પહેલાં તું મારી
વાત તો સાંભળ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ભાવ છે તો અભાવ રહેવાનો, એની સાથે લગાવ રહેવાનો,
હાલ એનાયે એ જ થાવાના, જેવો જેનો સ્વભાવ રહેવાનો,
બહાર સઘળુંયે લાગશે સુંદર, ભીતરે તાજો ઘાવ રહેવાનો,
તારી ફરિયાદ ફક્ત જુઠ્ઠાણું, મારી પાસે બચાવ રહેવાનો.
-દિનેશ ડોંગરે `નાદાન’
જિંદગી સારી રીતે જીવવા માટે બે વસ્તુ શીખવાની ખાસ જરૂર હોય છે. એક તો સારી રીતે બોલતા અને બીજું સરખું સાંભળતા! આપણે સીધા મોઢે વાત કરતા નથી અને સરવા કાને વાત સાંભળતા નથી! સંવાદ તો જ સાર્થક થાય જો વાત કહેવાની સાથે વાત સાંભળવાની પણ તૈયારી હોય. જન્મ પછી માણસે બોલતાં શીખવું પડે છે પણ સાંભળવાની શક્તિ તો કુદરતે જન્મની સાથે જ આપી છે. સાંભળવાની આદત આપણે કેળવવી પડે છે. સત્તા, શક્તિ અને સંપત્તિ ઘણી વખત માણસના કાન બંધ કરી દે છે. મારે કોઇનું કંઇ નથી સાંભળવું, બધા મારી વાત સાંભળે. હું કહું એમ તમારે કરવાનું છે. તમારે મને કંઈ કહેવાનું નથી. એક ઓફિસની આ વાત છે. બોસ ક્યારેય કોઇની વાત ન સાંભળે. મિટિંગ હોય ત્યારે બોસ એકલો જ બોલે. બાકીના બધાએ મૂંગા મોઢે વાત સાંભળવાની! કોઇ કંઇ બોલવા જાય તો કહી દે કે, મારે કોઇ દલીલ ન જોઇએ! હું કહું એ ચૂપચાપ કરી નાખો. કોઇ કંઈ બોલતું નહીં. કંઈ ખોટું લાગતું હોય કે ખોટું થતું હોય તો પણ કોઇ કંઈ બોલે નહીં! આવા કિસ્સામાં લોકો પણ એવું વિચારવા લાગે કે, આપણે શું? કહે એમ કરી નાખવાનું, પછી જે થવાનું હોય એ થાય! એક વખત બોસે કહ્યું એમ બધાએ કરી નાખ્યું અને મોટી ખોટ ગઈ! બોસે બધાને બોલાવીને ખખડાવ્યા. બોસે સવાલ કર્યો કે, આવું કેમ થયું? એ વખતે એક કર્મચારીએ હિંમત કરીને કહ્યું કે, આવું કેમ થયું એ સાંભળવાની તમારી તૈયારી છે ખરી? આવું થવાનું સાચું કારણ એ છે કે, તમે ક્યારેય કોઇનું કંઇ સાંભળતા જ નથી. તમે જે મિટિંગમાં આ અંગે બધાને નિર્ણય સંભળાવ્યો હતો એ મિટિંગ પછી જ બધાએ બહાર નીકળીને એ વિશે ચર્ચા કરી હતી કે, બોસનો આ નિર્ણય મોંઘો પડવાનો છે. તમારે કોઇની વાત સાંભળવી હોતી નથી એટલે બધા ચૂપ બેઠા રહ્યા અને જે થયું એ પરિણામ તમારી સામે છે.
દરેક માણસને કંઇક કહેવું હોય છે. વાત કરવી હોય છે. દિલ ઠાલવવું હોય છે. મન હળવું કરવું હોય છે. એને કોઇ એવી વ્યક્તિની જરૂર હોય છે જે એની વાત સાંભળે. એને હોંકારો આપે. કમનસીબે વાત સાંભળવાવાળાની અછત સર્જાતી જાય છે. વાત કરતાં પહેલાં વિચારવું પડે છે કે, વાત કરું કે નહીં? મારી વાત એ શાંતિથી સાંભળશે? એક છોકરીની આ વાત છે. એક મુદ્દે એ મૂંઝાતી હતી. તેને થયું કે, મારા આ વડીલને વાત કરીશ તો મારા પ્રોબ્લેમનું સોલ્યૂશન મળી જશે. છોકરી વડીલને મળવા ગઇ. છોકરી વાત કરતી હતી ત્યારે વડીલનું ધ્યાન જ નહોતું. વાત ટૂંકાવીને છોકરી ત્યાંથી નીકળી ગઇ. છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, સોલ્યૂશન આપવાની વાત તો દૂર રહી, એણે ધ્યાનથી મારી વાત સાંભળી પણ નહીં! આવું થાય ત્યારે બહુ હર્ટ થાય છે. ભલે આપણે કંઈ કરી ન શકીએ, શાંતિથી વાત સાંભળીએ તો પણ સામેની વ્યક્તિને સારું લાગતું હોય છે. એક વાત યાદ રાખજો, વાત કરવા આવનાર દરેકને કંઈક જોઇતું હોય છે એવું નથી હોતું. એને માત્ર એટલી જ અપેક્ષા હોય છે કે, એ મારી વાત સાંભળે! એને બસ વ્યક્ત થવું હોય છે.
કેટલાંક ઘર સાવ મૂંગાં હોય છે. ઘરમાં ઘણા સભ્યો હોય છે પણ એક સન્નાટો છવાયેલો હોય છે. કોઇ ન હોય અને લાગતી એકલતા અને બધા હોય ત્યારે વર્તાતી એકલતામાં બહુ મોટો ફર્ક હોય છે. બધા હોય છતાંયે કોઇ ન હોય એવી લાગણી વેદના આપે છે. બે બહેનપણીની વાત છે. એક ફ્રેન્ડ અનાથ આશ્રમમાં મોટી થતી હતી. બીજી પરિવારના બધાની સાથે મોટા બંગલામાં રહેતી હતી. બંગલાવાળી બહેનપણીએ એક વખત તેની ફ્રેન્ડને કહ્યું કે, તું અનાથ છે પણ નસીબદાર છે, તારી પાસે આશ્રમમાં તારી વાત સાંભળવાવાળા ઘણા છે. મારે મસમોટો બંગલો છે. બધા પોતપોતાના રૂમમાં પુરાયેલા હોય છે. વાત કરવી હોય તો કોને કરવી? મને ઘણી વખત એવું થયું છે કે, બધા હોવા છતાં તમે અનાથ હોઈ શકો છો! પોતાના લોકો વચ્ચેની એકલતા વધુ અઘરી અને આકરી હોય છે!
પ્રેમ અને દાંપત્યમાં સૌથી વધુ મહત્ત્વનું એ હોય છે કે, તમે તમારા પાર્ટનરની વાત કેવી રીતે સાંભળો છો? એક યુવતીને એવું પૂછવામાં આવ્યું કે, તારા હસબન્ડમાં તને ગમતી સૌથી સારી વાત કઈ છે? એ યુવતીએ કહ્યું, એ મારી દરેક વાત ધ્યાનથી સાંભળે છે. વાત સાચી હોય કે ખોટી, એ પહેલાં સાંભળે છે. ખોટી હોય તો એ મને કહે છે કે, શા માટે તેને વાત ખોટી લાગે છે? સાચી વાત હોય તો એ સ્વીકારે છે. એક વખતની વાત છે. એક ઘટનાની પતિને ખબર હતી. પત્નીએ આમ છતાં બધી વાત કરી. પત્નીએ વાત પૂરી કરી એ પછી પતિએ કહ્યું કે હા, મને એ ખબર છે. પત્નીએ સવાલ કર્યો, તને ખબર હતી તો તેં મને વાત કરતા રોકી કેમ નહીં? પતિએ કહ્યુંઃ કારણ કે મારે તારી વાત કાપવી નહોતી. તું એટલા ઉમળકાથી એ વાત કરતી હતી કે મને થયું કે, તારી વાત પૂરેપૂરી સાંભળું.
તમે માર્ક કરજો, તમારી સાથે જે કોઈ પણ વ્યક્તિ વાત કરે છે એની વાત તમે ધ્યાનથી સાંભળો છો ખરા? ક્યારેક તો કોઈ વાત કરતું હોય ત્યારે આપણું ધ્યાન આપણા મોબાઇલમાં કે લેપટોપમાં હોય છે. ક્યારેક કોઇની સાથે કંઇક વર્તન કરતાં પહેલાં એટલું પણ વિચારવું જોઇએ કે, કોઇ મારી સાથે આવું વર્તન કરે તો મારાથી સહન થાય ખરું? આપણાથી જે સહન ન થાય એ કોઇનાથી સહન થતું નથી હોતું. કોઇ મજબૂરીના કારણે સહન કરી લે પણ એને ગમતું તો હોતું જ નથી! વાત સાંભળવામાં પણ આપણે સ્વાર્થી થઈ જતા હોઇએ છીએ. આપણા કામની, આપણા ફાયદાની કે આપણા રસની વાત હોય ત્યારે એ વાત આપણે ધ્યાનથી સાંભળીએ છીએ. આપણને કામની ન હોય એ વાતની આપણે પરવા પણ કરતા હોતા નથી. આપણે ઘણાં ઘરોમાં એવું બોલાતું સાંભળ્યું હોય છે કે, પહેલાં તું મારી વાત તો સાંભળ! વાત સાંભળ્યા વગર જ તું ના કહી દે છે! આપણે બધા પણ ક્યારેક જાણે, ક્યારેક અજાણે આવું કરતા હોઈએ છીએ. વાત સાંભળવાનું બંધ થાય ત્યારે વાત કહેવાનું પણ બંધ થઇ જતું હોય છે. તમારી પોતાની વ્યક્તિ તમારી સાથે વાત કરતી બંધ થઇ જાય ત્યારે જરાક વિચાર કરજો કે એવું કેમ થયું? ક્યાંક તમે સાંભળવાનું બંધ કર્યું છે એટલે તો એણે બોલવાનું બંધ કરી નથી દીધુંને? ઘણા નિસાસાઓમાં ન બોલાયેલી વાતો છુપાયેલી હોય છે. ઘણા ન બોલાયેલા શબ્દો કણસાટમાં ફેરવાઇ જતા હોય છે. દરેક મૌન શાંત નથી હોતું. કેટલુંક મૌન લદાયેલું હોય છે. જવા દે, કંઈ નથી બોલવું, એને ક્યાં મારા શબ્દોથી કોઈ ફેર પડે છે? તમને કોઇના શબ્દોથી ફેર નહીં પડે તો એક સમય એવો આવશે જ્યારે એ વ્યક્તિને તમારાથી જ કોઇ ફેર નહીં પડે! આપણા સંબંધો આપણી વાત સાંભળવાની ક્ષમતા પર પણ આધાર રાખતા હોય છે. તમારી વ્યક્તિ જો તમારી સાથે મુક્ત અને હળવી રીતે વાત કરી શકતી ન હોય તો સમજજો કે તમારા સંબંધમાં કંઈક પ્રોબ્લેમ છે. નિદાન કરશો તો મોટા ભાગે એ સમસ્યા આપણી વાત ન સાંભળવાની આદત જ હશે!
છેલ્લો સીન :
વાત કરવાનું પણ વ્યસન થઈ જતું હોય છે! આપણી જિંદગીમાં કોઇક તો એવું આવ્યું જ હોય છે જેની સાથે રોજ એટલિસ્ટ એક વખત તો વાત થતી જ હોય! અમુક સમયે એ વ્યક્તિ અને એ વાતો સ્મરણો બનીને રહી જાય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 29 જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com