લાઇફ ક્યારેય પૂરેપૂરી
સેટ થવાની જ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
અમારી દુર્દશા માટે તમારા વાંક શું
ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક
શું ગણવા ?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ
છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
– અશરફ ડબાવાલા
બસ હવે આટલું થઇ જાયને એટલે હાશ. આ એક મહત્વનું કામ પતી જાયને એટલે શાંતિ. દરેક માણસને એવું થાય છે કે, જિંદગીમાં એક તબક્કે શાંતિ થશે. જિંદગીમાં અમુક કામો કરવા પડતા હોય છે, અમુક જવાબદારીઓ નિભાવવી પડતી હોય છે. આપણને એની સામે કોઇ વાંધો પણ નથી હોતો. આપણે જિંદગીના પડાવો, મુકામો, સફરો અને મંઝિલની એક કલ્પના કરીને જીવતા હોઇએ છીએ. નજર સામે કોઇને કોઇ પહાડ જેવો પડકાર હોય છે. આપણને એમ થાય કે, આ એક પહાડ ચડી લઉં પછી ટોચ ઉપર શાંતિ ફીલ કરીશ. માંડ માંડ એ પહાડની ટોચે પહોંચીએ છીએ ત્યાં બીજા પહાડો ઉભા થઇ ગયા હોય છે. સમય અને જિંદગી સાથે સતત એક કશ્મકશ ચાલતી રહે છે. ક્યારેક તો જિંદગી સાથે ઝઘડવાનું મન થાય છે. જિંદગી સાથે ઝઘડવાનો પણ કોઇ મતલબ હોતો નથી. જિંદગી સામે તમે જીતી શકતા નથી, જિંદગી સામે હારી પણ શકાતું નથી. જિંદગી સાથે તો છેલ્લે સમાધાન જ કરવું પડતું હોય છે. જિંદગી જેવી હોય એવી સ્વીકારવી જ પડતી હોય છે. જિંદગી સામે સવાલો કરશો તો એ કહેશે કે, મને તું ગમાડીશ તો પણ હું તારી છું, મને તું નહીં ગમાડે તો પણ હું તારી છું. બેસ્ટ વે એ છે કે, જો હું તને ન ગમતી હોવ તો તું મને એવો આકાર આપ કે, હું તને ગમવા લાગું. જિંદગીને કહેવાનું મન થાય છે કે, રોજરોજ તને ગમતી કરવા માટે આકાર આપવાનો તો પ્રયાસ કરું છું. તું માંડ થોડોક આકાર ધારણ કરે છે ત્યાં તો તારું રૂપ જ બદલી નાખે છે. જિંદગીએ કહ્યું કે, હું તો આવી જ છું અને આવી જ રહેવાની છું! હું અકલ્પનિય, અચોક્કસ, અઘરી, આકરી છું એની સાથોસાથ જ હું અદભુત અને અલૌકીક પણ છું. લવ યુ જિંદગી કહીને તમે જિંદગીને પ્રેમ કરી શકો પણ જિંદગી તમને પ્રેમ કરશે જ એની કોઇ ગેરન્ટી નથી. એ તો ક્યારેક આડી ફાટશે, ક્યારેક મોઢું મચકોડશે, ક્યારેક પડકાર ફેંકશે અને ક્યારેક એવું કરશે જેની તમને સપનામાંયે કલ્પના કરી નહીં હોય! જિંદગી ગમે તે કરે તો પણ જિંદગીને પ્રેમ કરવાનું ન છોડવું એનું નામ જ જિંદગી જીવવાની આવડત! ગમે એવી છે પણ પોતાની છે!
આપણે બધા જ જિંદગીને સેટ કરવાના પ્રયાસો કરતા રહીએ છીએ. એક યુવાનની આ વાત છે. તેને થતું કે, સારી રીતે સ્ટડી પૂરું થઇ જાયને એટલે હાશ. એક છોકરી સાથે પ્રેમ હતો. તેની સામે મેરેજ થઇ જાય એટલે એક સપનું પૂરું થઇ જશે. સારી નોકરી મળી જાય અને એક ઘર લઇ લઉં એટલે જિંદગી સેટ! આટલું થઇ ગયું, પછી પણ રોજને રોજ કોઇને કોઇ ઇસ્યૂ આવતા જ હતા. પત્ની જોબ ઉપર જતી હતી ત્યારે એનો એક્સિડન્ટ થઇ ગયો. પત્નીની સારવારમાં ધ્યાન આપવા ગયા ત્યાં ઓફિસમાંથી નોટિસ મળી કે, આજકાલ તમે તમારી કામમાં બેપરવાહ થઇ ગયા છો. જે કંઇ બચત હતી એ પત્નીની સારવારમાં વપરાઇ ગઇ એટલે આર્થિક પ્રશ્નો પણ ખડા થયા. કાર અને મકાનની લોનના હપતા કેવી રીતે ભરવા એનો પ્રોબ્લેમ થઇ ગયો. તેને વિચાર આવ્યો કે, આ બધી મુશ્કેલીઓ કરતા તો અગાઉ સ્ટડી પૂરું કરવાના, સારી રીતે પાસ થવાના, સારી નોકરી મેળવવાના અને લવ મેરેજ કરવાના પડકારો વધુ સહેલા હતા. એ યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, ગમે તે કરું છું પણ જિંદગી તો સેટ થતી જ નથી. તમે મને એ કહેશો કે, આખરે જિંદગીનું સેટિંગ છે શું? સંતે કહ્યું કે, છેને, જિંદગીનું પણ સેટિંગ છે. આ સેટિંગનું સૌથી મોટું સત્ય એ છે કે, જિંદગી ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ સેટ થવાની જ નથી. જિંદગી રોજે રોજ સેટિંગ બદલતી રહે છે. આપણે રોજે રોજ એને સેટ કરતી રહેવી પડે છે. ક્યારેક થોડોક સમય એવું લાગે છે કે, હવે બધું જ સેટ થઇ ગયું છે! આપણને સુખ અને શાંતિની અનુભૂતિ પણ થાય છે. એ સમયને સોએ સો ટકા માણી લેવો. એનું કારણ એ છે કે, આપણને જે સેટ લાગતું હોય એ ક્યારે અપસેટ થઇ જાય તેનું કંઇ નક્કી હોતું નથી.
આપણને ક્યારેક એવો પણ વિચાર આવી જાય કે, આખી જિંદગી જિંદગીને સેટ કરવામાં જ કાઢવાની છે? જિંદગીને પટાવી પટાવીને જીવવામાં ક્યારેક તો બહુ થાક લાગે છે. એક પ્રેમી અને પ્રેમિકાની આ વાત છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને રેગ્યુલર મળે. થોડો સમય બેસે. છોકરો થોડી જ મિનિટોમાં જવાની વાત કરે. મારે તૈયારી કરવાની છે. બસ એક વાર સારી જોબ મળી જાય પછી આપણે મસ્ત રીતે જીવીશું. એક વખત તેની પ્રેમિકાએ કહ્યું કે, તું જીવવાનું ક્યાં સુધી પેન્ડિંગ રાખીશ? આવી જ રીતે વિચારીશ તો જીવવાનું પેન્ડિંગ જ રહી જશે. હું એમ પણ નથી કહેતી કે, તું વધારે સમય આપ. જેટલો સમય છે એટલો તો એન્જોય કર. મારી સાથે હોય ત્યારે તું મારી સાથે જ રહે. તું તો કલ્પનાની દુનિયામાં હોય છે. તારી દરેક વાતમાં પણ એવું જ હોય છે કે, આ થઇ જશે એટલે આમ કરીશું, તે થઇ જશે એટલે તેમ કરીશું. અત્યારનું શું? મારો હાથ પકડીને શાંતિથી બેસ. આ સમય, આ ક્ષણને ફીલ કર. સરસ મજાનું વાતાવરણ છે. બેસ્ટ ટાઇમ તો આ છે. મને તો એવો વિચાર આવી ગયો હતો કે, કેટલો સરસ સમય છે? આવો સમય પાછો મળશે કે કેમ? બહાર નીકળ આવતી કાલમાંથી અને આજને માણ! કલ્પનાઓમાંથી બહાર આવ અને વાસ્તવિકતામાં જીવ! કલ્પના તો સાકાર થશે ત્યારે થશે, અત્યારે છે એ ક્યાં કમ છે?
આવતી કાલની એટલી ચિંતા ન કરો કે આજ તરફ ધ્યાન જ ન રહે! આવતી કાલ વધુ સારી હશે, આવતી કાલને સારી બનાવવા માટે મહેનત પણ કરો, સાથોસાથ એ પણ જરૂરી છે કે, આજને પણ ઇગ્નોર ન કરો. જિંદગી વર્ષોની હોય છે પણ અનુભૂતી તો ક્ષણની જ હોય છે. આ ક્ષણે તમે સુખીની અનુભૂતી કરી શકો છો? આ સમયે તમે ખુશ અને મજામાં હોવાનો અહેસાસ માણી શકો છો? જેને આજમાં જીવતા આવડે છે એને કાલનો થાક લાગતો નથી. કાલનો સ્વસ્થતાથી સામનો કરવા માટે આપણી આજ હસતી, રમતી અને જીવતી હોય એ જરૂરી છે. જિંદગી આપણે ધારતા કે માનતા હોઇએ એટલી અઘરી હોતી નથી. આપણે જિંદગીને અઘરી બનાવી દેતા હોઇએ છીએ. જિંદગી તો જ સરળ, સહજ અને જીવવા જેવી લાગશે જો તમે નાની નાની વાતોને માણી શકશો. એક છોકરી ફિલોશોફર પાસે ગઇ. તેણે કહ્યું કે, મારે જિંદગીને સમજવી છે. શું વાંચવું જોઇએ? ફિલોસોફરે કહ્યું, વાંચવાની કે બીજું કંઇ કરવાની જરૂર જ નથી. તારે જિંદગીને સમજવી છેને? તું જિંદગીને જીવવાનું શરૂ કરી દે? તું તો જિંદગીની ચિંતા જ એટલી કરે છે કે જિંદગી જીવવાની તો તને ફૂરસદ જ નથી. જિંદગી વિશે બહુ વિચારવાની પણ જરૂર નથી. તમે મસ્તીથી જીવો છો, તમને કોઇ અફસોસ નથી, કોઇ ફરિયાદ નથી, કોઇ વસવસો નથી, કોઇ નારાજગી નથી, જે છે એનાથી તમે ખુશ છો તો માનજો કે તમે જિંદગી જીવો છો! બહુ ચિંતાઓ, ઉપાધિઓ, ફિકરો ન કરો, કોઇ લોડ ન લો. એવું કરશો તો પણ તમે જે પરિસ્થિતિ છે એમાં કોઇ ફેરફાર કરી શકવાના નથી. મજામાં હશો તો બધું કરી શકશો. જિંદગી વિચારવાનો વિષય જ નથી, જિંદગી તો જીવવાનો વિષય છે. તમને જો જિંદગી જીવતા આવડતી હોય તો તમારે કોઇ ફિલાસોફી, કોઇ મોટીવેશન, કોઇ પ્રેરણા કે કોઇ કારણની પણ જરૂર નથી. રસ્તેથી જે ભટકી જાય છે એણે જ મેપ અને જીપીએસની જરૂર પડે છે! જેને ખબર છે કે પોતે સાચા રસ્તે છે એને કંઇ જોવું પડતું નથી. જિંદગીને જાણવાનું સાચું રહસ્ય જિંદગીને માણી લેવામાં જ છુપાયેલું છે!
છેલ્લો સીન :
જિંદગી એ એવી રમત છે જેના દાવ રોજે રોજ રમવા પડે છે અને જીતવા પણ પડે છે. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 13 જૂન 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com