બધાની સહાનુભૂતિ મેળવવાની તને આદત પડી ગઈ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાની સહાનુભૂતિ મેળવવાની
તને આદત પડી ગઈ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ,
માત્ર તારો વિચાર કરતો રે’,
આ તૈં કંઈ રીત છે ભલા માણસ?
-હેમાંગ જોશી


આપણા બધાની જિંદગીમાં ક્યારેક એવી ઘડી આવતી હોય છે જ્યારે આપણને સાંત્વના, સહાનુભૂતિ કે આશ્વાસનની જરૂર પડે છે. અમુક સમય એવો હોય છે જ્યારે આપણને એમ થાય છે કે, કોઇ હોય તો સારું! કોઇ એવું જે આપણને સાચવી લે! આપણે ક્યારેક થોડા થોડા તૂટતા હોઇએ છીએ, ક્યારેક ચારે તરફ અંધારું લાગતું હોય છે, ક્યાંય મજા આવતી હોતી નથી, કંઇ ગમતું નથી, કોઇ સારા વિચાર આવતા નથી, આવા સમયે જો કોઇ હોય તો બહુ ફેર પડતો હોય છે. આપણી જિંદગીમાં કેટલાંક લોકો એવા હોય છે જે હાજર હોય તો આપણને કોઇ વાતનો ડર નથી લાગતો, તું આવી ગયો કે તું આવી ગઇ એટલે હવે મને કોઇ ટેન્શન નથી એવું આપણને ક્યારેક થતું હોય છે. તમારી જિંદગીમાં એવું કોણ છે જેને તમે તમારો આધાર સમજો છો? દુનિયામાં ગમે એટલા લોકો હોય, ગમે એટલા નજીકના લોકો હોય પણ એક વ્યક્તિ ન હોય ત્યારે આપણે આપણી જાતને નિરાધાર સમજતા હોઈએ છીએ. હમણાંનો એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરીના ફાધર બહુ બીમાર હતા. એ છોકરી તેના પિતાની બહુ ક્લોઝ હતી. એક તબક્કે ડૉક્ટરોએ એ છોકરીને કહી દીધું કે, હવે તમારા પિતા થોડાક કલાકના મહેમાન છે. એને થયું કે, હું તૂટી જઇશ. હું મારી જાતને નહીં સંભાળી શકું. તેણે તરત જ તેની એક બહેનપણીને ફોન કર્યો અને કહ્યું કે, તું જલદી આવી જાને, મને ગભરામણ થાય છે, મને તારી જરૂર છે. એ બહેનપણી તરત જ આવી ગઇ. છોકરીના પિતા વિદાય લેતા હતા ત્યારે છોકરીની બહેનપણી પોતાની ફ્રેન્ડને સાચવી રહી હતી. પોતાની વ્યક્તિને તૂટવા ન દેવી એ પણ પ્રેમ જ છે. પોતાની વ્યક્તિને જ્યારે રડવું હોય ત્યારે રડવા દેવું એ પણ સંબંધ જ છે. જેની સાથે હસ્યા હોય એની સાથે જ રડવાની લિજ્જત છે. આપણા હાસ્યને સમજવાવાળા તો ઘણા હોય છે પણ આપણા રુદનને જે જાણે છે એ જ આપણી વ્યક્તિ હોય છે. અમુક નાજુક સમયે એ પાસે હોય ત્યારે સધિયારો રહે છે. એવું લાગે છે કે, નહીં વાંધો આવે, બધું થઈ રહેશે! ટકી જવાશે. તૂટી નહીં પડાય!
ઘણી વખત આખી જિંદગી સાથે હોય એ પણ અમુક ક્ષણો સાચવી શકતા નથી. એવા પણ લોકો હોય છે જે ખરેખર આપણને જરૂર હોય ત્યારે જ નથી હોતા! ક્યારેક એ હોય તો પણ આપણને સાચવી નથી શકતા. આપણને એમ થાય છે કે, આના કરતાં તો એ હાજર ન હોત તો સારું થાત. આપણને એવું કહેવાનું મન થઇ જાય છે કે, મને એકલા છોડી દો, મારે થોડો સમય એકલા રહેવું છે. રડવાનો પણ એક ગ્રેસ હોય છે. બહુ થોડા એવા ખભા હોય છે જેને આપણે રડવા માટે લાયક અને યોગ્ય સમજીએ છીએ. બધાને એ માન મળતું હોતું નથી. એ ન હોય ત્યારે છાનાખૂણે આપણે રડી લેતા હોઇએ છીએ! અમુક જગ્યાઓ આપણા હાસ્ય સાથે જોડાયેલી હોય છે, એ સ્થળે આપણે મિત્રો કે પોતાના લોકો સાથે ખૂબ હસ્યા હોઇએ છીએ. અમુક ખૂણા આપણાં આંસુ સાથે જોડાયેલા હોય છે, જ્યાં આપણે રડ્યા હોઇએ છીએ. એ ખૂણામાં સતત કોઇ ભીનાશ વર્તાતી હોય છે. કેટલાંક ખૂણા એટલા પવિત્ર હોય છે જ્યાં કોઇ સંકોચ થતો નથી. કેટલાંક સંબંધો, કેટલીક દોસ્તી પણ એટલી પવિત્ર હોય છે જ્યાં કંઇ જજ કરાતું નથી, જ્યાં આપણે જેવા હોઇએ એવા જ રહી શકતા હોઇએ છીએ. કોઇ ડર રાખવાની જરૂર હોતી નથી કે કોઇ દંભ કરવાની આવશ્યક્તા રહેતી નથી! પ્રાઇવસીનો મતલબ એવો જરાયે નથી કે આપણે એકલા હોઇએ એ જ પ્રાઇવસી છે. પ્રાઇવસી કોઇ વ્યક્તિ સાથેની પણ હોય છે. એવી વ્યક્તિ પાસે કંઇ છુપાવવાનું હોતું નથી. એ હોય ત્યારે પણ આપણી પ્રાઇવસી અખંડ હોય છે. બે વ્યક્તિની બંને સાથે હોય ત્યારે જે પ્રાઇવસી સર્જાય છે એ તદ્દન જુદી અને બિલકુલ અનોખી હોય છે. સાચો સંબંધ એ જ છે જ્યારે એ હાજર હોય ત્યારે કોઇ ભાર ન વર્તાય!
સહાનુભૂતિ પણ ઓળખાઈ જતી હોય છે. કોણ ખરેખર સાંત્વના આપે છે કે કોણ માત્ર કહેવા ખાતર કહે છે એની પણ ખબર પડતી જ હોય છે. હું બેઠો છું એવું કહેવાવાળા પણ ક્યાં સુધી બેઠા હોય છે અને ક્યારે ઊઠીને ચાલ્યા જવાના છે એની આપણને ખબર હોય છે. બધા પાસેથી સહાનુભૂતિ કે સાંત્વનાની અપેક્ષા રાખવી એ પણ મોટી ભૂલ છે. ઘણાને એવી આદત હોય છે કે, એ બસ રોદણાં જ રડ્યે રાખતા હોય છે. એક યુવાનની આ વાત છે. એ કોઇને પણ મળે એટલે નબળી જ વાત કરે. ઓફિસમાં પ્રોબ્લેમ ચાલે છે, મિત્રો સાથે પણ ઝઘડા થતા રહે છે, ઘરમાં પણ બધું ઠીક નથી, હમણાં બહાર ગયો હતો તો ગાડીમાં પંક્ચર પડ્યું, એની પાસે આવી જ બધી વાત હોય! એને સરવાળે એવો જવાબ જોઈતો હોય છે કે, ચાલ્યા રાખે, કંઈ ચિંતા ન કર, આવું તો થયા રાખે, કંઈ કામ હોય તો કહેજે! એને કોઇ ને કોઇ સ્વરૂપે આશ્વાસન જોઇતું હોય છે. એક વખત તેને તેના મિત્રએ કહ્યું કે, તને સહાનુભૂતિની આદત પડી ગઇ છે. બધા પાસે શું તારાં દુ:ખનાં ગીતો ગાતો રહે છે? કંઇ થયું ન હોય તો તું બેઠું કરીને કે વાર્તા ઘડીને બધાને કહેતો ફરે છે. આપણી આજુબાજુમાં એવા લોકો પણ હોય છે જેને એવી આદત પડી ગઇ હોય છે કે, બધા એની દયા ખાય! બધા એને બિચારો કે બિચારી કહે! લોકો એને જોતાંવેંત જ સમજી જાય છે કે, આવી ગયો જગતનો સૌથી દુ:ખી આત્મા!
આપણી હાજરી કોઇના માટે સુખ ન સર્જે તો કંઇ નહીં, દુ:ખ કે પીડા તો ન જ સર્જવી જોઇએ. આપણે પહોંચીએ તો વાતાવરણ હળવું બનવું જોઇએ. જે લોકોને નાની નાની વાતોમાં રોદણાં રડવાની આદત પડી જાય છે એ સરવાળે તો બધાની નજરમાં દયાપાત્ર જ બની જાય છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આખરે આપણે બધાની નજરમાં કેવા બનવું છે? તમે માર્ક કરજો, અમુક લોકો એવા હોય છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ નબળા ન પડે. આપણે પણ એના માટે એવા જ શબ્દો જ વાપરીએ છીએ કે, એ લડી લેશે. અમુક લોકો રડી લેતા હોય છે અને કેટલાંક લોકો લડી લેતા હોય છે. લડવાવાળાને ક્યારેય રડવું નથી આવતું એવું નથી હોતું પણ એ અમુક ચોક્કસ લોકો પાસે જ રડતા હોય છે. બધાને આપણા રડવાથી કોઇ ફેર પડતો નથી. એની પાસે જ રડવું જેને ખરેખર ફેર પડે છે. જે આપણને સમજે છે અને જેના શબ્દો, જેની સાંત્વના, જેની સહાનુભૂતિ અને જેના આશ્વાસનથી આપણને ફેર પડે છે. આવા લોકો ગણ્યાગાંઠ્યા જ હોવાના છે. વધારે લોકોની જરૂર પણ ક્યાં હોય છે? સાચા, યોગ્ય અને વાજબી બે-ચાર લોકો હોય તો પણ બહુ થયું. આ વાત યાદ રાખવાની સાથે એક વાત એ પણ વિચારવા જેવી છે કે, આપણે કોઇ માટે એવા છીએ જે આપણને સર્વસ્વ માને છે? જેને આપણાથી ફેર પડે છે. આપણા ઉપર કોઇને ભરોસો હોય તો એ પણ આપણી એક લાયકાત જ છે. બધા ક્યાં ભરોસાપાત્ર હોય છે? તમે કોઇના માટે એવા છો જે તમને જુએ અને એને એવું થાય કે, હવે મને વાંધો નહીં આવે? કોઇ પાસે આશા રાખીએ એની સાથે એની અપેક્ષા પૂરી કરી શકીએ એવા બનવાની પણ તૈયારી રાખવી પડતી હોય છે!
છેલ્લો સીન :
ભીખ માત્ર રૂપિયાની જ નથી મંગાતી, ઘણા લોકો પ્રેમ, લાગણી, સાંત્વના, સહાનુભૂતિ અને દયાની ભીખ પણ માંગતા હોય છે. સમયસર ચેતી ન જઇએ તો ભીખ માંગવાની પણ આદત પડી જતી હોય છે. આપણે ક્યારે ભિખારી બની જઇએ છીએ તેની સમજ પણ નથી પડતી! -કેયુ.

(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)

Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *