જમવાનું એઠું ન મૂકવું
એ એક સંસ્કાર જ છે
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
દુનિયામાં એક તરફ કરોડો લોકો રોજ ભૂખ્યા સૂવે છે અને
બીજી બાજુ એ બધાનું પેટ આરામથી ભરાઇ જાય
એટલું થાળીમાં પડતું મૂકવામાં આવે છે.
તમને કેવી આદત છે?
*****
ચીનમાં એમ્પ્ટી પ્લેટ કેમ્પેઇન શરૂ થઇ છે. તમે માનો છો કે,
એઠું મૂકનારને દંડ થવો જોઇએ? આપણે ત્યાં
એના માટે કાયદો બનવો જોઇએ?
*****
તમે જમતી વખતે થાળીમાં પડતું મૂકો છો? આવો સવાલ કરીએ ત્યારે મોટા ભાગના લોકો કહેશે કે, બિલકુલ નહીં! અમે ખવાય એટલું જ થાળીમાં લઇએ છીએ અને બધું જ પૂરું કરીએ છીએ. આપણે નાના હોઇએ ત્યારે જ મા-બાપ આપણને એવું શીખવે છે કે, થાળીમાં પડતું નહીં મૂકવાનું. એક પરિવારની વાત યાદ આવે છે. તેના ઘરમાં બે નાના બાળકો હતા. જમવા બેસે એ પછી થાળી સાફ કરી નાખે એટલે દાદા બોલે કે, મારી ડાહી દીકરીની થાળી ચોખ્ખી! આપણે ઘરમાં તો બહુ બધું ધ્યાન રાખીએ છીએ પણ બહાર મેરેજમાં, કોઇ ફંકશનમાં કે હોટલમાં જઇએ છીએ ત્યારે ઘણું બધું પડતું મૂકીએ છીએ. મેરેજમાં મોટા ભાગે બૂફેમાં બીજી વખત લેવા જવું ન પડે એ માટે થાળીમાં ઠસોઠસ બધું ભરી લઇએ છીએ. ખૂટતું નથી એટલે છોડી દઇએ છીએ. હોટલમાં પણ પહેલા ઓર્ડર આપી દઇએ છીએ, પછી ખવાય નહીં એટલે છોડી દઇએ છીએ. ઘણા લોકો પેક કરાવી લે છે, ઘરે લઇ જાય છે અથવા તો રોડ પર કોઇ ગરીબ માણસ કે ભીખારીને આપી દે છે. અમુક લોકો એવું પણ વિચારે છે કે, આપણે તો રૂપિયા ચૂકવ્યા છેને? પડી રહ્યું તો ભલેને પડી રહ્યું! સવાલ રૂપિયાનો નથી, સવાલ એનો છે જેને રાતે ભૂખ્યા સૂવું પડે છે અને ભૂખના કારણે ઊંઘ નથી આવતી.
ચીન આજકાલ આપણા દેશ સાથે આડું ચાલે છે. એના કારણે ચીનનું નામ પડે એટલે આપણને ચીડ ચડે છે. જો કે હમણા ચીનમાં એક સારું કામ શરૂ થયું છે. એ છે, એમ્પ્ટી પ્લેટ કેમ્પેન. થાળી ચોખ્ખી રાખવાની ચળવળ. ચીનમાં તો એઠું મૂકનારને દંડ ફટકારવાનો કાયદો પણ બનવાનો છે. એઠું મૂકવાની વાત આવે ત્યારે લોકો જર્મનીનો દાખલો આપે છે. જર્મનીમાં બને ત્યાં સુધી કોઇ કંઇ પડતું મૂકતું નથી. ઘરમાં કે હોટલમાં કંઇ વધે તો એના માટે સંસ્થાઓ કામ કરે છે. જર્મનીમાં એવી મોબાઇલ એપ્લિકેશનો ચાલે છે કે, તમારે ઘરે જમવાનું વધ્યું હોય તો તમે મેસેજ કરી દો એટલે સેવાભાવી લોકો આવીને જમવાનું લઇ જશે અને જરૂરીયાતવાળાઓને પહોંચાડી દેશે. આપણે ત્યાં પણ આવી એપ્લિકેશનો છે પણ તેનો ઉપયોગ મર્યાદિત લોકો જ કરે છે. આપણા દેશમાં પણ ઘણા લોકો હોટલમાંથી વધેલું રાતે લઇ જઇને ઝૂંપડપટ્ટીમાં પહોંચાડે છે. ભોજન સમારોહ પતે પછી વધ્યું હોય એ પણ ઘણા લોકો ગરીબોને આપી આવે છે. જૈનો થાળીમાં કંઇ પડતું નથી મૂકતા ઉપરાંતમાં આજની તારીખે ઘણા જૈન પરિવારો જમીને થાળીમાં પાણી નાખીને પી જાય છે. ઘણા લોકો ઘરમાં જે વધ્યું હોય છે એ કામવાળાઓને આપી દે છે. એના વિશે પણ એવું કહેવામાં આવે છે કે, જે વધે એ બીજા દિવસે એટલે કે વાસી થઇ જાય પછી નહીં આપો, તમે જમી લો એટલે તરત જ આપી દો, જેથી કામવાળાઓને કે ગરીબોને તાજું જમવાનું મળે.
આપણે ત્યાં હળવાશમાં એવું કહેવાય છે કે, ભૂખ્યો હોય એની પાસે જમવાનું કે ભોજન સમારોહનું એસ્ટિમેટ ન કઢાવવું, કારણ કે એ વધુ જ કરી દેશે. એસ્ટિમેટ કાઢતા પહેલા એને પેટ ભરીને જમાડી દો, એટલે એ બરોબર એસ્ટિમેટ કાઢશે. આ વાત પાછળ ભૂખનો મર્મ રહેલો છે. એક બીજી વાત એ પણ છે કે, દુનિયામાં લોકો ભૂખે મરે છે એના કરતા ઓવરઇટિંગથી વધુ મરે છે! એક સંતે કહેલી આ વાત છે કે, તમે જો કંઇ પડતું ન મૂકતા હોય તો તમે સમાજસેવા જ કરો છો. મધર ટેરસા જીવતા હતા ત્યારની એક સાવ સાચી ઘટના છે. મુંબઇની એક સોશ્યલાઇટ તેમને મળવા ગઇ હતી. તેમણે મધરને કહ્યું કે, મારે સેવા કરવી છે, શું કરવું જોઇએ? મધર ટેરેસાએ એવું કહ્યું કે, તમે તો પાર્ટીઓમાં બહુ જાવ છોને? સોશ્યલાઇટે કહ્યું, હા. મધરે કહ્યું, બીજું કંઇ નહીં કરતા, બસ એ પાર્ટીમાં જે ખાવાનું વધ્યું હોયને એ ગરીબો સુધી પહોંચાડવાનું કામ કરશો તો પૂરતું છે. આપણા દેશમાં દરરોજ કરોડો લાખો ભૂખ્યા સૂવે છે. બધાને બે ટંકનું ભોજન નસીબમાં નથી હોતું. આ વર્ષનું શાંતિનું નોબલ પ્રાઇઝ યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવામાં આવ્યું હતું! શા માટે? કારણ કે આ સંસ્થા દુનિયાના દેશોમાં ભૂખ્યા લોકોના પેટ ઠારવાનું કામ કરે છે. તમને ખબર છે, આજની તારીખે દુનિયાના 69 કરોડથી વધુ લોકોને પૂરતું ખાવાનું નથી મળતું! બીજી તરફ દુનિયાના લોકો પોતાની થાળીમાં જે પડતું મૂકે છે એ આ બધા લોકોનું પેટ ભરાઇ જાય એનાથી વધુ છે! કોરોનાના કારણે દુનિયામાં ભૂખમરાનો વધારો થયો છે. કોરોનાના કારણે દુનિયામાં 23.50 કરોડથી વધુ લોકો ગરીબી રેખાની નીચે આવી ગયા છે. યમન, કોંગો, હૈતી, નાઇજેરિયા, સુદાન, યુક્રેન, મોઝામ્બિક, વેનેઝુએલા સહિત અમુક દેશોની હાલત તો કમકમાટી ઉપજાવે એવી છે. ગરીબ લોકો ઉકરડામાંથી કે કચરા પેટીમાંથી જમવાનું શોધી શોધીને પેટ ભરે છે.
આપણા દેશમાં પણ સ્થિતિ કંઇ બહુ વખાણવા જેવી નથી. આપણે ત્યાં રીતસરના બે વર્ગો છે. એક દોમ દોમ સાહ્યબીમાં જીવે છે અને બીજો બટકું રોટલા માટે તડપે છે. વચલો મધ્યમ વર્ગ ગમે તેમ કરીને જમવાનું તો મેનેજ કરી લે છે, જેને ખાવાના ફાંફા છે એ ગરીબોનો કોઇ ભાવ પૂછતું નથી. આપણે ત્યાં ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, માનવતા, કરુણા વિગેરેની વાતો બહુ થાય છે પણ સામા પક્ષે એ પણ હકીકત છે કે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટેલે કે ભૂખ સૂચકાંકમાં આપણા દેશનો નંબર 117 દેશોની યાદીમાં 102મો છે! વેલ, સરવાળે વાત એટલી જ કે, ઘરે જમતા હોવ કે બહાર, કંઇ પડતું ન મૂકતા. થાળીમાં કંઇ એઠું ન મૂકવું એ સંસ્કાર જ છે, એ દેશ સેવા અને સમાજસેવા જ છે!
————————
પેશ-એ-ખિદમત
શોલા-એ-ઇશ્ક બુઝાના ભી નહીં ચાહતા હૈ,
વો મગર ખુદ કો જલાના ભી નહીં ચાહતા હૈ,
ઉસ કો મંજૂર નહીં હૈ મેરી ગુમરાહી ભી,
ઔર મુઝે રાહ પે લાના ભી નહીં ચાહતા હૈ
-ઇરફાન સિદ્દીકી
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 10 જાન્યુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com