તું એવું જ રાખજે કે
તને કંઇ ખબર નથી!
-કૃષ્ણકાંત ઉનડકટ
પ્રહાર પહેલાં કરે છે ને સારવાર પછી,
દયા એ ક્રૂરને આવે છે અત્યાચાર પછી,
અમારાં કેટલાં દુ:ખ છે એ કેમ સાંભળશો?
ગવારા કરશો તમે? એક બે કે ચાર પછી?
-અશ્ક માણાવદરી
સંબંધો પારદર્શક હોવા જોઇએ. સંબંધોમાં નિખાલસતા હોય તો જ સબંધો સ્થિર, મજબૂત અને સજીવન રહે છે. સંબંધો વિશે આવી બધી વાતો થતી હોય છે. અલબત્ત, દરેક સંબંધોમાં આવું થઇ શકતું નથી. પારદર્શકતા દરેકને પચતી નથી. નિખાલસતા બધાને માફક આવતી નથી. સત્ય પણ ઘણાથી સહન થતું નથી. આપણે સારા હોઇએ એટલું ઘણી વખત પૂરતું હોતું નથી. સંબંધમાં સામેવાળી વ્યક્તિ પણ સારા દિલની અને સાફ મનની હોવી જોઇએ. એ ન હોય ત્યારે આપણે દિલને બદલે દિમાગનો ઉપયોગ કરવો પડે છે. સંબંધો સાચવવામાં આપણે ઘણી વખત આપણને પસંદ ન હોય એવા રસ્તાઓ પણ અપનાવતા હોઇએ છીએ. એને ખરાબ ન લાગે, એનું દિલ ન દુભાય, એનું માન જળવાય અને એનું ઇમ્પોર્ટન્સ બરકરાર રહે એ માટે આપણે ઘણી વખત ટેક્ટફૂલ્લી કામ કરતા હોઇએ છીએ. છેલ્લે એમાં પણ ઇરાદો તો સંબંધને સાચવી લેવાનો જ હોય છે.
મિત્રોનું એક ગ્રૂપ હતું. એક મિત્રને એવો વિચાર આવ્યો કે, બધા સાથે મળીને ટ્રીપ પ્લાન કરીએ. ગ્રૂપમાં એક મિત્ર થોડોક વિચિત્ર હતો. એને હંમેશાં એવું જ થતું કે, કંઇપણ પ્લાનિંગ હોય તો હું જ કરું. એ બીજાની વાત સ્વીકારી જ ન શકતો. જેને વિચાર આવ્યો હતો એ મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, તું એક કામ કર. પેલા મિત્રને કહે કે, ચાલને ટ્રીપનું પ્લાનિંગ કરીએ. તું જ કહે કેવી રીતે કરીશું? આખરે પેલા મિત્રને કહ્યું અને એની પાસે જ બધું પ્લાનિંગ કરાવ્યું. એ મિત્રનો ઇગો સંતોષાઇ ગયો. બધા ટ્રીપમાં ગયા અને મજા કરી. થોડાક સમય પછી એક બીજા મિત્ર પાસેથી પેલા મિત્રને ખબર પડી કે, આખું કાવતરું તો પેલા ફ્રેન્ડનું હતું. મારો તો ઉપયોગ કર્યો હતો. તેને ખરાબ લાગ્યું અને બધા સાથે સંબંધો કાપી નાખ્યા. જેને ટ્રીપનો વિચાર આવ્યો હતો એ મિત્ર આખરે તેની પાસે ગયો. તેણે કહ્યું કે, હા અમે રમત કરી હતી. તું એટલું વિચાર કે અમે આવું શા માટે કર્યું હતું? તારા માટે જ તો કર્યું હતું. તારો ઇગો સંતોષાય. તને ઇમ્પોર્ટન્સ મળે. અમારે તો તને ક્રેડિટ આપવી હતી. અમારી બીજી કોઇ દાનત નહોતી. છતાં તને એવું લાગ્યું હોય તો હું સોરી કહું છું પણ તું બધાથી દૂર ન થા.
દરેક માણસ જેની સાથે લાગણીથી જોડાયેલો હોય છે એને સંબંધો કાપવા કે ઓછા કરવા હોતા નથી. સંબંધો બચાવવા માટે આપણે બધા ઘણી મહેનત કરતા હોઇએ છીએ. આપણે જેની સાથે જોડાયેલા હોઇએ એની આદતો અને દાનતોથી પણ આપણે પરિચિત હોઇએ છીએ. આપણે એ મુજબ વર્તન પણ કરતા હોઇએ છીએ. ફ્રેન્ડ્સના બીજા એક ગ્રૂપની વાત છે. ગ્રૂપના એક કપલને બનતું ન હતું. બધાને ખબર પડી ગઇ હતી કે, આ બંનેનું લાંબું ચાલવાનું નથી. એ કપલની વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ. એક ફ્રેન્ડને બહારથી ખબર પડી. મિત્રએ કોઇને કહ્યું નહોતું એટલે સવાલ એ હતો કે વાત કાઢવી કઇ રીતે? એ મિત્રની સૌથી નજીક જે હતો એને બધી વાત કરી. મને એવી ખબર પડી છે કે, એ બંને ડિવોર્સ લેવાના છે. આ સમયે આપણે બધાએ એની સાથે રહેવું જોઇએ. તું એને મળ. વાતમાંથી વાત કાઢીને એની પાસે ડિવોર્સની વાત બોલાવી લે. ધ્યાન રાખજે કે એને ખબર ન પડે કે આપણને બધી ખબર છે. તું એવું જ રાખજે કે આપણને કોઇને કશી જ ખબર નથી. પેલો મિત્ર જેના ડિવોર્સ થવાના હતા એ મિત્રને મળ્યો. બધું બરાબર છેને, એવો સવાલ કરીને ડિવાર્સની વાત જાણી. જેને ખબર હતી એ મિત્રને બોલાવ્યો. તેણે એવું વર્તન કર્યું કે, તેને કંઇ ખબર જ નહોતી. ઓહો, એવું છે? એમ કહીને મિત્રને મજામાં રાખવાના પ્રયાસો કરવા લાગ્યા.
સંબંધોમાં ઘણી વખત બધી જ વાત સીધે સીધી થઇ શકતી નથી. ક્યારેક આપણને ચહેરો વાંચીને ખબર પડી જાય છે કે, આના મનમાં કંઇક ચાલી રહ્યું છે. જે સાથે હોય છે એને સમજ પડી જતી હોય છે. ચહેરો ચાડી ખાઇ જતો હોય છે. જેને ચિંતા હોય એ પકડી પણ પાડતા હોય છે. બે બહેનપણી હતી. સાથે જોબ કરતી હતી. એક વખત એક બહેનપણીને મોબાઇલ ઉપર ફોન આવ્યો. એ ઊભી થઇને વાત કરવા બહાર ચાલી ગઇ. તેની ફ્રેન્ડ દૂરથી જોતી હતી. વાત કરતા કરતા એની જે ચાલ હતી એ ધીમી અને ઉદાસ હતી. માણસના ડગલાં પણ ઘણી વખત ઘણું બધું બયાન કરી દેતા હોય છે. ચાલમાં જે જોમ અને જુસ્સો હોય એ ઓસરી જતો હોય છે. બહેનપણી વાત કરીને આવી એટલે તેને પૂછ્યું, બધું બરાબર છેને? તેની ફ્રેન્ડે કહ્યું કે, ચિંતા જેવું કશું નથી. ઓફિસ પૂરી થઇ એટલે બંને સાથે નીકળી. ફ્રેન્ડને એક કેફેમાં લઇ જઇને પૂછ્યું કે, હવે કહે કે, શું થયું છે? બહેનપણીએ પોતાના બ્રેકઅપની વાત કરી. ફ્રેન્ડનું પેઇન ઓછું થાય એ માટે બહેનપણીએ તેનાથી થાય એ બધું જ કર્યું.
આપણા બધાની જિંદગીમાં એવા લોકો હોય છે જે આપણામાં જરાકેય ચેન્જ આવે તો પકડી પાડતા હોય છે. આપણી લાઇફમાં જ્યારે કોઇ પ્રોબ્લેમ કે કોઇ ઇશ્યૂ આવે ત્યારે આપણને કોણ યાદ આવે છે? કોની પાસે હળવા થઇ શકાય છે? થોડાક લોકો આપણા સુખના સરનામા હોય છે. એ સરનામે પહોંચી જઇએ એટલે આપોઆપ હળવાશનો અનુભવ થાય છે. એક યુવાન જે ઓફિસમાં જોબ કરતો હતો તે કંપનીએ ધંધો સંકેલી લેવાનું નક્કી કર્યું. બધા કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા. યુવાનના મિત્રને ખબર પડી. તેણે કહ્યું, હું તારા માટે શું કરી શકું? મિત્રએ હસીને કહ્યું કે, તું તો શું, કોઇ કંઇ કરી શકે એમ નથી. તેના મિત્રએ કહ્યું કે, બીજું કંઇ ન કરી શકું પણ તારી સાથે વાત તો કરી શકુંને? થઇ રહેશે બધું એની મેળે. બાકી કંઇ જરૂર હોય તો હું બેઠો છું. તું કંઇ ચિંતા ન કરતો. આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં મૂકાતા હોઇએ છીએ જ્યારે કોઇ કશું કરી શકતું નથી. એવા સમયે પણ કોઇ સાથે હોય તો બહુ મોટો ફેર પડતો હોય છે. એક મિત્ર કંઇ કરી શકે એમ નહોતો ત્યારે એણે એવું કહ્યું કે, ભલે હું સંજોગો બદલાવી શકતો નથી પણ તને હસાવી તો શકું જ છું. તારા વિચારોને ડાયવર્ટ તો કરી જ શકું છું. તને તારી પીડામાંથી થોડોક સમય મુક્ત કરી શકું તો એ પણ મારા માટે પૂરતું છે. કેટલાંક સંબંધો બહુ સાત્ત્વિક હોય છે. એવા સંબંધો મર્યાદિત હોય જ છે. આપણી જિંદગીમાં એક બે લોકો એવા હોય જે આપણને પૂરેપૂરા ઓળખતા હોય તો એ પૂરતું છે. એક મિત્રએ કહ્યું હતું કે, મને ખબર છે કે મારામાં ઘણી ખરાબ આદતો છે. મારા મિત્રને પણ એ ખબર છે. એને ખબર છે છતાંયે એનામાં ક્યારેય કોઇ ચેન્જ આવ્યો નથી. એ મારી સાથે એવોને એવો જ છે અને એ જ અમારી દોસ્તીનું સૌથી મોટું કારણ છે. સાત્ત્વિક સંબંધોને સાચવી રાખજો. જિંદગીમાં જ્યારે કશું જ કામ લાગે એવું નહીં હોયને ત્યારે એ સંબંધ જ કામ લાગવાનો છે. એકાદ એવો ટેકો હોય જે આપણને પડવા ન દે તો એ પૂરતું છે.
છેલ્લો સીન :
હાજરી ન હોય છતાં જેનું સાંનિધ્ય વર્તાતું રહે એ જ સાચો અને શ્રેષ્ઠ સંબંધ હોય છે. અમુક લોકો પાસે ન હોય છતાંયે હંમેશાં સાથે જ હોય છે. –કેયુ.
( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 12 સપ્ટેમ્બર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com