મારું લેવલ એની સાથે જરાયે મેચ થતું નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારું લેવલ એની સાથે
જરાયે મેચ થતું નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જીવતું રાખવા તાપણું આપણે, ચાંપવું રોજ સંભારણું આપણે,
એટલું આવડે તો ઘણું થઇ ગયું, કાઢવું કેમ ખુદનું કણું આપણે.
-જયંત ડાંગોદરા

સંબંધ વિશ્વાસ પર ટકતો હોય છે. આપણે જેની સાથે જોડાયેલા હોઇએ તેની આદત, દાનત અને મથરાવટીથી આપણે વાકેફ હોઇએ છીએ. અમુક લોકો વિશે આપણે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે, ગમે તે થાય પણ એ આવું ન જ કરે! અમુક માણસો કળી ન શકાય એવા હોય છે. એના મનમાં શું ચાલી રહ્યું છે એનો અણસાર પણ આપણને આવતો નથી. પારદર્શક પર્સનાલિટી હવે દુર્લભ બની ગઇ છે. લોકો દેખાય છે કંઇક અને હોય છે કંઇક. કોઇ કંઈ વાત કરે ત્યારે આપણને પહેલો વિચાર એ આવી જાય છે કે આ માણસ સાચું તો બોલતો હશેને? જે માણસ સાચું બોલતો નથી, સાચું હસતો નથી અને સાચું રડતો પણ નથી એ છેલ્લે તો સાચું જીવતો પણ હોતો નથી. આપણે જિંદગીની વાતો કરીએ છીએ પણ આપણે ખરેખર જિંદગીની કેટલા નજીક હોઇએ છીએ? આપણે જ જિંદગીને છેતરતા હોઇએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ! રાતે ઊંઘ નથી આવતી અને દિવસે ચેન પડતું નથી. મનમાં ગણતરીઓ જ ચાલ્યા રાખે છે. જે આખી જિંદગી ગણતરીઓ કરવામાં જ કાઢે છે એની ગણતરી છેલ્લે ખોટી પડતી હોય છે. એનું કારણ એ છે કે જિંદગી ગણતરીથી નહીં પણ દિલદારીથી ચાલતી હોય છે. કેવું છે, એ માણસ લોકો પાસે સૌથી વધારે વફાદારીની અપેક્ષા રાખતો હોય છે જે પોતે ક્યારેય કોઇને વફાદાર રહ્યો હોતો નથી! માણસને સરવાળે એવા જ લોકો મળતા હોય છે જેવો એ પોતે હોય છે. દરેક માણસની અંદર એક ચુંબક હોય છે એ પોતાના જેવાને જ આકર્ષે છે. સારા માણસોને સારા માણસ મળે છે. હા, ક્યારેક એકાદ-બે બદમાશ ભટકાઇ જતા હોય છે પણ અપવાદતો બધે જ રહેવાના! જિંદગીમાં હન્ડ્રેડ પર્સન્ટ તો કંઈ જ રહેવાનું નથી. રહેવું પણ ન જોઇએ! બધું જ જો ગૂડી ગૂડી, સારું સારું હોત તો જિંદગી ક્યારેય પૂરેપૂરી સમજાત જ નહીં.
આપણને જિંદગીની સાચી સમજ સારા લોકો કરતાં બદમાશ અને લુચ્ચા લોકો પાસેથી વધુ મળે છે. એ જ તો આપણને એવું શીખવાડતા હોય છે કે, કોનો ભરોસો કરવો અને કોનો ન કરવો? આપણે માટલું લઇએ તો પણ ટકોરા મારીને લઇએ છીએ કે, બોદું તો નથીને? માણસ સાથે સંબંધ બાંધવામાં પણ એટલી કાળજી રાખવી પડતી હોય છે કે, એ બોદો તો નથીને? ટકોરાબંધ માણસ સાથેની દોસ્તી ક્યારેય તકલાદી સાબિત થતી નથી. આપણો સાચો સાથી, સાચો પ્રેમી, સાચો દોસ્ત કે સાચો લાઇફ પાર્ટનર જ આપણને સાચા રસ્તે લઇ જાય છે અથવા તો ખોટા રસ્તે જતા રોકે છે. બે મિત્રો હતા. એક મિત્રની સંગત બગડતી જતી હતી. તેના મિત્રએ તેને કહ્યું કે, તું આજકાલ ખોટા રવાડે ચડ્યો છે. ધ્યાન રાખજે. તું જે કરે છે એ સારું નથી કરતો. એ યુવાને મિત્રની વાત ન માની. તેનો મિત્ર ધીરેધીરે એનાથી દૂર થઇ ગયો. કોઇ સારો માણસ આપણાથી દૂર થઇ જાય ત્યારે આપણે એ પણ વિચારવું જોઇએ કે એણે કેમ મારાથી ડિસ્ટન્સ કરી લીધું? મારી તો ક્યાંક કંઇ ભૂલ નથી થઇને? કોઇને તમારાથી દૂર જવું હોય તો તમે એને રોકી ન શકો. એવા સમયે આપણે એ જ વિચારવાનું હોય છે કે, મારો તો કંઈ વાંક નથીને? આપણે કારણભૂત ન હોવા જોઇએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે, આપણું સારાપણું પણ ઘણાથી સહન થતું હોતું નથી. બધા લોકોને પણ આપણી સંગત પચે એવું પણ જરૂરી નથી. દરેકનું લેવલ જુદું હોય છે. આપણા લેવલ સુધી બધા પહોંચી શકતા નથી. આપણે આપણા લેવલની ચિંતા કરવાની કે આપણું લેવલ તો નીચું જતું નથીને? ગમે તેની સાથે દોસ્તી કરવાનો કોઈ અર્થ નથી.
સારાસારી બધા સાથે રાખવાની પણ દોસ્તી તો ચુનંદા લોકો સાથે જ બાંધવાની. આપણી ઓળખ આપણા મિત્રોથી પણ બનતી હોય છે. આપણને કોની સંગત છે? જેવી સંગત હશે એવી જ રંગત થવાની છે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે આપણી કક્ષા કઈ છે? બે બહેનપણીઓ હતી. બચપણથી જ બંને સાથે મોટી થઈ હતી. કૉલેજમાં આવી એટલે એક ફ્રેન્ડને સ્ટડી માટે બીજા શહેરમાં જવાનું થયું. થોડા સમય પછી એ ફ્રેન્ડ પાછી આવી. તેની દોસ્તે પૂછ્યું કે, નવા શહેરમાં નવી જગ્યાએ કોઇ ફ્રેન્ડ મળી કે નહીં? એ છોકરીએ કહ્યું કે, સાથે ભણતી ઘણી છોકરીઓ અને છોકરાઓ સાથે ઓળખાણ થઇ પણ એ બધા સાથે એ ડેપ્થ નથી વર્તાતી જે તારી સાથે અનુભવાય છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરતી વખતે ભલે એવું લખતા હોઇએ કે, ફ્રેન્ડ્સ ફોરએવર પણ એ બધા ફોરએવર નથી હોતા. એ નેવર પણ નથી હોતા પણ એનું એક ચોક્કસ સ્થાન હોય છે. દિલના ખૂણા સુધી બધા સ્પર્શી શકતા નથી. તારી વાત જુદી છે. આપણા દરેકની જિંદગીમાં એક-બે વ્યક્તિ એવી હોય છે જેની વાત જુદી હોય છે. જુદી વાત એટલે કેવી વાત? કંઈક અનોખી, યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી!
તમે માર્ક કરજો, અમુક લોકો સાથે સમયની અનુભૂતિ જ અલૌકિક હોય છે. એની સાથે કોઈ કારણ વગર મજા આવે છે. મૌન પણ જેની સાથે મધૂરું લાગે એ જ સાચી મૈત્રી. સાંનિધ્ય વર્તાતું હોય છે. અમુક લોકો સાથે આપણને નથી જ ફાવવાનું. એ કદાચ સારી વ્યક્તિ પણ હોઈ શકે છે પણ આપણને એની સાથે મજા જ આવે એવું જરૂરી નથી. સારામાં પણ દરેકની પોતાની ટાઇપ હોય છે. બે સારા માણસને પણ બને જ એવું જરૂરી નથી. સંબંધમાં પણ ઘણી વખત પ્લસ પ્લસ માઇનસ થઇ જાય છે! સારા માણસનું પણ એક સત્ત્વ હોય છે. થોડાક મિત્રો હતા. બધા સાથે ફરવા જતા, પાર્ટીઓ કરતા. ધીમે ધીમે બધાએ એક મિત્રને બોલાવવાનું બંધ કર્યું. કંઈ પણ હોય તો એને ખબર જ ન પડવા દે. એ મિત્રને એક વખત એવી ખબર પડી કે, મને જાણી જોઇને દૂર રાખવામાં આવે છે. તેણે ગ્રૂપમાંથી એક ફ્રેન્ડને પૂછ્યું કે, મારી સાથે બધાને શું વાંધો છે? મને કેમ બોલાવતા નથી? એ મિત્રએ કહ્યું, એનું કારણ એ છે કે તું બધા કરતાં જુદો છે. તું સારો છે. તને ખબર છે, આપણું સત પણ બધાથી સહન થતું હોતું નથી. અમે બધા ગાંડા કાઢીએ છીએ, ઘણી વખત ન કરવાનાં કરતૂતો પણ કરીએ છીએ, તું એવું નથી કરતો. તારી સાથે બધાને નથી ફાવતું. તારા વિશે ઘણા એવું પણ કહે છે કે એ તો વેદિયો છે, સિદ્ધાંતવાદીનું પૂંછડું છે, પોતાની જાતને કંઈક સમજે છે. તને એક વાત કહું, તું જેવો છે એવો બરાબર છે. જેને જેવું કહેવું હોય એવું કહે, તું જેવો છે એવો જ રહેજે. તારું લેવલ જુદું છે.
ગમે તેવા લોકોની સાથે રહેવું એના કરતાં એકલા રહેવું સારું. એક છોકરી હતી. તેની બધી ફ્રેન્ડ્સને બોયફ્રેન્ડ હતા. તેની એક ફ્રેન્ડે કહ્યું, તારું દિલ કેમ કોઇ પર આવતું નથી? એ છોકરીએ કહ્યું, મારા જેવો કોઇ મળ્યો નથી. કોઇ મળશે તો ચોક્કસ એની સાથે દોસ્તી રાખીશ, નહીં મળે તો હું ભલી અને મારું એકાંત ભલું! મારે ટોળાંની જરૂર નથી. મને મારી એકલતામાં પણ એકાંતને માણતા આવડે છે. મને મારી સાથે સારું બને છે. કોઈની સામે કંઈ વાંધો નથી પણ કોઇની સાથે મજા તો આવવી જોઇએને? મારે એની સાથે જ સંબંધ રાખવો છે જેની સાથે મને મારું વજૂદ વર્તાય અને એની પણ અનુભૂતિ થાય. વેવલેન્થ મળવી જોઇએ. હું મારી જાતને સમથિંગ કે બહુ ઊંચી સમજતી નથી પણ એક લેવલ તો છે જ, જે મારે મેન્ટેન કરવું છે. તમારા સંબંધો કેવા છે? સંબંધો ભલે ઓછા હોય પણ એ બેસ્ટ હોવા જોઇએ. જે સંબંધનો પાયો મજબૂત હોય છે એ ક્યારેક ડગતા નથી. સાત્ત્વિક સંબંધોની સુવાસ હંમેશાં વર્તાતી રહે છે!
છેલ્લો સીન :
જેની માથે આંખો મીંચીને ભરોસો મૂક્યો હોય એ જ ક્યારેક એવો આઘાત આપી જાય છે કે આંખો ઊઘડી જાય! આવું થાય પછી ઘણી વખત ખુલ્લી આંખોએ પણ કોઈના પર ભરોસો બેસતો નથી! – કેયુ.


(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 જૂન, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મારું લેવલ એની સાથે જરાયે મેચ થતું નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *