તેં મારા માટે કોઈ
સ્ટેન્ડ કેમ ન લીધું?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ધારું તો ફેરવી શકું મારું નસીબ હું,
શોધી શકે ન કોઈ હું એવી લકીર છું,
શતરંજની રમત મને ભારે પડી ગઈ,
જ્યારે કહ્યું મેં અમને કે હું વજીર છું.
-એસ.એસ. રાહી
માણસને માણસ પાસેથી શું જોઈતું હોય છે? એમાં સૌથી મોખરે જો કંઇ આવે તો એ છે, સાથ! બધા વગર ચાલે પણ `કંપની’ વગર ન ચાલે. દોસ્તી અને સંબંધ વગર સમયે પણ ધીમો ચાલતો હોય છે. મિત્ર મળે ત્યારે હંમેશાં સમય ઘટે જ છે. તમે એક વસ્તુ માર્ક કરી છે? મિત્ર સાથે થોડાક કલાક મસ્ત રીતે વિતાવ્યા હોય એ પછી એક વખત જરાક ચેક કરજો. મિત્ર સાથે શું વાતો કરી? મોટા ભાગે વાતમાં કંઇ માલ નહીં હોય! કાં તો રાજકારણની, કાં તો ક્રિકેટની, કાં તો ફિલ્મોની, કાં તો ઓફિસની, કાં તો બીજા મિત્રોની વાતો કરી હશે! કદાચ થોડીક ગોસિપ પણ કરી હશે. મોટા ભાગે આ વાતો એવી હશે જેમાં બેમાંથી કોઇનો કંઈ સ્વાર્થ નહીં હોય, કંઈ મેળવી લેવાનું નહીં હોય! કામની કોઇ વાત ન હોય અને છતાં મજા આવી હોય! આ વાત એવું પણ સાબિત કરે છે કે, પોતાની વ્યક્તિ સાથે ફાલતુ વાતો પણ અફલાતૂન લાગે છે! એક વખત થોડાક મિત્રો ભેગા થયા હતા. બધા પોતાની મસ્તીમાં હતા. એવામાં એક ફ્રેન્ડનો દીકરો આવ્યો. એને કુતૂહલ થયું. જોઉં તો ખરો કે પપ્પા અને તેના ફ્રેન્ડ્સ શું વાતો કરે છે? એ ચૂપચાપ બેસીને સાંભળતો હતો. તેણે જોયું કે, આ બધા જ મસ્તી કરે છે. કોઇ સીરિયસ ટોક નથી. છોકરો ચાલ્યો ગયો. બીજા દિવસે તેણે પપ્પાને કહ્યું કે, તમે તમારા બધા ફ્રેન્ડ્સની સાથે કેવા હળવા હતા! તમારું કામ અને તમારું સ્ટેટસ જોતાં કોઇ માને નહીં કે તમે આટલી હળવાશથી મસ્તી પણ કરતા હશો! પપ્પાએ દીકરાને કહ્યું કે, બેટા, અમુક મુકામ હળવા થવા માટે જ હોય છે. ત્યાં સ્ટેટસનો કોઇ ભાર નથી હોતો કે કંઇ સાબિત કરવાનું હોતું નથી. જિંદગીમાં એ જ જગ્યાઓ સાચી હોય છે, જ્યાં આપણે જેવા હોય એવા રહી શકીએ. કોઇ દેખાડો નહીં કે કોઇ દંભ નહીં! મોટી પાર્ટીઓ કે મોટા કાર્યક્રમોમાં થાક લાગતો હોય છે, કારણ કે ત્યાં બધા લોકો એકબીજાને ઇમ્પ્રેસ કરવામાં રચ્યાપચ્યા હોય છે. સાચા સંબંધ એ છે જ્યાં કોઇને કોઇ છોછ નડતો નથી.
માણસ હવે પોતે ખરેખર હોય એવી રીતે રહી જ શકતો નથી. પોતાને પહેરવું હોય એ પહેરી શકતો નથી. કામ અને સ્ટેટસ મુજબ ડ્રેસિંગ કરવું પડે છે. ઘરે આવીને કેઝ્યુઅલ ડ્રેસમાં આવે ત્યારે જ એને હાશ થાય છે. આખી લાઇફમાં આપણે ખરેખર સ્વાભાવિક જિંદગી કેટલી જીવતા હોઇએ છીએ? કદાચ બહુ ઓછી! આપણે એટલે જ કહેતા હોઇએ છીએ કે, એવી જગ્યાએ જવું છે જ્યાં કોઇ ઓળખતું ન હોય! એક સેલિબ્રિટીએ કહેલી આ સાવ સાચી વાત છે. તેણે કહ્યું કે, જાણીતા હોવાની પણ એક વેદના છે. તમે બહાર જાવ ત્યારે પણ તમે એકલા રહી શકતા નથી. લોકો તમને ઓળખી જાય છે. લોકો હોય એટલે તમે એલર્ટ થઇ જાવ છો! તમે તમારી નેચરલ લાઇફ જીવી જ નથી શકતા! એમાંયે હવે તો મોબાઇલના કેમેરા તમારી સામે ફરતા હોય છે. તમે બગાસું ખાવ તો પણ પકડાઇ જાવ છો! સતત કોન્સિયસ રહેવાનો પણ થાક લાગતો હોય છે! માણસ હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ ત્યારે હોય છે જ્યારે એ પોતાના રૂમમાં એકલો હોય છે! હવે તો માણસે એકાંત માટે પણ મથામણ કરવી પડે છે. માંડ બેઠા હોઇએ ત્યાં મોબાઇલની રિંગ વાગે છે, કાં મેસેજનું બિપર વાગે છે, કાં નોટિફિકેશનનો ટોન સંભળાય છે! શાંતિ અને સાથ ધીમે ધીમે દુર્લભ બનતાં જાય છે! માણસને હવે તો પોતાનો જ સાચો સાથ નથી મળતો ત્યારે બીજાનો સાથ તો ક્યાંથી મળવાનો છે?
સંબંધોની પણ કેટલીક ડિમાન્ડ હોય છે. અમુક વખતે સંબંધ એવી માંગણી કરે છે કે, તું મારી સાથે રહે. તું મારા માટે સ્ટેન્ડ લે! સાચા સંબંધમાં સ્ટેન્ડ લેવું પણ જોઇએ. જરૂર હોય ત્યારે ફસકી જઇએ એ ન ચાલે! એક ઓફિસની આ વાત છે. એક કર્મચારી સાથે એક પ્રોબ્લેમ થયો. તેનો એક મિત્ર તેની સાથે જ કામ કરતો હતો. તેને ખબર હતી કે, મારો ફ્રેન્ડ નિર્દોષ છે. તેણે કહ્યું કે, હું તેની સાથે રહીશ. આ વાત સાંભળીને એક સાથી કર્મચારીએ કહ્યું કે, તું એના માટે સ્ટેન્ડ લેવા જઇશ તો તને પણ ડેમેજ થશે. મિત્રએ કહ્યું, જે થવું હોય એ થાય પણ જ્યારે તમને ખબર હોય કે તમારા મિત્રનો કોઇ વાંક નથી, જ્યારે એ વ્યક્તિ તમારી નજીકની હોય ત્યારે જો તમે એની પડખે ન ઊભા રહો તો તમે કાયર છો! આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, એ વ્યક્તિ નિર્દોષ હોવી જોઇએ. એક પરિવારનો આ કિસ્સો છે. એક ભાઇએ ઘરમાં જ એક કૌભાંડ કર્યું. ખરેખર શું થયું હતું એ નક્કી કરવા બધા ભેગા થયા હતા. જેનો વાંક હતો એ પોતાનો બચાવ કરતો હતો. વાત પૂરી થઇ પછી એ વ્યક્તિની સૌથી નજીક જે હતા એને તેણે કહ્યું કે, તેં મારા માટે કેમ કોઇ સ્ટેન્ડ ન લીધું? પેલા ભાઇએ કહ્યું, એના માટે તું સ્ટેન્ડ લેવાને લાયક હોવો જોઇએ! તારા કારનામાની મને ખબર છે. મેં તારી પોલ ન ખોલી એ જ તારી ફેવર છે. તારા માટે સો ટકા સ્ટેન્ડ લેત પણ જો તું સાચો હોત તો! સ્ટેન્ડ એવા લોકો માટે લેવાતું હોય છે જેનું માથું ઊંચું હોય અને એ ટટ્ટાર ઊભા રહે એવા હોય!
ક્યારે કોની પડખે રહેવું અને ક્યારે કોનાથી દૂર જવું એ પણ જિંદગી સારી રીતે જીવવા માટે નક્કી કરવું પડતું હોય છે. અમુક લોકોની ફિતરત જ એવી હોય છે કે, એને સીધું કંઇ ફાવતું જ હોતું નથી. બે મિત્રોની આ વાત છે. એક મિત્ર બદમાશ હતો. એ કોઇની સાથે સીધો ન ચાલે. તેનો જે મિત્ર હતો એને બીજા એક મિત્રએ કહ્યું કે, એ ભલે તારી સાથે સીધો રહેતો હોય પણ એ ભરોસાપાત્ર નથી. દરેક વ્યક્તિનું એક કેરેક્ટર હોય છે. એ ભાગ્યે જ બદલાતું હોય છે. દોસ્તી, પ્રેમ અને સંબંધ બાંધતા, રાખતા અને નિભાવતા પહેલાં સામેની વ્યક્તિનું કેરેક્ટર ચેક કરવું પડે છે. જો ધ્યાન ન રાખીએ તો ફસાઇ જવાનો વારો આવે છે. પેલી કોલસાની વાત સાંભળી છેને? કોલસો ગરમ હોય તો દઝાડે છે અને કોલસો ઠંડો હોય તો પણ એ હાથ તો કાળા કરે જ છે. અમુક માણસો પણ કોલસા જેવા જ હોય છે. સંબંધ શાતા આપવા જોઇએ. આપણને જેની સાથે સંબંધ હોય એ ક્યારેક કોઇ ભૂલ કરી બેસે તો સમજી શકાય, એને મદદ પણ કરી શકાય પણ જેની પ્રકૃતિ જ વિકૃત હોય તેનાથી સાવચેત રહેવું પડે. સરવાળે તો આપણે કોની સાથે ફરીએ છીએ એનાથી આપણી ઇમેજ પણ નક્કી થતી હોય છે. દોસ્તીમાં સ્ટેટસ ન જોવાય એ વાત સાચી પણ પ્રકૃતિ અને પ્રવૃત્તિ તો જોવી જ પડે. સ્ટેન્ડ લેવાનો વારો આવે ત્યારે ચોક્કસ લેવું જોઇએ પણ એ વ્યક્તિ આપણા સ્ટેન્ડને લાયક હોવી જોઇએ! કોઇની પડખે ઊભા રહીએ ત્યારે આપણે વિરાટ ન દેખાઇએ તો કંઇ નહીં પણ વામન તો ન જ દેખાવા જોઇએ!
છેલ્લો સીન :
જિંદગીમાં ક્યારેક તો કોઇ તમને દગો આપવાનું છે, કોઇ વિશ્વાસઘાત કરવાનું જ છે. દગા, ફટકા, વિશ્વાસઘાત, આઘાતને પણ એક તબક્કે ભૂલી જવાના હોય છે. કોઇ સારું કરે એ આપણે આસાનીથી ભૂલી જઇએ છીએ તો પછી ખરાબ કર્યું હોય એને શા માટે વાગોળતા રહેવાનું? ભૂલી જઇએ તો જ મુક્ત થઇએ! -કેયુ
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 18 ડિસેમ્બર ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com