ક્યારેક કંઈ જ ન કરવાનો
પ્રયોગ કરવા જેવો છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ક્યારેક `બોર’ થવાના પણ ઘણા ફાયદા છે.
કંટાળો પણ અમુક વખત ક્રિએટિવિટીને ધક્કો આપે છે.
જોકે, સતત અને સખત કંટાળો આવતો હોય તો એ ચિંતાનો વિષય છે!
આપણું મગજ કેવું અને કેટલું કામ કરતું હોય છે?
———–
અરે યાર, બહુ જ કંટાળો આવે છે! દરેકે દરેક માણસને ક્યારેક તો આવું થયું જ હોય છે. ઘણી વખત તો કંટાળો આવવાનું કોઇ કારણ જ નથી હોતું તો પણ કંટાળો આવે છે! કંટાળો કેમ આવે છે? એના વિશે દુનિયામાં ઘણાં અભ્યાસો, રિસર્ચ અને સરવૅ થયાં છે. એક વાત એવી છે કે, માણસ સાવ નવરો હોય ત્યારે તેને કંટાળો આવે છે. કામ હોય ત્યારે કોઇ કંટાળાનો વિચાર કરવા માટે પણ નવરા નથી હોતા! હમણાંનું એક લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે, ક્રિએટિવિટી માટે ક્યારેક કંટાળો આવે એ જરૂરી છે. કંટાળો આવે ત્યારે માણસ કંઇ કરતો હોતો નથી. નવરો બેઠો હોય છે. એ વખતે પણ માણસનું મગજ તો કામ કરતું જ હોય છે. આવા સમયે જ મગજમાં કંઇક નવો વિચાર સ્ફુરે છે અને જિંદગીની દિશા બદલાઈ જાય છે.
તમને ખબર છે, ક્યારેક આપણું મગજ સાવ જ ફ્રી રહે એ પણ બહુ જરૂરી છે? દરેક માણસે એક પ્રયોગ કરવા જેવો છે. અમુક સમયે નક્કી કરવાનું કે, મારે થોડોક સમય કંઇ નથી કરવું! બસ, બેઠાં રહેવું છે અથવા તો પડ્યા રહેવું છે! કંટાળામાં આપણે બેઠા જ રહેતા હોઇએ છીએ. હવે કોઇ માણસ નવરા બેસતા જ નથી! તમે માર્ક કરજો, માણસ સાવ ફ્રી હોય ત્યારે શું કરે છે? એ તરત જ પોતાનો મોબાઇલ હાથમાં લઇ લેશે અને સોશિયલ મીડિયા કે પછી ગમે તે કરવા લાગશે! મગજ ઓક્યુપાઇ થઇ ગયું! આપણે મગજને ફ્રી જ રહેવા દેતા નથી! આપણે કહીએ છીએ કે યાર, ટાઇમ જ મળતો નથી, મરવાનીયે ફુરસદ નથી! આપણે ખોટું બોલતાં હોઈએ છીએ. આપણને ફુરસદ મળતી હોય છે. એ ફુરસદના સમયને આપણે મોબાઇલ કે બીજા કશામાં વેડફી નાખીએ છીએ. માણસ બધાને સમય આપે છે પણ પોતાને જ ટાઇમ આપતો નથી. તમે તમારા માટે કેટલો ટાઇમ ફાળવો છો? આપણે જિમમાં જઇએ છીએ અથવા તો વોક કરવા નીકળીએ છીએ, એ વખતે પણ આપણે આપણા કાનમાં ઇયર પ્લગ ભરાવી દઇએ છીએ. બીજું કશું વિચાર કરવા માટે તમે મગજને નવરું પડવા દો છો ખરા? હવે તો સ્થિતિ એ થતી જાય છે કે, માણસ નવરો પડે તો ટેન્શનમાં આવી જાય છે, ઘાંઘો થઇ જાય છે, હાંફળો ફાંફળો થઇ જાય છે! એનું કારણ એ છે કે, આપણે નવરા રહેવાની આદત જ ગુમાવી દીધી છે!
ક્રિએટિવિટી માટે વિચારો જરૂરી છે. કોઇ પણ આર્ટ માટે પોતાની જાત સાથે રહેવું જરૂરી હોય છે. વિચાર અચાનક જ આવે છે. ક્યારેક તો કોઇ વિચાર ચમત્કાર જેવો લાગે છે. સર્જનાત્મક વિચાર ત્યારે જ આવવાના જ્યારે મગજ બીજા વિચારોથી મુક્ત હોય. ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જ જોયે રાખીએ તો બીજા વિચાર ક્યાંથી આવવાના? મોબાઇલ કે બીજા ગેજેટ્સ આપણને એટલા બધા ઓક્યુપાય રાખે છે કે, આપણું એના સિવાય કશામાં ધ્યાન જ નથી પડતું! હવે તો માણસ સામે કોઈ ઊભું કે બેઠું હોય એની સાથે વાત કરતાં કરતાં પણ મોબાઇલ જોતાં રહે છે. એનું ધ્યાન સામેવાળાની વાતમાં હોતું જ નથી તો પછી ક્રિએટિવ વિચાર તો ક્યાંથી આવવાનો? મગજને રિલેક્સ રહેવા દો. મારે કંઇ જ નથી કરવું! મૌન, શાંતિ, એકાંત અને આપણે પોતે! એવા સમયે એવા જ વિચાર આવશે જે બીજા વિચારો કરતાં જુદા, અનોખા અને અલૌકિક હશે! એ જ તમારો હાથ પકડીને તમને કોઇ સર્જન તરફ લઇ જશે!
પ્રોબ્લેમ એ જ છે કે, માણસ હવે નવરો બેસતો નથી! આ વિશે હમણાં એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલું આ રિસર્ચ એવું કહે છે કે, માણસ ધીમે ધીમે એકલા, નવરા અને પોતાની જાત સાથે રહેતા ભૂલતો જાય છે. 42 લોકો પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ લોકોને એવું કહેવાયું હતું કે, તમારે માત્ર પંદર મિનિટ માટે કશું જ કરવાનું નથી. એમને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. એ રૂમમાં એક સ્વીચ રાખવામાં આવી હતી. આ સ્વીચ દબાવે એટલે સાવ હળવો ઇલેક્ટ્રિક કરન્ટ લાગતો હતો. પાર્ટિસિપન્ટને કહેવાયું હતું કે, તમારે કશું જ કરવાનું નથી પણ જો તમને મજા ન આવે, ચેન ન પડે તો તમે આ સ્વીચ દબાવી શકો છો. 42માંથી અડધા લોકોએ સ્વીચ દબાવી હતી. એક વ્યક્તિએ તો 15 મિનિટમાં 190 વાર સ્વીચ દબાવી હતી! મતલબ કે એણે તો પંદર મિનિટ સુધી એ જ કામ કર્યું હતું. જે લોકોએ સ્વીચ નહોતી દબાવી એ લોકો પણ કંઇક ને કંઇક કરવાનો પ્રયાસ કરતા હતા, હકીકતે તેમણે કંઇ જ કરવાનું નહોતું! ક્યારેક કંઇ જ ન કરવાનું નક્કી કરીને પ્રયાસ કરી જોજો કે, તમે કેટલી મિનિટ કંઇ પણ ન કર્યા વગર રહી શકો છો?
બોર થતા હોવ તો પણ ચિંતા ન કરો. બોર થવા વિશેનું બીજું એક રિસર્ચ એવું કહે છે કે, ક્યારેક બોર થવું પણ ફાયદાકારક છે. અમેરિકાના રેન્સલેયર પોલિટેક્નિક ઇન્સ્ટિયૂટના કોગ્નિટિવ સાયન્સ ડિપાર્ટમેન્ટના રિસર્ચર અને ન્યૂરો સાયન્ટિસ્ટ એલિસિયા વોક કહે છે કે, બોર હોઇએ ત્યારે દિમાગમાં ક્રિએટિવ આઇડિયા આવી શકે છે. કંટાળો આવતો હોય ત્યારે ભલે એવું લાગતું હોય કે, સમય વેડફાયો અને મગજ બગડ્યું પણ એવું હોતું નથી! ક્યારેક કોઇ વાત કોઇ ઘટના ત્યારે આત્મસાત્ થતી હોય છે. ઘણાને એવા અનુભવ પણ થયા હશે કે, સાવ નવરા હોય, બોર થતાં હોય અને કંઇક એવો વિચાર આવી જાય જે તેમને જુદી જ દિશામાં દોરી ગયો હોય! બ્રિટિશ સાઇકોલૉજિસ્ટ સૈન્ડી માને તો આર્ટ ઓફ બીઇંગ બોર્ડ નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે. આ બુકમાં બોર થવાના ફાયદાઓ ગણાવાયા છે!
બોર થવા વિશે એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, ક્યારેક ક્યારેક બોર થઇએ એ સ્વાભાવિક છે પણ કંટાળો આવવાની ફ્રિકવન્સી જો વધારે હોય તો એનાથી પણ સાવધાન રહેવું પડે છે. એ પણ વિચારવાની જરૂર હોય છે કે, જ્યારે બોર થતા હોઇએ ત્યારે કેવા વિચાર આવે છે? કંઇ ન કરવાનું મન થાય તો ઠીક છે પણ નેગેટિવ વિચારો જ આવતા રહે તો સાવચેત થઇ જવું પડે. ડિપ્રેશન માત્ર એક જ નેગેટિવ વિચારથી નથી આવતું, નકારાત્મક વિચારોની હારમાળા સર્જાય એ પછી માણસ ડિપ્રેશનનો ભોગ બને છે. એ ફટ દઇને ડિપ્રેસ નથી થતો પણ ધીમે ધીમે એ તરફ ઢસડાય છે. તેને ખબર જ નથી પડતી કે, તે ક્યારે હતાશાનો ભોગ બની ગયો. આપઘાતનું પણ એવું જ છે. કોઇ માણસને મરવાનો પહેલો વિચાર આવે કે તરત જ એ મરી નથી જતો. મરવાનો એકનો એક વિચાર મનમાં ઘૂંટાતો રહે છે, બધું જ નક્કામું છે એવા વિચારો સતત આવતા રહે છે અને છેલ્લે માણસ અંતિમ પગલું ભરે છે. એટલે જ વિચારો પર નજર રાખવી પડતી હોય છે. સતત અને સખત કંટાળો આવે, ક્યાંય ન ગમે, કોઇની સાથે વાત કરવાનું મન ન થાય તો તરત જ નજીકની વ્યક્તિને પોતાની મનોવ્યથા કહેવી જોઇએ અને જરૂર જણાય તો કોઇ પણ જાતના સંકોચ વગર મનોચિકિત્સકની સલાહ અને સારવાર પણ લેવી જોઇએ. કંઇ ન કરવાનો પ્રયોગ પણ તો જ સફળ થવાનો છે જો આપણે સ્વસ્થ હોઇએ! ક્રિએટિવ કામ કરનારા લોકો માટે એ વધુ જરૂરી છે કે, તેના મગજને થોડીક મોકળાશ આપે, જેથી કંઇક નવા વિચારને આવવા માટે કોઇ ખલેલ ન પહોંચે!
હા, એવું છે!
વિચારો વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, ક્યારેય કોઇને એકસરખા વિચારો આવતા નથી. ક્યારેક પોઝિટિવ તો ક્યારેક નેગેટિવ વિચારો આવતા જ રહે છે. નેગેટિવ વિચારો વધી જાય ત્યારે માણસ ઘેરાતો જાય છે. નકારાત્મક્તા ઘેરી ન વળે એની સાવચેતી દરેકે રાખવી જોઇએ!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 જાન્યુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com