રિવર્સ માઇગ્રેશન : શહેર છોડીને
ગામડાંમાં રહેવાનું મન થાય છે?
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
કોરોના પછી અમેરિકા સહિત અનેક દેશોમાં
લોકો મોટા શહેરો છોડીને નાના શહેરો કે ગામડાંઓમાં
રહેવા જઇ રહ્યા છે. બધાને શાંતિની જિંદગી જોઇએ છે
*****
મેળ પડે તો તમે શહેર છોડીને ગામડે રહેવા જવાનું પસંદ કરો કે નહીં?
શહેર આસાનીથી છૂટતું નથી. શહેરનું પણ બંધાણ થઇ જતું હોય છે.
લત લાગી જાય પછી ઘડીકમાં છૂટતી નથી
*****
શહર મેં છાલે પડ જાતે હૈ જિંદગી કે પાંવ મેં, સુકૂન કા જીવન બિતાના હૈ તો આ જાઓ ગાંવ મેં. શાયરોએ શહેર અને ગામડાંઓ વિશે ખૂબ લખ્યું છે. દરેક શહેરની એક કથા હોય છે. દરેક ગામડાંની થોડીક વ્યથા હોય છે. કોઇ ગામડુંને છોડીને શહેર જતું હશે ત્યારે ગામડુંયે થોડુક રોતું હશે. જે ગામડું છોડીને શહેરમાં વસે છે એ પણ ક્યાં ખુલીને હસે છે? શાયર અદમ ગોંડવી લખે છે, યૂં ખુદ કી લાશ અપને કાંધે પર ઉઠાયે હૈ, એ શહર કે વાશિંદો, હમ ગાંવ સે આયે હૈ. ગામડું છોડીને જે શહેરોમાં આવે છે એ લોકો નથી ગામડાંના રહેતા કે નથી શહેરના બની શકતા. શહેરમાં છે એ ગામડાંમાં દુર્લભ છે અને ગામડામાં છે એ શહેરમાં સપનું છે. એક શાયરે લખ્યું છે, સૂના હૈ કિ ઉસને ખરીદ લિયા હૈ કરોડો કા ઘર શહર મેં, મગર આંગન દિખાને વો આજ ભી બચ્ચો કો ગાંવ લાતા હૈ.
ગામડેથી કે નાના શહેરમાંથી જે લોકો શહેરમાં આવે છે એ લોકોને પૂછજો કે, સુખ અને શાંતિ ક્યાં છે? એ લોકો તરત જ પોતાના ગામના ગુણગાન ગાવા લાગશે. એવું પણ કહેશે કે, કરિયર માટે કે સંતાનોના અભ્યાસ માટે શહેરમાં આવવું પડ્યું, બાકી ત્યાંના જેવી મજા અહીં ક્યાં છે? શહેરોમાં શ્વાસથી માંડીને સંબંધોના સમીકરણો બદલી જાય છે. શહેર થોડુંક સ્વાર્થી હોય છે. આમ છતાં એક હકીકત એ છે કે, એક વાર શહેરમાં આવી ચડેલો માણસ આસાનીથી શહેર છોડી શકતો નથી. કોઇને કોઇ બહાનું કે આશ્વાસન શોધીને માણસ શહેરમાં જ રહી જાય છે. એક શાયરની વાત સાંભળો. જિંદાદિલી દિખતી નહીં ઇસ શહર મેં અબ, જહન મેં આયા કે ઇસ શહર કી મોત મુકમ્મલ કર દૂં, ફિર એક તિતલી દેખી ઇસી બિયાબાં મેં ફૂલ ઢૂંઢતે, સોચતા હૂં, ઇસ શહર કો થોડી ઔર મોહલત દે દૂં.
કોરોનાના કારણે દેશ અને દુનિયામાં રિવર્સ માઇગ્રેશન જોવા મળી રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થયેલા સર્વેમાં 44 ટકા લોકોએ એવું કહ્યું કે, અમને શહેર છોડી જવાનું મન થાય છે. આપણા દેશમાં કોરોના શરૂ થયો એ પછી જબરજસ્ત રિવર્સ માઇગ્રેશન જોવા મળ્યું હતું. એ વખતે સર્વે થયો ત્યારે 70 ટકા લોકોએ એવું કહ્યું કે, બધું નોર્મલ થઇ જશે પછી અમે ફરીથી શહેરમાં ચાલ્યા જશું. એનો મતલબ એ પણ થયો કે 30 ટકા લોકો ગામડાંમાં જ રહેવા ઇચ્છતા હતા. જે લોકો પાછા આવવા ઇચ્છતા હતા એ લોકોનું કહેવું એવું હતું કે, કમાવવા માટે શહેરમાં જવું પડે એમ જ છે. ગામડાંમાં રહીને કરવું શું? શહેર આપણને અમુક આદતો પાડી દે છે. ઝાકમઝોળનું એક આકર્ષણ હોય છે. દરેક શહેરમાં એક દેખાય નહીં એવું લોહચૂંબક હોય છે જે ગામડાંના લોકોને પોતાના તરફ ખેંચે છે. શહેર બેટર લાઇફની લાલચ આપે છે. શહેરમાં આવીને લાઇફ બેટર થાય છે કે બેડ, એ સમજ પડે એ પહેલા તો શહેરની લત લાગી જાય છે. મુંબઇને માયાનગરી કહેવામાં આવે છે. મુંબઇ ગયેલો માણસ ક્યારેય પાછો ફરી શકતો નથી. મુંબઇની વાત હવે દરેક શહેરને લાગુ પડવા માંડી છે.
શહેરમાં વસતો માણસ જ્યારે પણ પોતાના વતનમાં જાય છે ત્યારે એક વખત તો એવો વિચાર આવી જ જાય છે કે, અહીં કેટલી શાંતિ છે! શહેરમાં તો ઉચાટ, ટ્રાફિક, નોકરીના પ્રેશર, છોકરાવને ભણાવવાની ચિંતા અને બીજી કેટલી બધી ઉપાધિઓ છે. મહેનત કરી કરીને બેવડા વળી જઇએ છીએ તો પણ બે છેડા તો ભેગા થતા જ નથી. ઘરની અને કારની લોનના ઇએમઆઇ પછી માંડ માંડ ઘર ચલાવવા પૂરતું બચે છે. કોરોના પછી વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ ચાલુ રહે એવી શક્યતાઓ છે. ટેકનોલોજીના કારણે હવે તમે ગમે ત્યાં રહીને કામ કરી શકો છો. એવા સંજોગોમાં ગામડાં કે નાના સેન્ટર તરફની ગતિ વધે એવી શક્યતા જોવાઇ રહી છે.
આપણે ત્યાં શહેર ભણી પ્રયાણ વધ્યું તેનું એક કારણ એ છે કે, નાના શહેરો કે ગામડાઓનો વિકાસ થયો નથી. એક તરફ શહેરો આધુનિક બનતા જાય છે અને બીજી તરફ ગામડાંઓ ભાંગતા જાય છે. મોલ, મલ્ટિપ્લેક્ષ અને બ્રાન્ડેડ કલ્ચર શહેરની ઓળખ બની ગયું છે. ગામડાંઓ હજુ અગાઉ હતા એવાને એવા છે. આપણે ત્યાં અમુક કારણો તો વિચારતા કરી દે એવા છે. ગામડાંમાં કોઇ દીકરી આપવા તૈયાર થતું નથી. ગામડાંમાં જન્મેલી અને મોટી થયેલી છોકરીની આંખોમાં પણ શહેરી સાસરાના સપના આંજેલા છે. આ કારણે ગામડે ધીંગી ખેતી હોય એવા છોકરાઓ પણ શહેરમાં આવીને સામાન્ય નોકરીઓ કરે છે. આપણા દેશમાં અમુક ગામડાંઓ તો એવા છે જ્યાં તમે જાવ તો મોટી ઉંમરના લોકો જ નજરે પડે. જુવાનિયાઓ તો બધા શહેરોમાં ચાલ્યા ગયા છે. ગામડાંમાં જમીન હોય એવા છોકરાઓ પણ ખેતીના કામને નીચું ગણે છે. પગાર ભલે ઓછો મળે પણ વ્હાઇટ કોલર જોબ કરવી છે.
માઇગ્રેશનના મામલામાં અમુક નિષ્ણાતો એવું કહે છે કે, અત્યારે જે વાતો થાય છે એ બધી સ્મશાન વૈરાગ્ય જેવી છે. લોકડાઉનની પરેશાનીના અનુભવો હજુ ભૂલાયા નથી. નોકરી ગુમાવનારાઓની કે ધંધામાં નુકશાન ભોગવનારાઓની સંખ્યા નાની નથી. જેવું અર્થતંત્ર ધબકતું થશે એટલે બધું પાછું હતું એવુંને એવું થઇ જવાનું છે. આપણે ત્યાં શહેરીકરણની સમસ્યાઓની વાતો થાય છે. શહેરો દિવસેને દિવસે મોટા થતા જાય છે અને ગામડાંઓ સંકોચાતા જાય છે. ગામડાં અને નાના શહેરોના ઘણા સુખ છે એમાં ના નહીં પણ હજુ એ શહેરોનો મોહ છૂટે એટલા સક્ષમ થયા નથી. લોકો વાતો એવી કરશે કે સાચી મજા તો ગામડાંમાં કે વતનમાં છે પણ એનાથી શહેર છૂટવાનું નથી!
————————
પેશ-એ-ખિદમત
મુઝ કો અક્સર ખુદ અપને અંદર હી,
કુછ ભટકતા હુઆ સા લગતા હૈ,
જાને ક્યા બાત હૈ કિ ઘર મુઝ કો,
રોજ ગિરતા હુઆ સા લગતા હૈ.
-બલબીર રાઠી
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 24 જાન્યુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com