હવે એની લાઇફમાં બીજું
કોઇ આવી ગયું છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘણાં હથિયારની ફાવટ તને છે,
મને કાયમ શરમ જેવું નડે છે,
તને રસ્તા બદલવા એ સહજ છે,
મને એવું બધું ક્યાં આવડે છે?
-શૈલેન રાવલ
પ્રેમ, લાગણી, દોસ્તી અને આત્મીયતા જિંદગીને જીવવા જેવી બનાવે છે પરંતું એમાં પણ જો સમજ ન હોય તો એ જિંદગીને દોઝખ જેવી પણ બનાવી દે છે. દુનિયામાં કશું જ કાયમી હોતું નથી. દરેક સંબંધનું પણ એક આયુષ્ય હોય છે. હાથ છૂટતા હોય છે. જિંદગીભર જેની સાથે રહેવાનું વિચાર્યું હોય એ પણ યુટર્ન લઇને પાછા ફરી જાય છે. જેના માટે આપણે કોઇ પણ હદ સુધી જવા તૈયાર હોઇએ એ પણ અલોપ થઇ જાય છે. જેને સતત નજરની સામે ઝંખતા હોઇએ એ દેખાવાના જ બંધ થઇ જાય ત્યારે પીડા થાય છે. આપણી શ્રદ્ધા પર જ શંકાઓ થવા લાગે છે! એ વ્યક્તિને તો મેં મારું સર્વસ્વ સમજી હતી, એણે જ મને એકલતાના અંધારામાં ધક્કો મારી દીધો? કોઇ સંબંધ બંધાય ત્યારે આપણે કેટલી બધી કલ્પનાઓ કરી લીધી હોય છે. સંબંધની સડકથી માંડીને મંઝિલ સુધીના સપનાઓ જોઇ લીધા હોય છે. ખુલ્લી આંખે જોયેલા સપનાઓ ક્યારેક આપણી નજર સામે જ કડડડભૂસ થઇને તૂટે છે. આપણું અસ્તિત્ત્વ જ વેરાઇ જાય છે. આપણે આપણી જાતને જ સમેટી નથી શકતા. ક્યાંય ધ્યાન નથી પડતું.
કોઇપણ સંબંધ તૂટે ત્યારે વેદના તો થવાની જ છે. રિલેશનમાં ઇન્ટેનસિટી જેટલી વધુ એટલું પેઇન પણ વધુ થવાનું છે. વેદના થવી પણ જોઇએ. વેદના એ તો આપણી સંવેદનાનો પુરાવો છે. વેદના જડને જ ન થાય, જીવંતને તો વેદના થવાની જ છે. વેદના જો એક હદથી વધી જાય તો માણસ ભટકી જાય છે. દુ:ખને પણ એક લિમિટથી વધવા દેવું ન જોઇએ. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. બે વર્ષથી રિલેશન્સ હતા. છોકરાએ અચાનક જ બ્રેકઅપ કરી લીધું. છોકરી માટે આ ઘટના ગળે ન ઉતરે એવી હતી. તેને થયું હું તૂટી જઇશ. બે દિવસ એકલા રહીને તેણે બધું જ પેઇન ફીલ કર્યું. ધીમે ધીમે પોતાની જાતને સંભાળી. ત્રીજા દિવસે એ ફરીથી રૂટિનમાં આવી ગઇ. તેની ફ્રેન્ડે કહ્યું કે, તને સ્વસ્થ જોઇને ખુશ છું. એ છોકરીએ કહ્યું, મેં એ પેઇન સહન કરી લીધું છે. હું એમાંથી પસાર થઇ ગઇ છે. તમારે પેઇનમાંથી પસાર થઇ જવું પડતું હોય છે. પેઇનમાં પડ્યા ન રહેવાય. એમાંથી બહાર નીકળવું પડે છે. મેં એનો પ્રેમ જેટલો ફીલ કર્યો હતો એનાથી વધુ તીવ્રતાથી એની જુદાઇ મહેસૂસ કરી હતી. મેં મારી ભાગનું રડી પણ લીધું. છેલ્લે એના છૂટેલા હાથને ખંખેરીને આગળ નીકળી ગઇ!
પ્રેમ આપણા ધાર્યા મુજબ આગળ વધતો નથી કે આપણી ઇચ્છા મુજબ ટકતો પણ નથી. પ્રેમ કરીએ કે દોસ્તી બાંધીએ ત્યારે એવો જ વિચાર કર્યો હોય છે કે, આ સંબંધને હું મરવા નહીં દઉં. સંબંધોનું મૃત્યુ આપણા હાથમાં નથી હોતું. તને તો હું મારી જિંદગીમાં ક્યારેય ભૂલું એવું કહેનારા ઘણી વખત આપણું નામ પણ ભૂલી જતા હોય છે! સવાલ એ નથી હોતો કે, એણે મારી સાથે શું કર્યું? પ્રશ્ન એ હોય છે કે, કોઇ ચાલ્યું જાય પછી આપણે શું કરીએ છીએ? કોઇ છોડી જાય પછી પણ આપણે પકડી રાખીએ તો એમાં વાંક એનો નહીં પણ આપણો હોય છે. એણે તો જે કરવાનું હતું એ કરી નાખ્યું. આપણે શું કર્યું? સંબંધની સાચી મજા સાથે ચાલવામાં છે, પાછળ દોડવામાં નહીં. કોઇ હાથ છોડીને જતું રહ્યું તો એને જવા દેવા એ આપણી જાત સાથેનો આપણો પોતાનો ગ્રેસ છે. દરેક માણસને પોતાનું ગૌરવ હોવું જોઇએ. કોઇ સંબંધ જાળવવા માટે ગમે તે કરવાની જરૂર હોતી નથી. ગ્રેસ જળવાય તો જ સંબંધ રાખવો. ઘણા લોકો સંબંધ બચાવવા માટે શરણે થતા હોય છે. શરણે થઇએ પછી શોષણ થવાનું જ છે. આપણે જો આપણી પરિસ્થિતિ આપણા હાથે જ પેદા કરી હોય તો આપણે એના માટે કોઇને દોષ દઇ ન શકીએ. આપણા અંધકારમાંથી આપણે જ બહાર નીકળવું પડે.
એક છોકરીના આ સાવ સાચી વાત છે. તે જેને પ્રેમ કરતી હતી એ છોકરાની લાઇફમાં બીજી પ્રેમિકા આવતા એણે એ છોકરીને છોડી દીધી. એ ડિસ્ટર્બ હતી. તેની ફ્રેન્ડે કારણ પૂછ્યું. તેણે કહ્યું કે, એની લાઇફમાં હવે બીજું કોઇ આવી ગયું છે. હું એને ભૂલી શકતી નથી. ફ્રેન્ડે પૂછ્યું કે, એને ભુલવા માટે તેં કર્યું શું? એ છોકરીએ કહ્યું, મેં એનો નંબર ડિલિટ કરી નાખ્યો છે. એને સોશિયલ મીડિયા પર બ્લોક કર્યો છે. આ બધું કર્યું છતાં હું એને ભૂલી શકાતી નથી. એ છોકરીને તેની ફ્રેન્ડે કહ્યું, તેં બધું કર્યું પણ તારે જે કરવું જોઇએ એ તો કર્યું જ નથી. તારે એને તારા મગજમાંથી કાઢવો પડશે. તારા વિચારોમાંથી એને ડિલિટ કરવો પડશે. ફોન બુકમાં હશે કે નહીં હોય એનાથી કોઇ ફેર પડવાનો નથી. તારે તારી હયાતિમાંથી એને હટાવવો પડશે. આપણે પીડાતા રહીએ છીએ એનું એક કારણ એ હોય છે કે, જડ ક્યાંક બીજે હોય છે અને આપણે કાપતા કંઇક બીજું જ રહીએ છીએ!
જિંદગીમાં એ આવડત પણ કેળવવી પડે છે કે, જે જાય છે એને જવા દો. ચાલ્યા જાય પછી એને મનથી મુક્ત કરી દો. એને કોસવાની પણ જરૂર નથી. એનું કારણ એ છે કે, એને વખોડતા રહેશો તો પણ એ વ્યક્તિ તમારા વિચારોમાં રહેવાની જ છે. આપણે જે છોડી દેવા જેવું હોય એને પકડી રાખીએ છીએ. મુક્ત થવા માટે મુક્ત કરવું પડતું હોય છે. આપણે એવું કરવાને બદલે સવાલો કરીએ છીએ. મારી સાથે એણે આવું કેમ કર્યું? મારો શું વાંક હતો? મારી સાથે જ આવું કેમ થાય છે? મેં તો એને કેટલા દિલથી પ્રેમ કર્યો હતો? જિંદગીમાં અમુક સવાલો એવા હોય છે જેના કોઇ જવાબ નથી હોતા. અમુક સવાલોના જવાબો શોધવાનો કોઇ મતલબ પણ નથી હોતો. આપણે આપણા આશ્વાસન માટે ઘણી વખત જવાબો શોધતા હોઇએ છીએ. સંબંધનું મોત થાય પછી એનું પોસ્ટમોર્ટમ કરવું ન જોઇએ. કારણો શોધીને પણ શું કરવાનું છે? વીતી ગયેલા સંબંધ વહેલી તકે વિસરાઇ જાય એમાં જ ભલાઇ હોય છે. એ સંબંધને દિલના એક ખૂણામાં સંઘરી રાખવાના હોય છે.
સંબંધોના અંતની પીડા એટલે પણ થતી હોય છે કારણ કે એ સંબંધ જ્યારે હોય ત્યારે સોળે કળાએ જીવાયો હોય છે. કેટલી બધી યાદો હોય છે? કેટલા બધા સ્મરણો હોય છે? એ વ્યક્તિ આપણા દરેક સ્થળ અને સંજોગ સાથે વણાઇ ગઇ હોય છે. ભૂલવા મથીએ તો પણ યાદ આવી જાય છે. એવું પણ થવાનું જ છે. એવા સમયે સારી યાદોને યાદ કરી લેવામાં પણ ખોટું નથી. ભલે થોડીક ક્ષણો તો થોડીક ક્ષણો પણ એની સાથેનો એ સમય મજાનો હતો. જિંદગી જેવું લાગતું હતું. ન રહ્યો એ સંબંધ. હશે. જિંદગીનો એટલા હિસ્સો માટે જ સાથે રહેવાનું લખ્યું હશે. જુદા પડતી વખતની અને જુદા પડ્યા પછીની ખરાબ યાદોને યાદ કરવાનું ટાળવું જોઇએ એમ સારી યાદોને પણ યાદ કરીને ભૂલી જવી જોઇએ. જે ગયું એ ગયું. જુદા પડવાનું કારણ ગમે તે હોય, એ કારણ સાચું હોય કે ખોટું, સારું હોય કે ખરાબ, સંબંધનો અંત એના તરફથી આવ્યો હોય કે આપણા તરફથી, જે કંઇ થયું હોય એ થઇ ગયા પછી પાછળ જોવું નહીં. ભૂતકાળમાંથી બહાર નહીં નીકળો તો એનું ભૂત વળગેલું જ રહેશે. આગળ જુઓ. એક વ્યક્તિના જવાથી જિંદગી અટકી જતી નથી. આપણે પણ અટકવું ન જોઇએ. અટકી જશો તો ભટકી જશો. તમને તમારો માર્ગ જ નહીં મળે. રસ્તો હોય જ છે. વેદનાને વધુ પેમ્પર ન કરો. ઘાને ખોતરતા જ રહીએ તો એ ક્યારેય રૂઝાવાનો જ નથી. ઘાને મલમપટ્ટી કરીને એનો ડાઘ પણ ન રહી જાય એ રીતે ભૂલી જવાનો!
છેલ્લો સીન :
દરેક સંબંધ બંને પક્ષે એક સરખો હોવો જોઇએ. સંબંધમાં વન-વે ન ચાલે. પ્રેમ અને દોસ્તીમાં જ નહીં, દુશ્મની પણ બંને પક્ષે હોવી જોઇએ. લડવાની મજા પણ તો જ છે જો સામેની વ્યક્તિ પડકાર આપીને સામી ઊભી રહે! ખબર ન પડે એમ, પીઠ પાછળ વાર કરનારા કાયર હોય છે. –કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 15 મે 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
It’s really true..nice sir..(with respect)
THANKS 🙂