કાયદાઓનું પાલન કરીએ એ જ
પ્રજાસત્તાક દિનની ખરી ઉજવણી
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
દરેક દેશ માટે બંધારણ જેટલું મહત્ત્વનું છે એટલું જ ઇમ્પોર્ટન્ટ એ છે કે,
દેશનો દરેક નાગરિક કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરે.
દેશ સારા નાગરિકોથી બને છે. કોઇ દેશ એમ જ મહાન થતો નથી. લોકો જ દેશને મહાન બનાવે છે.
દરેક નાગરિકે દિલ પર હાથ રાખીને એટલું વિચારવું જોઇએ કે,
હું દેશ પ્રત્યેની મારી જવાબદારી ખરા દિલથી નિભાવું છું કે નહીં?
———-
આજે 26મી જાન્યુઆરી. પ્રજાસત્તાક દિવસ. દેશના લોકો આજે પોતાના મોબાઇલમાં ત્રિરંગાનું પ્રોફાઇલ પિકચર મૂકશે. સોશિયલ મીડિયા પર દેશ પ્રેમના સ્ટેટસ અપલોડ કરશે. સારી વાત છે. મૂકવા જ જોઇએ. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા બોલવામાં પણ ગૌરવ અનુભવવું જોઇએ. કોઇપણ રીતે દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આવે એ યોગ્ય છે. આવું બધું કરવાની સાથે થોડીક ક્ષણો માબોઇલમાંથી મોઢું ઊંચું કરીને એ પણ વિચારી લેવાનું કે, હું દેશ પ્રત્યેની મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરું છું કે નહીં? આપણા દેશના બંધારણની ગણના વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાં થાય છે. એનું કારણ છે, બંધારણમાં આપવામાં આવેલા મૌલિક અધિકારો. અભિવ્યક્તિની આઝાદી એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. બંધારણની મહેરબાનીથી આપણે અનેક અધિકારો ભોગવીએ છીએ. આપણે ફરજો કેટલી નિભાવીએ છીએ? અધિકારો ભોગવવાનો ખરો અધિકાર એને જ છે જે પોતાની ફરજો ઇમાનદારીપૂર્વક નિભાવે છે.
આપણે કાયદાઓનું પાલન કરીએ છીએ પણ પોલીસના ડરથી! દેશમાં અત્યારે કોરોનાના કેસો વધી ગયા છે. કોરોનાનું આક્રમણ થયું ત્યારથી સરકાર ગળું ફાડી ફાડીને કહી રહી છે કે, માસ્ક પહેરો, સેનિટાઇઝેશનની દરકાર રાખો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. વેક્સિન આવી ગઇ એ પછી વારંવાર વિનંતીઓ કરવામાં આવે છે કે, વેક્સિન લઇ લો. આ બધું છેવટે કોના માટે છે? મારા માટે, તમારા માટે, આપણા સહુને માટે! આપણે બહાના શોધીએ છીએ. ચોક પર પોલીસ ઊભી જોઇએ પછી જ માસ્ક નાકે ચડાવીએ છીએ. હાલત બગડે ત્યારે સરકારને દોષ દઇએ છીએ. સિસ્ટમની ખામીઓ શોધીએ છીએ.
ચોકે ચોકમાં ટ્રાફિક સિગ્નલ્સ છે તો પણ પોલીસને ઊભી રાખવી પડે છે. પોલીસ ડંડો લઇને રોડની વચ્ચોવચ્ચ ઊભી રહે છે ત્યારે આપણે ગાડી રોકીએ છીએ. પોલીસ લાયસન્સ કે ગાડીના કાગળિયા માંગે તો બહાના કાઢીએ છીએ. ખોટું બોલીએ છીએ. ફસાઇ જવાનો ડર લાગે એટલે છૂટવા માટે પોલીસને લાંચ આપીએ છીએ અને પછી દેશમાં કરપ્શને માઝા મૂકી છે એવો આરોપ મૂકીએ છીએ. બીજા દેશોના ઉદાહરણો આપીએ છીએ. અમેરિકા અને બ્રિટનમાં તો મધરાતે લાલ લાઇટ હોય અને રોડ પર બીજું કોઇ ન હોય તો પણ માણસ પોતાની કાર કે બાઇક રોકી દે છે. આપણને આવું કરતા કોણ રોકે છે? જાણે કોઇ મોટું પરાક્રમ કર્યું હોય એમ કાયદાઓ તોડીને પોરસાઇએ છીએ. આપણો આત્મા જરાયે ડંખતો નથી. દેશ સાથે ખોટું કરીએ છીએ એવું જરાયે લાગતું નથી.
દુનિયામાં એવી ચર્ચાઓ સદીઓથી થતી આવી છે કે, કોઇ દેશ મહાન કેવી રીતે બને? સારા નેતાઓ દેશને મહાન બનાવે છે કે સારા નાગરિકો? નેતાઓ દૂધે ધોયેલા હોય તો પણ જો લોકો સારા ન હોય તો દેશનું કંઇ ભલું થવાનું નથી. નેતાઓ નબળા હોય તો પણ લોકોએ સમાજ ઉપર નજર નાખવી જોઇએ. એનું કારણ એ છે કે, નેતાઓ પણ આખરે તો આપણી વચ્ચેથી જ આવે છે. નેતાઓ, રાજકારણ અને સિસ્ટમને વગોવવાનું બહુ સરળ છે. આપણો દેશ વિવિધતામાં એકતાનો દેશ છે. કેટલી બધી ભાષા, કેટલી બધી સંસ્કૃતિ, કેટલી બધી પરંપરાઓ, કેટલા બધા પહેરવેશો અને કેટલી બધી વિચારસરણીઓ આપણા દેશમાં છે. વરાઇટિઝ જ આપણા દેશની ખરી બ્યૂટી છે. દેશને વગોવવાવાળા ભલે ગમે એવી વાતો કરે પણ સૌથી મોટું સત્ય એ છે કે, અનેક પડકારો વચ્ચે પણ આપણા દેશે પ્રગતિ કરી છે. આપણો દેશને સાપ અને મદારીઓનો દેશ કહેનારાઓની કમી નહોતી. ભારત આઝાદ થયું ત્યારે એવી આગાહીઓ કરવામાં આવી હતી કે, ભારત આઝાદી પચાવી શકવાનું નથી. ભારતે આઝાદી પચાવી છે, પરિપકવ કરી છે. દેશ આજે એ કક્ષાએ પહોંચ્યો છે કે, દુનિયા ભારતને ઇગ્નોર કરી ન શકે.
ભારતમાં ટટ્ટાર ઊભા રહેવાની ક્ષમતા હતી અને પોતાની તાકાત ભારતે સાબિત પણ કરી છે. ભારત આજે જે કક્ષાએ પહોંચ્યું છે તેનો ખરો યશ દેશના લોકોને જ જાય છે. ભારતને સારા નેતાઓ પણ મળ્યા છે. આપણા દેશે ભૂલો કરી છે અને એ ભૂલો સુધારી પણ છે. કાયદાઓ પણ બદલ્યા છે. કોઇ બંધારણ કાયમી હોતું નથી. સમયની સાથે બંધારણમાં પણ જરૂરી ફેરફારો થતા રહે છે. જૂના અને આઉટડેટેડ કાયદાઓ સ્ક્રેપ થયા છે. જે નથી બદલ્યા અને ક્યારેય નથી બદલવાના એ બંધારણમાં આપણને સહુને આપવામાં આવેલા મૂળભૂત અધિકારો છે. આ અધિકારો જ દેશની ઓળખ છે. એ ઓળખ જાળવવાની જવાબદારી છેલ્લે તો દેશના લોકોની જ છે.
તમે દેશના કાયદાઓ પાળો છો, તો તમે મહાન છો. આપણો દેશ યુવાનોનો દેશ છે. દુનિયાના કોઇ પણ દેશ કરતા આપણે ત્યાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આ યુવાનો જ દેશને સુપર પાવર બનાવશે. યુવાનોની ટીકા કરવાની પણ આજકાલ એક ફેશન ચાલી છે. યંગસ્ટર્સ મોબાઇલમાંથી નવરાં નથી પડતા, વેબ સિરીઝો જોયે રાખે છે, મન ફાવે એ રીતે જ એને જીવવું છે, મોટાઓની આમન્યા જાળવતા નથી, આ અને આવી જાતજાતની વાતો થતી રહે છે. હશે, થોડાક યંગસ્ટર્સ એવા હશે, તેની સાથોસાથ એવું યુવાધન પણ છે જેનામાં કંઇ કરી છૂટવાની ખેવના છે. એ યુવાનો ડિસિપ્લિનમાં માને છે. યુવાનોની કદર કરીએ અને એને પણ સારા નાગરિકો બનવાની પ્રેરણા આપીએ. આપણે આપણી નેકસ્ટ જનરેશનને જો કેળવી શકીએ તો એ પણ નાનું સૂનું કામ નથી. આજે પ્રજાસત્તાક દિને દિલ્હીમાં પરેડ નીકળશે. આપણા બધાની છાતી ગજ ગજ ફૂલશે. પ્રજાસત્તાક દિનની બાકીની ઉજવણીઓ તો સિમ્બોલિક છે, ખરી ઉજવણી એ છે કે આપણે સહુ કાયદાઓનું પાલન કરીએ. કાયદો નાનો હોય કે મોટો, સહેલો હોય કે અઘરો, દરેક કાયદાનું પાલન કરીએ. દેશ પ્રત્યે આપણી જે જવાબદારીઓ છે એને નિભાવીએ. દેશ પ્રેમ કોઇને બતાવવાની જરૂર નથી, આપણે વર્તન જ એવું કરીએ કે, એમાં દેશ પ્રેમ ઝળકે. કાયદાનું અપમાન કરતા હોય તેને અટકાવીએ. દેશ પ્રેમ એ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે બીજા બે-ચાર દિવસોએ જ બતાવવાની વસ્તુ નથી, દેશ પ્રેમ તો રોજે રોજ દેશ માટે જીવી બતાવવાની વસ્તુ છે. આવો, નિર્ણય કરીએ કે, હું દેશ માટે મારાથી બનતું બધું જ કરી છૂટીશ. પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.
હા, એવું છે!
દેશ પ્રેમની વાત આવે ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીનું પેલું વાક્ય યાદ આવ્યા વગર ન જ રહે. એ ન પૂછો કે દેશે તમારા માટે શું કર્યું, એ કહો કે તમે દેશ માટે શું કર્યું?
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 જાન્યુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com