લિવ ઇન રિલેશન
જેટલાં મોઢાં એટલી વાતો
જેટલી કોર્ટો એટલા ચૂકાદા
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
—–0—–
લિવ ઇન રિલેશનશિપનું નામ પડે એટલે
આજની તારીખે પણ ઘણાના નાકનું ટેરવું ચડી જાય છે.
સામા પક્ષે એ પણ હકીકત છે કે, નવી જનરેશનના યંગસ્ટર્સ
એમાં કશું ખોટું કે અયોગ્ય નથી સમજતા. બે દિલ મળે અથવા તો
પોતાની સુવિધા માટે પુખ્ત વયના બે જણા સાથે રહેવાનું નક્કી કરે તો
તેને કાયદો રોકી શકતો નથી. અલબત્ત, આપણે ત્યાં લિવ ઇન રિલેશન્સને
લઇને કોઇ સ્પષ્ટ કાયદો નથી, એના કારણે દરેક કોર્ટ પોતાની મુનસફી પ્રમાણે
અથવા તો અગાઉના ચુકાદાઓના આધારે ચુકાદાઓ આપતી રહે છે.
લિવ ઇન રિલેશન ઘણા પ્રશ્નો સર્જે છે,
જેના જવાબો હોવા જોઇએ, ચોખ્ખોચટ કાયદો હોવો જોઇએ!
—–0—–
પ્રેમ, લગ્ન, દાંપત્ય અને સહવાસ વિશે દરેકને પોતપોતાના અભિપ્રાયો અને મંતવ્યો હોય છે. લગ્નમાં પણ વળી ઘણા એરેન્જ મેરેજ પર ભાર આપે છે, તો ઘણા લવમેરેજને વાજબી ગણે છે. લિવ ઇન રિલેશનનું નામ પડે એટલે આજની તારીખે ઘણાના ભવાં તંગ થઇ જાય છે. આપણા દેશમાં એવા લોકોની કમી નથી જે આવા સંબંધોને વ્યભિચારની કક્ષાએ મૂકી દે છે. ઘણા છોકરા છોકરીઓને પોતાની રીતે રહેવું હોય છે પણ ઘરના લોકો માનતા નથી. આપણા દેશનો કાયદો એવું કહે છે કે, બે પુખ્ત વયની વ્યક્તિ ઇચ્છે તો સાથે રહી શકે છે. સાથે રહેવા માટે લગ્ન કરવાની કોઇ જરૂર નથી. એરેન્જ મેરેજ મામલે ઘણા યંગસ્ટર્સ એવું કહે છે કે, એમ કેમ એક બે મુલાકાતમાં નક્કી થઇ શકે કે, આની સાથે જિંદગી પસાર કરવામાં વાંધો નહીં આવે? આ વાત છોકરા અને છોકરી બંનેને લાગુ પડે છે. લાંબી રિલેશનશીપ હોય તો પણ માણસ પૂરેપૂરો ઓળખાતો નથી, તો થોડીક મિનિટો કે કલાકોમાં ક્યાંથી પરખાવવાનો છે? લિવ ઇન રિલેશન હજુ આમ તો મોટા શહેરો પૂરતું જ મર્યાદિત રહ્યું છે. આપણે ત્યાં લોકોનું ચાલે તો એ લગ્નના પુરાવાઓ માંગે એમ છે!
પ્રેમ અને વર્ષોની રિલેશનશીપ પછી કરેલા લગ્ન પણ ટકતા નથી. પ્રેમમાં હોઇએ ત્યારે તો બધું રુડું રૂપાળું અને સારું સારું જ લાગે છે. એક ઘરમાં એક રૂમ, એક બેડ અને બીજું બધું જ શેર કરીને રહેવું એ સાવ સહેલું તો નથી જ. સાથે રહેતા થાય ત્યારે જ ખબર પડે કે ખરેખર વ્યક્તિ કેવી છે? માણસની આદતોથી માંડીને દાનતો પૂરેપૂરી બહાર આવતા બહુ વાર લાગતી હોય છે. એના કરતા સાથે રહી જોઇએ, ફાવશે તો રહીશું એવું વિચારનારા પણ ઘણા છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે, લોકોને ઓળખવા માટે કેટલો સમય જોઇએ? એ તો વ્યક્તિ ઉપર આધાર રાખે છે. કોઇ ફટ દઇને સમજાય જાય છે તો કોઇ ક્યારેય સમજાતા જ નથી. લગ્નને આપણે ત્યાં ભવોભવનું બંધન કહે છે. આ ભવના જ જ્યાં ઠેકાણા ન હોય ત્યાં ભવોભવની ક્યાં કરવાની? માણસ કાયમ માટે એક સરખો પણ રહેતો નથી. સમયની સાથે બદલાય છે. આપણે ઘણાના મોઢે સાંભળીએ છીએ કે, એ પહેલા આવો નહોતો, અથવા પહેલા તો એ બહુ ડાહી અને સમજુ હતી. લિવ ઇન રિલેશન વિશે એટલે ઘણા લોકો એવું કહે છે કે, ન ફાવે એટલે છુટ્ટા. મુંબઇ જેવા શહેરોમાં તો છોકરો અને છોકરી પ્રેમ ઉપરાંત પોતાની સગવડતા ખાતર પણ સાથે રહેતા હોય છે. લિવ ઇન રિલેશનમાં માનનારાની માનસિકતા થોડાક જુદા પ્રકારની હોય છે. અમુક કલ્ચર બધા પચાવી શકતા નથી.
સંબંધ પ્રેમનો હોય, લગ્નનો હોય કે લિવ ઇન રિલેશનનો હોય એની સાથે હેન્ડલ વીથ કેરની ટેગ લાગેલી જ હોય છે. દરેક સંબંધમાં થોડો ઘણો સ્વાર્થ હોય છે પણ સાથોસાથ એ પણ સત્ય છે કે, માત્ર સ્વાર્થ હોય ત્યાં સંબંધ લાંબા ટકતા નથી. સંબંધો સ્નેહ, સાંનિધ્ય અને સંવેદનાથી જ ટકે છે. સંબંધમાં હવે આપણે નથી રમતા એમ કહીને ખંખેરીને ઊભું નથી થઇ જવાતું. સંબંધ તૂટે ત્યારે પેઇન પણ થતું હોય છે. એક નાતો બંધાય ત્યારે ઘણું બધું જોડાતું હોય છે. એ તૂટે ત્યારે પોતાની જાતને સંભાળવાનું પણ આકરું લાગે છે.
લિવ ઇન રિલેશનમાં પણ કંઇ ઓછા ઇસ્યૂ નથી આવતા. આપણે ત્યાં એક પ્રોબલેમ એ છે કે, લિવ ઇન રિલેશન વિશે કોઇ સ્પષ્ટ કાયદાઓ જ નથી. લિવ ઇન રિલેશન અંગેના કેસો કોર્ટમાં જાય છે ત્યારે દરેક કોર્ટે કાં તો પોતાની મુનસફી પ્રમાણે, કાં તો કોઇ કાયદાનો આધાર લઇને અથવા તો અગાઉ કોર્ટે આપેલા ચૂકાદાને ટાંકીને હુકમ આપે છે. આપણે બધા સમયે સમયે મીડિયામાં લિવ ઇન રિલેશન વિશે જાતજાતના સમાચારો વાંચતા રહીએ છીએ. લિવ ઇન રિલેશનમાં પણ લગ્ન જેટલી જ જવાબદારીઓ નિભાવવાની હોય છે, લગ્ન વગર અમુક વર્ષો સાથે રહ્યા હોય તો ભરણ પોષણ પણ આપવાનું હોય છે, લિવ ઇન રિલેશનના કારણે બાળકનો જન્મ થાય તો એની જવાબદારી પણ ઉઠાવવાની હોય છે, બેમાંથી એકનું અવસાન થાય ત્યારે સંપત્તિ અને વારસાનો સવાલ પણ ઊભો થાય છે. લિવ ઇનમાં રહેતા કપલની સુરક્ષાના મુદ્દે પણ વિવાદો થતા રહે છે.
હમણાની એક વાત છે. પંજાબ હાઇકોર્ટે લિવ ઇનમાં રહેતા એક કપલ વિશે એવો ચુકાદો આપ્યો કે, લિવ ઇન સંબંધો નૈતિક અને સામાજિક રીતે અસ્વીકાર્ય છે. આખો કેસ એવો છે કે, એક કપલે કોર્ટમાં એવી અપીલ કરી કે, અમે બંને સાથે રહીએ છીએ અને ભવિષ્યમાં લગ્ન કરવાના છીએ. છોકરીનો પરિવાર રાજી નથી. એનાથી અમારા જીવ ઉપર ખતરો છે. અમને પોલીસ રક્ષણ અપાવો. કોર્ટે સંબંધોને જ અયોગ્ય ગણાવીને ના પાડી દીધી. જસ્ટિસ એચ.એસ. મદાને કહ્યું કે, આવું કરીને આ કપલ પોતાના લિવ ઇન રિલેશન પર મંજૂરીની મહોર મરાવવા ઇચ્છે છે. નૈતિક અને સામાજિક રીતે એ યોગ્ય નથી! આ ચુકાદાએ ચર્ચાને જન્મ આપ્યો છે, કારણે કે અગાઉના અનેક ચુકાદાઓમાં લિવ ઇન રિલેશનને ગેરકાયદે, અયોગ્ય કે અસામાજિક ગણવામાં આવ્યા નથી. 2018માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે એવો ચુકાદો આપ્યો હતો કે, પુખ્ત વયના છોકરા-છોકરીને લગ્ન વગર સાથે રહેવાનો અધિકાર છે. છોકરો કે છોકરી પુખ્ત થઇ જાય પછી એની જિંદગી એને કેવી રીતે જીવવી એ પસંદ કરવાનો એને અધિકાર મળી જાય છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં તો એવું પણ કહ્યું છે કે, લિવ ઇન રિલેશનને કાનૂની સ્વીકાર મળેલો છે. 2005ના ઘરેલું હિંસા નિવારણ કાયદામાં લિવ ઇનમાં રહેતી મહિલાઓને પણ રક્ષણ આપવામાં આવ્યું છે. બીજા એક કિસ્સામાં સેકસ સંબંધ બાબતે પણ ચોખવટ કરવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે, સમાજની પરંપરા મુજબ શારીરિક સંબંધો બે વિવાહિત વ્યક્તિઓ વચ્ચે હોય એને યોગ્ય અને સ્વીકાર્ય માનવામાં આવે છે પરંતું બંધારણની 497મી કલમ મુજબ વ્યભિચારના અપવાદને બાદ કરતા પોતાની ઇચ્છાએ સ્વૈચ્છિક શારીરિક સંબંધ કોઇ ગુનો નથી. 2013માં સુપ્રીમ કોર્ટે ઇન્દ્રા સરમા અને વી.કે.વી. સરમાના કેસમાં એવું કહ્યું હતું કે, લિવ ઇન રિલેશન ન તો ગુનો છે અને ન તો પાપ છે, ભલે સમાજ એનો સ્વીકાર કરતો ન હોય. લિવ ઇન રિલેશનના કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે ત્યારે એ પણ જરૂરી છે કે, દેશમાં આવા સંબંધો વિશે સ્પષ્ટ જોગવાઇઓ કરવામાં આવે. લિવ ઇનમાં રહેતા કપલને બંનેને કાનૂની રક્ષણ મળે જેથી એ લોકોના સંબંધમાં પણ ઊભા થતા વિવાદોનો નિવેડો લાવી શકાય.
થોડા દિવસો અગાઉ 69 વર્ષના અસાવરી કુલકર્ણી અને એના જેવડા જ એટલે કે 69 વર્ષના અનિલ યાર્દીનો લિવ ઇન રિલેશનનો કિસ્સો ખૂબ ગાજ્યો હતો. પૂણેના વસંત બાગમાં આ કપલ છ વર્ષથી લિવ ઇનમાં રહે છે. સમાજની વાત કરતી વખતે બંનેએ એવું કહ્યું કે, કોણ શું બોલે છે એનાથી અમને કંઇ જ ફેર પડતો નથી. આસાવરીબેને કહ્યું કે, સાવ એકલી રહેતી હતી ત્યારે ઇમરજન્સીમાં પણ સમાજમાંથી કોઇ હાલચાલ પૂછવા આવ્યું નહોતું. અનીલ યાર્દીએ કહ્યું કે, બોલવાવાળા તો બોલવાના છે, તમારા નિર્ણય તમારે કરવાના છે. અનીલ અને આસાવરી તો એકલતા ટાળવા માટે એક થયા હતા. યંગ કપલના લિવ ઇનમાં રહેવાના કારણો જુદા હોય છે. રહેવાનું શરૂ કરે ત્યારે પ્રેમ સૌથી મોખરે હોય છે પણ સમય જતા ઘણા કિસ્સામાં પ્રેમ ઓસરી જાય છે. એ પછી ઘણા સામાજિક, આર્થિક અને કાયદાકીય પ્રશ્નો સર્જાતા હોય છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે, કાયદામાં લિવ ઇન સંબંધો વિશે જોગવાઇઓ તો છે જ, પણ જે સ્પષ્ટતાઓ હોવી જોઇએ એમાં થોડુંઘણું ખૂટે છે, એ પૂરું થવું જોઇએ.
આપણો દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. મતલબ કે આખી દુનિયામાં યુવાનોની સૌથી વધુ વસતિ આપણા દેશમાં છે. આ યુવાનોના પ્રશ્નો પણ છે, તેનું નિરાકરણ હોવું જોઇએ. સમાજ કે લોકો ભલે ગમે તે કહેતા હોય પણ આજના યુવાન સમજુ, ડાહ્યો અને મહેનતુ છે. એને એ પણ ખબર છે કે, અમારા નિર્ણયો લેવાનો અમને અધિકાર છે. સંબંધો બહુ નાજુક ચીજ હોય છે. એક કહેવત બહુ જાણીતી છે કે, મીંયા બીબી રાજી તો ક્યા કરેગા કાઝી. હવે તેમાં થોડોક બદલાવ કરીને એવું કહેવુ પડે એમ છે કે, છોકરો-છોકરી રાજી તો પછી જેને જે કરવું હોય એ કરે, જે કહેવું હોય એ કહે, કંઇ ફેર પડતો નથી!
હા, એવું છે! :
દુનિયામાં માણસ સૌથી વધુ શું ખોટું બોલે છે એની તમને ખબર છે? એ છે, હું મજામાં છું. આઇ એમ ફાઇન! વળી, આ જુઠ્ઠાણું માત્ર આપણા દેશ પૂરતું જ નથી, યુનિવર્સલ છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 જૂન 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com