યુદ્ધ અને આતંકવાદની કથાઓ અને વ્યથાઓ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

                 યુદ્ધસ્ય કથા રમ્યા.. ખરેખર શું યુદ્ધથી કથા રમણીય હોય છે?

યુદ્ધ અને આતંકવાદની

કથાઓ અને વ્યથાઓ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

યુદ્ધની કથાઓ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, યુદ્ધસ્ય કથા રમ્યા.

યુદ્ધની કથા રમણીય હોય છે. વાંચવા, સાંભળવા કે જોવા માટે યુદ્ધ અને આતંકવાદી કથાઓ ઇન્ટરેસ્ટિંગ હોય છે પણ

જેણે આ યુદ્ધને નજર સામે જોયું છે, જીવ્યું છે અને અનુભવ્યું છે તેના માટે તો દોઝખથી જરાયે કમ નથી હોતું.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આક્રમણ પછીની એવી કઇ વાત છે

જે તમારી સંવેદનાઓને ઝણઝણાવી ગઇ હોય?

યુદ્ધનું પોતાનું એક સાહિત્ય હોય છે. યુદ્ધના સાહિત્યમાં હિંસાનો ઇતિહાસ લખાતો હોય છે.

આવો ઇતિહાસ સતત દોહરાવાતો રહે છે અને યુદ્ધ, આતંકવાદની કથાઓ ચાલતી જ રહે છે.

આંખના ખૂણા ભીના કરવાની સૌથી વધુ તાકાત જો કોઇમાં હોય તો એ યુદ્ધની કથાઓમાં જ છે 

 ———-

અફઘાનિસ્તાનમાં જે કંઇ થયું એમાંથી કઇ ઘટના એવી છે જે તમે જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકો? હવામાં ઉડતા વિમાનમાંથી પટકાયેલા યુવાનો, એરપોર્ટ પર કરગરતી મહિલા, એક મહિલાના હાથમાંથી એના સંતાનને બચાવીને લઇ જતો સૈનિક, કાબુલના માર્ગો પર આડેધડ ગોળીબાર કરતા તાલિબાનો, પંજશીરમાં તાલિબાનો અને નોર્ધન અલાયન્સ વચ્ચે ચાલતો જંગ, આપણા દેશમાં આવેલા અફઘાનિસ્તાનના પરિવારોની પરાણે લાડકી લાગે એવી દીકરીઓના ચહેરાઓ, જિમમાં અને મોલમાં તાલિબાનોની મસ્તી કે બીજું કંઇ? અફઘાનિસ્તાનથી હજુ રોજે રોજ કોઇને કોઇ એવી કથાઓ આવી રહી છે જે આપણા દિલના તારોને ઝણઝણાવી નાખે છે. શું લેવા-દેવા છે એ બધી ઘટનાઓ સાથે આપણે? જેની સાથે કંઇ લાગતું વળગતું નથી, જેને કોઇ દિવસ જોયા કે મળ્યા નથી અને ભવિષ્યમાં પણ મળવાના નથી એ લોકોની વાતો આપણને કેમ આટલી બધી સ્પર્શે છે? માનવીય સંવેદનાઓ એવી ચીજ છે જેની અસર થયા વગર નથી રહેતી! માણસનો માણસ સાથેનો એક સુક્ષ્મ નાતો હોય છે. આપણે તો કોઇ પશુ કે પક્ષી સાથે થતી ક્રુરતા પણ જોઇ નથી શકતા તો જીવતા જાગતા માણસ પર અત્યાચાર થાય ત્યારે અરેરાટી થવાની જ છે.

માત્ર આપણું જ નહીં, આખી દુનિયાનું ધ્યાન છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન પર મંડાયેલું છે. અફઘાનિસ્તાનના તમામે તમામ વાઇરલ વીડિયો ખૂબ જોવાયા છે. આ બધાની પાછળ એક સાઇકોલોજિકલ કારણ પણ છે. આવું બધું જોઇને આપણે પોતાને નસીબદાર સમજીએ છીએ કે આપણી જિંદગી કેટલી બધી સારી છે? આપણને કોઇની દયા ખાવામાં પણ આપણે સારા હોવાની એક ફીલિંગ આવે છે. બીજી વાત એ કે, યુદ્ધની વાતો બધાને પહેલેથી ખૂબ ગમતી રહી છે. યુદ્ધની કથાઓમાં શૌર્ય હોય છે, ક્રુરતા હોય છે, અત્યાચાર હોય છે અને બીજું ઘણું બધું એવું હોય છે જે આપણને જકડી રાખે છે. યુદ્ધની કથાઓ સૌથી વધુ વંચાતી અને જોવાતી રહે છે.

માનવ જાતના ઇતિહાસ ઉપર નજર નાખશો તો એક વાત ઉડીને આંખે વળગશે કે બેઝિકલી આખી હિસ્ટ્રી યુદ્ધોથી જ ભરેલી છે. મહાભારત એ યુદ્ધની જ કથા છે. રામાયણમાંથી રામ અને રાવણના યુદ્ધની કથા છે. છેલ્લી થોડી સદીઓમાં દુનિયાએ એટલા બધા યુદ્ધો થયા છે જેની કથાઓ ખૂટે એમ જ નથી. એક હકીકત એ છે કે, દુનિયાના કોઇને કોઇ ખૂણે દરેક સમયે કોઇને કોઇ યુદ્ધ ચાલતું જ હોય છે. હજુ થોડા સમય પહેલા જ આપણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના યુદ્ધને જોયું છે. એ પહેલા આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે જંગ છેડાયો હતો. રશિયાએ યુક્રેન પર હુમલો કરીને ક્રિમિયા પડાવી લીધું. ઇરાન અને ઇરાકના યુદ્ધની પોતાની જબરજસ્ત કથા છે. દુનિયામાં જેટલા યુદ્ધો થયા છે એમાંથી મોટા ભાગના યુદ્ધો શાંતિ માટે થયા હોવાનું કહેવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે કોઇ યુદ્ધથી ક્યારેય શાંતિ થઇ જ નથી. ઘણી વખત કામચલાઉ શાંતિ લાગે પણ એ ગમે ત્યારે ઉછાળો મારે છે.

આપણા દેશે પાકિસ્તાન સામે ત્રણ યુદ્ધો લડ્યા અને જીત્યા છે. ચીન સાથે એક વખત જંગ છેડાયો છે. જે લોકો આ યુદ્ધના સાક્ષી રહ્યા છે તેની પાસેથી વાત સાંભળશો તો એ કહેશે કે, અચાનક સાઇરનો વાગવા લાગતી અને અંધારપટ છવાઇ જતો હતો. આકાશમાંથી વાહનોના ઘરેરાટી સંભળાતી હતી. લાઇટો ચાલુ હોય તો દુશ્મનના ફાઇટરને ખબર પડી જાય કે, નીચે ગામ કે શહેર છે અને તે બોંબ ઝીંકી દે. હવેના હથિયારો અત્યાધુનિક થઇ ગયા છે. યુદ્ધની પેર્ટન પણ બદલાઇ ગઇ છે. ન્યુક્લિયર વેપન કેટલા ખતરનાક છે એ આખી દુનિયા જાણતી હોવા છતાં અનેક દેશો તેનો ખડકલો કરતા જ જાય છે. બીજી બાજુ અફઘાનિસ્તાનમાં થયું એવું ગોરિલા યુદ્ધ પણ લડાતું રહે છે. વચ્ચે આવે એને મારતા જાવ અને કબજો જમાવતા જાવ!

યુદ્ધમાં માત્ર હાર કે જિત નથી હોતી, યુદ્ધમાં લડતા દરેક સૈનિક કે લડાકુની પોતાની એક કથા હોય છે. લડતા લડતા મરી ગયેલાની એક અધૂરી વાર્તા હોય છે. જેને યુદ્ધ સાથે કંઇ લેવા દેવા ન હોય એવા નિર્દોષ લોકો વગર વાંકે યુદ્ધનો ભોગ બનતા હોય છે. યુદ્ધમાં સૌથી ખરાબ હાલત સ્ત્રીઓ અને બાળકોની થાય છે. બધી સ્ત્રીઓ સાથે બળાત્કાર જ થાય એવું જરૂરી નથી પણ એ સિવાય એના પર માનસિક રીતે જે વીતે છે એ કરૂણ હોય છે. જે ઘરમાં સપનાઓ સજાવ્યા હોય એ અચાનક છોડી દેવાની વેદના બહુ આકરી હોય છે. બોંબ બ્લાસ્ટમાં ઉડી ગયેલા ઘરનું ખંડેર આખી જિંદગી આંખ સામેથી ખસતું નથી. ક્યારેક પોતાના લોકો જ દુશ્મન બનીને સામે ઊભા રહી જાય છે. ‘નોટ વિધાઉટ માય ડોટર’ નામની એક બેસ્ટ સેલર બુક છે. બેટી મહેમૂદી તેની લેખિકા છે. અમેરિકામાં તે પ્રેમ લગ્ન કરે છે. એક દીકરી જન્મે છે. ત્રણેય સુખેથી રહેતા હોય છે. પતિ ફરવાના બહાને પત્ની અને દીકરીને ઇરાન લઇ જાય છે. અમેરિકાને નફરત કરતો પતિ પાછો અમેરિકા આવતો નથી અને મા-દીકરીને ઇરાનમાં જ ગોંધી રાખે છે. એ પછી એના ઉપર ત્યાં જે વીતે છે એની સાવ સાચી હ્રદયદ્રાવક વાતો આ બુકમાં છે. જીવના જોખમે પોતાની દીકરીને લઇને બેટી મહેમૂદી કેવી રીતે ભાગે છે એ કથા રુંવાડા ખડા કરી દે તેવી છે. અફઘાનિસ્તાનની એક એક મહિલાઓની કથાઓ બેટી મહેમૂદીથી જરાયે કમ નથી.

યુદ્ધની કથાઓ વિશે એવું કહેવાયું છે કે, યુદ્ધસ્ય કથા રમ્યા. મતલબ કે, યુદ્ધની કથા રમણીય હોય છે, રસપ્રદ હોય છે. સાચી વાત છે કારણ કે, યુદ્ધમાં કોઇએ કલ્પી ન હોય એવી જ ઘટનાઓ બનતી હોય છે. યુદ્ધસ્ય કથા રમ્યા પાછળનું જે હાર્દ છે એ જુદું જ છે. એની પાછળ કહેવાનો છુપો અર્થ એ પણ છે કે, યુદ્ધની કથાઓ વાંચવી, સાંભળવી કે દૂરથી જોવી ગમે, બાકી તો એ બહુ કરૂણ હોય છે. હકીકતે એ એક સંસ્કૃત સુભાષિત છે. ખરો મર્મ સમજવા માટે આખો શ્લોક સમજવો પડે એમ છે. દૂરસ્થા પર્વતા: રમ્યા: વૈશ્યા ચ મુખમંડને, યુદ્ધસ્ય તૂ કથા રમ્યા, ત્રીણિ રમ્યાણિ દૂરત: આનો અર્થ એવો થાય છે કે, ડુંગર દૂરથી રળિયામણા, ગણિકા મેકઅપના થપેડાથી સુંદર દેખાય છે, યુદ્ધની કથાઓ રમણિય હોય છે, પણ આ ત્રણેય દૂરથી જ સારા લાગે.

સમ્રાટ અશોકને યુદ્ધ લડીને જ એ જ્ઞાન લાદ્યું હતું કે, મારીને જીતવાનો તો કોઇ મતલબ જ નથી. જિંદગીની ફિલોસોફી તેને યુદ્ધ પછી જ સમજાઇ હતી. આમ છતાં દુનિયામાં સમયે સમયે સિકંદર, નેપોલિયન, હિટલર જેવા લોકો પાક્યા છે જેને દુનિયા જીતવી હતી. ઘણા કિસ્સાઓમાં કરૂણતા એ હોય છે કે, જિંદગીનો મતલબ સમજાય ત્યારે મોત સાવ નજીક આવી ગયું હોય છે. યુદ્ધો ખેલાતા રહ્યા છે અને હજુ પણ ખેલાતા રહેવાના છે. સંવેદનશીલ માણસને એવો વિચાર આવે કે, આખી દુનિયામાં બધા શાંતિથી રહેતા હોય તો કેવું સારું? અલબત્ત, એવું થવાનું નથી. માણસનો ઇગો અને વર્ચસ્વ જમાવવાની તેની વૃતિ યુદ્ધો કરાવતી જ રહેવાની છે. ક્યારેય ધર્મના નામે, ક્યારેક પરંપરાના નામે, ક્યારેક જમીન પરના કબજાના નામે તો ક્યારેક ભાષા અને સંસ્કૃતિના નામે યુદ્ધો લડાતા જ રહેવાના છે. દરેક પેઢીએ પોતાના સમયના યુદ્ધો જોયા હોય છે અને એની કથાઓ વાગોળી હોય છે. છેલ્લે તો માણસ, યુદ્ધનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના સિવાય કંઇ કરી શકતો નથી. અફઘાનિસ્તાનની જમીન પર કોણ જાણે હજુ કેટલી કથાઓ લખાવાની અને કેટલી વ્યથાઓ ત્યાંના લોકોએ ભોગવવાની બાકી છે!

હા એવું છે!

તમારે કોઇને પ્રભાવિત કરવા છે? એની પાસે સલાહ માંગો! એ પોતાને હોશિયાર માનવા માંડશે અને તમે એને સમજુ માન્યા એટલે એને તમારા પ્રત્યે લાગણી પણ થશે. સાઇકોલોજિકલી આ સાબિત થયેલી વાત છે!

 (‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 સપ્ટેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *