ખબર નહીં, હું મારી
રીતે ક્યારે જીવી શકીશ?
-કૃષ્ણકાંત ઉનડકટ
અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઇને, મારી કદર કરજો,
તમે અશ્રુ વહાવી દુ:ખમાં ના આંખોને તર કરજો,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો
-અઝીઝ કાદરી
સાવ સાચું કહેજો, તમે તમારી રીતે જીવી શકો છો? તમારી કલ્પનાની જિંદગી કેવી છે? અત્યારે જે જિંદગી છે એ કલ્પનાની કેટલી નજીક છે? આપણે બધા ક્યારેક કોઇની જિંદગી વિશે વાત સાંભળીએ, કોઇની લાઇફ સ્ટાઇલ વિશે કંઇક જાણીએ, સોશિયલ મીડિયા પર કોઇની પોસ્ટ જોઇએ ત્યારે એવું વિચારીએ છીએ કે, જિંદગી તો એ માણસ જીવે છે. આપણે બીજાને હંમેશાં સુખી માની લઇએ છીએ. મર્સિડિઝ કે ઓડીમાં ફરનારા માણસ વિશે આપણે એવું કહીએ છીએ કે, એને તો જલસા છે. બીજાને સુખી માનવામાં કંઇ વાંધો નથી, વાંધો એ વાતનો છે કે, કોઇની સાથે સરખામણી કરીને આપણે આપણી જાતને દુ:ખી માનવા લાગીએ છીએ. માણસની પ્રકૃતિ ખરેખર વિચિત્ર છે. કોઇ ધનાઢ્ય કે ખૂબ જ જાણીતા વ્યક્તિને જોઇને એવું વિચારે છે કે, આપણા તો નસીબ જ ખરાબ છે. બધા દુનિયામાં કેવી કેવી જગ્યાએ ફરવા જાય છે અને આપણે તો દેશના કોઇ હિલ સ્ટેશને પણ જઇ શકતા નથી. તેની સામે કોઇને દુ:ખી કે હેરાન-પરેશાન જોઇને આપણે એવું કહીએ છીએ કે, આપણી માથે તો ભગવાનની કેવડી મોટી દયા છે નહીં? માણસ પોતાના સુખ કે દુ:ખનો વિચાર હંમેશા બીજાને જોઇને જ કરતો રહે છે. જે માણસ પોતાની જાતની સરખામણી બીજા સાથે જ કરતો રહે છે એ ક્યારેય સુખી થતો નથી. એની પાસે જે હોય એ એને ઓછું, અધૂરું અને અપૂરતું જ લાગે છે. સાચી વાત એ છે કે, જીવવા જેટલું તો આપણી પાસે હોય જ છે. કેટલું છે એ મહત્વનું નથી, જેટલું છે એને તમે કેટલું એન્જોય કરો છો એ મહત્વનું છે.
એક ફકીર હતો. જંગલમાં નાનકડી ઝૂંપડી બનાવીને રહેતો હતો. લોકો તેની પાસે આવીને વાતો કરતા. બધાને તેમની સાથે વાતોમાં ખૂબ જ રસ પડતો હતો. ધીમે ધીમે લોકો વધતા ગયા. અનુયાયીઓનો આખો વર્ગ ખડો થઇ ગયો. કોઇએ કહ્યું કે, આપણે અહીં મોટો આશ્રમ બનાવીએ, કોઇએ વળી ટેલિવિઝન પર સત્ત્સંગના કાર્યક્રમ રાખવાની વાતો કરી, કોઇ વેબસાઇટ બનાવવાની તો કોઇએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફકીરની વાતો લોકો સુધી મૂકવાના આઇડિયા આપ્યા. અચાનક એક દિવસ બધાએ જોયું તો ફકીર ગૂમ હતા. આજુ બાજુમાં તપાસ કરી પણ ફકીર ક્યાંય દેખાયા નહીં. એક વખત એ વિસ્તારનો માણસ દૂર હિમાલયમાં ફરવા ગયો. તેણે ત્યાં એક ફકરીને જોયા અને એ તરત જ તેમને ઓળખી ગયો. અરે આ તો એ જ ફકીર છે જે ગૂમ થઇ ગયા હતા. તેણે ફકીર પાસે જઇને કારણ પૂછ્યું. ફકીરે કહ્યું કે, હું જે બધું છોડીને આવ્યો હતો એમાં જ બધાએ મને સંડોવવો હતો. મારે તો મારી રીતે શાંતિથી જિંદગી જીવવી હતી. મારે મારી રીતે જીવવું હતું અને લોકોએ મને એમની રીતે જીવાડવો હતો એટલે હું ત્યાંથી ભાગી ગયો. ફકીરે પછી પોતાની વાત કરી. તેણે ક્હયું કે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતો. સારી નોકરી હતી. પિતા તરફથી વારસામાં પણ ઘણી સંપત્તિ મળી હતી. મેં મારા ભાઇને બધું સોંપી દીધું. ધીમે ધીમે હું મારી જરૂરીયાતો ઘટાડતો ગયો. મને જ્યારે એવું લાગ્યું કે, હવે હું મારી રીતે ફકીરની જેમ જીવી શકીશ ત્યારે હું બધું છોડીને નીકળી ગયો. ફકીર બન્યા પછી મારે ફરીથી એ જંજાળમાં ફસાવવું નહોતું એટલે હું ઝૂંપડી છોડીને પણ ભાગી નીકળ્યો.
આપણે બધાએ આપણી રીતે જીવવું હોય છે. બહુ મહેનત કરીએ છીએ છતાંયે આપણે આપણી રીતે જીવી શકતા નથી. એન્ડ ઓફ ધ ડે એવો વિચાર આવી જાય છે કે, આ બધું હું શું કરું છું? આટલું કામ, આટલી ચિંતા, આટલી હાય હોય કરું છું છતાં હું મારી રીતે તો જીવી જ નથી શકતો. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, પોતાની રીતે જીવવું એટલે શું? આપણે એક કલ્પનામાં જીવતા હોઇએ છીએ. આપણી જિંદગીને આપણે કેવી રીતે જોઇએ છીએ? સુખમાં જિંદગી શોધવાની નથી પણ જિંદગીમાંથી સુખ શોધવાનું છે. ફરવા જવાનું પ્લાનિંગ થઇ શકે પણ જિંદગી જીવવાનું પ્લાનિંગ ન થઇ શકે. જિંદગી આપણા મનસૂબા ઉથલાવી નાખતી હોય છે. આપણા પ્લાનિંગો વીખી નાખવા એ જિંદગીના આદત હોય છે. જીવવાનું વિચારતા જ રહે એ ક્યારેય જિંદગી જીવી શકતા નથી, જીવવાનું શરૂ કરી દે છે એ જ જિંદગીને જીવી શકતા હોય છે.
એક પતિ પત્ની હતા. પતિ હંમેશા પ્લાનિંગો કરતો રહે કે, આટલું થઇ જાય પછી આપણે આમ જીવવું છે, તેટલું થઇ જાય પછી તેમ જીવવું છે. આ સમયે મારે મારી રીતે જીવવું છે. પત્ની એટલું જ બોલી, અત્યારે તને તારી રીતે જીવવાની કોણ ના પાડે છે? પ્લાનિંગમાંથી બહાર નીકળ અને જીવવાનું શરૂ કરી દે. આપણી તકલીફ એ છે કે, આપણે જિંદગી જીવવાના જેટલા વિચારો કરીએ છીએ એટલી જિંદગી જીવતા હોતા નથી. એક યુવાનની આ વાત છે. તેણે પોતાની પત્ની સાથે ફરવા જવાનો પ્લાન કર્યો હતો. તે ખૂબ મોજમાં હતો. ફરવા જવાનો દિવસ આવ્યો એ જ વખતે તેને ઓફિસમાંથી કામ સોંપવામાં આવ્યું. તેણે ફરવા જવાનું કેન્સલ કર્યું. પત્નીએ કહ્યું કે, તું તો બહુ ઉત્સાહમાં હતો. શા માટે ના નથી પાડી દેતો? યુવાને કહ્યું કે, મારા વગર નહીં ચાલે. પત્નીએ કહ્યું કે, આપણે એવું માનતા હોઇએ છીએ કે મારા વગર નહીં ચાલે પણ કંઇ જ અટકતું હોતું નથી. પતિ ન માન્યો. પતિ ઓફિસે જતો હતો ત્યારે તેનો એક્સિડન્ટ થયો. હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. પત્નીએ બહુ પ્રેમથી કહ્યું કે, તારા વગર બધું ચાલ્યું કે નહીં?
જિંદગી આપણને આપણી રીતે જીવવાની તક પણ આપતી હોય છે. જિંદગી એની સાથે બીજી લાલચો પણ આપતી રહે છે. ઘણી વખત એ લાલચોમાં ફસાઇને આપણે આપણી રીતે જિંદગી જીવવાની તક ગુમાવી દેતા હોય છીએ. જિંદગી પોતાની રીતે જીવવાની સાચી રીત એ છે કે, જિંદગીની દરેક ક્ષણને માણો. કામને પણ એન્જોય કરો અને આરામને પણ પૂરેપૂરો ફીલ કરો. આપણે તો આરામ પણ આરામથી કરી શકતા નથી. રિલેક્સ ટાઇમ દર વખતે મળતો નથી, લેઝર ટાઇમ ક્યારેક છીનવી લેવો પડતો હોય છે. આપણે જો આપણી રીતે જિંદગી જીવી શકતા ન હોય તો માનવું કે જીવવાની સાચી રીત જ આપણને ખબર નથી. જે જીવવાની રીત જાણે છે એ તો દરેક ક્ષણને પૂરેપૂરી જીવે જ છે. આપણા જીવવાના ઇરાદાઓ સાધનો સાથે જોડાઇ ગયા છે, હકીકતે એ જિંદગીની સાથે હોવા જોઇએ. આપણે બંગલો, ગાડી, મોબાઇલ, ગેઝેટ્સ અને બીજી સાધન સામગ્રીઓમાં સુખ ભાળવા લાગ્યા છીએ. માનો કે એ બધું જ હશે તો પણ જો જિંદગીની સમજ નહીં હોય તો જીવવાની મજા આવવાની નથી. તમારા સંબંધો કેટલા સાત્ત્વિક છે? તમારો માહ્યલો કેટલો હળવો છે? જેને સારી રીતે જીવવું છે એને કોઇ રોકી શકતું નથી. આપણે તો પરિસ્થિત, સંજોગો, સમસ્યાઓ, મૂંઝવણો અને મુસીબતોને દોષ દેતા રહીએ છીએ. પડકારો તો રહેવાના જ છે, મુશ્કેલી તો આવવાની છે, સમય ક્યારેય સો ટકા આપણે ઇચ્છીએ એવો રહેવાનો નહીં. સમયને પણ એ જેવો હોય એવો સ્વીકારવો પડતો હોય છે અને એમાંથી જીવવાની મજા માણવાની હોય છે. જીવવા માટેનો રાઇટ ટાઇમ ક્યારેય આવતો નથી, એનું કારણ એ છે કે, એ રાઇટ ટાઇમ તો અત્યારે જ છે. તમે રાહ જોઇને બેઠા છો અને એ તો હાજર જ છે, એ તો હોય જ છે, બસ આપણે નથી હોતા. તમે જિંદગીની નજીક આવી જાવ, જિંદગી તો તમારી નજીક જ છે.
છેલ્લો સીન :
આપણી જિંદગીના સૌથી સાચા અને સચોટ જવાબ આપણી પાસેથી જ મળે. એના માટે અંદરનો અવાજ સાંભળવાની આવડત કેળવવી પડે છે. –કેયુ.
( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 24 ઓકટોબર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com