંપાળીને એનાથી મુક્ત થઇ જવું પડતું હોય છે. ભીની આંખોની મોસમ પણ ક્યારેક ઊઘડતી હોય છે, એ મોસમને પણ જીવી લેવાની અને જાગી ગયેલી યાદોને થપથપાવીને પોઢાડી દેવાની! આપણે બધા જ ક્યારેક ને ક્યારેક એવું કરતા જ હોઇએ છીએને?
છેલ્લો સીન :
ઘા નાનો હોય કે મોટો, એ વહેલો કે મોડો રૂઝાઇ જાય છે પણ ઘાનો જે ડાઘ રહી જાય છે એ વહી ગયેલી ઘટનાને થોડીક વાર પાછી જીવતી કરી દે છે. ક્યારેક એ ઘામાં ઘા કરવાવાળાનો ચહેરો પણ ઉપસી આવતો હોય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com