એની પીડા મારાથી
કેમેય જોવાતી નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ધારી શકાય એવું, ભાળી શકાય એવું,
ઇશ્વર કદી લખે નહીં વાંચી શકાય એવું!
માપી શકાય એવું, પામી શકાય એવું,
જાણી નથી શકાયું જાણી શકાય એવું.
-નિનાદ અધ્યારુ
———-
જિંદગીની અમુક ક્ષણો વીતી ગયા પછી પણ પીછો છોડતી નથી.
એ અચાનક સજીવન થઇ જાય છે.
એ ક્ષણો આપણને ધ્રુજાવી દે છે.
થોડાક હચમચીને, થોડાક ખળભળીને
આપણે સ્વસ્થ થઇ જવું પડતું હોય છે.
————
જિંદગી રોજે રોજ જુદા જુદા રૂપ ધારણ કરીને આપણી સામે પ્રગટ થતી હોય છે. આપણે કોઇ દિવસ કલ્પના પણ કરી ન હોય એવું જ્યારે બને ત્યારે આપણી બુદ્ધી બહેર મારી જાય છે. જિંદગી ક્યારેક એવો સવાલ લઇને આવે છે જેનો કોઇ જવાબ જ નથી હોતો. જિંદગી એનો જવાબ પણ પોતાની રીતે જ શોધીને ફરીથી સામે આવે છે. જિંદગીના અમુક જવાબો સહન થાય એવો હોતા નથી. આપણી પાસે એ જવાબ સ્વીકારવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ હોતો નથી. આપણે છેલ્લે એને નસીબના હવાલે છોડી દઇએ છીએ. ક્યારેક એવું કહીએ છીએ કે, જેવી ભગવાનની મરજી! સત્યના સ્વીકાર માટે પણ ઘણી વાર કોઇ આધાર જોઇતો હોય છે. સત્યને ક્યાંક ટેકવીને આપણે સાંત્વના મેળવતા હોઇએ છીએ. આપણા હાથની વાત હોય ત્યાં સુધી તો આપણે લડી લઇએ છીએ પણ ક્યારેક હથિયાર હેઠાં મૂકી દેવા પડે છે. બધું તમારી નજર સામે થઇ રહ્યું હોય અને તમે કંઇ ન કરી શકો! ખુલ્લી આંખે નસીબના ખેલ જોવા પડે છે.
એક માણસની આ વાત છે. એને ડરામણા સપના આવતા હતા. રોજ રાતે ઊંઘમાં સપનું જુએ અને ઝબકીને જાગી જાય. થોડી વારે સમજાય કે આ તો સપનું હતું. તેને હાશ થાય. તે રોજ ખરાબ સપનાને વગોવતો હતો. મારા સપના મને ડરાવી દે છે. એક વખત તેની જિંદગીમાં એક ઘટના બની. તેની નજરની સામે જ એક સ્વજનને અકસ્માત થયો. તેણે જે જોયું એનાથી એ હચમચી ગયો. પહેલા તો એને થયું કે, આ એક ખરાબ સપનું છે. એને પછી ભાન થયું કે, આ સપનું નહીં પણ વાસ્તવિકતા છે. એ ભાંગી પડ્યો. જે ખરાબ સપના વિશે એ બખાળા કાઢતો હતો એને યાદ કરીને જ એ એવું બોલ્યો કે, કાશ આ પણ એક બૂરું સપનું હોત! જિંદગીની ઘણી ઘટનાઓ ખરાબ સપના કરતા પણ વધુ પીડાજનક હોય છે. સપનું તો થોડીક વારમાં તૂટી જાય છે પણ જે ઘટના ઘટી હોય છે એ જિંદગીભર પજવતી રહે છે.
માણસ ગમે એવો મજબૂત હોય એ પોતાના લોકોની પીડા જોઇ શકતો નથી. આપણી જિંદગી સાથે જે જોડાયેલા છે એના વિશે આપણે એવું કહીએ છીએ કે, એ તો મારો જીવ છે! એ વ્યક્તિ જ્યારે કોઇ મુશ્કેલી, કોઇ દર્દ, કોઇ પીડા કે કોઇ તકલીફથી ઘેરાયેલી હોય ત્યારે આપણો જીવ મૂંઝાય છે. એક માની આ સાવ સાચી વાત છે. એનો નાનકડો દીકરો બીમાર પડ્યો. બીમારીના કારણે એ કંઇ ખાતો નહોતો. મા એને કરગરતી હતી કે, હું તને હાથ જોડું છું. તું થોડુંક ખાઇ લે. મા છેલ્લે તો રડી પડતી હતી. એક કોળિયો તો ખાઇ લે. આપણી બધાની જિંદગી ક્યારેક એવો સમય આવ્યો હોય છે, જ્યારે કોળિયો ગળે ન ઉતરે! એક ડૂસકું ગળામાં થીજી ગયું હોય છે. પેટમાં એક ફાળ પડેલી હોય છે. વાતે વાતે ધ્રાસ્કો વાગે છે. હમણાની આ વાત છે. એક છોકરીને કોરોના થયો. એને દવાખાને દાખલ કરવામાં આવી. પોતાની બહેનને એકલું ન લાગે એટલા માટે સાથે રહેવાની મનાઇ હોવા છતાં એનો ભાઇ પીપીઇ કીટ પહેરીને એની પાસે જતો. બેન સાથે થોડોક સમય વીતાવતો. બહેનનું ઓક્સિજન લેવલ ઉપર નીચે થતું હતું. ઓક્સિજન લેવલ નીચું જાય એ સાથે જ ભાઇનો શ્વાસ અદ્ધર ચડી જતો. ભાઇની હાલત જોઇને એક વખત તો બીમાર બહેને ઇશારો કરીને કહ્યું કે, બહુ ચિંતા ન કર, સારું થઇ જશે મને! આપણી વ્યક્તિ બીમાર હોય ત્યારે આપણે સાજા સારા હોવા છતાં એક પીડા અનુભવતા હોઇએ છીએ. સ્વજન જ્યારે હોસ્પિટલમાં હોય અને મોબાઇલની રિંગ વાગે તો પણ ધ્રાસ્કો પડે છે કે, કંઇ થયું તો નહીં હોયને? જ્યાં સુધી સામેથી કોઇ ખુલાસો ન થાય ત્યાં સુધી ચેન પડતું નથી.
એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક યુવતીને કોરોના થયો. તેની હાલત બગડતી જતી હતી. હોસ્પિટલમાં તેને એડમિટ કરવી પડી. એનો પતિ હોસ્પિટલની બહાર જ બેઠો રહેતો. હોસ્પિટલમાં એણે પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. કોઇ દવા લેવાની હોય કે બીજુ કંઇ કામ હોય તો હોસ્પિટલમાંથી ફોન આવતો. ફોનની રિંગ વાગે અને એનો જીવ ઊંચે ચડી જાય. એક વખત એવું થયું કે, ફોનની રિંગ વાગી. નર્સે કહ્યું કે, ડોકટર તમને ઉપર એમની ચેમ્બરમાં બોલાવે છે. યુવાનથી ન રહેવાયું. તેણ પૂછી નાખ્યું, કંઇ થયું નથીને? નર્સે કહ્યું કે, મને કંઇ ખબર નથી, બસ તમને મળવા બોલાવ્યા છે. ઘડી બેઘડીમાં તો એને કેટલાંયે વિચાર આવી ગયા. અમુક સમય જ એવો હોય છે કે, આપણને ખરાબ વિચારો જ આવે. ડોકટરની ચેમ્બર સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં તો એના કપાળે પરસેવા વળી ગયો હતો. પેટમાં ગોટા વળતા હતા. ડોકટરે તેની સામે જોયું અને કહ્યું કે, તમારી પત્ની કોરોના નેગેટિવ થઇ ગઇ છે, એને હવે આઇસીયુમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડીએ છીએ. હવે તે આઉટ ઓફ ડેન્જર છે. આ વાત સાંભળીને પતિ ધ્રૂસ્કે ધૂસ્કે રડી પડ્યો અને બોલ્યો, ખરેખર ડોકટર, હવે કંઇ ચિંતા કરવા જેવું નથીને? સારા સમાચાર પણ ઘણી વખત આપણને રડાવી જતા હોય છે. એટલી પીડા ભોગવી હોય છેને કે એમાંથી મુક્તિની વાત મળે ત્યારે પણ એવું થાય છે કે, આ સાચું તો છેને?
સંવેદના આપણને ઘણી વખત એવી અવસ્થામાં મૂકી દે છે કે કંઇ સમજાય નહીં. એક મજબૂત માણસ હતો. કોઇ વાતથી ન ગભરાય. કંઇપણ થાય તો સ્વસ્થતાથી સામનો કરે. એની એક દીકરી છે. એને કંઇ થાય એટલે એ માણસ ભાંગી પડે. એક વખત એ બીમાર પડી ત્યારે એના મિત્રએ કહ્યું કે, તું આટલો સ્ટ્રોંગ થઇને કેમ આમ સાવ ભાંગી પડે છે? તેણે કહ્યું કે, મારાથી એની પીડા જોવાતી નથી. મને ગમે તે થાય એ હું સહન કરી લઉં પણ એને કંઇ થાય એ મારાથી સહન થતું નથી. આપણી પ્રિય વ્યક્તિ જ્યારે કોઇ સંકટમાંથી પસાર થતી હોય ત્યારે આપણે ઘણી વખત ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, એની બધી પીડા મને દઇ દે પણ એને કોઇ તકલીફ ન આપ.
એક પતિ-પત્ની હતા. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ. એક બીજા વગર જરાયે ન ચાલે. એક વખત પત્ની બીમાર પડી. રિપોર્ટસ કરાવ્યા તો ખબર પડી કે, પત્નીને કેન્સર છે. તેણે મનોમન નક્કી કર્યું કે, હું તમામ સારવાર કરાવીને મારી પત્નીને બચાવી લઇશ. બધું જ છોડીને પત્નીની સારવાર પાછળ જ હતો. ધીમે ધીમે પત્નીની તબિયત વણસતી ગઇ. એની પીડા પણ વધતી ગઇ. પતિથી સહન થતું નહોતું. એક વખત તો એ તેના મિત્ર પાસે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો અને બોલ્યો કે હવે તો એવું થાય છે કે, ભગવાન એને બોલાવી લે તો સારું. મારાથી એની પીડા નથી જોવાતી. સહન નથી થતું. આપણે ઘણી વખત આપણા સ્વજન માટે જ એવી પ્રાર્થના કરી હોય છે કે, હે ઇશ્વર, હવે એને બધી પીડામાંથી મુક્ત કરી દે. પોતાની પ્રિય વ્યક્તિ જ્યારે વેન્ટિલેટર પર હોય અને ડોકટર કહે કે, જ્યાં સુધી વેન્ટિલેટર પર છે ત્યાં સુધી શ્વાસ ચાલે છે. સ્વજનનું વેન્ટિલેટર હટાવવાનો નિર્ણય એ જિંદગીની સૌથી અઘરી ક્ષણ હોય છે. જિંદગીની એવી ક્ષણો વીતી ગયા પછી પણ પીછો છોડતી નથી. એ અચાનક સજીવન થઇ જાય છે અને પાછી આપણને ધ્રુજાવી દે છે. થોડાક હચમચીને, થોડાક ખળભળીને પાછા સ્વસ્થ થવું પડે છે. મન મનાવીએ છીએ કે, હવે સારી યાદો વાગોળવાની છે. જે લોકો કાયમ માટે વિદાય લઇ લે છે એના માટે તો આપણે ધીમે ધીમે મન મનાવી લઇએ છીએ પણ જે હયાત હોય છે એ મોઢું ફેરવી લે ત્યારની વેદના વળી અલગ જ મુકામ પર આપણને લઇ જાય છે. ખાલીપો આપણને ખોખલા એમ જ તો નહીં કરી દેતો હોયને?
છેલ્લો સીન :
સાથ એટલે આપણી વ્યક્તિ જે સ્થિતિ, જે સંજોગ, જે માનસિકતા અને જે વેદનામાંથી પસાર થતી હોય ત્યારે એની સાથે રહીને એ જ અવસ્થાનો અહેસાસ કરવો. પ્રેમમાં પીડા પણ એક સરખી જ થવી જોઇએ. –કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 09 મે 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com