ડિવોર્સના કિસ્સાઓમાં બાળકની હાલત
સેન્ડવીચ જેવી થઇ જાય છે એ સાચું પણ
બાળકની હાલત ખરાબ કરે છે કોણ?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ડિવોર્સની ઘટનાઓ આપણે ત્યાં પણ હવે સામાન્ય થતી જાય છે ત્યારે
બાળકોના ઉછેરનો સવાલ પેચીદો બનતો જાય છે
છૂટા પડ્યા પછી પણ જો માતા પિતા મેચ્યોરિટીથી વર્તે તો
બાળકોને વિપરીત અસરોથી બચાવી શકાય છે
બાળકની હાલત ખરાબ કરી નાખવા માટે અંતે તો પતિ અને પત્ની જ જવાબદાર હોય છે.
શું હવે ડિવોર્સ પછી બાળકોને કેવી રીતે સંભાળવા એના પણ ક્લાસ શરૂ કરવા પડશે?
———-
ખૂબ જ ગંભીર વિષયના આ લેખની શરૂઆત થોડીક હળવાશથી કરીએ. પતિ-પત્નીના ડિવોર્સનો કેસ એક અદાલતમાં ચાલી રહ્યો હતો. જજે બંને પક્ષોને સાંભળીને પતિને એવો આદેશ કર્યો કે, ભરણપોષણ પેટે પતિએ પત્નીને પોતાનો અડધો પગાર આપવો પડશે. જજનો આ ચૂકાદો સાંભળીને પતિ ખુશીનો માર્યો કોર્ટમાં જ નાચવા માંડ્યો. જજે આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે આવી રીતે નાચો છો કેમ? પેલા ભાઇએ જવાબ આપ્યો, જજ સાહેબ, એ મારો આખો પગાર લઇ લેતી હતી, હવે મને અડધો તો મળશે! ખેર, આ તો થઇ રમૂજની વાત. હકીકતે ડિવોર્સના કેસો બહુ પેચીદા હોય છે. એક સમય હતો જ્યારે આપણે ત્યાં ડિવોર્સને બહુ ખરાબ સમજવામાં આવતા હતા. સમાજ ડિવોર્સના કેસની ખૂબ કૂથલીઓ પણ કરતો. હવે આપણે ત્યાં પણ ડિવોર્સના કેસો સામાન્ય થવા લાગ્યા છે. લોકોના મોઢે પણ એવી વાતો સાંભળવા મળે છે કે, ધરાર ભેગા રહીને લડવામાંથી નવરા ન થવું એના કરતા છૂટા થઇ જવું સારું. આપણે એ વાત સારી રીતે જાણીએ છીએ કે, કોઇ લગ્ન છૂટાછેડા કરવા માટે નથી થતા. લગ્ન થાય છે ત્યારે તો પતિ અને પત્ની સાથે મળીને જિંદગી સરસ રીતે જ વીતાવવાનું વિચારતા હોય છે. લગ્ન પછી જેમ જેમ સમય જાય છે એમ એમ માણસની ઓરિજનાલિટી સામે આવે છે અને ઘણા કિસ્સાઓમાં એ વાત સમજાય જાય છે કે, જીવનસાથીની પસંદગીમાં આપણે થાપ ખાઇ ગયા છીએ. આ વાત જો વહેલી તકે સમજાય જાય તો બહુ વાંધો આવતો નથી પણ એક-બે છોકરાઓ થઇ જાય પછી ડિવોર્સની વાત આવે ત્યારે મામલો ગંભીર બની જાય છે. એવો સવાલ ઉઠે છે કે, બંનેના ઝઘડામાં નાનકડા જીવનો શું વાંક? વાત પણ સાચી હોય છે, એનો કોઇ જ દોષ હોતો નથી. એની સામે બેમાંથી કોઇને કંઇ વાંધો પણ હોતો નથી પણ એક-બીજા સાથે ફાવે એમ જ ન હોય તો સાથે જીવવું કેવી રીતે?
ડિવોર્સનો આવો જ એક કિસ્સો હમણા અદાલતમાં આવ્યો હતો. ભરણપોષણના કેસમાં અમદાવાદ હાઇકોર્ટે આપેલા વિચાર માંગી લે એવો છે. પતિ ઓસ્ટ્રેલિયા રહે છે. પત્ની મોરબીમાં. દસ વર્ષનો એક દીકરો છે. પત્ની ક્યારેય દીકરાને તેના પિતા સાથે વાત કરવા દેતી નથી. અદાલતે કહ્યું કે, દીકરાને એના પિતા સાથે વાત કરવા દો. કોર્ટે પતિને આદેશ કર્યો કે, પત્નીને એક લાખ અને દીકરાને પ0 હજારનું ભરણપોષણ આપવું. પતિ પત્ની સાથે રહી ન શક્યા એમાં વાંક કોનો હતો એમાં નથી પડવું. બેમાંથી એકનો અથવા બંનેનો વાંક હોય શકે છે. આપણામાં કહે છે કે, એક હાથે તાળી નથી વાગતી. અલબત્ત, વાંક એકનો પણ હોય શકે છે. જે મુદ્દો છે એ બાળકનો છે. દીકરાને પિતાથી દૂર જ રાખવામાં આવતો હતો. અદાલતે એવું પણ કહ્યું કે, બાળકના મનમાં કોઇપણ પ્રકારનું ઝેર ભરવું નહીં.
આ તો એક કેસ છે. આવા તો બીજા ઢગલો કેસ છે. ડિવોર્સના કારણો અલગ અલગ હોય શકે છે. બાળકનો સવાલ હોય છે. બાળક નાનું હોય ત્યારે તેનો કબજો માતા પાસે રહે એવો કાયદો છે. બાળક પર સૌથી મોટી અસર માતાની થતી હોય છે. ડિવોર્સના કેસમાં માતા પોતાના સંતાનને શું કહે છે એના પર બહુ મોટો આધાર રહેતો હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ પત્ની જુદા થયા. ઓફિશિયલ ડિવોર્સ થઇ ગયા. બંનેને એક દીકરી હતી. આ દીકરી માતાને જ્યારે પણ પિતા વિશે પૂછતી ત્યારે માતા એવું કહેતી કે, તારા પિતા સારા માણસ છે. અમને બંનેને ન ફાવ્યું એટલે અમે જુદા થઇ ગયા પણ તારા પ્રત્યે એને બહુ લાગણી છે. દીકરીના મોઢે પિતા વિશે ક્યારેય માતા ખોટું ન બોલતી. આવા કિસ્સાઓ હોય છે પણ એની સંખ્યા બહુ ઓછી હોય છે.
ડિવાર્સના કિસ્સામાં જુદા પડેલા પાર્ટનરોમાં સમજણ હોય એ બહુ જરૂરી છે. સંતાન ન હોય ત્યારે બંને પોતાની લાઇફમાં મૂવ ઓન થઇ જાય એ સ્વાભાવિક છે પણ જો બાળક હોય તો જુદા પડ્યા પછી પણ એક છેડો એવો હોય છે જે બંને છેડે જોડાયેલો હોય છે. અમેરિકામાં એક સર્વે થયો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, ડિવોર્સના કિસ્સાઓમાં બાળકોની હાલત ખરાબ થતી હોય છે એ સાચી વાત છે પણ સાથોસાથ એ પણ વિચારવાની જરૂર છે કે, બાળકની હાલત કફોડી થાય છે શા માટે? હાલત ખરાબ કરે છે કોણ? એવા ક્યા કારણો હોય છે કે બાળક મૂંઝાતું રહે? અમેરિકામાં તો હજુ માતા તેના બાળક અને પિતા વચ્ચે આવતી નથી. આપણે ત્યાં પરિસ્થિતિ જુદી છે. આપણે ત્યાં બાળક મા પાસે હોય ત્યારે મા તેના પિતા વિશે ખરાબ બોલે છે અને બાળક જ્યારે પિતા પાસે હોય ત્યારે પિતા બાળકની માતા વિશે ઘસાતું બોલતો રહે છે. મરો બાળકનો થાય છે. એને સમજાતું નથી કે, આ બેમાંથી સાચું કોણ અને ખોટું કોણ?
એક બીજો સાવ સાચો કિસ્સો પણ જાણવા જેવો છે. એક પતિ પત્ની અલગ થયા. દીકરાનો કબજો પત્ની પાસે હતો. પત્ની અને તેના પરિવારજનો બળુકા હતા. દીકરાને ક્યારેય એના પિતાને મળવા જ ન દે. દીકરાના મનમાં ઝેર જ ભર્યે રાખે. દીકરો એવું જ માનવા લાગ્યો કે મારા પિતા સારા માણસ નથી. વર્ષો પછી કોઇ કારણોસર તેને પિતાને મળવાનું થયું. હવે એ મોટો થઇ ગયો હતો. સારા-નરસાની એને સમજ હતી. પિતા સાથેની મુલાકાત બાદ એને સમજાયું કે, જેવું મારી માતા અને બીજા સગા વહાલાઓ કહે છે એવા મારા પિતા નથી. એ તો સારા માણસ છે. દીકરો એ પછી માતાને દોષ દેવા લાગ્યો. પાત્ર પલટી ગયા પણ દીકરાની હાલત તો એ જ રહી. પહેલા પિતાને નફરત કરતો હતો અને પછી માતાને!
ગુલઝાર અને રાખી એક-બીજા સાથે રહી ન શક્યા. એમની દીકરી મેઘના, બોસ્કી એનું લાડકું નામ. એક વખત બોસ્કીને તેના માતા પિતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એવું કહ્યું હતું કે, મને બંનેનો પ્રેમ મળ્યો છે. બંને સારા માણસ છે. બે સારા માણસો પણ સાથે રહી જ શકે એવું જરૂરી નથી. આપણે ત્યાં એવા કિસ્સાઓ પણ છે કે, સંતાનના કારણે પતિ પત્નીએ એક બીજા સાથે ફાવતું ન હોય છતાં ડિવોર્સ લીધા ન હોય. આવા કિસ્સામાં પણ સાથે રહીને ઝઘડતા રહેવાથી બાળક પર કેવી અસર થાય છે એનું કોઇ વિચારતું નથી. બંને પોતાની મહાનતા સાબિત કરવા માટે દાવાઓ એવા કરે છે કે, સંતાનના કારણે અમે ડિવોર્સ નથી લીધા. સંતાન બધું જોતું હોય છે કે, માતા પિતા કેવી રીતે રહે છે. સંતાનને અણસમજુ સમજનારા માતા પિતા પોતે જ મૂરખ હોય છે કારણ કે બાળક પણ સમજુ હોય છે. સમજુ ન હોય તો પણ એક ઉંમર પછી તેની હકીકત સમજાય જ જાય છે. એક કિસ્સામાં તો દીકરીએ માતા પિતા બંનેને એવું કહ્યું હતું કે, તમે બંને જુદા શા માટે નથી થઇ જતા? આવી રીતે ધરાર રહેવાનો મતલબ શું છે? તમે બંનેને સાથે રહેવું પડે છે એના માટે મને તો જવાબદાર ન જ ગણતા!
ડિવોર્સ પછી પતિ પત્ની કૂતરા બિલાડાની જેમ બાધતા રહે છે. એક બીજાની ખણખોદ અને બૂરાઇ કરતા રહે છે. એવા સમયે એને એ વિચાર આવતો નથી કે, દીકરા કે દીકરી પર તેની કેવી અસર થશે? જુદા પડેલા પતિ પત્ની જ્યારે બીજા કોઇની સાથે પોતાની જિંદગી નવેસરથી શરૂ કરે ત્યારે વળી નવા પ્રશ્નો સર્જાતા હોય છે. આપણે ત્યાં સાવકી માતા સદાને માટે વિલન હોય છે. સાવકી મા ત્રાસ આપતી હોય એવા કિસ્સાઓ અસંખ્ય છે પણ દરેક સ્ટેપ મધર એવી હોય એવું જરૂરી નથી. સાવકી મા વિશે ઝેર જ એવું ભરી દીધું હોય છે કે, સાવકી મા સારી હોય તો પણ એના પર બાળક ભરોસો ન કરે,
જો બાળકનું ભલું ઇચ્છતા હોય તો છૂટા પડ્યા પછી બાળકના માનસ પર ઓછામાં ઓછી ખરાબ અસર થાય એવા પ્રયત્નો બંને પક્ષે રહેવા જોઇએ. બાળકની જિંદગી મા કે બાપ બેમાંથી એક અથવા તો બંને જ ખરાબ કરી નાખતા હોય છે. બાળક બધું સમજતું હોય છે. નાનું હોય ત્યારે કદાચ એને ખબર ન પડે. મોટું થાય પછી એ બધું પોતાની રીતે જજ કરે છે. એને જ નક્કી કરવા દો કે કોણ કેવું છે? બાળકના ઉછેરમાં સાથે હોઇએ એના કરતા જુદા પડીએ ત્યારે વધુ મેચ્યોરિટીની જરૂર પડતી હોય છે. બાળકની હાલત સેન્ડવીચ જેવી ત્યારે જ થાય છે જ્યારે એની હાલત એવી કરવામાં આવે. જુદા પડેલા માતા પિતા બાળકના મનમાં પોતાના પૂર્વગ્રહો ન રોપે! કાશ આટલી સમજ જુદા પડનારા દરેક પતિ પત્નીમાં હોત તો ઘણા બાળકોની જિંદગી ખરાબ થઇ ન હોત! આવું જ ચાલ્યું તો અદાલતે ડિવોર્સના કિસ્સાઓમાં જો બાળક હોય તો ચાઇલ્ડ સાઇકોલોજી સમજવાનો પણ આદેશ આપવો પડશે! ચાઇલ્ડ સાયકોલોજીની સમજ સાથે માણસે પોતાની માનસિકતા પર પણ વિચાક કરવાનો રહે છે!
હા, એવું છે!
આપણે ત્યાં ડિવોર્સના કેસો વધી રહ્યા છે એવું ભલે લાગતું હોય પણ આંકડાઓ એવું કહે છે કે, ભારતમાં ડિવોર્સ રેટ એક ટકો જ છે. મતલબ કે, સો લગ્નમાંથી માત્ર એકમાં જ છૂટાછેડા થાય છે. અમેરિકામાં આ રેશિયો પચાસ ટકાનો છે, અડધોઅડધ મેરેજ ડિવોર્સમાં પરિણમે છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 16 માર્ચ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com