આપણી અંદર પણ મારવા જેવો રાવણ જીવે જ છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણી અંદર પણ મારવા
જેવો રાવણ જીવે જ છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દરેક યુગમાં નવા નવા રાવણ પેદા થતા રહે છે.

માણસની જિંદગીને જીવવા જેવી રહેવા ન દે એ દરેક તત્ત્વમાં રાવણ જીવતો જ હોય છે!​

​મોબાઇલે આપણી જિંદગી થોડીક આસાન અને ઘણીબધી અઘરી બનાવી દીધી છે.

સંબંધો સજીવન નહીં હોય તો શાંતિ, સુખ અને સારા સમયની ફીલિંગ આવવાની જ નથી!


———–

જોતજોતામાં નવરાત્રિ પૂરી પણ થઇ ગઇ. આ વખતે યંગસ્ટર્સમાં ગજબનો થનગનાટ જોવા મળ્યો. બે વર્ષ પછી ગરબા રમવાનો મેળ પડ્યો હતો એટલે યુવાનો કોઇ તક જતી કરવા દેવા માંગતા નહોતા. આજે વિજયાદશમી છે. સૌરાષ્ટ્રમાં આ પર્વને દશેરા કહે છે, તો કેટલાક વિસ્તારોમાં દશેરો પણ કહે છે. આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ વિશે ઓલવેઝ એવું કહેવાતું રહ્યું છે કે રાવણ પ્રચંડ જ્ઞાની અને ખૂબ જ શક્તિશાળી માણસ હતો. માત્ર જ્ઞાન અને તાકાત હોવાથી કોઇ માણસ સારો માણસ બની જતો નથી એનું રાવણ સૌથી મોટું ઉદાહરણ છે. માણસાઈ અને દુનિયાને જોવાની દૃષ્ટિ જ માણસને સારો કે ખરાબ માણસ બનાવે છે. રાવણનો બચાવ કરનારા પણ દુનિયામાં ઓછા નથી. એ લોકો એવું કહે છે કે રાવણ સીતા માતાનું અપહરણ કરી ગયો હતો એમાં ના નહીં પણ સીતાજીની મરજી વગર રાવણે એમને હાથ નહોતો લગાડ્યો! ઘણા લોકો તેને આજના સમયના દુષ્ટો કરતાં તો સારો હતો એવું પણ કહે છે. રાવણને દસ માથાં હતાં. એ તો આખી દુનિયા જાણે છે કે કોઇ માણસને દસ માથાં ન હોય. દસ માથાં તો સિમ્બોલિક છે. દશ માથાંને રાવણના દુર્ગુણો સાથે પણ જોડવામાં આવે છે. કામ, ક્રોધ લોભ, મોહ, આળસ, ઇર્ષા, ક્રૂરતા, અન્યાય, સ્વાર્થ અને અહંકાર એ દસ અવગુણ રાવણનાં પ્રતીક છે.
આપણા દરેકમાં આમાંથી એકાદ અથવા તો એક કરતાં વધુ અવગુણો જીવતા હોય છે. મતલબ કે આપણી અંદર પણ એક નાનકડો રાવણ જીવતો જ હોય છે. એમ તો રામ પણ આપણી અંદર જ ધબકતા હોય છે. દૈવી અને આસુરી બંને તત્ત્વો આપણી અંદર જ છે. આપણે કોને હાવી થવા દઇએ છીએ, કોને જીતવા દઇએ છીએ, એના પરથી એ નક્કી થાય છે કે આપણામાં રામ જીવે છે કે રાવણ? આપણી અંદર રામ અને રાવણનું યુદ્ધ સતત ચાલતું જ રહે છે. આપણે બસ રાવણને જીતવા અને જીવવા દેવાનો નથી!
સમયે સમયે દૈત્યો, રાક્ષસો અને આસુરી તત્ત્વો પણ બદલાતાં રહે છે. બદમાશો તો દરેક યુગમાં હતા જ, આજના સમયમાં પણ છે. તમે કોઇ પણ ધર્મગ્રંથ ઉથલાવી જુઓ, દરેક ભગવાનને આસુરી તત્ત્વો નડ્યાં જ છે. અગાઉ રાક્ષસો હતા, હવે આતંકવાદીઓ છે. દુનિયાનો ઇતિહાસ ગવાહ છે કે, શાંતિ અને સુખ માટે માણસજાતે સતત ઝઝૂમવું પડ્યું છે. પહેલાં તો એક રાવણ હતો, હવે તો ગલીએ ગલીએ રાવણો જોવા મળે છે. એ બધા સામે પણ સતર્ક રહેવું પડે એમ છે. બહારના રાવણને તો હજુયે પડકારી, મારી અને હરાવી શકાય પણ અંદરના રાવણનું શું?
કેટલા બધા માણસ પોતાની અંદર જ કેદ છે! આપણી ગ્રંથીઓએ આપણને ચારે તરફથી એવા જકડી રાખ્યા છે કે આપણે આપણા સ્થાનેથી હલીચલી પણ શકતા નથી. મારાથી આ ન થાય, હું આ નહીં કરી શકું, મને આ ન આવડે, હું આ કરીશ તો કેવો લાગીશ કે કેવી લાગીશ? આ અને આવા કેટલાંયે સવાલો આપણી અંદર ઊઠતા રહે છે અને એનો જવાબ આપણે આપી જ શકતા નથી! હકીકતે તો એના જવાબ હોતા જ નથી. આપણે કાલ્પનિક ભયની દુનિયામાં જીવવા લાગ્યા છીએ. થોડોક લાંબો વિચાર કરીએ તો ખબર પડે કે, આપણને આપણી જાત સિવાય કોઇ રોકતું જ હોતું નથી. આકાશ તો છે જ, આપણે જ પાંખો ન ફફડાવીએ તો પછી આકાશનો વાંક કાઢી ન શકીએ. આપણી અંદર જે ડર, ભય અને અસલામતીની લાગણી છે એને આપણે હરાવવાની હોય છે. ભયનું માથું વાઢી નાખો, ડરવા જેવું દુનિયામાં કંઈ હોતું જ નથી. હાથ અને પગમાં જે અદૃશ્ય હાથકડી અને બેડી પહેરેલી છે, એને તોડી નાખો. એ આપણા હાથની જ વાત છે. માત્ર મક્કમતા કેળવવાની જ જરૂર હોય છે.
દરેક માણસમાં ડર હોય એવું જરૂરી નથી. ડર નહીં હોય તો બીજું કંઇક એવું હશે જે તમને જ અવરોધતું હશે. આપણને કંઇ અટકાવતું હોય. ડરાવતું હોય, કનડતું હોય કે ખટકતું હોય એ આપણી અંદર જીવતો નાનકડો રાવણ જ છે. થોડા સમય પહેલાં ઇન્ટરનેશનલ લેવલે એક સરવૅ થયો હતો તેમાં લોકોને એવું પૂછવામાં આવ્યું હતું કે, તમને એવું લાગે છે કે તમારામાં કંઇક એવું છે જે તમે બદલવા ઇચ્છો છો? મોટા ભાગના લોકોએ હા પાડી હતી. પ્રકારો અલગ અલગ હતા પણ દરેક માણસ પોતાનામાં જ કંઇક સુધારો કરવા તો ઇચ્છતો જ હતો! કોઇનામાં વધુ પડતો ગુસ્સો હતો, તો કોઇ ઇર્ષાથી પીડાતા હતા. તમને કોઇ એવું પૂછે કે, તમે તમારામાં શું બદલાવ ઇચ્છો છો, તો તમે શું જવાબ આપો? આપણા બધામાં થોડીક નેગેટિવિટી હોય છે. થોડીક હોય ત્યાં સુધી હજુયે વાંધો નથી પણ જો નેગેટિવિટી વધી જાય તો એ પ્રોબ્લેમ સર્જે છે. દુનિયામાં કશું સારું જ નથી, બધા જ લોકો સ્વાર્થી છે, સાચા પ્રેમ જેવું કંઇ હોતું નથી, કામ હોય ત્યાં સુધી જ માણસ સંબંધ રાખે છે, આ અને આવું બીજું ઘણુંબધું આપણે માની અને ધારી લેતા હોઇએ છીએ. આપણે દુનિયાને બદલી શકવાના નથી. જે છે અને જેવી છે એવી દુનિયા સાથે આપણે પનારો છે. આપણે દુનિયા સાથે પંગો પણ લઇ શકતા નથી. સ્વીકાર અને સમજ જ તમને સુખ અને શાંતિની નજીક રાખશે. ફરિયાદ કરવાનું છોડી દો. કોઇનામાં કંઇ પ્રોબ્લેમ નથી, કોઇની સાથે કંઇ વાંધો નથી. આપ ભલા તો જગ ભલા.
હવે એક બીજી વાત. તમને મોબાઇલની કેવીક આદત છે? મોબાઇલ તમારો ટાઇમ ખાઇ જાય છે? મોબાઇલ તમારી કેટલી જિંદગી હડપ કરી લે છે? મોબાઇલ વિશે એક માણસે હમણાં સરસ વાત કરી. તેણે કહ્યું કે, મોબાઇલ એ આજના જમાનાનો રાવણ છે. રાવણને તો દસ જ માથાં હતાં. મોબાઇલમાં તો દસ કરતાં પણ વધુ એપ્લિકેશનો હોય છે, જે આપણા સમયને હણતી રહે છે! આપણે બીજું કંઇ નહીં પણ આ રાવણને થોડોક નાથી શકીએ તો ઘણું છે. સોશિયલ મીડિયા ઓપન કર્યા પછી તેની પાછળ કેટલો સમય બગડ્યો એનું ભાન જ નથી રહેતું. મોટા ભાગના લોકો એ વાત સ્વીકારે છે કે, મોબાઇલ બહુ સમય લઇ લે છે. લોકો રાતે સૂતા પહેલાં છેલ્લું કામ અને સવારે ઊઠતાંવેંત પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે. સોશિયલ મીડિયાના કારણે દેખાદેખી અને ઇર્ષાના ભાવ જન્મે છે. મોબાઇલના કારણે લોકોના સંબંધો પણ દાવ પર લાગી જાય છે. હવે તો મજાકમાં એવું પણ કહેવાય છે કે, જે લોકો મોબાઇલને કામ સિવાય દૂર રાખી શકે છે એ સાધુની કક્ષામાં જ આવે છે! એંગ્ઝાઇટી, ડિપ્રેશન અને ઉકળાટના આજના સમયમાં માણસ જાતજાતની પરેશાનીમાં ફસાયેલો છે. આપણને શું નડે છે એ આપણે જ શોધી કાઢવું પડે અને આપણે જ દૂર કરવું પડે. આપણામાં જીવતા રામને જાગ્રત કરીને આપણે જ આપણી અંદરના રાવણને મારવો પડે છે. એ બિલકુલ અઘરું નથી, થોડોક પ્રયાસ તો કરી જુઓ. દરેક સારા કામમાં રામ સાથે જ હશે, તમે આહ્‌વાન તો આપો! હેપ્પી દશેરા!


હા, એવું છે!
આ વખતે એક હળવી વાત. રાવણનાં પત્ની મંદોદરી રાજસ્થાનના જોધપુર નજીક આવેલ મંડોર ગામનાં હતાં. રાવણ અને મંદોદરીનાં લગ્ન મંડોરમાં થયાં હતાં. મંડોર ગામના લોકો આજે પણ રાવણને જમાઇ ગણે છે અને જમાઇનો જે માન-મરતબો હોય એ જાળવે છે. આ વિશે મજાકમાં એમ પણ કહેવાય છે કે આ એક જ ગામ એવું છે જ્યાં રાવણને જમાઇ માનવામાં આવે છે, બાકી બધે જ જમાઇને રાવણ માનવામાં આવે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 ઓક્ટોબર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “આપણી અંદર પણ મારવા જેવો રાવણ જીવે જ છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *