માણસની માનસિકતા
છતી કરી દે છે
સ્ટેટસ અને ટેટુ
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
આપણું સોશિયલ મિડીયાનું સ્ટેટસ આપણે અત્યારે કેવા સમયમાંથી પસાર થઇ રહ્યા છે એ જાહેર કરી દે છે
સ્ટેટસ બદલાવી શકાય છે પણ ટેટુ કાયમી છે.
સર્જરીથી ટેટુ કઢાવનારાઓની સંખ્યા પણ સતત વધતી જાય છે
પેમાણસ ડિપ્રેશનમાં સરી જાય એ પહેલા એ સ્ટેટસ અથવા તો કોઇને કોઇ રીતે સંકેત આપી દેતો હોય છે
———-
આપણી અંદર જે કંઇ ચાલતું હોય છે એ કોઇને કોઇ રીતે બહાર આવતું જ હોય છે. પ્રેમ હજુયે થોડો ઘણો છૂપો રહી શકે પણ આક્રોશ, ઉશ્કેરાટ, ઉદાસી, અજંપો અને નારાજગી કોઇને કોઇ રીતે બહાર આવી જ જાય છે. આપણો ચહરો, આપણું વર્તન, આપણા શબ્દો અને આપણી વાતો આપણી અંદરનો વલોપાત પ્રગટ કરી દે છે. હવે તો મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે માણસનો મૂડ અને માનસિકતા તરત જ ચાડી વર્તાઇ આવે છે. આપણે આપણા સ્ટેટસમાં જે કંઇ લખીએ છીએ એ આપણી અંદર ક્યાંકને ક્યાંક ધરબાયેલું હોય છે. મોબાઇલનો રિંગટોન પણ લાઇફ પ્રત્યેનો આપણો એટિટ્યૂડ છતો કરી દે છે. આપણે જે ટેટુ કરાવીએ છીએ એ પણ આપણી મેન્ટાલિટી જ રજૂ કરે છે. ટેટુમાં બે વસ્તુ હોય છે, કાં તો ચિત્ર હોય છે અને કાં તો શબ્દો હોય છે. શબ્દો તો પોતે જ બોલકા હોય છે, ચિત્રો પણ ઘણું બધું બયાન કરી દે છે. પતંગિયું મસ્તી પ્રગટ કરે છે અને હળવાશનો મેસેજ આપે છે. મેસેજિંગમાં તમે કયું ઇમોજી વારંવાર વાપરો છો એના પરથી પણ તમને જજ કરવા કોઇના માટે આસાન થઇ જાય છે. અલબત્ત, ઘણા લોકોને નાટક કરવાની ફાવટ હોય છે. ડબલ સ્ટાન્ડર્ડ અથવા તો ડ્યુઅલ પર્સનાલિટી ઘરાવતા લોકો સોશિયલ મીડિયામાં પણ પોતાનું બીજું, જુદું અથવા તો નકલી રૂપ આરામથી સર્જી શકતા હોય છે. આવો વર્ગ નાનો છે, બાકી તો માણસ જેવો હોય એવો તેના વાણી અને વર્તનથી ઓળખાઇ આવતો હોય છે.
તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, આપણે વોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયામાં સ્ટેટસ શા માટે લખીએ છીએ? આપણે શું માનીએ છીએ એ આખી દુનિયાને કહેવાની શું જરૂર છે? તેની પાછળની સાઇકોલોજી એવી છે કે, દરેકને પોતે શું છે, શું વિચારે છે, એ કહેવું ગમે છે. પોતે સુંદર હોય કે સમજુ હોય તો પણ પોતાની ખૂબી કે આવડત બધાને કહેવી હોય છે. પોતે ખુશ ન હોય તો પણ જાણે પોતે જિંદગીથી ખુશ હોય એવું લખે છે. સોશિયલ મીડિયા પર આપણા એવા ઘણાં ફ્રેન્ડસ હોય છે જે રેગ્યુલર આપણા ટચમાં હોતા નથી, માત્ર સોશિયલ મીડિયાથી આપણા સંપર્કમાં રહે છે. એ લોકો આપણા સ્ટેટસ સાચા માની લે છે. આપણી જિંદગીથી એને બહુ કંઇ ફેર પણ પડતો હોતો નથી. દાખલા તરીકે કોઇ સેલિબ્રિટી છે એ પોતાનું સ્ટેટસ અપલોડ કરે છે, તેને આપણે સાચું માની લઇએ છીએ. મોટા ભાગે તો એ પોતાના પ્રચાર કરવા અને પોપ્યુલારિટી વધારવા માટે જ હોય છે. સેલિબ્રિટીઝ જે લખે છે એ સાચું જ છે અને જેવું લખે છે કે રજૂ કરે છે એવું જ જીવતા હોય એવું જરૂરી નથી. તેની સામે સામાન્ય માણસ સોશિયલ મીડિયામાં પોતાની ફિલિંગ્સ પ્રદર્શિત કરે છે.
સ્ટેટસ, ડિપ્રેશન અને સ્યુસાઇડ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે લોકો ડિપ્રેશનમાં સરી ગયા હતા અને જે લોકોએ સ્યૂસાઇડ કર્યું હતું કે સ્યૂસાઇડને પ્રયાસ કર્યો હતો એ લોકોએ કેવા કેવા સ્ટેટસ અપલોડ કર્યા હતા તેના પર સંશોધન હાથ ધરાયું હતું. ડિપ્રેશનમાં સરી ગયેલા લોકોએ એ મતલબના સ્ટેટસ મૂક્યા હતા કે, દુનિયામાં કોઇ કોઇનું નથી, બધા સ્વાર્થના સગા છે. કોઇએ કોઇના ક્વોટ કે યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યાં હૈ જેવા ગીતની પંક્તિઓ મૂકીને પણ પોતાની વ્યથા કે કથા રજૂ કરી હતી. બધાના સ્ટેટસમાં એક ફ્લો હતો જે સાબિત કરતો હતો કે, આ માણસ ધીમે ધીમે હતાશા તરફ ઢસડાઇ રહ્યો છે. આ અભ્યાસ બાદ સાયકોલોજિસ્ટ્સે એવું કહ્યું હતું કે, જે લોકો તમારા નિઅર અને ડિઅર છે તેના સોશિયલ સ્ટેટસ પર નજર રાખો. જો એમાં જરાયે પરિવર્તન લાગે તો તરત જ સચેત થઇ જાવ. મુંબઇનો એક સાચો કિસ્સો છે. એક છોકરી પ્રેમમાં હતી. તેના પ્રેમીએ તેની સાથે દગો કર્યો. એ છોકરી તેનાથી ભાંગી પડી હતી. તે સોશિયલ મીડિયા પર એકલતા અને સ્વાર્થી સંબંધો વિશે જાતજાતની વાતો લખતી હતી. તેની એક ફ્રેન્ડ આ વાંચતી હતી. તેને વિચાર આવ્યો કે, આ કેમ આજકાલ આવું ચિત્ર-વિચિત્ર લખી રહી છે? તેણે તેનો સંપર્ક કર્યો અને સંભાળ લેવાની શરૂ કરી. તેને માનસિક સારવાર પણ કરાવી. સાયકોલોજિસ્ટે એવું કહ્યું કે, તમે જો આને રાઇટ ટાઇમે સાચવી ન લીધી હોત તો એ ન ભરવા જેવું કોઇ પગલું ભરી બેસત. તમે તમારા સ્વજન લખે છે એના પર ક્યારેય વિચાર કરો છો ખરાં? કોઇના સ્ટેટ્સમાં જરાયે ફેરફાર થાય તો સાવધાન થઇ જજો! સિગ્નલ્સને સમજજો.
મૂડ મુજબ સ્ટેટસ બદલતા હોય છે. તમને જો આ વાતનું ઉદાહરણ જોઇતું હોય તો તમારા જ છેલ્લા થોડાક વર્ષોના સ્ટેટસ જોઇ જજો અને એ કેવી માનસિતામાં લખ્યું હતું એ પણ વિચારી જોજો. સ્ટેટસ તો બદલાવી શકાય છે પણ ટેટુ એક વખત કરાવ્યા પછી કાઢવું અશક્ય નથી પણ મુશ્કેલ તો છે જ. સર્જરી કરાવીને ટેટુ કઢાવવું પડે છે. પોતાના પ્રેમી કે પ્રેમિકાના નામનું ટેટુ કરાવ્યા બાદ બ્રેકઅપ કે ડિવાર્સ થાય એ પછી ટેટુ હટાવનારાઓની સંખ્યા વધતી જાય છે.
સોશિયલ મીડિયાના નિષ્ણાતો અને સાયકોલોજિસ્ટ એવું કહે છે કે, તમે જે કંઇ લખો એ સમજી વિચારીને લખો. દરેક માણસની બે જિંદગી હોય છે, એક ખાનગી અને એક જાહેર. તમારા સ્ટેટસ પર નજર રાખનારા લોકોની કમી નથી. આપણે જે વાતો કે ફોટોગ્રાફ્સ મૂકીએ છીએ તેનાથી આપણી આદત અને દાનત આસાનીથી પરખાઇ જાય છે. જે લોકો કોઇને ટ્રેપમાં લેવાના ધંધા કરે છે એ સૌથી પહેલા સોશિયલ મીડિયા દ્વારા તેની હરકતો, પસંદ, નાપસંદ ચેક કરી લે છે. કોણ ક્યારે ક્યાં જાય છે અને શું કરે છે એની પણ તપાસ કરી લે છે અને પછી જાળ બિછાવે છે.
સરવાળે વાત એ છે કે, સોશિયલ મીડિયા પર જે કંઇ કરો એ સમજી વિચારીને કરો. આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે, શું ફેર પડે છે? ફેર પડતો હોય છે. કોઇ મૂંઝારો થતો હોય તો અંગત લોકો સાથે વાત કરો. જે તમારા વિશ્વાસુ છે એના પર ભરોસો કરો. અલબત્ત, તમારી વ્યક્તિનું સ્ટેટસ જરાયે શંકાસ્પદ લાગે તો તેની સંભાળ લો. જિંદગીમાં અપ ડાઉન્સ આવતા રહે છે. કોઇ સંકટ, કોઇ સમસ્યા, કોઇ મુશ્કેલી કે કોઇ મૂંઝવણ એવી હોતી નથી જેનો ઉકેલ ન હોય કે અંત ન હોય, જિંદગીને સમજો અને લાઇફને એન્જોય કરો. બસ, થોડાક સાવચેત રહો કે તમારી માસૂમિયતનો કોઇ ગેરફાયદો ઉઠાવી ન જાય!
હા, એવું છે!
એક અભ્યાસ એવું કહે છે કે, ખોટું બોલતો માણસ ટૂંકા વાક્યો જ ઉચ્ચારે છે. સાચું બોલતો હોય એ લાંબા વાક્યો અને વિસ્તારથી વાત કરે છે. પેટમાં પાપ હોય તો એ પણ છતું થઇ જ જતું હોય છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 માર્ચ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com