તું મારી લાઇફમાં વધુ
પડતી દખલ ન કર
-કૃષ્ણકાંત ઉનડકટ
મહેબૂબ કા ઘર હો કિ બુઝુર્ગો કી જમીનેં,
જો છોડ દિયા ફિર ઉસે મુડ કર નહીં દેખા,
યારોં કી મોહબ્બત કા યકીં કર લિયા મૈં ને,
ફૂલોં મેં છુપાયા હુઆ ખંજર નહીં દેખા.
-બશીર બદ્ર
આપણે આપણી લાઇફમાં ઘણા બધા લોકો સાથે જોડાયેલા હોઇએ છીએ. અમુક લોકો સાથે એટેચ્ડ હોઇએ છીએ, અમુક લોકો સાથે કનેકટેડ હોઇએ છીએ. દરેક સંબંધ એક ચોક્કસ અંતર સાથે જીવાતા હોય છે. કોઇ ખૂબ નજીક હોય છે, તો કોઇ ઘણા દૂર હોય છે. સમયે સમયે એમાં પણ બદલાવ આવતા રહે છે. નજીક હોય એ દૂર ચાલ્યા જાય છે અને દૂર હોય એ નજીક આવી જાય છે. કોની સાથે ક્યારે નાતો બંધાઇ જાય, ક્યારે નાતો છૂટી જાય, એ નક્કી હોતું નથી. અનુભવોના આધારે સંબંધ આગળ પાછળ અને ઉપર નીચે થતા રહે છે. કેટલાંક સંબંધો જીવતા હોય છે, કેટલાંક સંબંધો સ્થગિત હોય છે, કેટલાંક સુષુપ્ત હોય છે, કેટલાંક મૃત હોય છે, તો કેટલાંક ધૃત હોય છે. કેટલાંક સંબંધો ચોક્કસ જગ્યાએ જીવાતા હોય છે. ઘણા લોકો આપણેને એવું કહે છે કે, આઇ એમ ધેર ફોર યુ. મને એક અવાજ દેજે, હું હાજર થઇ જઇશ. એવા લોકો જરૂર પડ્યે આવી પણ જતાં હોય છે. એવા સંબંધો એક કક્ષાએ જીવાતા હોય છે. સાચા સંબંધોમાં તો અવાજ દેવાની પણ જરૂર નથી પડતી. એવું કહેવાની જરૂરેય નથી રહેતી કે, આઇ એમ ધેર, એ તો હાજરાહજૂર હોય છે. સાદ દેવો ન પડે અને જે હંમેશાં મોજુદ હોય એવા લોકો આપણી જિંદગીમાં ગણ્યા ગાંઠ્યા જ હોય છે. આપણને એનાથી જ ફેર પડતો હોય છે. એને પણ આપણાથી ફેર પડે છે. એક જોડાણ હોય છે, એક લગાવ હોય છે, એક વેવલેન્થ હોય છે. શ્વાસની ગતિ વધે તો પણ એને ખબર પડી જાય છે. ચહેરાની એકાદ લકીર બદલે તો પણ સમજી જાય છે. એ પૂછે છે, શું થયું? કેમ મજામાં નથી? તેને સાચી વાત કહેવામાં પણ કોઇ સંકોચ થતો નથી. એવા થોડાક કિનારો હોય છે જે આપણને તણાવવા દેતા નથી, એવા કેટલાંક આધાર હોય છે જે આપણને નિરાધાર થવા દેતા નથી. આપણે એના પર તો ટકી રહેતા હોઇએ છીએ. જિંદગીમાં બે-ચાર આવા લોકો હોય તો બહુ થયું. આપણી આસપાસ જે ટોળું હોય છે એમાંથી ખરેખર કોણ આપણું હોય છે? કોના પર તમે આંખો મીંચીને ટ્રસ્ટ મૂકી શકો છો? કોની સાથે તમારે ચહેરાના ભાવ છુપાવવા નથી પડતા?
આપણે જિંદગીમાં બધાને બધી પરવાનગી આપતા નથી. કોને દિલ સુધી આવવા દેવા, કોને દિમાગ સુધી રાખવા, કોને નજર સામે રાખવા અને કોને દેખાય નહીં એટલા દૂર રાખવા એ આપણે નક્કી કરી લેતા હોઇએ છીએ. ક્યારેક કોઇકને થોડીક છૂટ આપી હોય તો એ વધુ પડતી છૂટ લેવા માંડતા હોય છે. એવા સંજોગોમાં એને કહેવું પડે છે કે, રૂક જાવ. દરેક સંબંધની એક મર્યાદા હોય છે. એ મર્યાદાનું સન્માન જળવાવું જોઇએ. બે મિત્રો હતા. એક મિત્રના પિતા ખૂબ જ ધનાઢ્ય હતા. તેના મિત્રએ કહ્યું કે, તારા પિતા પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં તને તો વાપરવા માટે ખાસ કંઇ આપતા જ નથી. તારો ભાઇ બાપના પૈસે જલસા કરે છે. તારે હવે તારો ભાગ માંગી લેવો જોઇએ. મિત્રએ કહ્યું કે, મારે શું કરવું જોઇએ એ પ્લીઝ તું મને ન કહે. દરેક બાબતમાં ચંચૂપાત સારો ન કહેવાય. મારા પિતાએ તેની સંપત્તિ કોને કેટલી આપવી એ એમણે નક્કી કરવાનું છે. હું તો એવું વિચારું છું કે, હું મારી મહેનતે આગળ આવું. મારા પિતા જેટલી નામના અને સંપત્તિ કમાવ. પિતા જે કરતા હશે એ એની રીતે યોગ્ય હશે. એણે શું કરવું જોઇએ એમાં હું દખલ કરતો નથી. તું મારે શું કરવું એમાં દખલ ન કર.
મિત્રો અને સ્વજનોની સારી વાત ધ્યાનમાં લેવી જોઇએ. વાત ધ્યાનમાં લેતા પહેલા માત્ર એટલું જ નક્કી કરવાનુ હોય છે કે, એ વાત સારી અને સાચી તો છેને? વાત સાંભળવી અને વાત માનવી એમાં બહુ મોટો ફર્ક છે. આપણે જો ધ્યાન ન રાખીએ તો આપણા વિચારોનો દોર પણ કોઇ પોતાના હાથમાં લઇ લે છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિને હંમેશા એવું થતું કે, પત્નીની બહેનપણી તેને ચડાવે છે. એક વખત ફરવા જવાની વાત હતી. પતિએ પત્નીને પૂછ્યું, ક્યાં ફરવા જશું? પત્નીએ કહ્યું, આપણને પરવડે ત્યાં! પતિએ મજાકમાં કહ્યું, કેમ તારી બહેનપણીએ કંઇ કહ્યું નથી? પત્નીએ કહ્યું, કાલે જ તેની સાથે ફરવા જવાની વાત નીકળી હતી. તે કહેતી હતી કે, તું તો ફોરેન ફરવા ગઇ જ નથી. તારા વરને કહે કે આ વખતે વિદેશ જ જવું છે. પતિએ સવાલ કર્યો, તો તેં કેમ મને ન કહ્યું? પત્નીએ કહ્યું, મને ખબર છે આપણને અત્યારે વિદેશ જવાનું પોસાય એમ નથી. કોઇ ભલે ચડાવવાનો પ્રયાસ કરે, કેટલું ચડવું એ તો આપણે નક્કી કરવાનું હોય છે. આમ પણ ફરવા ક્યાં જઇએ છીએ એના કરતા જ્યાં પણ જઇએ છીએ ત્યાં કેટલું એન્જોય કરીએ છીએ એ મહત્ત્વનું છે.
દુનિયામાં ચડાવવાવાળા અને પછાડવાવાળા લોકોની કમી નથી. અમુક લોકોમાં તો પાણાઓને બધાવી દેવાની આવડત હોય છે. કુદરતે આપણને વિચારવાની શક્તિ આપેલી છે. આપણું સારું નરસું આપણાથી વધારે કોઇ વિચારી ન શકે. આપણે આપણા વિચારોને એ કક્ષા આપવી જોઇએ. કોઇને ત્યારે જ પૂછવું જોઇએ જ્યારે પોતાને અવઢવ હોય, મૂંઝવણ હોય, રસ્તો ન સૂઝતો હોય. દરેક બાબતમાં કોઇને પૂછી પૂછીને કરવા જઇએ તો આપણે આપણા રસ્તે નહીં પણ એના રસ્તે જતા હોઇએ છીએ. પૂછવામાં પણ એ ધ્યાન રાખવું પડતું હોય છે કે, આપણે કોને પૂછીએ છીએ? જેને પૂછીએ છીએ એ લાયક તો છેને? કોને પૂછીએ છીએ એના પરથી આપણી કક્ષા પણ નક્કી થતી હોય છે. સલાહ શાણાની લેવાય, મૂરખની લઇએ તો ભટકી જ જવાય.
આપણે પણ એ વાતની તકેદારી રાખવી જોઇએ કે, આપણી નજીકના લોકોની જિંદગીમાં કેટલો ચંચૂપાત કરવો? પોતાના હોય એની પાછળ ફરતા રહેવું પણ વાજબી હોતું નથી. આપણને લાગણી હોય એ બરાબર છે પણ આપણી વધુ પડતી ચિંતા આપણી જ વ્યક્તિની ઉડાનને મર્યાદિત કરી નાખતી હોય છે. એક યુવાન ફોરેન ભણવા જતો હતો. તેના પિતાએ તેને કહ્યું કે, અટકે ત્યાં કહેજે, ભટકે નહીં એનું ધ્યાન રાખજે. તારા નિર્ણયો તું જ લેજે. અમે તો છીએ જ, તારા માટે સદાયે હાજર જ હોઇશું. તું તારી રીતે જીવજે, અમારી રીતે નહીં. કદાચ તારી જીવવાની રીત મારા કરતા સારી પણ હોય!
આપણને ઘણી વખત આપણા લોકોને ઓવર પ્રોટેક્ટ કે ઓવર પેમ્પર કરતા હોઇએ છીએ. આપણે તેની ક્ષમતાને ઓછી આંકી લેતા હોઇએ છીએ. આપણને આપણા વિશે એવો જ ખયાલ હોય છે કે, આપણને જે રસ્તાઓ સૂઝે છે એ જ સાચા છે. એવું હોતું નથી. આપણાથી નાના હોય એના વિચારો, નિર્ણયો અને એની પસંદ – નાપસંદ આપણાથી સારી અને ઉમદા હોય શકે છે. આપણે બીજાની જિંદગીમાં કારણ વગરનો અને ક્યારેક વધુ પડતો રસ લઇએ છીએ. આપણે મેન્ટર બની જવું હોય છે. દીવાદાંડી હોય એ રસ્તો બતાવી દે પછી ભેગી ભેગી જતી નથી. માણસની ભૂમિકા સિગ્નલ જેવી હોવી જોઇએ. દીશા ચિંધી દેવાની. હાથ પકડીને દોરી જવાની કંઇ જરૂર નથી. આપણી લાઇફમાં પણ કોઇ એન્ક્રોચમેન્ટ ન કરી જાય એની તકેદારી રાખવી પડતી હોય છે. માણસનો સ્વભાવ કબજાખોર હોય છે અને કમજોરને એ સૌથી પહેલું નિશાન બનાવે છે. તમે જ તમારા માર્ગદર્શક, મદદગાર અને મેન્ટર બનો. તમે જ તમારા જજ બનો. તમે જ તમારા નિર્ણયો કરો, કારણ કે તમારા જેટલું તમને કોઇ ઓળખતું નથી, ઓળખી શકવાનું પણ નથી!
છેલ્લો સીન :
જ્યાં ભૂલો કરવાની આઝાદી હોય છે ત્યાં સ્વતંત્રતા સાચા અર્થમાં જીવાતી હોય છે. -કેયુ
(‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 05 ડિસેમ્બર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Everytime i got something new from your blogg…perfect words for every explanation….alwayd impressive…😇👌👌👌👍👍
Thanks. 🙂