વૃદ્ધોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ
માટે આપણે કેટલા સતર્ક છીએ?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
હોલિવૂડના સુપ્રસિદ્ધ એકટર 67 વર્ષના બ્રુસ વિલિસે હમણાં અભિનયની દુનિયામાંથી નિવૃતિ લઇ લીધી.
એફેસિયા ડિસઓર્ડરને કારણે તેઓ સરખું કમ્યુનિકેશન કરી શકતા નહોતા.
આપણે ત્યાં વૃદ્ધોને આ બીમારી થાય તો આપણને ખબર પણ હોતી નથી!
ઉંમર થાય એટલે કંઇક તો થવાનું જ છેને? એવું વિચારીને આપણે ત્યાં
વૃદ્ધોની અમુક બીમારીને નજરઅંદાજ કરવામાં આવે છે.
રોગ વકરી જાય ત્યારે છેક ખબર પડે છે કે આ તો ગંભીર રોગ છે!
ઘણા વૃદ્ધો સંતાનોને ચિંતા ન થાય અને સારવાર પાછળ ખર્ચ ન થાય એ માટે પોતાની બીમારી છુપાવી રાખે છે.
હવે જીવવું કેટલું અને વાત કેટલી એવો એટિટ્યૂડ વાજબી નથી!
———–
આપણા દેશની વાત નીકળે એટલે એક વાત ચોક્કસપણે કરવામાં આવે છે કે, ભારત યંગસ્ટર્સનો દેશ છે. આખી દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. આપણા દેશના લોકોની સરેરાશ ઉંમર 27.1 વર્ષની છે. દેશનું યુવાન લોહી જ ભારતને એક દિવસે સુપર પાવર બનાવશે. સાચી વાત છે અને સારી પણ વાત છે. યુવાનોનો થનગનાટ તો ગજબનાક છે પણ આપણા દેશમાં વૃદ્ધોની સ્થિતિ કેવી છે? આપણે ત્યાં વૃદ્ધોનું જે રીતનું ધ્યાન રાખવું જોઇએ એ રખાય છે ખરું? સમૃદ્ધ દેશોમાં વૃદ્ધોની જે રીતે કેર કરવામાં આવે છે એવી આપણે ત્યાં થતી નથી એ હકીકત છે.
સમગ્ર વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. 2019માં દર 11 વ્યક્તિએ એક વ્યક્તિ 65 વર્ષથી વધુ વયની હતી તેવું વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસમાં જણાવાયું છે. આપણા આપણા દેશની વાત કરીએ તો ભારતમાં વર્ષ 2021માં વૃદ્ધોની સંખ્યા 13.80 કરોડ હતી. આજની તારીખે આપણે ત્યાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃદ્ધ છે. એક અભ્યાસ મુજબ 2026માં આપણા દેશમાં વૃદ્ધોની સંખ્યા વધીને 17.3 કરોડ થશે. 2050માં દેશમાં 35 કરોડથી વધુ વૃદ્ધો હશે. આપણે ત્યાં દુ:ખની વાત એ છે કે, વડીલોને નક્કામા સમજી લેવામાં આવે છે. ભવ્ય જિંદગી જીવનાર અને યુવાનીમાં અનેક સિદ્ધીઓ મેળવનાર વ્યક્તિ પણ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેનો કોઇ ભાવ પૂછતું નથી. વૃદ્ધ પોતાને જ નિગલેક્ટેડ ફીલ કરવા માંડે છે. જિંદગીમાંથી રસ જ ઉડી જાય છે. જેના માટે આખી જિંદગી લોહીપાણી એક કર્યા હોય એ જ જ્યારે સમય ન આપે અને સંભાળ ન લે ત્યારે જિંદગી સામે જ અનેક સવાલો થાય છે કે, મારું કોઇ વજૂદ રહ્યું નથી કે શું?
આપણે ત્યાં મોટી ઉંમરે થતી બીમારીઓને ઘરના લોકો જ નજર અંદાજ કરતા હોય છે. ઉંમર છે, કંઇક તો થવાનું જ છેને? ચાલ્યા રાખે. વડીલોને એવું કહેવામાં આવે છે કે, હવે તમારે ક્યાં કમાવવા જવાનું છે? અમુક પરિવારોમાં તો એવા વેણ પણ સંભળાવવામાં આવે છે કે, પડ્યા રહોને છાનામાના, ખોટા ઉધામા ન મચાવો. તમે શાંતિથી રહો અને અમને પણ શાંતિથી રહેવા દો! વૃદ્ધોને પોતાને ઘણી વખત એવું લાગવા માંડે છે કે, આના કરતા તો વૃદ્ધાશ્રમ સારો, ત્યાં કોઇ વાત કરવાવાળું તો હોય! ઘરમાં તો કોઇની પાસે કોઇના માટે સમય જ નથી!
હોલીવૂડના સુપ્રસિદ્ધ એકટર બ્રૂસ વિલિસે હમણા અભિનયની દુનિયામાંથી નિવૃતિ લઇ લીધી. 67 વર્ષના બ્રૂસને એફેસિયા ડિસઓર્ડર નામની બીમારી છે. આ બીમારી લાગુ પડે એ વ્યક્તિ સ્વસ્થતાથી કમ્યુનિકેટ કરી શકતી નથી. એને વાતચીતમાં તકલીફ થાય છે. વેલ, આપણે ત્યાં 67 વર્ષના કોઇ વડીલ સરખી રીતે વાતચીત ન કરી શકે ત્યારે કેટલા લોકો એવું વિચારે છે કે, આમને કોઇ ડિસઓર્ડર લાગે છે? આપણે ત્યાં તો એવું કહે કે, હવે બાપુજીને કે દાદાજીને ઉંમરની અસર દેખાવવા લાગી છે નહીં? રણધીર કપૂરને ડિમેન્શિયા હોવાની વાત હમણા બહાર આવી હતી. 75 વર્ષના રણધીક કપૂરે નાના ભાઇ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ જોઇને રણબીર કપૂરને કહ્યું હતું કે, ચિન્ટુને ફોન લગાવ! એ ભૂલી ગયા હતા કે, ઋષિ કપૂર આ દુનિયામાંથી વિદાય લઇ ચૂક્યા છે. સામાન્ય લોકો કંઇ ભૂલી જાય ત્યારે એને ગંભીરતાથી લેવામાં આવતું નથી. ઉંમર વધે એમ યાદ શક્તિ ઘટી જ જાય એવું વિચારીને જેમ ચાલતું હોય એમ ચલાવે રાખે છે. બ્રૂસ વિલિસને થઇ છે એ બીમારી એફેસિયા કે રણધીર કપૂરને થયેલી બીમારી ડિમેન્શિયાનો ઇલાજ છે. તેની સારવાર થઇ શકે છે પણ આપણે ત્યાં લોકો એને ઉંમરની અસર માનીને સારવાર કરાવતા નથી. અલ્ઝાઇમર, પાર્કિન્સન જેવી બીમારીઓ મોટી ઉંમરે થાય છે. ચાનો કપ લેતી વખતે વડીલનો હાથ ધ્રૂજતો હોય ત્યારે આપણને એવો વિચાર ભાગ્યે જ આવે છે કે, તેમને પાર્કિન્સન તો નહીં હોયને? બીમારી એકદમ વધી જાય ત્યારે છેક એને ગંભીરતાથી લેવામાં આવે છે. મોટી ઉંમરની ઘણી બધી બીમારીઓ એવી હોય છે જેનાથી મરી ન જવાય પણ એ શાંતિથી જીવવા ન દે. જો સમયસર તેનું નિદાન કરીને પ્રારંભિક સ્ટેજમાં હોય ત્યારે જ જો સારવાર શરૂ કરવામાં આવે તો ઘણો ફેર પડે છે.
ઉંમર મોટી થઇ ગઇ હોય અને કોઇ બીમારી થાય ત્યારે કેટલાંક લોકો વડીલની સારવાર કરાવતા પહેલા એવું પણ વિચારતા હોય છે કે, સારવાર માટે જંગી ખર્ચ કરવો વર્થ છે ખરો? અમુક વાત વળી તેનાથી તદ્દન ઉલટી પણ હોય છે. 75 વર્ષના એક ભાઇને કેન્સર થયું. એનો દીકરો ઓપરેશન અને સારવારની તૈયારી કરતો હતો ત્યારે તેના પિતાએ કહ્યું કે, મારે કોઇ સારવાર નથી કરાવવી. હવે જીવી જીવીને કેટલું જીવવાનું છે? જે થતું હોય એ થવા દે, નસીબમાં લખ્યું હશે એટલું જીવીશ. બાકી ભગવાનની મરજી!
આપણા પરિવારમાં મોટી ઉંમરની મહિલાઓ પણ હેલ્થ બાબતે બહુ કેરલેસ હોય છે. આમ તો મહિલા હોય કે પુરુષ, એક વાત સમજવા જેવી છે કે, ઉંમર વધવાની સાથે લાઇફ અટકી જતી નથી. પુરુષો પોતાની જોબમાંથી રિટાયર થાય એ પછી પોતાને જ યુઝલેસ ફીલ કરવા લાગતા હોય છે. ફ્રાંસની નૈટિકસસ નામની સંસ્થા દર વર્ષે રિટાયરમેન્ટ પછી લોકોની સ્થિતિ વિશે ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરે છે. 34 દેશોમાં આ અભ્યાસ થયો હતો. આપણા દેશનો નંબર સૌથી છેલ્લો એટલે કે 34મો હતો. વૃદ્ધ લોકોનું ધ્યાન રાખવામાં સૌથી મોખરે રહેનારા દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે. વૃદ્ધોને જાતી જિંદગીએ જીવવાની મજા આવે એવું વાતાવરણ રચવાની જવાબદારી પરિવાર, સમાજ અને સરકારની છે.
મોટી ઉંમરે કામ કરવાની વાત કરીએ તો ઘણા લોકોને રિટાયર થયા પછી પણ કામ કરવું હોય છે પણ એક્સટેન્શન મળતું નથી. આપણે ત્યાં એવું પણ વિચારવામાં આવતું નથી કે આ માણસને આટલા વર્ષોનો અનુભવ છે તો એ કામ લાગશે. મોટી ઉંમરે નાસીપાસ થવાનું એક કારણ એ પણ છે કે, વડીલો પાસે કોઇ કામ જ નથી હોતું? એમના માટે સૌથી મોટો સવાલ એ જ હોય છે કે, આખો દિવસ કરવું શું? જોબ દરમિયાન એક મિનિટ પણ નવરો ન રહેતો માણસ અચાનક જ સાવ ફ્રી થઇ જાય એ પછી તેને પોતાની જિંદગી સાથે જ એડજસ્ટ થવામાં તકલીફ પડતી હોય છે. કામ અને હોદ્દો ન હોય એટલે બોલાવવાળા પણ ઘટી જાય છે. વાતાવરણ જ એવું સર્જાય છે કે, માણસ શારીરિક અને માનસિક રીતે નબળો પડવા લાગે.
મોટી ઉંમરે માણસની પ્રકૃતિ બદલાતી હોય છે. ઘણા વડીલો કચકચ કરતા હોય છે. એમની અમુક આદતો પણ ઇરિટેટિંગ હોય છે, એ બધું સાચું પણ એમણે સંતાનો અને પરિવાર પાછળ આખી જિંદગી ખર્ચી નાખી હોય છે. ઘરના સભ્યો વડીલોની કેર કરે અને વડીલો પણ પોતાની જિંદગીને ધબકતી રાખે એ જરૂરી છે. જિંદગીની છેલ્લી ક્ષણ સુધી પૂરેપૂરું જીવાય એ જ મહત્ત્વનું હોય છે. જિંદગી ફૂલ ટુ જીવવાના રસ્તાઓ અને નુસખાઓ શોધો તો જિંદગીનો ક્યારેય થાક નહીં લાગે અને જીવવાની મજા આવશે!
હા, એવું છે!
અત્યારના સમયમાં વૃદ્ધો વધુ એકલતા અનુભવી રહ્યા છે. એનું કારણ એ છે કે, સંતાનો કામમાં બિઝી છે અને પૌત્ર પૌત્રીઓ મોબાઇલમાં રચ્ચા પચ્ચા રહે છે. અગાઉ દાદા-દાદીઓનો સમય બાળકો સાથે સરસ રીતે પસાર થઇ જતો હતો. હવે બાળકો પાસે પણ ક્યાં કોઇના માટે સમય છે?
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 એપ્રિલ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com