શાળામાં કે ઘરમાં બાળકો પર હાથ
ઉગામવો વાજબી કે ગેરવાજબી?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
બાળકોને પ્રેમથી સમજાવવા જોઇએ પરંતુ બાળક કોઇની વાત સાંભળે જ નહીં તો શું કરવાનું?
એ કરતા હોય એ કરવા દેવાનું કે પછી બીજા રસ્તાઓ અપનાવવા?
‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમ ઝમ’ની થિયરી વિશે તમારું શું માનવું છે?
———–
આજના સમયના મા-બાપ માટે સૌથી મોટી જો કોઇ ચેલેન્જ હોય તો એ છે બાળકોનો ઉછેર! બાળકોને કેવી રીતે મોટા કરવા? મોટા ભાગના મા-બાપની એક જ ફરિયાદ હોય છે કે, ગમે એટલું ખીજાઇએ તો પણ સંતાનો માનતા જ નથી. મોબાઇલ હાથમાં આપો તો જ જમે છે. બોલાવો તો જવાબ આપતા નથી. નાની નાની વાતમાં અકળાઇ જાય છે. જરાક મોટા થાય ત્યાં પ્રાયવસીની વાતો અને ડિમાન્ડ કરવા માંડે છે. હવેના બાળકો એક અલગ જ દુનિયામાં જીવી રહ્યા છે. સ્ટ્રગલ કરીને આગળ આવેલા મા-બાપ સંતાન માટે કંઇપણ કરી છૂટવા તૈયાર છે પણ સંતાનને પોતાની રીતે જીવવું છે. હમણાં એક માતાએ એવું કહ્યું કે, મારે મારા દીકરા સાથે થોડાક વર્ષ શાંતિથી રહેવું છે. ટીનેજર થઇ જશે પછી તો કોને ખબર છે કે, એનું ધ્યાન ક્યાં હશે? એના ફ્રેન્ડસ, એની દુનિયા અને એના વિચારો સાવ જુદા જ થઇ જવાના છે.
અત્યારના બાળકોને કંઇ કહી શકાતું નથી. અગાઉના સમયમાં કોઇની દેન હતી કે, મા-બાપની વાત ઉથાપે કે સામે બોલે? ફિલ્મ જોવા જવું હોય તો રજા માંગતા પણ મોઢે ફીણ આવી જતા હતા. હવેની જનરેશન રજા નથી માંગતી, માત્ર જાણ કરે છે. હું જાઉં છું એટલું જ કહે છે. સમયની સાથે બધું બદલાતું રહે છે. પરિવર્તનો સ્વીકારવા પણ પડે છે પણ માણસ એક હદથી વધુ સહન કરી શકતો નથી. હવે તો છોકરું કહ્યું માને એટલું ડાહ્યું હોય એટલે મા-બાપ પોતાને નસીબદાર સમજે છે. મા-બાપ જેવી જ સ્થિતિ શાળાના શિક્ષકોની છે. પહેલા તો શાળામાં ધોલાઇ થઇ જતી. હાથમાં ફૂટપટ્ટી કે બે-ચાર થપ્પડ ખાવાની ઘટના સામાન્ય હતી. ઘરે જઇને કહી પણ શકાતું નહીં કે, આજે માસ્તરે મને માર્યો. જો કહે તો મા-બાપ પણ બે ધોલમાં મારે. મા-બાપ જ શિક્ષકને કહેતા કે, ન માને તો ધીબેડજો તમતમારે! બાળક પાસે શિક્ષકની વાત માનવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહોતો. મા-બાપ પણ સમજતા કે, ટીચર મારે કે ધમકાવે તો એ છોકરાના સારા માટે જ છે.
હવે સ્ટુડન્ટ પર હાથ ઉપાડવાની વાત તો દૂર એને ઊંચા અવાજે ખીજાઇ પણ નથી શકાતું. અલબત્ત, હવે એ ચર્ચા શરૂ થઇ છે કે, છોકરાંવ ન જ માને અને ભણવામાં ધ્યાન ન જ રાખે તો શું કરવું? એના નસીબ પર છોડી દેવાના કે પછી જરૂર પડ્યો નાની કે મોટી સજા કરવાની? શાળા અને કોલેજો પાસે મા-બાપની અપેક્ષાઓ પણ વધી ગઇ છે. એ લોકો કહે છે કે, આટલી બધી ફી લો છો તો છોકરાને સરખું ભણાવો! એ તમારી ફરજ છે. મારો દીકરો ડોબો છે કે દીકરીમાં લાંબી નથી એવું તો કોઇ માનવા તૈયાર જ નથી! હવે તો એવું જ થઇ ગયું છે કે, અમે પેમેન્ટ કરીએ છીએ, તમે પર્ફોર્મ કરીને બતાવો. અમારા સંતાનને સારા માર્કસ આવવા જોઇએ!
સ્કૂલ્સવાળાઓને એ સમજાતું નથી કે, બાળકોને સારી રીતે ભણાવવા માટે કરવું શું? આપણા કરતા પણ દુનિયાના બીજા દેશોમાં સ્થિતિ વધુ ખરાબ છે. બ્રિટન, અમેરિકા અને બીજા કેટલાંક દેશોમાં તો સ્ટુડન્ટસને ખીજાઇ પણ નથી શકાતું. સ્ટુડન્ટસ પર ગુસ્સો કરે કે ભૂલે ચૂકેય હાથ ઉપાડે તો મા-બાપ તો કંઇ કરે કે કહે ત્યારે સ્ટુડન્ટ જ પોલીસને ફોન કરી દે છે! બ્રિટનમાં સ્ટુડન્સ સરખું ભણતા નથી. શીખવાની દાનત ઘટતી જાય છે. ભણવામાં છોકરાઓનો જીવ જ નથી હોતો. આવા સંજોગોમાં ત્યાં ફરીથી સ્ટુડન્ટસ પર સ્ટ્રીક્ટ થવા પર વિચાર વિમર્શ શરૂ થયો છે. બ્રિટનમાં અગાઉના સમયમાં શાળામાં છોકરાંઓ ભણવામાં ધ્યાન ન દે તો બિન્ધાસ્ત માર મારવામાં આવતો હતો. રોનાલ્ડ દહલ નામના નિષ્ણાતે બ્રિટનની એજ્યુકેશન સિસ્ટમ પર ‘ધ એગોની’ નામનું પુસ્તક લખ્યું છે. રોનાલ્ડ લખે છે કે, જૂના સમયમાં બ્રિટનમાં ગ્રામર સ્કૂલો હતી. એ શાળાઓમાં જે બાળક ભણવામાં ધ્યાન ન આપે તો તેને લોહી નીકળે ત્યાં સુધી માર મારવામાં કોઇ સંકોચ અનુભવાતો નહોતો. એ બાળક ગમે તે વ્યક્તિનું હોય એનાથી કોઇ ફેર ન પડતો. ગરીબ હોય, ધનવાન હોય કે પછી રોયલ ફેમિલીનું હોય, બધાના બાળકોને એક સરખી રીતે ટ્રીટ કરવામાં આવતા હતા. 1960માં બ્રિટનમાં એજ્યુકેશન સિસ્ટમમાં પરિવર્તન કરાયું અને ગ્રામર સ્કૂલ બંધ કરીને કોમ્પ્રિહેન્સિવ સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. એ સ્કૂલમાં બાળકો પર કોઇ દબાણ લાવવામાં આવતું નહીં. નવી સિસ્ટમથી પહેલા તો શિક્ષણના પરિણામો સારા આવતા હતા પણ પછી શિક્ષણનું સ્તર ઘટતું ગયું. છોકરાંવને એમ થઇ ગયું કે, આપણે ભણીએ કે ન ભણીએ આપણને ક્યાં કોઇ કંઇ કહી શકવાનું છે? હવે થયું છે એવું કે, ઉત્તરી લંડનની મિશેલા કમ્યુનિટી સ્કૂલના પ્રોફેસર કેથરીને એવો વિચાર આપ્યો છે કે, મા-બાપની મંજૂરી લઇને ભણવામાં ધ્યાન ન આપનાર સ્ટુડન્ટસને સજા આપવી જોઇએ અને જરૂર પડ્યે સામાન્ય પ્રમાણમાં મારવાની પણ છૂટ મળવી જોઇએ. જો એ નહીં થાય તો છોકરાઓ વધારેને વધારે ઠોઠડા થતા જશે. આ મુદ્દે બ્રિટનમાં ચર્ચાઓ પણ ચાલી છે. એક વર્ગ એવો છે જે સજા આપવાની વાતમાં સંમતિ પૂરાવે છે. જો કે, બીજો વર્ગ એ વાતને યોગ્ય ગણતો નથી. બાળકને બીજી કોઇ સજા હજુ પણ સમજ્યા પણ મારવાની વાત તો સાવ ખોટી જ છે. પેરેન્ટસનું કહેવું છે કે, અમે પણ અમારા સંતાનોને હાથ લગાડી શકતા નથી. બાય ધ વે, આપણા દેશમાં માનો કે આ ચર્ચા ચાલે તો તમારો મત શું હોય? ભણવામાં ધ્યાન ન આપનારા સ્ટુડન્ટસને સજા કરવી જોઇએ કે નહીં? બહુ ઓછા લોકો આ મુદ્દે સંમત થશે! મારવાની વાત યોગ્ય તો નથી જ. છોકરાઓનો સાયકોલોજિકલ સ્ટડી અને બીજા અખતરાઓ તથા પ્રયાસો કરીને તેનું ભણતર સુધારવું જોઇએ. બ્રિટનમાં પણ સજાની વાત સ્વીકારાય એવી શક્યતાઓ બહુ ઓછી છે.
બ્રિટન અને અમેરિકા સહિત કેટલાંક દેશમાં મા-બાપ પણ સંતાનોને મારી શકતા નથી. છોકરાઓ પોલીસને ફોન કરી દે તો મા-બાપનું આવી બને! ત્યાં તો સ્કૂલમાં જ છોકરાવને પૂછવામાં આવે છે કે, તમારા પેરેન્ટસનું તમારી સાથે સારું બિહેવિયર કરે છેને? ન હોય તો તમે પોલીસને જાણ કરી શકો છો. અમેરિકામાં રહેતા એક ગુજરાતી પરિવારનો સાવ સાચો એક કિસ્સો છે. પ્રાયમરી સ્કૂલમાં ભણતો દીકરો ભણવામાં ધ્યાન નહોતો આપતો. તેના પિતાએ એક વખત દીકરાને થપ્પડ ચોડી દીધી. દીકરો તરત જ પોલીસને ફોન કરવા દોડી ગયો. એ વખતે માતા અને પિતાએ દીકરાને રોકી લીધો. એ જ દિવસે માતા-પિતા બંનેએ સાથે મળીને નિર્ણય કરી લીધો કે, આપણે ઇન્ડિયા પાછા જઇએ છીએ. આપણે આપણા સંતાનોના ભલા ખાતર પણ જો એને કંઇ કહી ન શકીએ તો શું કામનું? એ પરિવાર પાછો ઇન્ડિયા આવી ગયો!
આપણે આપણી આસપાસ એવા ઘણા કિસ્સાઓ જોઇએ છીએ કે, છોકરાઓ મા-બાપનું કહ્યું માનતા નથી. મા-બાપને એમ થાય છે કે, આટલા માટે તમને મોટા કર્યા હતા? પેરેન્ટિંગ એ આખી દુનિયામાં અત્યારે સૌથી મોટો ડિબેટેબલ ઇશ્યૂ છે. દરેકને એ વાતનું ટેન્શન છે કે, આખરે સંતાનોને સમજાવવા કઇ રીતે? આપણે એને પ્રેમ કરતા હોઇએ, એના માટે બધું કરી છૂટતા હોઇએ, ઘણા કિસ્સામાં તો પેટે પાટા બાંધીને સંતાનો ખાતર કંઇ પણ કરતા હોઇએ. બધું કર્યા પછી જ્યારે સંતાન તરફથી જુદો કે નબળો પ્રતિસાદ મળે ત્યારે લાગી આવે છે. એક વાત તો એવી થઇ રહી છે કે, બાળકોના ઉછેર માટે જૂના બધા નિયમો અને સિદ્ધાંતો ભૂલીને નવેસરથી બધું શીખવા સમજવાની જરૂર છે. બાળકો બદલાઇ રહ્યા છે તો પેરેન્ટસે પણ બદલાવવું પડશે. સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમ ઝમ એ હવે ચાલે એવું તો નથી જ!
હા, એવું છે!
બાળકો સાથે ડીલ કરવાનું કામ પેરેન્ટસ માટે સૌથી અઘરું છે. મજાની વાત એ છે કે, સૌથી મહત્ત્વનું આ કામ ક્યાંય શીખવાડવામાં આવતું નથી. દરેક મા-બાપ પોતપોતાની રીતે જ બાળકને ઉછેરે છે. બાળકના ઉછેરની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા છે જ નહીં! પેરેન્ટિંગ પણ દરેક દેશમાં અને દરેક સમાજમાં જુદી જુદી રીતનું છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 ફેબ્રુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com