હવે એને મારી ક્યાં કંઇ જરૂર છે? – કૃષ્ણકાંત ઉનડકટ

હવે એને મારી

ક્યાં કંઇ જરૂર છે?

-કૃષ્ણકાંત ઉનડકટ

મૈં ને તો ખેલ ખેલ મેં તોડા થા ઉસ કા દિલ,

ફિર સારી ઉમ્ર ઉસ કો મનાના પડા મુઝે,

‘ફૈસલ’ વો સારે લોગ થે બહરે ઇસી લિએ,

ખામોશ રહ કે શોર મચાના પડા મુઝે.

-ફૈસલ ઇમ્તિયાઝ ખાન

સાચો સંબંધ એ છે જેમાં કોઇ બંધન નથી. મુક્ત સંબંધ જ બંધાયેલો રહે છે. જે સંબંધને ધરાર બાંધી રાખવાનો પ્રયાસ થાય છે એ વહેલો કે મોડો તૂટે છે. કોઇ સંબંધ ક્યારેય એક સરખો રહેતો નથી. મોસમ બદલે એમ સંબંધ પણ બદલતા રહે છે. વસંતમાં તો બધું ખીલેલું જ હોય છે. સાચા સંબંધો પાનખરમાં વર્તાય છે. ઓટમાં પરખાય છે. કોઇ નથી હોતું ત્યારે કોણ સાથે હોય છે એ મહત્ત્વનું હોય છે. આપણા બધાની જિંદગીમાં બે-ચાર તો એવો લોકો હોય જ છે જે કોઇપણ સંજોગોમાં આપણી સાથે જ હોય છે. એને આપણા સ્ટેટસ, આપણી ઔકાત, આપણી પહોંચ કે આપણા હોદ્દાથી કોઇ ફર્ક નથી પડતો. એને માત્રને માત્ર આપણા હોવાથી ફેર પડે છે. એ ક્યારેય ગેરહાજર નથી હોતા. એને અવાજ પણ નથી આપવો પડતો. એનો હોંકારો હંમેશા મોજુદ હોય છે. એ ક્યારેય ભૂલ પણ નથી કરતા. હા, આપણે ઘણી વખત એને ઓળખવામાં ભૂલ કરી બેસીએ છીએ. આપણને એ ખબર હોવી જોઇએ કે, કયા સંબંધો પાર્ટ ટાઇમ છે અને ક્યા સંબંધો પરમેનન્ટ છે.

જે સંબંધો તૂટે, જે હાથ છૂટે એનો અફસોસ કરવો જોઇએ નહીં, કારણ કે અમુક સંબંધો તૂટવા માટે જ સર્જાતા હોય છે. હવાની સાથે સઢ બદલવાની ફિતરત ઘણા માણસોની પણ હોય છે. જે બદલવાના નથી એ હંમેશા હોય એવા જ રહે છે. એક યુવાનની વાત છે. નાનકડાં ગામમાંથી એ ભણવા શહેરમાં ગયો. સારું ભણ્યો. વિદેશ ગયો. નામના અને નાણાં બંને કમાયો. વર્ષો પછી એના ગામ આવ્યો. ગામના લોકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું. બધું પત્યું એટલે એ પોતાના જૂના મિત્રને મળવા એની વાડીએ ગયો. મિત્ર ખેતરમાં કામ કરતો હતો. એનો જોતાં જ એને વળગી ગયો. ગામડાંના મિત્રએ કહ્યું કે, મને તો એમ હતું કે તું મને ભૂલી ગયો હોઇશ. ગામના મોટા માથા તારા આગમનને વધાવવા થનગનતા હતા. મિત્રએ કહ્યું, હા પણ એ બધા એવા માથા છે જે સમય મુજબ નાના કે મોટા થતા રહે છે. મોટા માથાઓ પણ તમારું માથું કેવડું છે એ જોઇને તમને આવકારતા કે ધૂત્કારતા હોય છે. માથાના માપ વગરના પણ અમુક સંબંધ હોય છે. તારી સાથે આ વાડીમાં મસ્તી કરી છે. આપણા પાસે કંઇ નહોતું ત્યારે એ બધા લોકો આપણી સામે પણ નહોતા જોતા. અત્યારે જે છે એ ચાલ્યું જાય તો બધા મોઢું ફેરવી લેવાના છે એની પણ મને ખબર છે. એક તું તો છે જેનામાં કોઇ ફેર પડવાનો નથી. તારી સાથે રોટલાનો ટૂકડો વહેંચીને ખાધો છે. તારા હાથમાંથી છાશ છીનવી છે. તારી સાથે નદીમાં નાહતો હતો એ યાદ આવે ત્યારે હજુયે ભીનાશ અનુભવાય છે. થોડીક એવી જિંદગી જ તો તારી સાથે જીવવા માટે આવ્યો છું. મારે તો કોઇને ખબર પણ પડવા દેવી નહોતી. કોણ જાણે ક્યાંથી બધાને ખબર પડી ગઇ? કેવું છે, ક્યારેક કોઇ ખબર પૂછતું નથી અને ખબર પડવા દેવી ન હોય ત્યારે ગમે ત્યાંથી એને આપણી બધી ખબર પડી જાય છે. સાચા ખબરઅંતર એ જ પૂછે છે જેની સાથે કોઇ અંતર નથી.

જે સંબંધો છૂટે છે એ પણ જ્યારે જીવાયા હોય છે ત્યારે સજીવન જ હોય છે. એનું આયુષ્ય ટૂંકું હોય છે પણ એણેય થોડોક તો થોડાક સમય માટે પણ આપણને જીવતા રાખ્યા હોય છે. એક કપલની આ વાત છે. પૈસેટકે બંને બહુ સુખી. મિત્રોને બોલાવીને પાર્ટીઓ કરવાનો તેને બહુ શોખ. સમયે સમયે એના ઘરે પાર્ટી હોય જ. બધા મિત્રો આવી જાય અને ખૂબ ધમાલ મસ્તી કરે. સમય બદલાયો. કપલનો ધંધો મંદ પડી ગયો. નાણાંની તંગી વર્તાવા લાગી. કપલે પાર્ટીઓ બંધ કરી. મિત્રો હવે આવતા નહોતા. પતિએ કહ્યું કે, મોજ મજા કરવા નથી મળતી એટલે હવે તો કોઇ ફરકતા પણ નથી. હવે સ્થિતિ સુધરે ત્યારે કોઇને બોલાવવા નથી. પત્નીએ કહ્યું, અરે એવું કેમ બોલે છે? તું એ બધાને એની મજા માટે બોલાવતો હતો કે આપણી મજા માટે? આપણને મજા આવતી હતી એટલે એને મજા કરવા બોલાવતા હતાને? એ બધા તો હવે એને મજા આવતી હશે અથવા તો જે મજા કરાવતા હશે ત્યાં જવા લાગ્યા હશે. એવું જ હોય. કોણ શું કરે છે એ નહીં, આપણે શું કરવું છે એ જ વિચાર. આપણી સ્થિતિ સુધરશે એટલે આપણે ફરીથી બધાને બોલાવીશું, મજા કરીશું અને મજા કરાવીશું. એ બધા હતા ત્યારે એણે પણ આપણી મજા બેવડાવી છે. સારું યાદ રાખ. સંબંધો દૂર થવાની ચિંતા કરવાની ન હોય. દુનિયાની કેટલીક રીત હોય છે, એને સમજવી અને સ્વીકારવી પડતી હોય છે, સમજી લઇશ તો કોઇ અફસોસ નહીં થાય.

એક કપલની વાત છે. તે એક સંબંધીના છોકરાને બધી મદદ કરતા હતા. છોકરાને ભણાવ્યો. બધી જરૂરિયાતો પૂરી કરી. છોકરાને સારી જોબ મળી. એ બિઝી થઇ ગયો. આવવાનું ઓછું થઇ ગયું. પત્નીએ એક વખત પતિને કહ્યું કે, હવે એને ક્યાં આપણી કંઇ જરૂર છે? પતિએ કહ્યું કે, સારી વાત છેને? આપણે એ જ તો ઇચ્છતા હતા કે, એ પગભર થઇ જાય. પોતાની દુનિયામાં મસ્ત થઇ જાય. એ થઇ ગયો. આપણી ઇચ્છા પૂરી થઇ. બીજું જોઇએ છે શું? બીજા એક વડીલની આ વાત છે. એક વખત એક સંબંધીનો છોકરો કામ માટે આવ્યો. વડીલે કામ કરી આપ્યું. છોકરાએ કહ્યું, તમને એમ થતું હશેને કે કામ હોય ત્યારે જ હું આવું છું? વડીલે કહ્યું કે, ના જરાયે એવું નથી થતું. ઉલટું એવું થાય છે કે, તેને એટલી ખબર છે કે અહીં જઇશ એટલે મારું કામ થઇ જશે. હું તો તને કહું છું કે, કામ હોય ત્યારે જ આવજે. ખોટું સારું લગાડવા ન આવતો. તું દિલથી નજીક છે અને કાયમ રહેવાનો જ છે. ઘણા લોકો તો સારું લગાડવામાંથી નવરા પડતા નથી. મને તો એવો લોકો બહુ ગમે છે જે કામ હોય ત્યારે જ ડિસ્ટર્બ કરે છે.

સંબંધોમાં જે નજીક હોય એ ક્યારેક નજીક રહેતા નથી. કેટલાંક સંબંધો ધીમે ધીમે દેખાતા બંધ થઇ જાય એટલા દૂર થઇ જાય છે. કેટલાંક સંબંધો દૂર ગયા પછી પણ નજીક હોય છે. સંબંધો આઘા-પાછા થવાના જ છે, એનાથી દુ:ખી થવું ન જોઇએ. દુ:ખી થશો તો પણ તમારે એકલાયે જ દુ:ખી થવાનું રહેશે. સંબંધોના કેટલાંક સત્યો હોય છે. એમાંનું એક સત્ય એ પણ છે કે, અમુક સંબંધો સ્વાર્થના જ હોવાના. સ્વાર્થ ખતમ, સંબંધ સમાપ્ત. આપણને એ પણ સમજ હોવી જોઇએ કે, આ સંબંધ સ્વાર્થનો છે અને એ વહેલો કે મોડો ખતમ થવાનો જ છે. લોહીના સંબંધો પણ જો પાતળા પડી જતાં હોય તો પછી બીજા સંબંધોની તો વાત જ ક્યાં કરવાની? સાચા સંબંધોનું સત્ત્વ સમજાય તો ઘણું છે. સંબંધો પાછળ ખોટું દોડતા રહે છે એ હાંફી જાય છે. સંબંધનો સમય પૂરો થાય એટલે એને પણ હસતે મોઢે વિદાય આપવી પડતી હોય છે. જે સંબંધો સાચા હશે એ કોઇ પણ જાતની મહેનત વગર જ સજીવન રહેવાના છે. એને સાચવી રાખો તો કોઇ ક્યારેય કોઇ અધૂરપ નહીં લાગે.

છેલ્લો સીન :

સંબંધને પણ સમયે સમયે ટકોરા મારતા રહેવા પડે છે. ટકોરા મારીને એ નક્કી કરવું પડે છે કે, એ બોદા છે કે સખત છે? સક્ષમને સાચવી રાખો, બોદા તો વહેલા મોડા જુદા થઇ જ જવાના છે!   -કેયુ

 (‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 14 નવેમ્બર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *