તને તો બસ તારા મૂડની જ પડી છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને તો બસ તારા

મૂડની જ પડી છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,

વ્હાણની સામે મૂક્યો દરિયો, ને ડૂબવાનું મૂક્યું,

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,

આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.

-રમેશ પારેખ

સંબંધો બહુ નાજુક હોય છે. એને સલુકાઇથી ટેકલ કરવા પડે છે. રિલેશનમાં જે બેલેન્સ નથી રાખી શકતા એ સંબંધ ખોઇ બેસે છે. ઘણા લોકો રહેતા સાથે હોય છે પણ મન અને મૂડથી જોજનો દૂર હોય છે. સાવ નજીક હોય તો પણ કંઇ સ્પર્શતું નથી. અજાણ્યાની જેમ સાથે રહેવામાં એક અજંપો લાગે છે. એવો સવાલ થાય છે કે, મારી ક્યાં કોઇને પડી છે? મને કંઇ થાય તો કોઇને કશો જ ફેર પડતો નથી. દરેક માણસને એવું હોય છે કે, એની કોઇ કેર કરે. એને કોઇ ઇમ્પોર્ટન્સ આપે. એને કોઇ પેમ્પર કરે. એવું નથી કે, માણસને મુશ્કેલીમાં, બીમારીમાં કે ઉદાસીમાં જ કોઇની જરૂર હોય છે. સારા સમયમાં પણ લોકોને પોતાની વ્યક્તિ પાસે લાડકું થવું હોય છે.

એક પતિ પત્નીની આ વાત છે. એક વખત બંને ફરવા ગયા. સરસ મજાના હિલ સ્ટેશન પર એક રિસોર્ટમાં રૂમ બુક કરાવી હતી. પતિ પત્નીનું દરેક વાતે ધ્યાન રાખતો. પત્નીને કંઇ જ કામ ન સોંપે. એના માટે બધું ઓર્ડર કરી આપે. નાની નાની વાતમાં એને પૂછે કે, તને શું જોઇએ છે? તને શું કરવું છે? કંઇ જોઇતું હોય તો કહે કે, તું બેસ, હું લઇ આવું છું. એ દોડીને જાય અને લઇ આવે. એક વખત પત્નીએ કહ્યું કે, બહાર જઇએ ત્યારે તો તું મારું બહુ ધ્યાન રાખે છે! સાવ સાચું કહું, તારું વર્તન જોઇને ક્યારેક તો મને બહુ આશ્ચર્ય થાય છે! આ વાત સાંભળીને પતિએ કહ્યું કે, એનું કારણ એ છે કે ઘરે હું તારું કંઇ ધ્યાન રાખી શકતો નથી. કામ પરથી આવું ત્યારે એટલો થાકી ગયો હોવ છું કે તમે મદદ કરાવવાની તાકાત જ નથી હોતી. તું ક્યારેય મને કંઇ કહેતી નથી. કોઇ ફરિયાદ નથી કરતી. ઉલટું હું આવું એ પછી મારું ધ્યાન રાખે છે. તું જે કરે છે એની પાસે તો હું અહીં જે કરું છું એ કંઇ જ નથી. મને એવું થાય છે કે, એટલિસ્ટ અહીં તો તારું ધ્યાન રાખું, અહીં તો તને સમથિંગ સ્પેશિયલ ફીલ કરાવું. ફરવા જવાની વાત થઇ ત્યારે પણ એવો જ ઇરાદો હતો કે તને ક્યાંક બહાર લઇ જાવ. માણસને બસ એટલો ઇશારો જોઇતો હોય છે કે, તે એની વ્યક્તિ માટે સ્પેશિયલ અને પ્રેશિયસ છે. આપણી વ્યકિતને જો આપણે માત્ર આટલી અનુભૂતિ આપી શકીએ કે, તું મારા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તું મારી પ્રોયોરિટી છે. તારાથી વધારે મારા માટે બીજું કશું જ નથી, તો એ તમારા માટે ગમે તે કરી છૂટશે.

આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે આપણી વ્યક્તિને હુકમો છોડીએ છે. તારે આમ કરવાનું છે. તારે મારી વાત માનવાની છે. મારી વાતનો ઇનકાર તું કેવી રીતે કરી શકે? જોહુકમી કોઇને ગમતી નથી. જ્યાં જબરજસ્તી આવે છે ત્યાં સંઘર્ષ થવાનો જ છે. માણસ એક હદ સુધી સહન કરે છે પછી એ બાંયો ચડાવી લે છે. હવે જે થવું હોય તે થાય. હું નમતું નહીં જોખું. હવે મારે એની કોઇ વાત સાંભળવી નથી. મારે શું એ કહે એમ જ જીવવાનું છે? મારી કોઇ મરજી, મારી કોઇ ઇચ્છા કે મારા કોઇ સપના જ ન હોય? મેં કંઇ એની ગુલામી લખાવી દીધી છે? આ હદ આવે એ પહેલા જ માણસે સતર્ક થઇ જવું જોઇએ. એક પતિ પત્ની હતા. બંનેને નાની નાની વાતે ઝઘડા થતાં હતા. પતિ ઓલવેઝ આદેશના સૂરમાં જ વાત કરતો. પત્નીથી એ સહન થતું નહોતું. થોડા સમય પછી અચાનક જ બંનેના સંબંધો સુધરી ગયા. બધાને આશ્ચર્ય થયું. એક વખત પતિને એના મિત્રએ પૂછ્યું કે, એવું તે શું થયું કે તમે સરસ રીતે રહેવા લાગ્યા? તેના મિત્રએ કહ્યું, ખાસ કંઇ નહીં, મેં મારામાં થોડુંક પરિવર્તન કર્યું. પહેલા હું તેને આદેશના સૂરમાં વાત કરતો હતો. એ પછી મને કંઇ કામ હોય તો હું તેને એવું કહેતો કે, મને તારી એક ફેવરની જરૂર છે, પ્લીઝ આટલી હેલ્પ કરને? એ મદદ કરે પછી તેને કહું છું કે, તારા કારણે મારું કામ સરળ થઇ ગયું. તું મને ખૂબ મદદ કરે છે. મને એક વાત સમજાઇ છે કે, તમારે માન જોઇતું હોય તો માન આપવું જોઇએ. તમે જે આપો નહીં તે પામવાની અપેક્ષા ન રાખી શકો. દરેકનું પોતાનું ગૌરવ હોય છે. એ ગૌરવ જળવાવું જોઇએ.

એક વાત એ છે કે, દરેક વખતે આપણો મૂડ એક સરખો રહેવાનો નથી. મૂડ અને માનસિકતામાં અપ-ડાઉન થવા સ્વાભાવિક છે. આપણી વ્યક્તિ આપણા મૂડને એડજસ્ટ પણ થતી હોય છે. એ વખતે આપણેને પણ એવો સવાલ થવો જોઇએ કે, હું એના મૂડને કેટલો એડજસ્ટ થાવ છું? એક પ્રેમી અને પ્રેમિકા હતા. પ્રેમિકા એકદમ મૂડી હતી. એનું મન હોય તો વાત કરે, બાકી મેસેજનો પણ જવાબ ન આપે. ગમે ત્યારે ફોન કાપી નાખે. એક વખત તેના પ્રેમીએ કહ્યું કે, તને તો બસ તારા મૂડની જ પડી છે. તને ક્યારેય એમ નથી થતું કે, એના મૂડનું શું? દર વખતે મારે જ તારા મૂડનું ધ્યાન રાખવાનું? તારે કંઇ નહીં કરવાનું? ક્યારેક મને વાત કરવાનો મૂડ હોય, તને કંઇક કહેવું હોય, એમાંયે મારે તારા સારા મૂડની રાહ જોવાની? સંબંધમાં જ્યારે મૂડની રાહ જોવી પડે ત્યારે સમજવું કે કંઇક ખૂટે છે. ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે, પતિ કે પત્ની કોઇ વાત કરવા માટે પોતાના પાર્ટનરના સારા મૂડની રાહ જોતા હોય છે. વાત કરવા માટે પણ મોકાની રાહ જોવી પડે એ સંબંધોની કરૂણતા છે. એક પ્રેમી પ્રેમિકાએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે એવો નિર્ણય કર્યો કે આપણે ક્યારેય કંઇ વાત કરવાની હશે તો એક-બીજાની વાત પર પૂરું ધ્યાન આપીશું. પત્ની કે પતિ જ્યારે પણ કોઇ વાત કરે ત્યારે તેનો સાથી બાકીનું બધું પડતું મૂકીને ધ્યાનથી વાત સાંભળે. અત્યારે સંબંધોમાં સંકટ ઊભું થવાનું એક સૌથી મોટું કારણ એ છે કે, કોઇ કોઇની વાત સાંભળવા જ તૈયાર નથી. ક્યારેક તો એવું બને કે, પોતાની વ્યકિત કંઇક વાત કરે તો એવું સાંભળવા મળે કે, તને વાત કરવા માટે આ જ સમય મળ્યો? કયા સમયે કઇ વાત કરવી એ તને ક્યારે સમજાશે? જે વાત કહી શકાતી નથી એ મનમાંને મનમાં ઘૂંટાતી રહે છે. વ્યક્ત થવાની મોકળાશ ન મળે ત્યારે મૂંઝારો થાય છે. ગૂંગળામણ સંબંધોનું ગળું રૂંધી નાખે છે. જે સંબંધોમાં અકળામણ અનુભવાતી હોય એ સંબંધ અધૂરો છે. સુખનો આધાર એના પર જ રહે છે કે તમારો સંવાદ કેવો છે? સંવાદ માટે મૂડની રાહ ન જુઓ. ખાસ તો તમારા મૂડની જેને પડી છે એના મૂડની પરવા કરો. બધાને આપણી પરવા હોતી નથી. આપણા માટે જે હાજર હોય એના માટે હાજર રહેવું એ પણ પ્રેમ, લાગણી, સ્નેહ અને આત્મીયતા જ છે. પોતાની વ્યક્તિ માટે જે ગેરહાજર રહે છે એ વહેલો કે મોડો એકલો પડી જાય છે. એકલા પડવું ન હોય તો પોતાની વ્યક્તિને પણ એકલા પડવા દેવા જોઇએ નહીં. સહિયારો સાથ જ નભે છે!

છેલ્લો સીન :

સંબંધને સજીવન રાખવા માટે બંને તરફથી સંવેદના વહેતી રહેવી જોઇએ. એક છેડો સૂકાયો તો બંને છેડા કરમાઇ જવાના છે. -કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 25 એપ્રિલ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *