મારા બધા જ સગા
સાવ નક્કામા છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નથી ભેદ મારો-તમારો હવે તો,
બધા ભેદભાવો વિસારો હવે તો,
તમો તે જ હું છું અને હું તમે છો,
ખરી વાત દિલથી વિચારો હવે તો.
-મનહર ‘દિલદાર’
જિંદગી દરેક વસ્તુમાં આપણને ચોઇસ આપતી નથી. આપણી જિંદગીમાં ઘણું બધું બાય ડિફોલ્ટ હોય છે, ઇનબિલ્ટ હોય છે. એને આપણે બદલાવી શકતા નથી. કોઇ માણસ એવી ફરિયાદ ન કરી શકે કે મારો જન્મ આ પરિવારમાં જ કેમ થયો? હું કેમ આ શહેરમાં જન્મ્યો? આપણા ભાઇ-ભાંડુ કે મિત્ર જ્યારે વધુ પડતા લાડકા કે ચાગલા થતા હોય ત્યારે આપણે હળવાશમાં એવું કહેતાં હોઇએ છીએ કે, તારે તો કોઇ રાજા-રજવાડાંને ત્યાં પેદા થવાની જરૂર હતી. કોઇ અતિશય ધનાઢ્યને ત્યાં કે કોઇ સેલેબ્રિટીને ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે પણ ઘણા લોકો એવું બોલતાં હોય છે કે, યાર, શું મસ્ત નસીબ લઇને આવ્યો છે! આપણે મોટા ભાગે સંપત્તિને નસીબ સાથે જોડી દેતા હોઇએ છીએ. ધનવાનોની પોતાની પીડા, વેદના, સમસ્યા અને ઉપાધિઓ હોય છે. દરેકના પોતાના સુખ અને દુ:ખ હોવાના છે. તમે એવું માનો છો કે તમે નસીબદાર છો? જો એવું માનતા હો તો તમે નસીબદાર જ છો! બધાં જ લોકો નસીબદાર હોય છે. કમનસીબ એ જ લાકો છે જે પોતાને નસીબદાર માનતા નથી. છેલ્લે તો માણસે પોતાનું નસીબ પોતાની રીતે જ ઘડવું પડતું હોય છે.
એક યુવાનની આ વાત છે. એ મધ્યમ વર્ગ પરિવારમાં જન્મ્યો હતો. તેની બધી જરૂરિયાતો પૂરી થતી નહોતી. તેને હંમેશાં એવું લાગતું કે, હું અનલકી છું. મારા મિત્રો મજા કરે છે. એની પાસે બાઇક છે અને મારે સાઇકલના પણ ફાંફાં છે. એક વખત એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, ‘ભગવાને મને કેમ આવા ફેમિલીમાં જન્મ આપ્યો? હું કેમ કોઇ કરોડપતિ કે મોટા માણસના ઘરે ન જન્મ્યો? મારા નસીબ જ ખરાબ છે!’ આ વાત સાંભળીને સંતે કહ્યું, ‘તું ક્યાં જન્મ્યો એ તારા નસીબ નથી. એ તો તારા મા-બાપના નસીબ છે. તારું નસીબ તો તું નક્કી કર એ છે. તારા મા-બાપ એવું બોલશે તો કે, તું ક્યાં મારા ઘરે પેદા થયો, તો? સાચી વાત એ છે કે, તું એવો બન કે તારા મા-બાપ અને પરિવારને એવું થાય કે, અમારા નસીબ સારા છે કે ભગવાને અમને આવો દીકરો આપ્યો! તું એટલી મહેનત કર અને એટલો આગળ આવ કે લોકોને એવું થાય કે, નસીબ હોય તો આના જેવું! એક વાત યાદ રાખજે કે ગરીબનું નસીબ ગરીબ હોતું નથી! સુખ અને દુ:ખ ગરીબી કે અમીરી જોઇને આવતા નથી. આપણે જો આપણી જાતને જ ગરીબ કે કમનસીબ ગણી લઇએ તો એમાં વાંક આપણો જ હોય છે.
માણસને ઘણું બધું વારસામાં મળે છે. વારસામાં માત્ર સંપત્તિ જ મળતી નથી. આપણી સાથે જોડાયેલા તમામ અસ્તિત્વને આપણે નિભાવવું પડતું હોય છે. એક યુવાન હતો. એના બે સગા ક્રિમિનલ હતા. તેની પાછળ તેનો ઘણો સમય અને શક્તિ વેડફાતા હતા. એમને જેલમાં ટિફિન પહોંચાડવાથી માંડીને જામીન ઉપર છોડાવવા સુધીની દોડધામ કરવી પડતી હતી. એક વાર તેના મિત્રએ કહ્યું કે, ‘યાર, તારા સગાઓ તો ગજબના છે!’ આ સાંભળીને એ યુવાને કહ્યું કે, ‘એ બધા મને વારસામાં મળ્યા છે. જે વારસામાં મળે છે એનો વિકલ્પ હોતો નથી. જેવા છે એવા ભોગવવા પડતા હોય છે, સ્વીકારવા પડતા હોય છે! મેં એ બધાને સ્વીકારી લીધા છે. જેવા છે એવા મારા છે. મારું ફેમિલી છે. મારાથી જેટલું સારું થઇ શકે એટલું કરું છું, બાકીની ચિંતા કરતો નથી!’
સગા હોય એ બધા વહાલા હોતા નથી. વહાલાઓ બધા સગા હોય એવું જરૂરી નથી. વહાલાઓ માટે એટલે જ કુદરતે આપણને મિત્રોની ચોઇસ આપી છે. આપણને વહાલાઓ પસંદ કરવાની તક હોય છે. આપણે ઘણી વખત આપણી પસંદગીમાં પણ થાપ ખાઇ જતાં હોઇએ છીએ. વહાલા હોય એ વહાલા જ ક્યાં રહેતા હોય છે? સગાઓ તો ઘણા એવા હોય છે જેને જોઇને એવું થાય કે, આના કરતા તો દુશ્મનો સારા! ઘરના પણ ઘાતકી હોઇ શકે છે. એક યુવાને કહ્યું કે, ‘મારા બધા સગાઓ સાવ નક્કામા છે! એકથી એક ચડે એવા નંગ છે! તળપદી ભાષામાં કહીએ તો, ઘસીને ગૂમડે ચોપડવા પણ કામ લાગે એવાય નથી!’ સગાઓ આપણને પસંદગીથી ન મળે, પણ એ બધાં સાથે કેવો અને કેટલો વ્યવહાર રાખવો એ આપણે નક્કી કરી શકીએ છીએ! આપણા સગાઓમાં આપણું વજૂદ ઊભું કરવું એ આપણા હાથની વાત છે.
એક છોકરીની આ વાત છે. એ ગરીબ ઘરમાં જન્મી હતી. એના ફાધર સામાન્ય નોકરી કરતા હતા. ગરીબ અને નબળા હોવાથી પરિવારના બીજા લોકો તેને ઇગ્નોર કરતા હતા. કોઇ ભાવ ન આપે! એ છોકરીએ મનોમન નક્કી કર્યું કે, હું કંઇક બનીને બતાવીશ. એ ખૂબ ભણી, આગળ આવી. સારી જોબ મળી. આખા ઘરને ઊંચું લાવી દીધું! છોકરી આગળ આવી એટલે બધા સગાઓનું વર્તન પણ ફરી ગયું. બધા સારું લગાડવા માંડ્યા. એક વખત છોકરીના પિતાએ તેને કહ્યું કે, ‘બધાને બરાબર યાદ રાખજે હોં, કોઇ આપણી સાથે સરખી રીતે નથી રહ્યું. બધાને બરાબર પાઠ ભણાવજે. હાથમાં આવે ત્યારે મોઢામોઢ સંભળાવી દેજે!’ પિતાની વાત સાંભળીને દીકરીએ કહ્યું, ‘તમારી લાગણી હું સમજી શકું છું. તમારી સાથે જે થયું છે, જે અવગણના કરવામાં આવી છે એનું મને ભાન છે. આમ છતાં હું બધાં સાથે ખરાબ થવાની નથી. હું જો એવું કરું તો મારામાં અને એનામાં ફરક શું રહેવાનો? મારે તો નેક્સ્ટ જનરેશનને એવું શીખવાડવું છે કે, સંબંધો કોઇની સ્થિતિ જોઇને ન રાખો. હેસિયત બદલાતી હોય છે, હેતમાં બદલાવ ન થવો જોઇએ!’
સંબંધો પણ દિલના અને દિમાગના હોય છે. સંબંધો પણ ગમાના અને અણગમાના હોય છે. આપણે સામેવાળા કેવા સંબંધ રાખે છે, એ જોઇને સંબંધ રાખતા થઇ ગયા છીએ. હું કેવો છું, હું કેવી છું, મારી વાત, મારું વર્તન અને મારો વ્યવહાર કેવા છે, એ જોવાની વધુ જરૂર હોય છે. દુનિયાને જોવાની બે રીત હોય છે, એક તો દુનિયાની નજરે દુનિયાને જોવાની અને બીજી આપણી નજરે દુનિયા જોવાની! દુનિયાના માપદંડો જુદા હોય છે. આપણા માપદંડો આપણે નક્કી કરવાના હોય છે. નજર અને દૃષ્ટિમાં એ જ ભેદ છે. જિંદગીનું દૃશ્ય પણ છેલ્લે એવું જ ખડું થાય છે, જેવી આપણી દૃષ્ટિ હોય છે!
છેલ્લો સીન :
જેવા સાથે તેવા થનારા ઘણા હોય છે, પોતાના જેવા થનારા બહુ ઓછા! આપણે કેટલા આપણા જેવા હોઇએ કે રહીએ છીએ? -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 જાન્યુઆરી 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com