શું ખોટું બોલવું એ બીમારી છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું ખોટું બોલવું એ બીમારી છે? 

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

માણસ શા માટે ખોટું બોલે છે? 

પોતાનો સ્વાર્થ સાધવા માણસ ખોટું બોલે એ તો હજુયે સમજી શકાય પણ માણસ અમથા અમથા ખોટું બોલતો હોય છે! 

ઘણાને ખોટું બોલવાની એટલી ફાવટ હોય છે કે, એનું ખોટું પણ સાચું લાગે!​ ​

એક અભ્યાસ એવું કહે છે કે, ખોટું બોલવું એ પણ એક પ્રકારની માનસિક બીમારી છે!

ખોટું બોલતી વખતે આપણે કંઈ વિચાર કરીએ છીએ ખરા?


———–

જે બોલ એ સમજી વિચારીને બોલજે, આપણને ખોટું જરાયે પસંદ નથી! આવું બોલવાવાળા પોતે બિન્ધાસ્ત ખોટું બોલતા હોય છે! એક વખત સવાલ પૂછવામાં આવ્યો હતો કે, સૌથી વધુ ખોટું ક્યાં બોલાય છે? એના જવાબમાં કહેવાયું હતું કે, અદાલતમાં! ગીતા પર હાથ મૂકીને આરામથી ખોટું બોલી દેવામાં આવે છે! તમારા દિલ પર હાથ મૂકીને એક પ્રશ્નનો જવાબ આપજો. તમે ક્યારેય ખોટું બોલ્યા છો? આનો જવાબ હા જ હશે. માત્ર તમે જ નહીં, દુનિયાનો કોઇ માણસ છાતી ઠોકીને એવું કહી શકે એમ નથી કે, આપણે ક્યારેય ખોટું બોલ્યા નથી. સત્યની વાત આવે ત્યારે આપણે રાજા હરિશ્ચંદ્રની વાત ટાંકીએ છીએ. એના સિવાય બીજું ઉદાહરણ પણ આપણી પાસે ક્યાં છે? આપણે બધા જ સગવડ ખાતર સાચું-ખોટું બોલતા રહીએ છીએ. ખોટું બોલવાનો બચાવ પણ આપણી પાસે હોય જ છે! કોઇનું ભલું થતું હોય તો આપણે ખોટું બોલવામાં કંઇ ખોટું સમજતા નથી! ખોટું બોલીને જો કોઇને સારું લાગતું હોય તો ખોટું બોલી દેવાનું! કોઇ હર્ટ થવું ન જોઇએ! સત્ય અને અસત્ય, સાચું અને ખોટું, ટ્રૂથ અને લાઈ વિશે ખૂબ જ કહેવાયું છે. સત્ય અને અસત્યને ધર્મના ત્રાજવે પણ તોળવામાં આવ્યું છે. ખોટું બોલવાને પાપ પણ કહેવામાં આવે છે. ખોટું બોલવું પાપ છે, સાચું બોલવું પુણ્ય નથી, કારણ કે સાચું તો બોલવું જ જોઇએ. સત્ય તો સંસ્કાર છે!
વૅલ, સૌથી મોટો સવાલ એ છે કે, આખરે માણસ ખોટું શા માટે બોલે છે? સાચું બોલી દે તો કંઇ ફેર ન પડે એવી વાતોમાં પણ લોકો ખોટું બોલતા હોય છે. ટેક્નોલોજીએ માણસને વધુ ખોટાડો કરી દીધો છે. ઘરે સાવ નવરોધૂપ બેઠો હોય તો પણ કહેશે કે, મિટિંગમાં છું. ફ્રી થઇને ફોન કરું છું એવું કહ્યા પછી ફોન કરવાનો જ નહીં. ઘણા લોકો ડ્રાઇવ કરું છું એવું કહી દે છે. ઘરમાં બધાની સામે માણસને ખોટું બોલતા પહેલાં જરાયે વિચાર પણ નથી આવતો કે હું કંઇ ખોટું કરું છું. એક પતિ-પત્નીની આ વાત છે. એક વખત પતિએ કંઇક વાત કરી. પત્નીએ પૂછ્યું, સાચું બોલે છેને? પતિએ સામો સવાલ કર્યો કે, કેમ આવું પૂછે છે? પત્નીએ કહ્યું કે, તું ફોન પર દરેક વાતમાં ખોટું બોલે છે એટલે! તમે ખોટું બોલો ત્યારે તમારા ઘરના લોકોને પણ એ વાતની શંકા જવા લાગે છે કે, આ સાચું તો બોલતો હશેને? નાનાં બાળકો માતાપિતાને ખોટું બોલતા સાંભળીને એવું જ માની લે છે કે, ખોટું તો બોલાય! આપણે જે ખોટું બોલીએ છીએ એની અસરો કેવી થતી હોય છે એના વિશે આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા?
હમણાં ખોટું બોલવા વિશે એક અભ્યાસ થયો છે. તેમાં એવું બહાર આવ્યું છે કે, ખોટું બોલવું એ પણ એક પ્રકારની માનસિક બીમારી જ છે! ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતા માણસો ખોટું બોલતા અચકાતા નથી. એ ગમે એવી ફેંકાફેંક કરી જાણે છે. આ અભ્યાસમાં અમેરિકાના એક થિયેટર આર્ટિસ્ટ અને પ્રોડ્યુસરનો કિસ્સો પણ ટાંકવામાં આવ્યો છે. એનું નામ ક્રિસ્ટોફર મસીમાઇન છે. આ ભાઇને દરેક બાબતમાં ખોટું બોલવાની આદત છે. ખોટું બોલવાના કારણે ક્રિસ્ટોફરે નોકરી પણ ગુમાવી છે અને નજીકના લોકો સાથે તેના સંબંધો પણ બગડ્યા છે! ખોટું બોલવાની ક્રિસ્ટોફરની આદતના કારણે તેની પત્ની મેગી પણ કંટાળી ગઇ હતી અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ હતી. આ મહાશયે જાહેરમાં પોતાને અમેરિકન પ્રેસિડેન્ટના હાથે વ્હાઇટ હાઉસમાં એવોર્ડ મળ્યો હોવાથી માંડીને પોતે એવરેસ્ટ સર કરી આવ્યા હોવા સુધીનું ખોટું બોલ્યા છે. પોતાના બચાવમાં 36 વર્ષનો ક્રિસ્ટોફર કહે છે કે, હું જ્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણતો હતો ત્યારે સૌથી પહેલી વખત ખોટું બોલ્યાનું મને યાદ છે. ગણિત વિષયમાં મને સારા માર્ક આવ્યા નહોતા ત્યારે હું ઘરના લોકો સામે ખોટું બોલ્યો હતો. ક્રિસ્ટોફરની બીમારી વિશે મનોચિકિત્સકો કહે છે કે, આ મેન્ટલ ડિસઓર્ડર જેને હોય તે લોકો બીજાનું ધ્યાન ખેંચવા અને પોતાનું ઇમ્પોર્ટન્સ જતાવવા માટે ખોટું બોલતા હોય છે. હવે બીજો સવાલ, શું ખોટું બોલવાની આવી બીમારીનો કોઇ ઇલાજ છે ખરો? એનો જવાબ છે, હા. થેરાપી અને કાઉન્સેલિંગથી તેનો ઇલાજ થઇ શકે છે. શરત એટલી કે, એના માટે ખોટું બોલનારની તૈયારી હોવી જોઇએ. સામાન્ય સંજોગોમાં જે લોકો ખોટું બોલતા હોય છે એને કંઇ ખોટું કરતા હોય એવું લાગતું જ નથી. એ લોકો તો પેલા ફિલ્મના ગીતની કડીને જ મંત્ર સમજતા હોય છે કે, જહાં સચ ના ચલેં વહાં જૂઠ સહી!
આપણે પણ આપણી આસપાસ આવા ફાંકેબાજો જોયા હોય છે, જે બિન્ધાસ્ત ખોટું બોલતા હોય છે. ક્યારેક તો આપણને એવો સવાલ થાય કે, આ શું આપણને મૂર્ખ સમજતો કે સમજતી હશે? ક્યારેક કોઇ સંજોગોમાં માણસ ખોટું બોલે અથવા તો ક્યારેક એવા સંજોગો સર્જાય કે ખોટું બોલવું પડે એ હજુયે સમજી શકાય એવી વાત છે પણ બોલવા ખાતર ખોટું બોલવું એ વિકૃતિ છે. માણસે બીજા કોઇ સાથે નહીં તો પોતાની જાત સાથે તો વફાદાર રહેવું જ જોઇએ. શાંતિથી એ વિચારવું જોઇએ કે, હું કેટલું ખોટું બોલું છું? આપણી એક તકલીફ એ પણ હોય છે કે, આપણે ખોટું તો બોલીએ છીએ અને પછી એનો બચાવ પણ શોધી લઇએ છે! ખોટું પકડાઇ જાય ત્યારે આપણે કહીએ છીએ કે, હું શા માટે ખોટું બોલ્યો હતો! એ બચાવ પણ મોટા ભાગે ખોટો જ હોય છે. એક જૂઠ છુપાવવા માટે બીજાં ઘણાં જૂઠ બોલવાં પડે છે. અસત્ય ક્યારેય એકલું ચાલતું નથી, એ એના ભાઇબંધને એટલે કે બીજા જૂઠને પાછળ પાછળ ખેંચી જ લાવે છે. સત્ય વિશે એક વાત તો તમે સાંભળી જ હશે કે, સત્ય બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે શું બોલ્યા એ યાદ રાખવું પડતું નથી. જે લોકોને જૂઠ બોલવાની ફાવટ ન હોય એણે તો ખોટું બોલવાનું જોખમ ક્યારેય ન લેવું જોઇએ. એનું કારણ એ છે કે, એ તરત જ પકડાઇ જાય છે!
મજાક ખાતર પણ ખોટું બોલવું નહીં એવું ડાહ્યા લોકો કહે છે, કારણ કે તમે ખોટું બોલો એને લોકો સાચું માની લે તો તમને ખબર ન પડે એ રીતે તમને ખોટું બોલવાની આદત પડતી જાય છે. આપણને એમ થાય છે કે, લોકો માની લે છે તો પછી બોલોને ખોટું! માણસ કેવો છે એ છેલ્લે તો વર્તાઇ જ આવતું હોય છે. આપણે ઘણા વિશે એવું કહેતાં હોઇએ છીએ કે, જે કંઇ હોય તે પણ એ માણસ ખોટું બોલે એવો તો નથી જ! ખોટું બોલવાથી કદાચ થોડો લાભ કે ફાયદો થાય પણ સરવાળે એ નુકસાનકારક સાબિત થતું હોય છે. સત્યથી કદાચ થોડીક તકલીફ થાય પણ સરવાળે ફાયદો થતો હોય છે. છેલ્લે, કૃષ્ણ બિહારી નૂરની એક રચનાની પંક્તિ મમળાવીએ. સચ ઘટે યા બઢે તો સચ ના રહે, જૂઠ કી કોઇ ઇન્તહા હી નહીં! જડ દો ચાંદી મેં ચાહે સોને મેં, આઇના જૂઠ બોલતા હી નહીં!
હા, એવું છે!
સત્ય અને અસત્ય વિશે એવું કહેવાતું રહ્યું છે કે, જ્યાં સુધી ખબર ન પડે કે આ જૂઠ છે ત્યાં સુધી એને સત્ય જ સમજવામાં આવતું હોય છે! દુનિયામાં ઘણાં અસત્યો આવી જ રીતે સત્યમાં ખપી ગયાં છે! આપણને કોઇ ખોટું કહે અને આપણે એને સાચું માની લઇએ તો એ આપણા પૂરતું સાચું જ રહે છે! ભેદ ખૂલે ત્યારે જ સત્ય છે કે અસત્ય એ બહાર આવે છે, બાકી ચાલી જાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 ડિસેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *