ઇન્ડિયન કાર કલ્ચર
તમારી ફેવરિટ કાર કઇ છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
એક સમયે કાર ધનવાન હોવાનું પ્રતીક હતી. હવે એવું નથી.
હવે માણસ પાસે કઇ કાર છે એના પરથી તેની કક્ષાનો અંદાજ બાંધવામાં આવે છે.
કાર માત્ર સફર કરવાનું વાહન નથી પણ વટ મારવાનું અને છાકા પાડવાનું સાધન છે.
કારની જબરજસ્ત ડિમાન્ડના કારણે દુનિયાભરની બેસ્ટ કંપનીઓની નજર ભારત પર મંડાયેલી છે.
ઘરની જેમ દરેકના મનમાં કારનું પણ એક સપનું હોય છે.
જેની પાસે કાર છે એ પણ વધુ સારી કાર ખરીદવાના સપનાં જોતા રહે છે.
———-
આપણા દેશમાં કાર કલ્ચર સોળે કળાએ ખિલ્યું છે. એક અંદાજ મુજબ દેશમાં અત્યારે કુલ 30 કરોડ જેટલી કાર છે. હજુ રોજે રોજ હજારો કાર ધડાધડ વેચાઇ રહી છે. એક સમય એવો હતો જ્યારે કાર એ ધનવાનોનું જ વાહન હતું. ગાડી એની પાસે જ હતી જેની પાસે બંગલો હોય. એવા લોકો વિશે કહેવાતું કે, એ તો ગાડી બંગલાવાળા છે. હવે વન રૂમ કિચનના ફ્લેટ ધરાવનારા લોકો પાસે પણ કાર છે. જેની પાસે કાર નથી એ એવા વેંતમાં જ હોય છે કે ક્યારે મેળ પડે અને ક્યારે કાર ખરીદું. જેની પાસે કાર છે એને પોતાની પાસે હોય એના કરતા વધુ સારી, મોટી અને મોંઘી કાર ખરીદવી છે. કાર હજુ સ્ટેટસ સિમ્બોલ છે પણ એ સ્ટેટસ કઇ કાર છે એના પરથી નક્કી થાય છે. આપણા રોડ ઉપર નજર નાખીએ તો દુનિયાની લગભગ તમામ બ્રાંડની કાર જોવા મળી રહે છે. અગાઉના સમયમાં મર્સિડિઝ, બીએમડબલ્યુ કે ઓડી કાર નીકળતી તો લોકો ટીકી ટીકીને જોતા હતા. લોકો માટે હવે એ કાર પણ એટ્રેકશન રહી નથી. હજુ સ્પોર્ટસ કારનો ક્રેઝ ચોક્કસપણ જોવા મળે છે.
દેશના લોકોનું કારનું સપનું પૂરું કરવા માટે ટાટાએ નેનો કાર લોન્ચ કરી હતી. ટાટા ગ્રૂપને એમ હતું કે, નેનો કાર ભારતમાં હંગામો મચાવી દેશે. એવું થયું નહીં. તેનું કારણ એ હતું કે, નેનો કાર સાથે ગરીબોની કારનું લેબલ લાગી ગયું હતું. નેનો કારની ઇમેજ એવી થઇ ગયેલી કે જે લોકો બીજી કોઇ કાર ખરીદી શકતા નથી એ જ લોકો નેનો કાર ખરીદે છે. દેશમાં કારની ડિમાન્ડ તો હતી જ એટલે જ દુનિયાભરની કાર કંપનીઓની નજર ભારત પર મંડાઇ હતી. દેશમાં આજે દેશ-વિદેશની મારૂતિ, ટાટા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હન્ડાઇ, હોન્ડા, ટોયોટો, ફોક્સવેગન, રેનો, નિશાન, કિઆ, સ્કોડા, મોરિસ ગેરેજ, મર્સિડિઝ બેન્ઝ, બીએમડબલ્યૂ, ઓડી વિગેરે કંપનીની બોલબાલા છે. શેવરોલેટ અને ફોર્ડ મોટર્સે ભારતમાંથી ધંધો સંકેલી લીધો છે. હજુ ઘણી કાર કંપનીઓ ભારતમાં આવવાની છે. ટેસ્લાએ ભારતમાં આગમનની જાહેરાત કરી દીધી છે.
અગાઉના સમયમાં વિદેશ જનારા લોકોના મોઢે એવું સાંભળવા મળતું કે ત્યાં તો કામ કરવાવાળા પણ કાર લઇને આવે છે. આપણા દેશમાં પણ હવે એવું જ થતું જાય છે. દેશમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ પણ ધમધમે છે. બેંક લોનના કારણે કારની ખરીદી ઇઝી બની છે. કાર દરેકની કલ્પનાનો વિષય બની ગઇ છે. દિવસેને દિવસે કાર વધુને વધુ હાઇટેક થતી જાય છે. ટેકનોલોજી એવી આવી ગઇ છે કે, તમે બોલીને કારને ઓપરેટ કરી શકો છો. કાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ જાય છે. ઓટોમેટિક કાર તો હવે કોમન થઇ ગઇ છે. હજુ થોડા સમય પહેલા સુધી એસી કાર પણ લકઝરી ગણાતી હતી. અગાઉના સમયમાં કારમાં પંખા લગાડવામાં આવતા હતા. કારમાં રેડિયો હોય એ તો યુનિક ગણાતું. હવે તો રોજે રોજ કારનું રૂપ બદલાતું જાય છે. કારની સ્પીડ રોડ સહન ન કરી શકે એટલી વધી ગઇ છે.
આપણા દેશમાં કારના ઇતિહાસ પર નજર કરીએ તો, સૌથી પહેલી કાર 1897માં સૌથી પહેલી કાર મિસ્ટર ફોસ્ટર નામના અંગ્રેજ લાવ્યા હતા. 1901માં જમશેદજી તાતા પહેલા એવા ભારતીય બન્યા હતા જેમણે કાર ખરીદી હતી. રાજા-રજવાડાઓ વિદેશથી કાર મંગાવતા હતા. ભારતમાં કાર બનવાનું તો બહુ મોડું શરૂ થયું. ભારતમાં કાર બનાવનારી પહેલી કંપની હતી હિન્દુસ્તાન એમ્બેસેડર. 1957માં કોલકાતામાં એમ્બેસેડર કાર બનવાનું શરૂ થયું હતું. એમ્બેસેડર કાર એ સમયે બ્રિટનની મોરિસ ઓક્સફોર્ડના કોલાબોરેશનથી બનતી હતી. એ પછી તો દેશમાં લાંબો સમય સુધી માત્ર બે જ કાર જોવા મળતી હતી. એક એમ્બેસેડર અને બીજી ફિઆટ. વર્ષો સુધી બંનેએ દેશમાં ગજબનો દબદબો ભોગવ્યો. 1983માં દેશમા જાપાનની કાર કંપની મારૂતિ સુઝુકીનું આગમન થયું અને એ સાથે દેશમાં કાર કલ્ચર ધડાકાભેર ઉઘડ્યું. 14મી ડિસેમ્બર 1983ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ મારૂતિ સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું અને એ જ સમયે ઇંદિરાજીએ દેશની સોથી પહેલી મારૂતિ-800 કાર હરપાલસિંહ નામના વ્યકિતને અર્પણ કરી હતી. એ સમયે મારૂતિ-800 કારની કિંમત 47 હજાર રૂપિયા હતી પણ એ કાર ખરીદવા માટે લોકો એક લાખ રૂપિયા આપવા પણ તૈયાર હતા.
ટાટા ઇન્ડિકા પહેલી એવી કાર હતી જે હન્ડ્રેડ પર્સન્ટ ઇન્ડિયામાં બની હતી. ઇન્ડિકા વિશે એવું કહેવાતું હતું કે, ડિઝાઇન, ડેવલપ્ડ એન્ડ મેન્યુફેકચર્ડ ઇન ઇન ઇન્ડિયા. ટાટા કંપની દ્વારા 1998માં ઇન્ડિકા કાર જીનેવા મોટર શોમાં સૌથી પહેલા રજૂ કરવામાં આવી હતી. ટાટા ઇન્ડિકાને પ્રાઇડ ઓફ ઇન્ડિયા તરીકે પેશ કરવામાં આવી હતી. ટાટાની વાત નીકળી જ છે તો એક બીજી રસપ્રદ વાત પણ કરી લઇએ. ટાટાની કાર ટાટા સુમો જબરજસ્ટ હિટ થઇ હતી. ટાટા સાથે સુમોનું નામ હતું તેના વિશે લોકો જાતજાતના અનુમાનો લગાવતા હતા. કોઇ તો એવું માનતું હતું કે, જાપાનીઝ સુમો જેટલી તાકાત હોવાનું બતાવવા માટે ટાટાએ ટાટા સુમો નામ રાખ્યું છે. કોઇ વળી તેની સાઇઝ અને ડાઇમેન્શનને ધ્યાનમાં રાખીન ટાટા સુમો નામ રખાયું હોવાનું માનતા હતા. સાચી વાત સાવ જુદી જ હતી. ટાટા મોટર્સના એક મેનેજિંગ ડિરેકટર હતા. તેમનું નામ સુમંત મુલગાંવકર હતું. તેમના નામ સુમંત માંથી એસયુ અને સરનેમ મુલગાંવકરમાથી એમઓ લઇને સુમો બનાવાયું હતું. કોઇ એમડીના નામ પરથી મોડલનું નામ આપ્યું હોય તો એ યશ ટાટાને ફાળે જ જાય છે. આજે દેશમાં ઇલેકટ્રીક કારની બોલબાલા છે. પેટ્રોલ ડિઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે એ જોઇને એવું માનવામાં આવે છે કે, આવતી કાલ ઇ-કારની છે. અલબત્ત, ઇ-કાર હજુ બહુ મોંધી છે. ટેસ્લા આપણા દેશમાં હવે આવવાની છે પણ આપણે ત્યાં તો દેશમાં જ બનેલી ઇલેકટ્રિક કાર 2001માં જ લોન્ચ થઇ ગઇ હતી. દેશની સૌથી પહેલી ઇ-કાર માઇની રેવા છે. બેંગ્લોરના ચેતન માઇનીએ રેવા કાર બનાવી હતી. અત્યારે રેવા કાર મહેન્દ્રા ઇટુઓના નામે વેચાઇ રહી છે.
એક તરફ દરેક માણસ પોતાની ત્રેવડ મુજબ કાર ખરીદવાનો વિચાર કરી રહી છે ત્યારે મિલેનિયલ જનરેશન બધાથી થોડુંક જુદું વિચારતી હોવાનું પણ બહાર આવ્યું છે. એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, મિલેનિયલ જનરેશન કાર ખરીદવાનું વિચારતી નથી. એ લોકોનું કહેવું છે કે, ઓલા અને ઉબર જેવી કંપનીઓ છે પછી કાર શા માટે લેવાની? કાર ખરીદવાની, એના હપ્તા ભરવાની, કારને મેઇન્ટેન કરવાની અને અત્યારના ખતરનાક ટ્રાફિકમાં કાર ડ્રાઇવ કરવાની ઝંઝટમાં કોણ પડે? એના કરતા એપ્લિકેશનની મદદથી કાર ન મંગાવવી લઇએ? ઠાઠથી બેસીને જ્યાં જવું હોય ત્યાં પહોંચી જવાનું. જો કે આવો વર્ગ નાનો છે. ભાડાની કારમાં આવવાથી માભો નથી પડતો. આખરે સવાલ તો ઇમેજ અને ઇમ્પ્રેસનનો છે. વટ ન પડે તો પછી મજા શું? આપણા દેશમાં જ નહીં, દુનિયાના મોટા ભાગના નાના બાળકોનું ફેવરિટ ટોય કાર જ છે. ચાલતા ન આવડતું હોય ત્યારથી કાર એના દિલ અને દિમાગમાં છવાયેલી હોય છે. બાય ધ વે, તમારી ફેવરિટ કાર કઇ છે? કઇ કારને જોઇને તમારી મોઢામાંથી વાઉ શબ્દ સરી પડે છે? માણસના સપના વિશે અગાઉ એવું કહેવાતું હતું કે, મારે પણ એક ઘર હોય, હવે ઘરની સાથે જ બીજું સપનું પણ જોવાય છે કે, મારી પણ એક કાર હોય! એ કાર પણ પાછી પોતાની કલ્પનાની અને પોતાના સપનાની હોય! આપણે તો કારની સાથે કારનો કલર પણ નક્કી કરી રાખ્યો હોય છે. ડાઉન પેમેન્ટ ભરવાનો મેળ પડી જાય એટલી જ વાર છે! સાચું કે નહીં?
હા એવું છે!
એક રસપ્રદ સ્ટડી એવું કહે છે કે, કોઇ માણસ વાતચીત દરમિયાન 60 ટકા સમય જ તમારી સામે જુએ તો સમજવું કે, એ માણસ તમારાથી બોર થાય છે. 80 ટકા સમય સુધી તમારી સામે જુએ તો સમજવું કે, એ તમારામાં ઇન્ટરેસ્ટેડ છે. માણસ સો ટકા ત્યારે જ જોતો હોય છે જ્યારે એ તમને ધમકાવતો હોય છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 ઓકટોબર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
One thought on “ઇન્ડિયન કાર કલ્ચર : તમારી ફેવરિટ કાર કઇ છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ”