જિંદગીના રંગો : તમારો
ફેવરિટ કલર કયો છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
ધુળેટી રંગોનો તહેવાર છે. છેલ્લા એક વર્ષમાં
કોરોનાએ તહેવારોના રંગ ઝાંખા કર્યા છે. વિશ્વાસ રાખજો,
બધું પાછું રંગીન અને સંગીન થઇ જ જવાનું છે
*****
તમારો ફેવરિટ રંગ કયો છે? ખરેખર આપણા ગમતા
રંગને આપણા મૂડ અને માનસિકતા સાથે
કોઇ સંબંધ હોય છે ખરો?
*****
રંગ આપણી જિંદગી સાથે જોડાયેલા છે. આપણે બધા કોઈને કોઈ રંગ સાથે જોડાયેલા છીએ. ધુળેટી એ રંગનું પર્વ છે. આમ તો જિંદગી જ રંગોનો ઉત્સવ છે. શોખીન માણસ હોય એના વિશે કહેવાય કે એ તો રંગીન મિજાજનો માણસ છે. ઘણા લોકો વિશે આપણે એવું કહીએ છીએ કે, એ તો કાચિંડાની જેમ રંગ બદલે છે. કાચિંડો ફટાક દઇને રંગ બદલે છે. ગુસ્સામાં હોય ત્યારે એવું કહીએ છીએ કે, એ લાલચોળ થઇ ગયો હતો. ઉદાસી કે બીમારી હોય ત્યારે એવું કહીએ છે કે, સાવ પીળો કે ફીક્કો પડી ગયો છે. કમળો હોય એને પીળું દેખાય એની પાછળનો મર્મ એ જ છે કે, જેવી વૃતિ એવી દૃષ્ટિ.
મને તું તારા રંગમાં રંગી દે. પ્રેમીઓ એક બીજાના રંગે રંગાવા તૈયાર જ હોય છે. સૂફીઝમ રંગને ઉપરવાળા સાથે કનેક્ટ કરે છે. એ રંગરેઝ મેરે, યે બાત બતા રંગરેઝ મેરે, કૌન સે પાની મેં તુને કૌન સા રંગ ઘોલા રે. ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’નું આ ગીત રાજ શેખરે લખ્યું છે. મેરા ફાગુન રંગ, મેરા સાવન રંગ…. આ ગીતમાં મનની મૂંઝવણને રંગોમાં સરસ રીતે ઢાળવામાં આવી છે. બાય ધ વે, તમારો ફેવરિટ રંગ ક્યો છે? કોઇ રંગ તો હશે જ! હોય જ છ છે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, એક પર્ટીક્યુલર રંગ જ કેમ મારો ફેવરિટ છે? એ વાત સાબિત થઇ છે કે, આપણા પસંદના રંગને આપણા મૂડ અને માનસિકતા સાથે સંબંધ છે. આપણે જે રંગની કાર કે બીજું કોઇ વાહન ખરીદીએ છીએ એમાં પણ આપણી માનસિકતા છતી થયા છે. આપણે ક્યા રંગના કપડાં પહેરીએ છીએ એના પરથી આપણું વ્યકિત્વ છતું થાય છે. રંગને રસ સાથે પણ જોડવામાં આવ્યા છે. લાલ રંગ રૌદ્રનો, કેસરી રંગ શૌર્યનો અને સફેદ રંગ શાંતિનો છે.
જુડી સ્કોટ-કેમિસે રંગો ઉપર પચીસ વર્ષ સુધી અભ્યાસ કરીને કહ્યું છે કે, જો તમે તમારી જિંદગી, કરિયર, રિલેશન અને માનસિકતા સક્ષમ બનાવવા ઇચ્છતા હોવ તો તમે દરેક વસ્તુના રંગની પસંદગીમાં અવેર રહો. રંગને રોમાન્સ અને સેક્સ સાથે કેટલું લાગે વળગે છે એના ઉપર જુડીએ પુસ્તક લખ્યું છે. કલર સાયકોલોજી માણસને સૌથી વધુ અને સૌથી પહેલી અસર કરે છે. આપણે કોઇને મળવા જઇએ ત્યારે સૌથી પહેલા એ આપણે જે રંગના કપડા પહેર્યા હોય એનાથી એટ્રેક્ટ થાય છે. એની નેગેટિવ સાઇડ પણ છે. જો વિચિત્ર રંગના કપડા પહેર્યા હોય તો સામેની વ્યક્તિ સંબંધ આગળ વધારવાનું પણ માંડી વાળે છે.
આપણે ત્યાં મેરેજમાં વર અને વધુ જે વસ્ત્રો પહેરતા એના રંગ ફિક્સ હતા. વધુ લાલ રંગનું ઘરચોળું પહેરે છે. હવે સમયની સાથે લગ્ન વખતે પહેરાતા કપડાના રંગો બદલવા લાગ્યા છે. કલર સાયકોલોજી એમ કહે છે કે, લગ્ન વખતે માણસ જે રંગના કપડા પહેરે છે એના પરથી એ નક્કી થાય છે કે, તેને દાંપત્ય જીવનમાં કેવી અપેક્ષાઓ છે. તમારી વ્યકિતનો ફેવરિટ રંગ ક્યો છે એ તમને ખબર છે? સંબંધમાં એક વાત એવી છે કે, જે વ્યક્તિને પોતાની પત્ની, પોતાના પતિ, પોતાની પ્રેમિકા કે પોતાના પ્રેમીના ગમતા રંગની ખબર નથી એ માણસનો સંબંધ ઉપરછલ્લો હોય છે. કલર થેરપી એવું કહે છે કે, રંગ સાજા પણ કરે છે અને રંગ માંદા પણ પાડી દે છે. મજામાં હોઇએ ત્યારે બહાર ફરવા જવાનો અને કુદરતના રંગોને માણવાની એક ગજબની મજા છે. વરસાદ પછી જ્યારે બધે લીલોતરી છવાઇ ગઇ હોય ત્યારે દિલને શુકૂન મળે છે. મૂડ ખરાબ હોય ત્યારે ઘરના એક રૂમમાં પુરાઇ રહેવાનું મન થાય છે.
આ વખતે કોરોનાએ ધુળેટીની મજા છીનવી લીધી છે. છેલ્લા એક વર્ષથી જિંદગીનો જાણે રંગ જ બદલાઇ ગયો છે. જિંદગી પણ રંગ બદલતી રહે છે. જિંદગી અને સંબંધો રંગ બતાવતા રહે છે. જિંદગીના દરેક રંગને જીવો. જિંદગી દરેક વખતે ગુલાબી રંગની જ રહેતી નથી. ક્યારેક એ બ્લેક એન્ડ વ્હાઇટ પણ થઇ જાય છે. આપણે જિંદગીમાં કેવો રંગ પૂરીએ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું હોય છે. જિંદગી પર આપણો એટલો અધિકાર તો હોવો જ જોઇએ કે, આપણે ઇચ્છીએ એવો રંગ આપણે ઉતારી શકીએ. આપણા રંગ અને આપણી પીંછી આપણા હાથમાં જ રહેવી જોઇએ, કોઇના હાથમાં ગયા તો એ એના રંગ પૂરી દેશે. તહેવારો છેલ્લે તો જિંદગીને દિલથી જીવવાનું જ શીખવે છે. બીજાના રંગમાં રંગાવામાં કંઇ ખોટું નથી પણ પોતાના રંગમાં રંગાવાની મજા કંઇક ઔર જ હોય છે! હેપી હોલી!
પેશ-એ-ખિદમત
કિસી તરહ ભી તો વો રાહ પર નહીં આયા,
હમારે કામ હમારા હુનર નહીં આયા,
વો યૂં મિલા થા કિ જૈસે કભી કભી ન બિછડેગા,
વો યૂં ગયા કિ કભી લૌટ કર નહીં આયા.
-આફતાબ હુસૈન
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 28 માર્ચ 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com