તેં બહુ વિચાર કર્યો, હવે
કંઇક નિર્ણય લે તો સારું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
યૂં જો તકતા હૈ આસમાન કો તૂ, કોઇ રહેતા હૈ આસમાન મેં ક્યા,
યે મુઝે ચૈન ક્યું નહીં પડતા, એક હી શખ્સ થા જહાન મેં ક્યા.
– જોન એલિયા
દરેક વસ્તુનો એક અંત હોવો જોઇએ. વિચારોનો પણ. વિચારોમાં પણ એક તબક્કે પૂર્ણવિરામ મૂકવું જોઇએ. પોઝિટિવ વિચારોમાં જો પૂર્ણવિરામ ન મૂકાય તો કોઇ નિર્ણય પર પહોંચી શકાતું નથી. નેગેટિવ વિચારોમાં જો પૂર્ણવિરામ ન મૂકાય તો ડિપ્રેસનમાં સરી જવાય છે. માણસનું મનોબળ અને માનસિકતા એના આધારે નક્કી થાય છે કે, એ પોતાના વિચારોને ક્યારે વિરામ આપે છે. આપણે ઘણી વખત વિચારોમાં ખોવાઇ જઇએ છીએ. એ સમયે આપણને એનું પણ ભાન રહેતું નથી કે આપણે ક્યાં છીએ? એક છોકરીની આ વાત છે. બધા ફ્રેન્ડસ ભેગા થયા હતા. બધા એની મસ્તીમાં હતા. એ છોકરી બીજી જ દુનિયામાં હતી. તેની એક ફ્રેન્ડે તેને સહેજ હલાવીને કહ્યું કે, ક્યાં છે તું? શું વિચારે છે? આપણી સાથે પણ ક્યારેક આવું થયું જ હોય છે. આવું થાય ત્યારે આપણે જાણે પકડાઇ ગયા હોઇએ એવું ફીલ કરીએ છીએ. મોટાભાગે આપણો જવાબ એવો જ હોય છે કે, કંઇ નહીં, એમ જ! કારણ વગરનું કશું જ હોતું નથી. વિચારો તો નહીં જ! આવી ઘટના બને ત્યારે જો આપણે ખરેખર આપણા મનની વાત કરી શકીએ તો એ બહુ સારી વાત છે. અલબત્ત, દર વખતે એવું થઇ શકતું નથી. વ્યક્ત થઇ શકાય એવી વ્યક્તિ બધાના નસીબમાં નથી હોતી!
એક બીજા કિસ્સો છે. એક યુવાન આવી જ રીતે પાર્ટીમાં વિચારે ચડી ગયો હતો. એના મિત્રએ જોયું કે, એ ક્યાંક ગૂમ છે. થોડી મિનિટ એ કંઇ જ ન બોલ્યો. પેલો મિત્ર વિચારમાંથી બહાર આવ્યો એટલે એ તેને સાઇડમાં લઇ ગયો. મિત્રને પૂછ્યું, શું વાત છે? તું ખોવાયેલો હતો? એ મિત્રએ કહ્યું કે, થેંક ગોડ, કોઇ તો છે જેને મારી હાલતની પરવા છે! તેની આંખો ભીની થઇ ગઇ. તેણે કહ્યું કે, નોકરી જવાની છે. અમને કહી દેવામાં આવ્યું છે કે, મહિનામાં બીજી નોકરી શોધી લેજો. હમણા બીજે ક્યાંય નોકરીનો મેળ પડે એવું નથી. ટેન્શન થાય છે કે, શું થશે? મિત્રએ કહ્યું, અરે યાર, કંઇકને કંઇક થઇ જશે. દરેક સાથે આવું કંઇકને કંઇક થયું જ હોય છે. જસ્ટ રિલેક્સ, એવરીથિંગ વીલ બી ફાઇન! મિત્રએ કહ્યું, સારું થયું તેં મારા વિચારોને બ્રેક મારી, નહીંતર ખબર નહીં મારી ગાડી ક્યાં જઇને અટકત? જે ગાડી અટકતી નથી એના જ એક્સિડન્ટ થતા હોય છે.
જિંદગી છેલ્લે તો વિચારોના આધારે જ ચાલતી હોય છે. એક વખત એક મનોચિકિત્સકને તેના મિત્રએ પૂછ્યું. તમે માનસિક રોગોની સારવાર કેવી રીતે કરો છો? મનોચિકિત્સકે સરસ વાત કરી. તેણે કહ્યું કે, મોટા ભાગની માનસિક બીમારીઓ વિચારો દીશા ગુમાવે એની કારણે થતી હોય છે. માણસ વિચારોમાં ઘેરાઇ જાય ત્યારે એ હતાશામાં સરી પડે છે. હતાશા એ એવી કોઇ ખાઇ નથી કે માણસ ધડ દઇને પડી જાય. હતાશા એ તો એવું અંધારું છે, જ્યાં માણસ ધીમે ધીમે સરકતો જાય છે. સાવ અંધારું થઇ જાય ત્યાં સુધી એને ખબર જ નથી પડતી કે એ ક્યાં પહોંચી ગયો છે. આવા સમયમાં જો કોઇ સ્વજન કે મિત્ર હોય તો અંધારામાં સરી જતી પોતાની વ્યક્તિનો હાથ ઝાલી લે છે. એને અંધારા સુધી પહોંચવા જ નથી દેતા. અજવાળામાં પાછો લઇ આવે છે. ડિપ્રેશનમાં એ જ માણસ સરી જાય છે જેને માનસિક સારવાર મળતી નથી. દરેક માણસને જિંદગીમાં ક્યારેક તો હતાશા આવે જ છે. મન નબળું પડે ત્યારે કાં તો મનોચિકિત્સકની જરૂર પડે છે, કાં તો માવજતની! તેણે કહ્યું કે, મેડિસિન તો બરાબર છે પણ અમારું સાચું કામ તો માનિસક બીમારના વિચારોને પાછા ઠેકાણે લાવવાનું હોય છે. જેમ લોહીમાં અમુક તત્ત્વો ખૂટે ત્યારે તેની સારવાર આપવામાં આવે છે, એમ અમે વિચારોમાં જે ખૂટતું હોય એ પૂરું કરીએ છીએ. માનસિક બીમારી પાછળ વિચારો જ જવાબદાર છે. માણસ જ્યારે કોઇ નિર્ણય કરી શકતો નથી ત્યારે એ ભટકી જાય છે. વિચારોને પણ એક તબક્કે કહેવું પડે છે કે, ઇનફ ઇઝ ઇનફ.
એક બોસ હતો. એ એના ડિસિઝનમાં બહુ પાવરફૂલ હતો. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તમે આટલા સચોટ નિર્ણયો કેવી રીતે લઇ શકો છો? તેણે કહ્યું કે, સાવ સિમ્પલ છે. મારે કોઇ ડિસિઝન લેવાનું હોય ત્યારે સૌથી પહેલા તો હું એક ટાઇમ લિમિટ નક્કી કરી લઉં છું. નક્કી કરું છું કે, કાલ અથવા તો આટલા સમયમાં હું આ વિશે નિર્ણય લઇ લઇશ. એના પર ત્યાં સુધી વિચાર કરું છું. પ્લસ-માઇનસ પોઇન્ટસ વિચારું છું. ફાઇનલી જે યોગ્ય લાગે તે નિર્ણય લઇ લઉં છું. વાત ફક્ત નિર્ણય લેવાની જ નથી હોતી. એક વખત નિર્ણય લઇ લીધા પછી તેમાંથી મુક્ત થઇ જવાની પણ હોય છે. આપણે નિર્ણય કરીને પછી પણ જાત જાતના વિચારો કરતા હોઇએ છીએ. શું થશે? આવું થશે તો? આવું નહીં થાય તો? જે થવાનું ન હોય એવા વિચારો કરી લેતા હોઇએ છીએ. નિર્ણય કરી લીધા પછી એના પર વધુ વિચાર કરવો જોઇએ નહીં. આપણે નિર્ણય લીધા પછી પણ એવું વિચારતા હોઇએ છીએ કે, આના કરતા આમ કર્યું હોત તો? નિર્ણય સાદો હોય કે ગંભીર હોય, જેમ બને એમ એના અંતિમ છેડે પહોંચી જાવ. ઘણા લોકો તો ક્યાંક જવાનું હોય ત્યારે ટ્રેનમાં જવું કે પ્લેનમાં, ટ્રેનમાં જવું તો ક્યાં ક્લાસમાં જવું, એના જેવા નિર્ણયો કરવામાં પણ મગજ બગાડતા હોય છે.
દરેક માણસને પોતાના વિચારોની કદર અને કિમત હોવી જોઇએ. મારો મગજ બગાડવા માટે નથી. મારા વિચારો એટલા હલકા નથી કે હું કોઇની ખટપટમાં તેને બગાડું. મારે નબળા વિચારો કરવા જ નથી. વિચારોને નબળા પાડે તેવા લોકો અને તેવા વાતાવરણથી દૂર રહેતા જેને આવડે છે એ માણસ સમજુ છે. આપણી આજુબાજુમાં જે કંઇ હોય છે તેની આપણને અસર થાય છે. અગ્નિની નજીક હોય તો તાપ લાગવાનો જ છે. આપણને એટલી ખબર પડવી જોઇએ કે આ વ્યક્તિથી કે આ ઘટનાથી મારે દૂર રહેવું છે. એક છોકરીની આ વાત છે. બધા મિત્રો ભેગા થવાના હતા. તેને પૂછ્યું તો તેણે ના કહી. મારે નથી આવવું. મને ખબર છે બધા ભેગા થઇને શું કરવાના છે. એક બીજાને ઉતારી પાડવાની ગેમમાં મારે પડવું જ નથી! એના કરતા હું મારી મસ્તીમાં સારી છું.
વિચાર કર્યા વગર કંઇ ન કરો પણ કોઇ એક મુદ્દા ઉપર એક હદથી વધારે વિચાર પણ ન કરો. ઓવરથિંકિંગ અધોગતિ નોતરે છે. એક યુવાનની આ વાત છે. એને એક પર્સનલ પ્રોબ્લેમ હતો. એ યુવાન ફિલોસોફર પાસે ગયો. પોતાના પ્રોબ્લેમની વાત કરી. ફિલોસોફરે બધા પાસા સમજાવીને કહ્યું કે, તારી પાસે આટલા રસ્તા છે. એમાંથી તને ક્યો રસ્તો ફાવે એમ છે એ નક્કી કરી લે. તેમણે એમ પણ કહ્યું કે, તારા સ્થિતિ મુજબ જો તું આ માર્ગ લે તો તારા માટે સારું છે. એ યુવાન દર બીજા દિવસે ફિલોસોફર પાસે આવવા લાગ્યો. અમુક સમય સુધી તો ફિલોસોફરે તેને સમજાવ્યો. આખરે એવું કહ્યું કે, તેં બહુ વિચાર કરી લીધો, હવે કંઇક નિર્ણય કરી લે તો સારું. જિંદગી તારી છે એટલે આખરી નિર્ણય તારો જ હોવો જોઇએ. હું તો માત્ર એટલું કહીશ કે, કોઇપણ નિર્ણય લઇ લે. એક સમસ્યામાંથી બહાર આવી જા. જ્યાં સુધી તું કંઇ નિર્ણય નહીં કર ત્યાં સુધી તું ઘૂંટાતો જ રહેવાનો છે. દરેક નિર્ણયો સહેલા નથી હોતા પરંતું અઘરા નિર્ણયો પણ ક્યારેક લેવા જ પડતા હોય છે. અવઢવમાં રહે છે એ અટવાતો જ રહે છે!
છેલ્લો સીન :
અવઢવ અને અસમંજસનો યોગ્ય સમયે અંત આવવો જોઇએ. જો ન આવે તો સમજવું કે, વિચારોને વિરામ આપીને યોગ્ય નિર્ણય લેવામાં આપણે ઊણાં ઉતરીએ છીએ. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 20 જૂન 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com