મને કોઈ પ્રેમ
કરતું જ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
રણ તને કેવી મળી છે પ્રેયસી! ઉમ્રભરની જે તરસ આપી ગયા!
આવતા’તા હર વખત તોફાન લઇ, સાવ ખામોશી અહીં રાખી ગયા.
-રાવજી પટેલ
પ્રેમ એવું તત્ત્વ છે જેના વગર માણસ જીવી શકતો નથી. દરેક માણસને પ્રેમ કરવો હોય છે અને પ્રેમ મેળવવો પણ હોય છે. આપણને બધાને એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે, એક સારી વ્યક્તિ મળી જાય તો જિંદગી જીવવા જેવી બની જાય! દરેકના મનમાં પોતાની વ્યક્તિની એક કલ્પના હોય છે. મારી વ્યક્તિ આવી હોય, એ મારું ધ્યાન રાખે, મને પેમ્પર કરે, મારાં વખાણ કરે, મારી પ્રેરણા બને, હું હતાશ હોઉં ત્યારે મને મૉટિવેટ કરે, મને ક્યારેય નબળી કે નબળો પડવા ન દે! મનમાં એવી પણ શંકા હોય છે કે, મને ગમે એવી વ્યક્તિ મને મળશે કે કેમ? એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. બંનેના એરેન્જ મેરેજ હતા. પતિ પત્નીનું ખૂબ જ ધ્યાન રાખતો. એને કોઇ વાતનું ઓછું ન આવી જાય એની દરકાર કરતો. પત્ની પણ ખૂબ સારી હતી. એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે, મને બહુ પ્રેમ ન કર! પતિને આશ્ચર્ય થયું કે, આ કેમ આવી વાત કરે છે? પતિએ કારણ પૂછ્યું. પત્નીએ કહ્યું કે, મને ડર લાગે છે! ક્યાંક કોઇની નજર ન લાગી જાય! મારે તને એક વાત કહેવી છે. હું મેરેજ કરતાં ડરતી હતી. મેં મારા નજીકના કોઇ લોકોની મેરેજ લાઇફ સુખી જોઇ નથી. મારાં મમ્મી-પપ્પા વચ્ચે પણ હોવો જોઇએ એવો પ્રેમ નથી. બંને ઝઘડતાં રહે છે. મેં ઘરમાં સારું વાતાવરણ જોયું જ નથી. તારી સાથે મેરેજ થયા અને તું મારી સાથે જેવી રીતે રહે છે એવી તો મેં ક્યારેય કલ્પના જ કરી નહોતી. હું તો એવું જ માનતી હતી કે પ્રેમ, લાગણી, રોમાન્સ જેવું બધું તો ખાલી ફિલ્મોમાં જ હોય છે. રિયલ લાઇફમાં એવું કંઈ હોતું નથી! તારી સાથે રહ્યા બાદ એવી ખબર પડી કે, જિંદગી પણ સુંદર હોય છે. પતિ પણ પ્રેમ કરે એવો હોય છે. પતિએ કહ્યું કે, કોઇ વાતે ડર નહીં. કંઇ નથી થવાનું. કોઇની નજર નથી લાગવાની. આપણે સરસ જિંદગી જીવવાની છે. હું તને પ્રેમ કરું છું તો સામે તને પણ મારા પર એટલી જ લાગણી છે. સુખ મોટા ભાગે તો આપણા હાથવગું જ હોય છે, આપણને એની ખબર હોતી નથી. દુ:ખ એ બીજું કંઇ નથી, માત્ર સમજણનો અભાવ છે. આપણું સુખ કે આપણું દુ:ખ આપણે આપણા હાથે જ પેદા કરતા હોઇએ છીએ! સુખી થવા માટે સુખી કરવાની પણ તૈયારી હોવી જોઇએ. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે, લોકોને સુખી થવું છે પણ કોઇને સુખી કરવા નથી. સુખમાં સ્વાર્થ ન ચાલે.
જિંદગીનું એક સત્ય એ પણ છે કે, દરેકને પોતાની કલ્પનાની વ્યક્તિ મળતી નથી. ક્યારેય આપણી જિંદગીમાં કોઇ આવે છે ત્યારે એવો વિચાર આવી જાય છે કે, આ જ એ વ્યક્તિ છે જે મારી કલ્પનામાં હતી, મારા વિચારોમાં હતી, મારાં સપનાંઓમાં હતી! થોડા જ સમયમાં બધાં જ શમણાંઓનો ભુક્કો બોલી જાય છે! આપણને એ વિચાર આવી જાય છે કે, મેં આને પ્રેમ કર્યો હતો? આ તો સાવ જુદી જ વ્યક્તિ લાગે છે. સાવ જાણીતી વ્યક્તિ જ્યારે સાવ અજાણી લાગવા માંડે ત્યારે એક એવી પીડા જાગે છે જેનો કોઇ ઇલાજ હોતો નથી. એક એક ક્ષણ ભારે લાગે છે. આપણને આપણી સામે જ સવાલ થાય છે કે, શું મેં પસંદગીમાં થાપ ખાધી છે? હા, થાપ ખાધી હોય છે. એ વાત જુદી છે કે, જ્યારે પસંદગી કરી હોય છે ત્યારે આપણને એ ખબર નથી હોતી કે આપણે ભૂલ કરી રહ્યા છીએ. દરેક માણસ તરત ઓળખાતા પણ ક્યાં હોય છે? ઘણી વખત તો વર્ષો સુધી માણસ ઓળખાતો નથી. જ્યારે ખબર પડે ત્યારે એવું થાય છે કે, આ એ જ વ્યક્તિ છે જેને મેં દિલ ફાડીને પ્રેમ કર્યો હતો? માણસ બદલાતો રહે છે. બહુ ઓછા એવા માણસો હોય છે જે કાયમ એકસરખા રહે છે. દરેક વખતે એવું પણ થતું નથી કે, સારો માણસ જ ખરાબ થાય છે. ક્યારેક ઉલટું પણ થાય છે. એક પતિ-પત્ની હતાં. પતિને મેરેજ પહેલાં એક અફેર હતું. છોકરીએ તેને ચિટ કર્યો અને બીજે પરણી ગઇ. છોકરાને બહુ આઘાત લાગ્યો. તેના મનમાં એવું ઠસી ગયુ કે, સાચા પ્રેમ જેવું કશું હોતું જ નથી. ઘરના લોકોના કહેવાથી તેણે એરેન્જ મેરેજ તો કર્યાં પણ પત્ની સાથે પ્રેમથી રહેતો નહીં. સમય વીતતો ગયો. પત્ની સરસ રીતે રહેતી હતી. એક વખત ઓફિસથી આવતો હતો ત્યારે તેનો એક્સિડન્ટ થયો. પત્ની એનું ખૂબ ધ્યાન રાખતી. એ સાજો થઇ ગયો. તેને વિચાર આવ્યો કે, મારી પત્ની તો ખરેખર સારી છે. એના માટે હું સર્વસ્વ છું. તે ધીમેધીમે સારી રીતે રહેવા લાગ્યો. એક દિવસ તેણે પત્નીને પૂછ્યું કે, તને મારામાં કંઈ ચેન્જ લાગે છે? પત્નીએ કહ્યું કે, હા, લાગે છે. જે બદલાવ છે એ એક્સિડન્ટ પછીનો છે. સારી વાત છે પણ મને એક વિચાર આવી જાય છે કે, આપણને કેમ કોઇક ઘટના બને પછી જ સાચી વાતનું ભાન થાય છે? એનો જવાબ પણ મને મળ્યો છે. કદાચ આપણે વ્યક્તિને સમજવાનો કે સ્વીકારવાનો પ્રયાસ જ નથી કરતા! આપણે ઘણી વખત ઘણું બધું માની લેતા હોઇએ છીએ. આપણે જે માનીએ છીએ એ સાચું નથી એ સમજવા માટે ક્યારેક કોઇ ઘટના પણ નિમિત્ત બનતી હોય છે.
જે આપણા હોતા નથી એને ઘણી વખતે આપણે આપણા માનવાની ભૂલ કરી બેસીએ છીએ. એક વ્યક્તિ જિંદગીમાંથી જાય ત્યારે એવું પણ માનવા લાગીએ છીએ કે, મને કોઇ પ્રેમ કરતું નથી. એક છોકરી હતી. એને ઘરમાંથી બહુ પ્રેમ મળ્યો નહોતો. એક છોકરો એની જિંદગીમાં આવ્યો. એને લાગ્યું કે, મને મારો પ્રેમ મળી ગયો. એ છોકરાને પાગલની જેમ પ્રેમ કરતી હતી. છોકરાને તેનામાં બહુ રસ નહોતો. એક સમયે છોકરાએ બ્રેકઅપ કરી નાખ્યું. છોકરી ડિપ્રેશનમાં આવી ગઇ. તેને થયું કે, મને કોઇ જ પ્રેમ કરતું નથી. તેને મરવાના વિચારો આવતા હતા. મા-બાપ તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઇ ગયાં. તેણે ડૉક્ટરને એમ જ કહ્યું કે, મને કોઇ પ્રેમ કરતું નથી. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે, તું તને પ્રેમ કરે છે ખરી? તું જો તને પ્રેમ કરતી હોત તો તને આવા વિચાર જ ન આવત! બીજી વાત એ પણ છે કે, તું કોઇને પ્રેમ કરે છે ખરી? જે ચાલ્યો ગયો એ તારી જિંદગીમાં કેટલા સમયથી હતો? એક વર્ષ પણ નથી થયું! તું આવડી મોટી એમને એમ કોઇના પ્રેમ વગર થઇ ગઇ છો? આપણને આપણા લોકો પ્રેમ કરતા હોય છે પણ આપણે તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતા હોઇએ છીએ. આપણે કોઇ દિવસ એ વિચાર કરીએ છીએ કે આપણને કેટલા લોકો પ્રેમ કરે છે? જે આપણને પ્રેમ કરે છે એ લોકોની આપણને કેટલી કદર હોય છે? ઘણી વખત આપણે એક જ વ્યક્તિ તરફથી પ્રેમની અપેક્ષા રાખતા હોઇએ છીએ. બીજા કોઇની લાગણીની આપણને પરવા જ હોતી નથી! જિંદગીમાંથી કોઇ એક વ્યક્તિના જવાથી જિંદગીને કોસવી, નક્કામી સમજવી, જિંદગીને દોષ દેવા જેવી ભૂલ બીજી કોઇ હોતી નથી. અમુક લોકો આપણી જિંદગીમાં પીડા આપવા માટે જ આવતા હોય છે! એ જાય ત્યારે એવું સમજવું કે છૂટકારો થયો! ઘણી વખત આપણે જ પીડા અને વેદનામાં પડ્યા રહેતા હોઈએ છીએ. મારી સાથે આવું થયું, મારાં નસીબ જ ખરાબ છે, એવાં બધાં રોદણાં રોઇને આપણે જ હેરાન થતા હોઇએ છીએ. એક ચેપ્ટર ક્લોઝ થાય એટલે જિંદગીની કથા પૂરી થઇ જતી નથી. આપણને જિંદગીની નવી શરૂઆત કરતાં આવડવું જોઇએ. જિંદગી તો કહેતી હોય છે કે, મેં તો તેનાથી તને મુક્ત કરી દીધી કે કરી દીધો, હવે તું તો એમાંથી બહાર નીકળ! જિંદગી ક્યારેક વળાંક લેતી હોય છે, વળાંક લીધા પછી પણ રસ્તો તો હોય જ છે અને બનવાજોગ છે કે એ રસ્તો અગાઉના રસ્તા કરતાં વધુ સારો હોય!
છેલ્લો સીન :
કેટલાંક પ્રેમપુષ્પ જેવા હોય છે. ફૂલ ખીલેલું હોય ત્યાં સુધી સુગંધ આપે છે અને પછી એક સમયે ખરી પડે છે! આવાં ફૂલોની સુગંધ સ્મરણમાં સાચવી રાખવાની હોય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 25 ડિસેમ્બર, ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com