તને મજામાં રહેતા જ ક્યાં આવડે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને મજામાં રહેતા
જ ક્યાં આવડે છે! 


ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
બે પળ ખુટાડવામાં વર્ષો વીતી ગયાં છે,
કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ,
ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
-બંકિમ રાવલ



મજા, આનંદ અને ખુશી માટે આપણે બધાં પ્લાનિંગ્સ કરતાં રહીએ છીએ. પાર્ટી, સેલિબ્રેશન, ગેટ ટુ ગેધર, નાઇટ આઉટ અને એના જેવાં કોઇ ને કોઇ બહાને આપણે ખુશી શોધતા ફરીએ છીએ. એ પછી પણ મજા આવે છે કે કેમ એ સવાલ છે! ખુશી તો સહજ હોવી જોઇએ. હેપીનેસ એ સ્ટેટ ઓફ માઇન્ડ છે. કોઇ પૂછે કે કેમ છો, ત્યારે આપણે ફટ દઇને કહી દઇએ છીએ કે, એકદમ મજામાં! આપણે સાચું બોલતા હોઇએ છીએ? આપણે મજામાં ન હોઇએ ત્યારે કોઇને કહી શકતા નથી કે, યાર મજા નથી આવતી! આપણે બધા કોઇ ને કોઇ બોજ લઇને ફરીએ છીએ. એવો બોજ જેમાં આપણે પોતે જ દબાયેલા હોઇએ છીએ. આવું કેમ થાય છે? એક ભાઈ મજામાં લાગતા નહોતા. તેને એક મિત્રએ પૂછ્યું, કેમ અપસેટ છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે, એટલાં બધાં ટેન્શન છે કે વાત જવા દે! ઓફિસમાં બોસનું પ્રેશર હોય છે. સતત ભય લાગે છે કે, હમણાં કોઇ મુદ્દે રાડો પાડશે. ઘરમાં પત્ની નાની નાની વાતમાં સૂચનાઓ આપતી રહે છે. દીકરો એટલો તોફાની છે કે, એને કેવી રીતે કંટ્રોલ કરવો એ સમજાતું નથી. આ સિવાય સગાંસંબંધીઓની અસંખ્ય અપેક્ષાઓ છે. આ વાત સાંભળીને તેના મિત્રે કહ્યું કે, તને ખબર છેને કે આ બધા પ્રોબ્લેમ છે? એનો સામનો તારે જ કરવાનો છે. બેસ્ટ વે એ છે કે, ટેન્શન રાખીને નહીં પણ રિલેક્સ રહીને બધી સિચ્યુએશનને ટેકલ કર. જે પરિસ્થિતિ છે એનો સામનો તો કરવાનો જ છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો તમે કેવી રીતે કરો છો એ તમારી આવડત, સમજણ અને માનસિકતા છતી કરે છે. એક યુવાનની આ વાત છે તે જોબ પર જાય ત્યારે એ નક્કી કરીને જ જાય છે કે, આજે મારે અનેક ચેલેન્જીસનો સામનો કરવાનો છે અને હું બને એટલો રિલેક્સ રહીને એ બધા પડકારોને ઝીલવાનો પ્રયાસ કરીશ.
આપણે બધા જે પરિસ્થિતિ આવવાની છે તેના વિશે બહુ બધા આગોતરા વિચારો કરી લઇએ છીએ. એક છોકરીની આ વાત છે. બીજા દિવસે તેને પોતાની ઓફિસમાં એક પ્રેઝન્ટેશન આપવાનું હતું. આગલી રાતે ઘરે તેના ચહેરા પર રીતસરનું પ્રેશર દેખાઈ આવતું હતું. તેના ફાધરે પૂછ્યું કે, શું વાત છે? તેણે કહ્યું કે, કાલે બધાની વચ્ચે પ્રેઝન્ટેશન આપવાનું છે. પિતાએ કહ્યું કે, પ્રેઝન્ટેશન તૈયાર છેને? દીકરીએ કહ્યું, હા. શું અને કેવી રીતે બોલવાનું છે એ નક્કી છેને? દીકરીએ કહ્યું, હા અને એમ તો મેં પ્રેક્ટિસ પણ કરી લીધી છે. પિતાએ આખરે કહ્યું કે, તો પછી ચિંતા શેની કરે છે? એવો વિચાર કર કે, કાલે હું મારું પ્રેઝન્ટેશન એન્જોય કરીશ. મારું પરફોર્મન્સ બેસ્ટ જ હશે. તું તારા મનમાં અત્યારથી જ ડાઉટ રાખીશ તો ક્યાંથી ચાલવાનું છે? પરફોર્મ એ જ નથી કરી શકતા જે પ્રેશર સાથે જ મેદાનમાં ઊતરે છે!
આપણે આપણા કામ અને આપણી દિનચર્યાને પણ જુદા જુદા તબક્કાઓમાં વહેંચી નાખી છે. દરેક કામ પર કોઇ ને કોઇ ટેગ મારી દીધું છે. આ કામ ટેન્શનવાળું છે. આ કામમાં કેરફુલ રહેવું પડશે. દરેક કામને આપણે પ્રેશર જ સમજવા લાગ્યા છીએ. ફરવા જવાનું પ્લાનિંગ કરવાનું હોય, એર કે ટ્રેન ટિકિટ બુક કરવાની હોય, હોટલનું બુકિંગ કરવાનું હોય તો પણ આપણને ટેન્શન લાગે છે. ઘણાને તો ફરવા ગયા પછી પણ ચેન હોતું નથી. ક્યારે ક્યાં જવાનું છે, તૈયાર થવાનું છેથી માંડીને ફોન ચાર્જ કરવા સુધીનાં ટેન્શન તેને હોય છે. અરે ભાઈ, ફરવા આવ્યા છો તો મજા કરોને! એક ભાઇની આ સાવ સાચી વાત છે. એ ફેમિલી સાથે ફરવા ગયા હતા. હિલ સ્ટેશનથી કલાકે કલાકે ઓફિસે ફોન કરે કે, બધું બરાબર છેને? તેના આસિસ્ટન્ટે કહ્યું કે, બધું બરાબર છે. નથિંગ ટુ વરી. ચિંતા ન કરવાનું કહ્યું તો પણ એ ભાઈ ફોન કર્યે જ રાખે! આખરે તેની પત્નીએ કહ્યું કે, તને મજા કરતા જ ક્યાં આવડે છે? મૂકને બધું! તારા વગર કંઈ અટકી જવાનું નથી! તારે ભાર લઇને જ ફરવું છે? બીજા એક બોસની વાત છે. એ હોલિડે પર જતા હતા. તેની ટીમને બોલાવીને કહ્યું કે, તમે બધા જ હોશિયાર છો. કંઈ પણ ઇશ્યૂ પેદા થાય તો તમને યોગ્ય લાગે એ ડિસિઝન લઈ લેજો. એવું લાગે કે, હવે ક્યાંય ધ્યાન પડતું નથી તો જ ફોન કરજો! ઘણા તો એવા હોય છે કે, પોતે રજા પર હોય અને ઓફિસથી કોઇનો ફોન ન આવે તો એને ટેન્શન લાગવા માંડે છે! એવા લોકોની દાનત એ જ હોય છે કે, તેની નીચેના તમામ લોકો બધું જ તેને પૂછી પૂછીને કરે!
જોબ કે બિઝનેસ પરથી ઘરે આવી ગયા પછી પણ કેટલા લોકો રિયલ સેન્સમાં રિલેક્સ હોય છે? મોટા ભાગના લોકો આજે દિવસ દરમિયાન શું થયું, કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન ગયું, શું સારું થયું કે શું ખરાબ થયું એના એનાલિસિસમાં જ હોય છે. એ ન હોય તો આવતી કાલે શું કરવાનું છે એના વિચારો કરતાં રહે છે. એક યુવાન ઘરે આવી ગયા પછી એકદમ રિલેક્સ રહેતો હતો. તેના મિત્રએ એક વખત કહ્યું કે, તું આટલો રિલેક્સ કેમ રહે છે? યુવાને કહ્યું કે, મેં મારા મગજમાં એક સ્વીચ રાખી છે. ઓફિસથી નીકળું એટલે હું એ સ્વીચ ઓફ્ કરી દઉં છું. બીજા દિવસે ઓફિસ જાઉં ત્યારે જ એ સ્વીચ ઓન કરું છું. ઓફિસને સાથે રાખીને ફરતો નથી. કામ એવી વસ્તુ છે કે, તમે જો એને મગજમાંથી બહાર ન કાઢો તો એ મગજમાં જ રહે છે. મગજની એક કેપિસિટી હોય છે. તમારું ધ્યાન એક વાતમાં હોય તો તમે બીજે ધ્યાન આપી શકતા નથી. બહેતર એ હોય છે કે, તમે જ્યારે જેમાં ધ્યાન આપવાનું હોય એમાં જ ધ્યાન આપો.
ઘર એ શાંતિ અને મજાથી જીવવાનું સ્થળ છે. ઘરમાં પ્રવેશ્યા પછી જો તમને રિલેક્સ ફીલ ન થાય તો સમજજો કે તમે ખોટા રસ્તે છો. દરેક માણસની બે દુનિયા હોય છે. એક ઘરની અને બીજી બહાર કામ-ધંધાની. તેની વચ્ચે બેલેન્સ જાળવતા આવડવું જોઇએ. આજના યુવાનો લાઇફને એન્જોય કરી શકતા નથી એનું કારણ પણ વર્ક પ્રેશર છે. એક પ્રેમી અને પ્રેમિકાની આ વાત છે. બંને જોબ કરે છે. બંને ભેગાં થાય ત્યારે આજે ઓફિસમાં શું થયું એની જ વાત કરે. એક દિવસ પ્રેમિકાએ કહ્યું, આપણે આપણી તો વાત જ કરતાં નથી! ચાલ, આપણે નક્કી કરીએ કે, આપણે હવેથી ઓફિસની વાત જ નહીં કરીએ. આપણી જ વાત કરીશું. ઓફિસ કાયમી નથી, આપણા સંબંધો કાયમી છે. પોતાના લોકો સાથે પણ આપણે શું અને કેવી વાત કરીએ છીએ એ વિચારતા રહેવું જોઇએ. એ વાત કામની છે? એ વાત કરીને જરાયે રિલેક્સ ફીલ થયું? વાતો ભલે નક્કામી હોય, ભલે માત્ર ગપ્પાં માર્યાં હોય પણ મજા આવવી જોઇએ. આપણા સંબંધો શાંતિ આપવા માટે છે. આપણાં સ્વજનને પણ આપણે ડસ્ટબિન સમજીને આપણા મગજનો કચરો એનામાં ઠાલવવો ન જોઇએ. જો મગજમાં કચરો હશે તો એ ઠલવાવાનો જ છે. હળવા રહેવાની આવડત કેળવવી પડે છે. દુ:ખની વાત એ છે કે, આપણને મજામાં રહેતા કોઈ શીખવતું નથી. આપણાં બધાં જ સ્વજનો લાઇફ પ્રત્યે સીરિયસ અને કામ પ્રત્યે સિન્સિયર રહેવાનું જ શીખવે છે. મજામાં રહેતા તો આપણે જ શીખવું પડે! તમે જરાક વિચાર કરી જોજો કે, તમને મજામાં રહેતા તો આવડે છેને? નક્કી કરો કે, મારે મજામાં રહેવું છે. હળવા હશો તો કોઇ કામ અઘરું કે આકરું નહીં લાગે, ટેન્શનમાં જ રહેવાની આદત પડી જશે તો દરેક કામ ભારે લાગશે અને ધીમેધીમે તમે એની નીચે એવા દબાઈ જશો કે બહાર જ નહીં નીકળી શકો!
છેલ્લો સીન :
જો આપણે આપણો વાંક જોઈ શકતા ન હોય તો બીજાના વાંક કાઢવાનો આપણને કોઈ અધિકાર નથી. કોઈની નોટમાં લીટા દેખાડતા પહેલાં એ જોઈ લેવું જોઈએ કે મારી પાટી તો કોરી છેને? -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. ૦૮ જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *