અજીબ દાસ્તાં હૈ યે!
જિંદગીનાં 18 વર્ષ એરપોર્ટ
પર અને મોત પણ ત્યાં જ!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
પેરીસના ચાર્લ્સ દી ગોલ એરપોર્ટનો એક ખૂણો મેહરાન કરીમી નાસેરીનું ઘર બની ગયો હતો.
સતત 18 વર્ષે મેહરાન એરપોર્ટ પર જ રહ્યો હતો.
મેહરાન પરથી સ્ટીવન સ્પીલબર્ગે `ધ ટર્મિનલ’ નામની ફિલ્મ બનાવી હતી.
આ મેહરાનનું હમણાં પેરીસના એરપોર્ટ પર જ મૃત્યુ થયું!
મેહરાનની ડેસ્ટિની એને પેરીસના એરપોર્ટ પર ખેંચી લાવી હતી.
એક તબક્કે ફ્રાંસે મેહરાનને અસાઇલમ આપવાનું પણ નક્કી કર્યું હતું.
મેહરાને કહ્યું, હવે મારે ક્યાંય જવું નથી.
મેહરાન જે કરી રહ્યો હતો એ એની જીદ હતી કે પાગલપન તે નક્કી કરવું અઘરું પડે એવું છે!
———–
ફ્રાંસની રાજધાની પેરીસના ચાર્લ્સ દી ગોલ એરપોર્ટ પર તારીખ 12મી નવેમ્બર, 2022 ને શનિવારે સાંજના સમયે અચાનક જ દોડધામ મચી ગઇ. મેહરાનને હાર્ટએટેક આવ્યો હતો. એરપોર્ટથી તરત જ ઇમરજન્સી સર્વિસને ફોન કરવામાં આવ્યો. થોડી જ મિનિટોમાં ડૉક્ટર સાથેની એમ્બ્યુલન્સ આવી ગઇ. મેડિકલ ટીમ તાત્કાલિક મેહરાન પાસે પહોંચી. મેહરાન હોસ્પિટલ ન પહોંચ્યો. કુદરતે કદાચ તેનાં નસીબમાં એરપોર્ટ પર જ છેલ્લા શ્વાસ લેવાનું લખ્યું હતું. એનું આખું નામ હતું, મેહરાન કરીમી નાસીરી. ઇરાનના સોલેમાનમાં મેહરાનનો જન્મ થયો હતો. જન્મની ચોક્કસ ડેટ તો કોઇને ખબર નથી પણ સાલ 1945ની હતી. 77 વર્ષની ઉંમરે મેહરાનનું મૃત્યુ પેરીસના એરપોર્ટ પર લખ્યું હતું. દુનિયામાં કેટલાંક કિસ્સાઓ ફિલ્મ કે નવલકથાને ટક્કર મારે તેવા હોય છે. કહેવાયું છેને કે, સત્ય હંમેશાં કાલ્પનિક વાર્તા કરતાં વધુ રસપ્રદ હોય છે. દુનિયાના મશહૂર ફિલ્મ ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને કંઈ એમ જ તો મેહરાન પર ફિલ્મ બનાવવાનું મન થયું નહીં હોયને? સ્પીલબર્ગે મેહરાનની જિંદગી પરથી 2004માં `ધ ટર્મિનલ’ નામની ફિલ્મ બનાવી હતી. હોલિવૂડના જાણીતા અભિનેતા ટોમ હેન્કસે મેહરાનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે. મેહરાનની વાર્તા સાંભળીને સ્પીલબર્ગે પણ કહ્યું હતું કે, આવો પણ કોઇ માણસ હોય એ ઘટના જ સાવ અનોખી અને અલૌકિક છે!
મેહરાનની માતા બ્રિટિશ અને પિતા ઇરાની હતાં. મેહરાન મોટો થયો એટલે એને ભણવા માટે બ્રિટન મોકલવામાં આવ્યો હતો. મેહરાન ભણવાની સાથે પોલિટિકલ એક્ટિવિટીમાં પણ ભાગ લેતો હતો. ઇરાનમાં જે ચાલતું હતું એના વિશે પોતાને ફાવે એમ મંતવ્યો આપતો હતો. ઘણા લોકોએ એને ચેતવ્યો હતો કે, તું આવા ધંધા કરવાનું બંધ કરી દે, તને તકલીફ પડશે પણ મેહરાન કોઇનું માને એમ નહોતો. સ્ટડી પૂરો કરીને એ પોતાના હોમલેન્ડ ઇરાન ગયો હતો. ઇરાનમાં એ સમયે શાહ મોહમ્મદ રઝા પહલવીનું શાસન હતું. બ્રિટનમાં હતો ત્યારે મેહરાન શાહની વિરુદ્ધ બોલતો હતો. ઇરાન આવ્યો એટલે તેની ધરપકડ કરવામાં આવી હતી. સજા પૂરી થઇ એ પછી તેને ઇરાનમાંથી ડિપોર્ટ કરાયો હતો. એ સમયે મેહરાન પાસે પાસપોર્ટ અને બીજાં પેપર્સ હતાં. મેહરાનના કહેવા મુજબ એ ફરતો ફરતો પેરીસ પહોંચ્યો હતો. મેહરાન સાથે પેરીસમાં એક ઘટના બની. લૂંટારાઓ તેને લૂંટી ગયા. તેનો પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ્સ લૂંટાઇ ગયા. પેરીસથી એ લંડનની ફ્લાઇટમાં બેઠો. લંડનના હિથ્રો એરપોર્ટ પર એ પહોંચી તો ગયો પણ તેની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે એરપોર્ટ ઓથોરિટીએ તેને પાછો પેરીસ મોકલી દીધો. પેરીસ એરપોર્ટ પર તેનું વર્તન ભેદી લાગતા પોલીસે તેની ધરપકડ કરી. મેહરાન સામે કેસ ચાલ્યો અને સજા પણ પડી. સજા પૂરી થઇ એ પછી ખુદ પોલીસને સવાલ થયો કે, હવે આ માણસનું શું કરવું? પોલીસ તેને જેલમાંથી સીધો એરપોર્ટ પર મૂકી આવી. પોલીસને હતું કે, એરપોર્ટ પરથી એને જવું હશે ત્યાં ચાલ્યો જશે. મેહરાન પાસે તો પાસપોર્ટ કે બીજા કોઇ ડોક્યુમેન્ટ્સ હતા જ નહીં, જવું હોય તો પણ જાય કેવી રીતે? આખરે એણે એરપોર્ટ પર જ રહેવાનું નક્કી કરી લીધું. મેહરાન પહેલાં એરપોર્ટના ટર્મિનલ વન પર રહેતો હતો. થોડાં વર્ષો મેહરાને ત્યાં ગુજાર્યા પછી તે ટર્મિનલ ટુ-એફ પર ચાલ્યો ગયો. સમય વીતતો ગયો. જોતજોતામાં અઢાર વર્ષ થઇ ગયાં. મેહરાન ક્યારેય એરપોર્ટની બહાર જ ન નીકળ્યો!
એરપોર્ટ પર લાલ રંગની એક બેન્ચ હતી. મેહરાન માટે એ બેન્ચ જ તેનો આશિયાનો બની ગઇ! એરપોર્ટના સ્ટાફ માટે જે બાથરૂમ અને ટોઇલેટ હતાં ત્યાં મેહરાન ફ્રેશ થઇ જતો. આખો દિવસ એરપોર્ટ પર જ પડ્યો રહેતો. એરપોર્ટ પર આવતા-જતા લોકોને જોયે રાખતો અને તેને જે વિચારો આવે એ એક ડાયરીમાં ટપકાવતો રહેતો. એરપોર્ટ પર જે ફૂડ સ્ટોલ હોય ત્યાં ખાઇ લેતો. મેહરાન હાલી-મવાલીની જેમ નહીં પણ અપ-ટુ-ડેટ રહેતો. સવાલ એ થાય કે, રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે એની પાસે નાણાં ક્યાંથી આવતાં હતાં? એનો જવાબ છે, આસમાની સુલતાની! મેહરાન કોઇ પાસે કંઇ માંગતો નહીં પણ લોકો તેને સામેથી જે જોઇએ તે આપી જતા. પેરીસના એરપોર્ટ પર કેટલાંક લોકો ફ્રિકવન્ટ ફ્લાયર હતા. મેહરાન એના માટે ઓળખીતો થઇ ગયો હતો. એ લોકો મેહરાન માટે બધું લાવતા હતા. મજાની વાત તો એ છે કે, એરપોર્ટનો સ્ટાફ પણ મેહરાનનો દોસ્ત બની ગયો હતો. સ્ટાફના ઘણા લોકો મેહરાન સાથે બેસતા, તેની સાથે વાતો કરતા અને તેને ખવડાવતા-પીવડાવતા! મેહરાનની કોઇ ન્યૂસન્સ વેલ્યૂ હતી નહીં! એ બધાની સાથે સારી રીતે વર્તતો હતો. એરપોર્ટના સ્ટાફે તેને લોર્ડ આલ્ફ્રેડ નામ આપ્યું હતું. એ પછી બધા મેહરાનને લોર્ડ કહીને જ બોલાવતા હતા.
સ્ટીવન સ્પીલબર્ગે મેહરાનની લાઇફ પરથી `ધ ટર્મિનલ’ નામની ફિલ્મ બનાવી એ પછી તો મેહરાન સેલિબ્રિટી બની ગયો હતો. સ્પીલબર્ગે વાર્તા મેહરાનની લીધી છે પણ એ ફિલ્મ હન્ડ્રેડ પર્સન્ટ મેહરાનની બાયોગ્રાફી નથી. ફિલ્મમાં ઘણાબધા ફેરફારો કરાયા છે. ફિલ્મનો હીરો ટોમ હેન્કસ છે, ફિલ્મમાં એનું નામ વિક્ટર નાવોર્સ્કી છે. અમેરિકાના ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી એરપોર્ટ પર એ ફસાઇ જાય છે અને પછી ત્યાં જ રહેવા લાગે છે. ફિલ્મ રિલીઝ થઇ અને દુનિયાને ખબર પડી કે, આ ફિલ્મ તો પેરીસના એરપોર્ટ પર રહેતા મેહરાનની છે એ પછી લોકો કુતૂહલવશ પણ તેને જોવા અને મળવા જતા અને તેના માટે ગિફ્ટસ પણ લઇ જતા હતા. મેહરાન વિશે ખૂબ ચર્ચાઓ થઇ એ પછી એક તબક્કે તો ફ્રાંસની સરકારે તેને અસાઇલમ આપવાનું પણ નક્કી કરી લીધું હતું. ફ્રાંસના સરકારી અધિકારીઓ રાજ્યાશ્રયનાં પેપર્સ લઇને મેહરાન પાસે ગયા હતા. એ સમયે પણ વળી એક નવો વળાંક આવ્યો. મેહરાને પેપર્સ પર સહી કરવાની જ ના પાડી દીધી. તેણે કહ્યું કે, હવે મારે એરપોર્ટની બહાર જ જવું નથી. 2006માં મેહરાનની તબિયત બગડી એ પછી તેને એરપોર્ટથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. સતત 18 વર્ષ કોઇ વ્યક્તિ એરપોર્ટ પર રહ્યો હોય તેવો એકમાત્ર કિસ્સો મેહરાનનો છે!
માણસ સતત એકની એક જગ્યાએ રહે તો તેની માનસિકતા પર વિપરીત અસર થાય છે. મહેરાન પણ સતત એક જ સરખા વાતાવરણમાં રહીને ધૂની અને માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયો હતો. રોજ એકસરખું જ વાતાવરણ, એક સરખા જ અવાજો અને એક જ બિલ્ડિંગમાં રહેવાના કારણે મેહરાન એક હદથી વધુ વિચારી પણ શકતો નહોતો એવું મેહરાનનો અભ્યાસ કરનાર માનસશાસ્ત્રીઓનું કહેવું છે. માણસને સતત ચેન્જની જરૂર પડે છે. આપણે પણ થોડાક કલાક ઘરમાં રહીએ તો બહાર ચક્કર મારવાનું મન થાય છે. એરપોર્ટ પર થોડાં વર્ષો રહ્યા પછી મેહરાનને ક્યાંય જવાનું મન થતું નહોતું! જિંદગીના અંતિમ દિવસોમાં ગમે તે થયું પણ મેહરાન ફરીથી એરપોર્ટ આવી ગયો. કદાચ તેની જીવતીજાગતી કથાનો અંત પણ અહીં જ લખાયો હતો. પેરીસના એરપોર્ટ પર કામ કરનારા લોકો કહે છે કે, ભવિષ્યની તો ખબર નથી પણ અમે જ્યાં સુધી આ એરપોર્ટ પર કામ કરીએ છીએ ત્યાં સુધી અમે મેહરાનને ભૂલી શકવાના નથી. ઘણા લોકોની ઇચ્છા તો એરપોર્ટ પર મેહરાનનું નાનકડું સ્મારક બનાવવાની પણ છે જેનાથી તેની યાદ એરપોર્ટ પર જીવતી રહે! કદાચ કોઇ સ્મારક નહીં બને તો પણ પેરીસના એરપોર્ટ સાથે મેહરાનની ઘટના જોડાયેલી જ રહેવાની છે!
હા, એવું છે!
મહેરાનનો કિસ્સો એ સંશોધન પર પણ પ્રકાશ ફેંકે છે કે, માણસ એકને એક જગ્યાએ કાયમ માટે રહી શકતો નથી. સતત કોઇ નાની જગ્યાએ રહેવાથી આપણું માનસ પણ સંકુચિત થઇ જાય છે. આપણામાં કહેવત છે કે, ફરે એ ચરે અને બાંધ્યો ભૂખે મરે! બાંધ્યો હોય એને ખાવાનું મળી રહે તો ભૂખ્યો ન મરે પણ એનો જીવવાનો અને વિચારવાનો દાયરો તો મર્યાદિત થઇ જ જાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 નવેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com