નાનકડું પ્રોત્સાહન, નાનકડી દાદ મોટું કામ કરી જતી હોય છે
આખરે તો આપણા વર્તનથી જ
આપણી ઇમેજ બનતી હોય છે
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
—–0—–
માણસ સાથે એની ઇમેજનું ટેગ હંમેશા જોડાયેલું હોય છે.
ઉદાર, ઝિંદાદિલ, બાહોશ, શાનદાર, ભરોસાપાત્ર, જિનિયસ,
ઓનેસ્ટ, સિન્સિયર, બદમાશ, નાલાયક, ચાલાક, લુચ્ચો,
અપ્રામાણિક, લેભાગુ, ખડૂસ, બોગસ જેવા ટેગમાંથી એકાદું ટેગ
દરેક માણસના નામ સાથે લાગેલું જ હોય છે.
કોઇ ઇમેજ એમ જ નથી બનતી, એની પાછળ કારણો હોય છે.
માણસ ગમે એટલી મહેનત કરે તો પણ છેલ્લે તો એ હોય એવો વર્તાઇ
આવતો હોય છે. લોકોને ખબર જ હોય છે કે, કોણ કેવો છે?
આપણું નાનકડું વર્તન ઘણી વખત મોટી છાપ છોડી જતું હોય છે.
નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ જીતીને
પોતાનું રેકેટ તેને મેચ દરમિયાન પ્રોત્સાહન આપનાર બાર વર્ષના એક બાળકને ભેટ આપ્યું.
આ ઘટના ઘણું બધું બયાન કરી જાય છે. તમને આવી ઘટનામાંથી શું સ્પર્શે છે?
તમને ખબર છે લોકોમાં તમારી છાપ કેવી છે?
—–0—–
દરેક માણસની એક ઇમેજ હોય છે. આપણને કોઇ એવો સવાલ કરે કે, ફલાણા ભાઇ માણસ તરીકે કેવા છે? આપણે તરત જ આપણા મનમાં એની જે ઇમેજ હોય એવો અભિપ્રાય આપી દઇએ છીએ. આપણે બધા વાતો એવી કરીએ છીએ કે, માણસે ક્યારેય કોઇના માટે જજમેન્ટલ બનવું ન જોઇએ. અલબત્ત, આપણે બધા થોડા ઘણા જજમેન્ટલ બનતા જ હોઇએ છીએ. આજના સમયમાં માણસ ઇમેજ બનાવવા માટે સખત મહેનત કરે છે. હવે તો બજારમાં પ્રોફેશનલ ઇમેજ મેકર પણ એવેલેબલ છે. સેલિબ્રિટીઓ પોતાની ઇમેજ ચમકાવવા આવા પ્રોફેશનલને રોકે છે.
એક સેલિબ્રિટીની આ સાવ સાચી ઘટના છે. એ ફિલ્મના કલાકાર છે. તેણે પોતાનું ફેન ફોલોવિંગ વધારવા અને ઇમેજ બિલ્ડીંગ માટે ઇમેજ મેકર એજન્સીને હાયર કરી. એજન્સીના ઇમેજ મેકર તેને જાતજાતના નુસખા આપતો રહેતો. એક વખત તેણે કલાકારને એવું કહ્યું કે, અત્યારે આ મુદ્દાની કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. તમે એના વિશે આ મતલબની ટ્વીટ કરો તો તમે રાતોરાત ચર્ચામાં આવી જશો. ટ્વીટર પર તમારા ફોલોઅર્સ વધી જશે. તમારી ઇમેજ ફાઇટરની બની જશે. કલાકારે કહ્યું, ભાઇ મારે કોઇની કોન્ટ્રોવર્સીમાં નથી પડવું. મારે તો હું જેવો છું એવો જ બરાબર છું. તમે મને ખોટા રવાડે ન ચડાવો. મારામાંથી જે સારું લાગે એવું હોય એ જ કહો. મારે ફેન ફોલોવિંગ વધારવું છે એ વાત સાચી પણ એ ઓર્ગેનિક હોવું જોઇએ. હું નાટક કરું છું પણ જ્યારે શૂટિંગ ચાલતું હોય અને કેમેરા ઓન હોય ત્યારે જ, રિઅલ લાઇફમાં મને નાટક કરવું પસંદ નથી.
માણસ આખરે તો જેવું વર્તન કરે છે, જેવું બોલે છે, એવી જ એની ઇમેજ બનતી હોય છે. ઘણી સેલિબ્રિટીઝ કે મહાન લોકો એવા હોય છે જેને તમે મળો કે વાત કરો તો તમે અભિભૂત થઇ જાવ. તમને થાય કે, એક હાઇટ પર પહોંચી ગયા પછી પણ આ માણસ કેટલો ડાઉન ટુ અર્થ છે. સાચો જિનિયસ કે રિયલ ગ્રેટ એ જ વ્યક્તિ છે જે પહેલા માણસ છે પછી બાકીનું બધું છે. હમણાની એક ઘટના યાદ કરો. મહાન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ જીતીને પોતાનું રેકેટ બાર વર્ષના એક બાળકને ભેટ આપ્યું. એ બાળકને પહેલા તો માન્યામાં આવ્યું નહોતું કે ખરેખર મહાન ખેલાડી જેકોવિચે મને ફાઇનલ વીનર રેકેટ ગિફ્ટ કર્યું છે. જ્યારે એને ખરેખર ભાન થયું ત્યારે એ પાગલની જેમ નાચવા લાગ્યો હતો. વાઇરલ થયેલો આ વીડિયો કદાચ તમે પણ જોયો હશે. જોકોવિચે માત્ર રેકેટ ગિફ્ટ આપીને જ સંતોષ ન માની લીધો. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, હું બે સેટથી પાછળ હતો ત્યારે એ છોકરો મને જોરદાર સમર્થન આપતો હતો અને મારો આત્મવિશ્વાસ બહાર લાવતો હતો. ગ્રીક પ્લેયર સ્ટેફાનોસ સિત્સીપાલ સામે હું બે સેટ પાછળ હતો ત્યારે મને એ ટીપ આપતો હતો કે, તેની સામે કેવી રીતે રમવું! સિત્સીપાલને બેક હેન્ડ રમવું પડે એ રીતે રમો, ફર્સ્ટ સર્વિસ હોલ્ડ કરો, જેવી ટીપ એ છોકરો મને આપતો હતો. હું રમતો હતો ત્યારે એનો અવાજ સતત મારા કાનમાં ગૂંજતો હતો. એક સમયે તો મને એવું લાગ્યું કે, મારા કોચ મને ગાઇડ કરી રહ્યા છે! એણે કહ્યું એમ હું રમ્યો હતો. મારી આ જીતમાં તેનું મહત્વનું યોગદાન છે. બે ઘડી વિચાર કરો કે, ટેનિસ વર્લ્ડમાં જેનું નામ છે, અત્યાર સુધીમાં જેણે 19 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે, એ ખેલાડીએ આવું બધું કર્યું ન હોત તો એને શું ફેર પડત? એ ગેમ પૂરતો એ બાર વર્ષના બાળકને એણે ગુરુ બનાવી લીધો એ જ કેટલી મહાન વાત છે. એની જગ્યાએ બીજો કોઇ અભિમાની ખેલાડી હોત તો એ કદાચ એવું વિચારત કે, ભાઇ તું છાનોમાનો રે, કેમ રમવું એ મને શીખવાડવાની જરૂર નથી, અહીં સુધી હું કંઇ એમને એમ પહોંચ્યો નથી. આપણે ઘણી જગ્યાએ એવું જોયું છે કે, માણસ થોડોક આગળ વધી જાય એટલે પોતાની જાતને સમથિંગ સમજવા લાગે છે. ઘણા બોસ પણ એવા હોય છે જે ટીમ મેમ્બરની કોઇ જ વાત સાંભળતા નથી અને એવું જ કહે છે કે, તમારે દોઢડાહ્યા થવાની જરૂર નથી, હું કહું છું એમ કરતા રહો.
નોવાક જોકોવિચને જે જાણતા નહોતા અને જેને ટેનિસમાં બહુ ટપ્પો નથી પડતો એવા લોકો પણ જોકોવિચની આ વાત જાણીને અભિભૂત થયા. સરળતા અને સહજતા દુનિયાના તમામ માણસને સ્પર્શતી હોય છે. 70 લાખથી પણ ઓછી વસતિ ધરાવતા સર્બિયા દેશના નોવાક જોકોવિચની વાતોમાં પણ દમ હોય છે. જોકોવિચે જિંદગી વિશે આંત્રપેન્યોર લુઇઝ હોઝના પોડકાસ્ટ ઉપર શેર કરેલા વિચારોના ખૂબ જ વખાણ થયા છે. જોકોવિચે કહ્યું કે, પોતાના ચારિત્ર્ય પર કામ કરો. બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, તમારી અંદર શાંતિ અને ખુશી જ હોવી જોઇએ. આપણો ઉદ્દેશ જ આપણને મહાન બનાવે છે. પોતે નહીં પણ જે બીજા કરે એ જ સાચા વખાણ છે. છેલ્લે તેણે બહુ જ ઉમદા વાત કરી કે, કંઇ પણ કરો, ઇરાદો પવિત્ર રાખો. આનંદ, ખુશી એને સુખના ત્રણ જ રહસ્ય છે, ખુલીને જીવવું, ઊંડા શ્વાસ લેવા અને ભરપૂર પ્રેમ કરવો. સાવ સરળ લાગતી આ વાતમાં જિંદગીનો મર્મ આવી જાય છે.
બાય ધ વે, તમને ખબર છે કે તમારી ઇમેજ કેવી છે? ઘણા લોકો એવું કહે છે કે, ગમે એવી હોય, શું ફેર પડે છે? અલબત્ત, આપણને ફેર પડતો હોય છે. દરેકને એમ તો હોય જ છે કે, લોકો મને સારો માણસ સમજે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે. તેમણે કહ્યું કે, તમે એવું ઇચ્છો છો કે, લોકો તમને સારા માણસ સમજે? તો સારા બનીને રહો. તમે સારા હશો તો કોઇને કહેવાની પણ જરૂર નહીં પડે કે તમે સારા છો. તમે પરખાઇ આવશો. એક માણસની આ વાત છે. તે હંમેશા સારા કામો કરે. એક વખત તેના મિત્રે કહ્યું કે, તને ઓળખે છે જ કોણ? તું ગમે એવો હોય એનાથી કોઇને કંઇ ફેર નથી પડતો! આ વાત સાંભળીને એ માણસે કહ્યું કે, ફેર પડે છે. બીજા કોઇને નહીં તો મારી પત્ની અને મારા દીકરાને ફેર પડે છે. મારો પિતા કે મારો પતિ સારો માણસ છે એટલી એ બંનેને ખબર હોય તો પણ પૂરતું છે. મારો દીકરો મને જોઇને જ બધું શીખવાનો છે. પરિસ્થિતિ ગમે એવી હોય, માણસે સારાપણું છોડવું ન જોઇએ, એટલું પણ એ મારામાંથી શીખી શકશે તો બધું વસૂલ. બાકી હું તો મને ગમે છે એટલે સારો રહું છે. કોઇના સર્ટિફિકેટ માટે નહીં. યાદ રાખવા જેવી એક જ વાત છે કે, તમે જેવું કરશો એવી તમારી ઇમેજ બનવાની છે. ઇમેજ ખોટી નથી હોતી, બહું ઊંડાણપૂર્વક વિચારશો અને સત્યને સ્વીકારશો તો ખબર પડશે કે, આપણી સોસાયટીમાં જે સારી કે ખરાબ ઇમેજ છે એ આપણે જ બનાવી હોય છે! આપણું નાનકડું સારું વર્તન આપણી ઇમેજ બનાવે છે અને ઇમેજ બગાડવા માટે પણ આપણું વર્તન જ જવાબદાર હોય છે.
હા, એવું છે!
તમારે કીડેનેપ થવું છે? ફ્રાંસમાં અલ્ટિમેટ રિયાલિટી નામની કંપની છે જેને આપણે આપણા જ અપહરણનું કામ સોંપી શકીએ છીએ! 1600 અમેરિકન ડોલરમાં એ આપણને ઉઠાવી જાય છે અને ચાર કલાક ગોંધી રાખે છે! સવાલ એ થાય કે, કોઇ આવું કરે શા માટે? એનો જવાબ છે કે, થ્રીલિંગ એક્સપિરિયન્સ માટે! ખબર તો પડે કે, અપહરણ કેવી રીતે થાય અને અપહરણ થયા પછી આપણી સાથે શું થાય? દુનિયામાં વિચિત્ર માણસોની ક્યાં કમી છે? કંપનીને ઘણા ઘરાકો મળી રહે છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 જૂન 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com