ખબર નહીં કેમ, મારી કોઇ વાત એને સમજાતી જ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખબર નહીં કેમ, મારી કોઇ

વાત એને સમજાતી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીને રીતે પણ જીવી લેતાં હોય છે,

આખરે સામાન બાળી તાપી લેતાં હોય છે!

આમ જુઓ તો નથી હોતી કમી અજવાસની,

માણસો અંધારને ખુદ સર્જી લેતાં હોય છે.

-રાકેશ હાંસલિયા

સંબંધ બાંધવા, સંબંધ રાખવા, સંબંધ જીવવા, સંબંધ ટકાવવા અને સંબંધને સજીવન રાખવા માટે સૌથી વધુ જેની જરૂર પડે છે એ સમજ છે. સમજ માણસને સહજ બનાવે છે. સહજ હોય એ જ શાંતિ, સુખ અને સાત્ત્વિકતાનો અનુભવ કરી શકે. પથ્થર ઉપર ફૂલ ન ઊગે. એના માટે તો કૂમળી માટી જ જોઇએ. સંબંધો તો જ ખીલે જો એેને સ્પેસ મળે, વાતાવરણ મળે. આ વાતાવરણ બે વ્યક્તિ સાથે મળીને જ સર્જી શકે. એક અને એક મળીને એકમેકની કક્ષા સુધી પહોંચી શકે એ જ એકબીજાને પામી શકે. સંબંધ માટે સરખા હોવું જરૂરી નથી, સમજદાર હોવું જરૂરી છે. આજકાલ લોકો સંબંધ માટે બહુ જ એલર્ટ થઇ ગયા છે. પોતાને વ્હાલી, પોતાને ગમતી વ્યક્તિ માટે માણસ મહેનત કરતો થઇ ગયો છે. મારે એનું ધ્યાન રાખવાનું છે. મારે એને કંઇ ઓછું આવવા દેવાનું નથી. મારે એની કેર કરવાની છે. આપણે યાદ રાખીને બધું કરવા લાગ્યા છીએ. પ્રેમ પીપીટી પ્રેઝન્ટેશનની જેમ થઇ કે રહી શકતો નથી. જિંદગી પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સના પોઇન્ટ્સની જેમ જીવાતી નથી.

એક પ્રોફેસર હતા. તે ક્લાસમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સમજાવતા હતા. તેમણે કહ્યું કે, ‘પ્રેઝન્ટેશન એવું હોવું જોઇએ જેમાં દરેક પોઇન્ટ પાવરફૂલ હોય. અલબત્ત એ બધું પ્રોફેશનમાં હોય, પ્રેમમાં નહીં. પ્રોફેશનમાં પ્રેમ ઉમેરશો તો પ્રેઝન્ટેશન પાવરફૂલ થશે, પણ પ્રેમમાં પ્રોફેશન ન ઉમેરતાં! આપણે બધું મિક્સઅપ કરવા લાગ્યાં છીએ. સંબંધ વહેતાં રહેવા જોઇએ. નદીના પાણીને વહેવા માટે મહેનત કરવી પડતી નથી. પતંગિયાને પાંખો ફફડાવવામાં જહેમત ઉઠાવવી પડતી નથી. સાચો પ્રેમ સતત વર્તાતો હોય છે. એકબીજા માટે જે થતું હોય છે એ થઇ જતું હોય છે, કરવું પડતું નથી. એને યાદ પણ રાખવું પડતું નથી, કારણ કે એ ભૂલાતું જ નથી! ઠેંસ વાગે ત્યારે એ યાદ કરવું પડતું નથી કે, હવે મારે તેનો હાથ પકડવાનો છે. મારે મારી વ્યક્તિને પડવા દેવાની નથી. એ તો સહજ રીતે જ થઇ જતું હોય છે. બધું બોલવાની, બધું કહેવાની, બધી ખાતરી આપવાની કે દરેક વખતે સજાગ રહેવાની પણ જરૂર નથી, માત્ર અનુભ‌વવાની જરૂર હોય છે.

પ્રેમમાં ગેપ આપવાનું એક કારણ એ હોય છે કે, આપણે આપણી ઇચ્છા મુજબનું બધું ઇચ્છતાં હોઇએ છીએ. મને અને એને આવે ત્યારે અંતર ઊભું થવાની શરૂઆત થાય છે. મારે અને એને નહીં, પણ આપણે હોય તો જ સાંનિધ્ય સક્ષમ બને છે. તું અને હું, તારે અને મારે, એનો લોપ થઇ જાય ત્યારે બે મટીને એક થવાય છે. લય પામવા માટે વિલય જરૂરી છે. ઓતપ્રોત થવા એકબીજામાં ઓગળવું પડતું હોય છે. પીગળ્યા વગર ઓગળી શકાતું નથી. એકબીજાના થવા માટે એકબીજાને સમજવા જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ક્યારેય બે વ્યક્તિ એકસરખી હોવાની નહીં. તમારી વ્યક્તિ જેવી છે એવી જ સ્વીકારવાની તૈયારી હોય તો સંબંધની આવરદા લંબાય છે. દીર્ઘાયુ સંબંધ માટે દીર્ઘ દૃષ્ટિ હોવી જોઇએ. આત્મીયતાનું આયખું લંબાવવા માટે સ્નેહની જીજીવિષા હોવી જોઇએ. દરેક માણસ થોડોક તો જુદો હોવાનો જ છે. એક છોકરીને પ્રેમ થયો. તેની ફ્રેન્ડે કહ્યું કે, ‘એ તો તારાથી સાવ જુદો છે. તમારું જામશે? તને નથી લાગતું કે, તમે બંને અલગ અલગ એક્સ્ટ્રિમના વ્યક્તિ છો?’ તેની ફ્રેન્ડે કહ્યું, ‘હા, એ મારાથી બિલકુલ જુદો છે. થોડોક એદી છે, થોડોક ભેદી છે, થોડોક લેઝી છે, થોડોક ક્રેઝી છે, થોડોક સિન્સિયર છે, થોડોક બેફિકર છે, એ મારાથી જુદો છે તો હું પણ ક્યાં એના જેવી છું? અમે એક પોઇન્ટ પર જ સરખા છીએ કે, આપણે બંને એકબીજાંનાં છીએ. શું એ પૂરતું નથી? જ્યારે કોઇને તમે તમારા માની લો ત્યારે બાકીની બધી જ વાતો ગૌણ બની જાય છે. મને એ પણ ભાન છે કે, મારે એને બદલાવવાનો નથી. આ ભાન એટલા માટે છે કે, મારે પણ હું છું એવી જ રહેવું છે. મારે નથી એના જેવા થવું કે નથી એને મારા જેવો બનાવવો. અમે બંનેએ નક્કી કર્યું છે કે, એકબીજાને બદલવાનો ક્યારેય પ્રયાસ કરીશું નહીં. એક વખત અમે બંને ફરવા ગયા હતા. જ્યાં ગયાં ત્યાં ઘણુંબધું જોવા જેવું હતું. મેં એને કહ્યું કે, ચાલ ને બધું જોઇએ. એણે કહ્યું કે, ના, મને તો આ ઝાડ નીચે બેસીને સામેનું તળાવ જોવાનું જ મન છે. બસ, બેઠું રહેવું છે. તેની વાત સાંભળીને મેં કહ્યું કે, સારું તો આપણે બેસીએ. અમે બંને ક્યાંય સુધી બેઠાં રહ્યાં. ઊભાં થયાં પછી તરત જ બહાર નીકળી ગયાં. થોડા દિવસ પછી એ મને ફરીથી એ જ જગ્યાએ લઇ ગયો. કાર પાર્ક કરીને તેણે કહ્યું, ચાલ, આજે બધું જોઇએ. મેં એને પૂછ્યું, કેમ આજે બેસી રહેવાનું મન નથી થતું? ના, આજે તને બધું બતાવવાનું મન થાય છે. એ દિવસે તારે બધું જોવું હતું, મેં બેસાડી રાખી. તેં મારે જે કરવું હતું એ કરવા દીધું. મને જે ગમતું હતું એ તેં પણ ગમતું કરી લીધું. હવે તને ગમે એ હું ગમતું કરું એવું મને થયું, એટલે જ તને પાછો લાવ્યો. છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, ‘બસ, આટલું પૂરતું છે. એ મૂડી છે પણ મૂર્ખ નથી. એ જુદો છે પણ અલગ નથી. અલગ ન હોય એ લગોલગ જ હોય છે. આપણને આપણા મૂડની જેટલી પડી હોય એટલી જ આપણી વ્યક્તિના મૂડની પડી હોવી જોઇએ. એના મૂડને પેમ્પર કરવા હું મારા મૂડને મારતી નથી પણ એના મૂ઼ડ સાથે મારો મૂડ મેળવી લઉં છું. એને મારા મૂડની પરવા છે અને મને એના મૂડની કદર છે. બંનેના મૂડ ક્યારેય એકસરખા નથી હોતા. મૂડને પણ મોડ આપવો પડતો હોય છે. કોઇ રસ્તા વળાંક વગરના નહીં હોવાના. સફરની મજા તો જ છે જો તમે બધાં વળાંકને સ્વીકારો. વળાંક આવે ત્યારે વળ છોડવો પડે. વળ રાખો તો વળાંક આડો આંક વાળે છે.

એક કપલની આ વાત છે. એક વખત બંને ઘર માટે એક શો-પીસ લાવ્યાં. ઘરે આવીને બંનેએ એકબીજાને પૂછ્યું, ‘આને ક્યાં રાખીશું?’ થોડીક ક્ષણ વિચારીને બંનેએ એકસાથે કહ્યું કે, ‘અહીંયા!’ બંનેએ જે જગ્યાની વાત કરી એ એક જ હતી. આ બન્યું ત્યારે પતિનો એક ફ્રેન્ડ એની સાથે હતો. તેણે કહ્યું, ‘વાઉ! તમારાં બંનેના વિચાર અને ચોઇસ કેટલા બધા મળતાં આવે છે! અમારાં બંને વચ્ચે આવું નથી. ખબર નહીં કેમ, એને મારી કોઇ વાત સમજાતી જ નથી.’ આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘તને એની વાત સમજાય છે? તેને એની વાત સમજાતી હોત તો તું કદાચ આવી ફરિયાદ ન કરત. તને એની વાત નથી સમજાતી કારણ કે તારે એને તારી વાત જ સમજાવવી છે. તું એમ માને છે કે, અમે બંને આ લેવલે એમ ને એમ પહોંચ્યાં છીએ? અમારા મત, અમારી વિચારસરણી, અમારા ઓપિનિયન પણ જુદા જુદા હતા, હજી પણ જુદા છે, જો કે અમે એકબીજાના ઓપિનિયનને રિસ્પેક્ટ કરીએ છીએ. તારા કિસ્સામાં એવું છે કે, એ તારી વાત માનતી નથી અને તું એની વાત માનતો નથી. તમારે એકબીજાને પોતાની વાત જ મનાવવી છે. ક્યારેક એની વાત માની તો જો. એ કહે એવું થોડુંક સ્વીકારવામાં શું બગડી જવાનું છે? હું તને બદલવાનું નથી કહેતો, સમજવાનું કહું છું. સ્વીકારવાનું કહું છું. તું એને પણ બદલવાનો પ્રયાસ ન કર. તું એવું ઇચ્છતો હોય કે એ તને સમજે તો પહેલાં તું એને સમજ.’

આપણને જ્યારે ખબર પડે કે, આપણે એકબીજાથી દૂર જઇ રહ્યાં છીએ, ત્યારે આપણે એકબીજાની નજીક જવાનો પ્રયાસ કરવો જોઇએ. એક કપલની આ વાત છે. બંને વચ્ચે એક સમયે થોડુંક ડિસ્ટન્સ ઊભું થઇ ગયું. પતિને લાગ્યું કે, ધીમે ધીમે અમારા વચ્ચે અંતર વધી રહ્યું છે. તેણે એક મિત્રની સલાહ લીધી, ‘હવે મારે શું કરવું?’ મિત્રએ કહ્યું કે, ‘તને ખબર છે કે ડિસ્ટન્સ વધી રહ્યું છે, તો એ વિચાર કે ડિસ્ટન્સ ઘટે કેવી રીતે? તમે બંને ઓપોઝિટ સાઇડમાં જ પગલાં ભરતાં રહેશો તો ડિસ્ટન્સ વધતું જ જશે. એક કામ કર, તું એક ડગલું એનાં તરફ ભર. એ એક ડગલું પાછળ જશે તો પણ ડિસ્ટન્સ વધશે નહીં. એ જોશે કે તું એના તરફ ડગલું ભરી રહ્યો છે તો જ એ તારા તરફ ડગલું ભરશે. આપણે મોટા ભાગે એવું વિચારતાં અને કરતાં હોઇએ છીએ કે, એને જે કરવું હોય એ કરે! એમાં થોડોક ફેર કરીને એવું વિચારવું જોઇએ કે, એને જે કરવું છે એ કરી જોઇએ! ડિસ્ટન્સ વધતું હોય છે ત્યારે આપણને એ ખબર હોય છે કે, ડિસ્ટન્સ વધી રહ્યું છે. પ્રોબ્લેમ એ હોય છે કે, આપણને ખબર હોવા છતાં ડિસ્ટન્સ વધવા દઇએ છીએ. ડિસ્ટન્સ ઘટી શકે જો દિશા બદલવાની થોડીક તૈયારી હોય. હાથ છૂટે ત્યારે સાવચેત ન થઇએ તો ધીમે ધીમે ચહેરા દેખાતાં બંધ થઇ જાય છે.

છેલ્લો સીન :

અધિકાર સ્વીકારથી મળે છે. આધિપત્યથી તો સંઘર્ષ સર્જાય. સંઘર્ષ સંબંધને શોષી લે છે.       -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 31 માર્ચ 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *