કાર, હાઇવે, સફેદ પટ્ટા, સંમોહન અને એક્સિડન્ટ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કાર, હાઇવે, સફેદ પટ્ટા,

સંમોહન અને એક્સિડન્ટ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

દુનિયામાં કારના અકસ્માતો સતત વધી રહ્યા છે.

કારમાં સેફ્ટી ફિચર્સ વધી રહ્યા હોવા છતાં અકસ્માતો ઘટવાને બદલે વધી કેમ રહ્યા છે

એ સવાલ નિષ્ણાતોને મૂંઝવી રહ્યો છે.

કારના અકસ્માતો માટે કાર કરતા પણ રસ્તા વધુ જવાબદાર છે.

ખરાબ રસ્તા નહીં પણ સારા રોડના કારણે એક્સિડન્ટ્સ વધી રહ્યા છે.

સીધા સપાટ રોડ અને કારની સતત વધી રહેલી સ્પીડનું ડેડલી કોમ્બિનેશન લોકોના જીવ લઇ રહ્યું છે

ત્યારે કરવું શું એના પર સંશોધનો થઇ રહ્યા છે!

———-

દુનિયામાં સૌથી પહેલો કાર એક્સિડન્ટ આજથી 131 વર્ષ પહેલા 1891માં થયો હતો તેવું ઓટોમોબાઇલના ઇતિહાસમાં લખાયું છે. અમેરિકાના ઓહ્યો શહેરમાં જેમ્સ વિલિયમ લેમ્બર્ટ નામના વ્યક્તિ કાર લઇને જતા હતા ત્યારે કાર પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ ઘટનાના આઠ વર્ષ પછી તારીખ 14મી સપ્ટેમ્બર 1899ના રોજ અમેરિકામાં જ થયેલા કાર અકસ્માતમાં સૌથી પહેલી વખત હેનરી હેલ બ્લીસ નામની 69 વર્ષની વ્યક્તિનું મોત થયું હતું. આ બંને ઘટના બની ત્યારે આખા અમેરિકામાં આંગળીના વેઢે ગણી શકાય એટલી કાર હતી. ટ્રાફિક જેવું કંઇ હતું નહીં. રસ્તાઓમાં પણ ખાસ કંઇ દમ હતો નહીં. આ બંને ઘટનાઓને યાદ એટલા માટે કરી છે કે, પહેલા બે કાર અકસ્માત થયા ત્યારથી માંડીને આજ દિવસ સુધી કારથી થતા અકસ્માતો વિશે સતત રિસર્ચ ચાલતા રહે છે. ગજબની વાત એ છે કે, રિસર્ચ થતાં રહે છે, તેના પરથી કાર અકસ્માતો ઘટાડવાના સૂચનો પણ થતાં રહે છે, સૂચનો મુજબ પગલાંઓ પણ ભરવામાં આવે છે છતાં કારના એક્સિડન્ટસ તો સતત વધતા જ રહે છે!

માણસ જાતને પહેલેથી જ સ્પીડનો ક્રેઝ રહ્યો છે. કારની મેક્સિમમ સ્પીડમાં સતત વધારો થતો રહ્યો છે. એકસો એંસીથી બસોની સ્પીડવાળી કાર હવે કોમન થઇ ગઇ છે. ભાગ્યેજ કોઇ મેક્સિમમ સ્પીડે કાર હંકારી શકે છે. સ્પીડ લિમિટ કરતા અડધી ગતિએ પણ માંડ માંડ કાર દોડાવી શકાય છે. તેનું કારણ એ છે ટ્રાફિક અને રસ્તાઓ! ડાહ્યો માણસ રોડ ગમે એવો હોય તો પણ સ્પીડમાં કંટ્રોલ રાખે છે. આપણે ત્યાં તો કઇ બાજુથી કૂતરું કે બીજું કોઇ પ્રાણી આવી ચડે એ કહેવાય નહીં! આપણે ગમે એટલા એલર્ટ હોઇએ પણ સામેવાળાની નાનકડી ભૂલનો ભોગ બનતા વાર નથી લાગતી! રોજે રોજ અકસ્માતો થતાં રહે છે.

કાર બનાવતી કંપનીઓ એવા દાવાઓ કરતી રહે છે કે, અમારી કારના સેફ્ટી ફિચર્સ બેસ્ટ છે. એ વાતથી જરાય ઇનકાર ન થઇ શકે કે, કારનો એક્સિડન્ટ ન થાય અને થાય તો કારમાં સફર કરનારા લોકોને ઓછામાં ઓછી ઇન્જરી થાય એ માટે અનેક ઉપાયો અજમાવાયા છે. કાર જરાકેય અથડાય તો તરત જ એરબેગ ખુલી જાય છે અને ડ્રાયવર તથા સફર કરનારાઓ બચી જાય છે. જેટલી મોંઘી ગાડી એટલા સેફ્ટી ફિચર્સ વધારે. હવે તો એવી એવી ટેક્નોલોજી આવી ગઇ છે કે, કારના ચાલકને દરેક પ્રકારના જોખમ સામે એલર્ટ કરે. નાનકડો ખતરો હોય તો પણ બિપર વાગવા માંડે અને સતર્ક રહેવાના સિગ્નલ આપે. અલબત્ત, કાર સારી હોય એટલે એક્સિડન્ટ નહીં થાય તેવું માની લેવાનું પણ કોઇ કારણ નથી, તેનું કારણ એ છે કે, એક્સિડન્ટ ઘણા બધા કારણોસર થઇ શકે છે.

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે, ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો વધુ થાય છે. આખી દુનિયામાં એ પછી રસ્તાઓ સારા બનાવવા પર બહુ કામ કરવામાં આવ્યું. રોડને ચકાચક બનાવવા માટે ડામર, સિમેન્ટ સહિત અનેક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો. રોડ પર પીળા-ધોળા પટ્ટાથી માંડીને જાત જાતના બોર્ડ મૂકવામાં આવ્યા. પહેલા સાદા રોડ બન્યા, પછી હાઇવે બન્યા, એક્સપ્રેસ વે બન્યા, અકસ્માતો અને સમય બનાવવા માટે ઓવરબ્રિજો બન્યા અને બીજું ઘણું બધું થયું! આ બધું કર્યા પછી જે વાત બહાર આવી એ એવી હતી કે, ભંગાર અને જોખમી રસ્તાઓ કરતા મસ્ત મજાના અને અપ-ટુ-ડેટ રસ્તાઓ પર અકસ્માતો વધારે થાય છે! રાતના બારથી ચાર વાગ્યાની વચ્ચે સૌથી વધુ અકસ્માત થાય છે. આ સમય માણસના સુવાનો સમય છે. બોડી ક્લોક આ સમયે સ્લો થાય છે અને શરીર શિથિલ થાય છે. મોટા ભાગના કાર ચાલકોને ઝોકું આવી જાય છે અને કારનું સમતોલન ગુમાવે છે.

હાઇવે પર સફેદ પટ્ટા હોય છે. આ પટ્ટા વિશે એવું સંશોધન થયું છે કે, રાતના સમયે ચાલકનું ધ્યાન એ પટ્ટા પર જ રહે છે અને આ પટ્ટા એક તબક્કે માણસને સંમોહિત કરી દે છે. રોડનું પણ એક સંમોહન હોય છે. અત્યારે એના પર વિચાર થઇ રહ્યો છે કે, આ પટ્ટાનું શું કરવું? રોડ પર તેની આવશ્યકતા પણ છે. કાર ચાલકોને એવી સલાહ આપવામાં આવે છે કે રાતે બાર વાગ્યા પછી બને ત્યાં સુધી ડ્રાઇવિંગ એવોઇડ કરવું અને એ સમયે આરામ કરવો. જો રાતના સમયે નીકળવું પડે એમ જ હોય તો દિવસે પૂરતો આરામ કરી લેવો. સફર કરતા જિંદગી વધુ કિંમતી છે. રસ્તાઓ વિશે એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે, રસ્તાઓ સાવ સીધા ન બનાવો, થોડાંક વળાંક વાળા રસ્તાઓ હોય તો ડ્રાયવરનું ધ્યાન ભંગ થાય છે, એને વધુ એલર્ટ રહેવું પડે છે અને તેના હિસાબે ડ્રાઇવરનું માઇન્ડ સચેત રહે છે. સ્પીડને ઓછી રાખવાનું તો કહેવામાં આવે જ છે. સ્પીડ એટલી જ રાખો કે ઇમરજન્સીમાં કાર કંટ્રોલ થઇ શકે.

આપણા દેશમાં એક પ્રોબ્લેમ એ પણ છે કે, કારને રેગ્યુલરલી સર્વિસ કરવામાં આવતી નથી. કારનું પણ એક આયુષ્ય હોય છે. અમુક સમયે કારના કેટલાંક પાર્ટસ બદલતા રહેવા પડે છે. ટાયર ફાટે નહીં ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં જોખમ છે. વેધર પણ અકસ્માતોને બહુ મોટી અસર કરે છે. ચોમાસામાં વરસાદ દરમિયાન અથવા તો ધૂમ્મસ હોય ત્યારે કાર ચલાવવામાં વધુ ધ્યાન રાખવું જોઇએ. અત્યારે એક વધુ જોખમ ઉમેરાયું છે એ છે ડ્રાઇવિંગ વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ. લોકોને વારંવાર એવું કહેવામાં આવે છે કે, કાર ડ્રાઇવ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરો પણ લોકો સમજતા જ નથી. મોબાઇલની રિંગ વાગે એ સાથે જ ડ્રાઇવિંગ પરથી ધ્યાન હટે છે. હવે તો કારમાં જ એવી સિસ્ટમ આવે છે કે, તમે ફોન ઉપાડ્યા વગર સ્પીકરની મદદથી જ વાત કરી શકો. આ ફેસેલિટી હોવા છતાં લોકો મોબાઇલ હાથમાં લઇને વાત કરે છે અને અકસ્માતનો ભોગ બને છે. ડ્રાઇવિંગ વખતે સીડી ચેન્જ કરવામાં કે રેડિયોનું સ્ટેશન બદલવામાં પણ ખતરો છે. આ જોખમ ટાળવા માટે જ હવે સ્ટિયરિંગમાં મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ આપવામાં આવે છે. કારના ડેશબોર્ડ પર સ્ક્રીન પર તમે મૂવી જોઇ શકો છો. તેમાં પણ હવે એવું કરવામાં આવે છે કે, કાર બંધ હોય ત્યારે જ મૂવીની સીડી કે યુએસબી કામ કરે.

માણસનો પ્રોબ્લેમ એ હોય છે કે, એ જેમ જેમ વધુ ફેસેલિટી મળે એમ એમ વધુ જોખમો લે છે. દરેક કારની એક ક્ષમતા હોય છે. કારની કેપેસિટી મુજબ જ એનો ઉપયોગ થવો જોઇએ. અતિની કોઇ ગતિ નથી. કારની સાઇડમાં જાત જાતની ચેતવણીઓના બોર્ડ મારેલા હોય છે. આ રસ્તા પર મેક્સિમમ આટલી સ્પીડ રાખવાની છે એવું મોટા અક્ષરે લખ્યું હોવા છતાંયે લોકો ઝડપ ઘટાડતા નથી. મોટા ભાગના લોકો સૂચનાના બોર્ડને નજરઅંદાજ કરે છે. કાર દિવસેને દિવસે કોમન થતી જાય છે. હવે કાર લકઝરી રહી નથી. દરેક વર્ગ પોતાને પોષાય એ કિંમતની કાર ખરીદવા લાગ્યા છે. દરેકને એવું સપનું હોય જ છે કે, મારી પાસે એક સુંદર કાર હોય. એ સપનું પૂરું થાય પછી બીજા સપનાઓ ચકનાચૂર ન થઇ જાય એનું ધ્યાન બધાએ રાખવાનું હોય છે. કાર અને રોડ વિશે સંશોધનો કરવાવાળા કરતા રહેશે અને જરૂરી સુધારાઓ પણ થતાં રહેશે, છેલ્લે ધ્યાન તો લોકોએ જ રાખવાનું છે કારણ કે, જિંદગી આપણી છે. કાર ડ્રાઇવની મજા લો પણ એ સજા ન બની જાય એની પણ તકેદારી રાખો એ જરૂરી છે.  

હા, એવું છે!

અમેરિકામાં દર પચાસ મિનિટે એક વ્યક્તિનું મોત દારૂ પીને ડ્રાઇવ કરવાના કારણે થાય છે. એ હિસાબે દરરોજ 27 લોકો ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ભોગ બને છે. દારૂ પીને ડ્રાઇવ કરનારમાં 16થી 24 વર્ષના યંગસ્ટર્સની સંખ્યા સૌથી વધુ એટલે કે લગભગ 37.8 ટકા છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 જાન્યુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *